ગુજરાતનો જય/૬. મહાપાપનું પ્રાયશ્ચિત્ત

From Ekatra Foundation
Revision as of 07:14, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. મહાપાપનું પ્રાયશ્ચિત્ત|}} {{Poem2Open}} વળતે દિવસે પાટણના શ્રાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬. મહાપાપનું પ્રાયશ્ચિત્ત

વળતે દિવસે પાટણના શ્રાવકો અને બ્રાહ્મણોએ એક આશ્ચર્ય અનુભવ્યું. રાજગુરુ કુમારદેવ બે શિષ્યોને અને ત્રીજા, પોતાના પુત્રને લઈને એક જૈન ઉપાશ્રયને દ્વારે ચડતા હતા. કુમારપાળ અને હેમચંદ્રનો જમાનો સોનેરી સોણલાની જેમ ઊડી ગયો હતો. અને વચગાળાના સમયમાં શૈવો અને શ્રાવકો વચ્ચે અંતર વધી ગયું હતું. રાજા અજયપાળે અને ભીમદેવે આણેલી પાટણની અવદશા માટે જૈનો બ્રાહ્મણોને અને બ્રાહ્મણો જૈનોને અપરાધી ગણી રહ્યા હતા. हस्तिना ताङमयमानोडपि न गच्छेत् जिनमन्दिरमવાળો જમાનો ફરી શરૂ થયો હતો. એકબીજાનાં ધર્મસ્થાનકોમાં કોઈ ડોકાતા પણ ન હતા. તેવા કપરા કાળમાં કટુકેશ્વરપ્રાસાદનો શૈવ પૂજારી રાજપુરોહિત જૈન સાધુના અપાસરામાં કેમ પ્રવેશતો હશે? ઉપાશ્રયની અંદર અને બહાર ટોળું જમા થતું હતું. કમ્મર સુધીના ઉઘાડા દેહ ઉપર ઝૂલતી જનોઈએ અને છાતીને ઢાંકતી શ્વેત દાઢીએ ચાખડી પટપટાવતા વૃદ્ધ બ્રાહ્મણ વિદ્વાન શું કોઈ શાસ્ત્રવાદ પડકારવા મુનિશ્રીહરિભદ્રસૂરિની પાસે જઈ રહ્યા હતા? હરિભદ્રસૂરિ તો માંદગીમાં ઘેરાઈને પડ્યા હતા. પ્રખર શિષ્ય વિજયસેનસૂરિ મરતા ગુરૂની સેવામાં છેલ્લાં પંદરેક વર્ષથી રોકાયા હતા. કુમારદેવને અંદર આવતા દેખી યુવાન શિષ્ય વિજયસેનસૂરિ પણ હેબતાયા અને માંદગીમાં પડેલા વૃદ્ધ હરિભદ્રસૂરિએ પણ ક્ષોભ અનુભવ્યો. કુમારદેવે હાથ જોડીને સૂરિજીને શાતા પૂછી; ત્રણેય બાળકોને આગળ કરીને વંદના કરાવી. શિષ્યોના ને શ્રાવકોના મોટા જૂથ વચ્ચે વીંટળાઈને વૃદ્ધ હરિભદ્રસૂરિ સૂતા હતા. તેમણે અમીભરી દૃષ્ટિથી કુમારદેવને સન્માન્યા અને પાસે આસન બતાવ્યું. “આમને ઓળખ્યા આપે?” કુમારદેવે બે બાળકો દેખાડીને સૂરિજીને પૂછ્યું. બન્ને તરફ સૂરિજીની ઝાંખી આંખો ફરી. અણસાર અને રેખાઓ જૂના કાળની પરિચિત લાગી. એમણે છોકરાઓ પ્રત્યે અકળ એક આકર્ષણ અનુભવ્યું. પણ બોલ્યાઃ “હૈયું હવે ફૂટી ગયું. ક્યાંય જોયા સાંભરતા નથી.” “આપે તો એમને એમના જન્મથી પણ પહેલાં જાણેલા છે, સૂરિજી!” કુમારદેવે ગુજરાતમાં ચલણી બનેલા એક બનાવની યાદ આપી. સૂરિજી કાંઈ સમજી ન શક્યા. “આપના ભાખેલા ભાવિનાં આ બેઉ ફળો છે, રત્નકુક્ષી વિધવાના જાયા” "કુંઅરબાઈના ને આસરાજના? અહો! આવડી બધી વાત ભૂલી જવાઈ!” કહીને સૂરિજીએ ઘડીભર આંખો બીડી. વર્ષો પૂર્વે માલાસણ ગામના અપાસરાનું એક પ્રભાત તરવર્યું. શિષ્ય વ્યાખ્યાન વાંચે છે, અને પોતે પાસે બેઠાબેઠા એ શ્રોતાજનોને મોખરે બેઠેલી એક સુંદર સુકુમાર કુલીન યુવતીનાં સામુદ્રિક ચિહ્નો ઉકેલી ઉકેલી આનંદ પામે છે. વ્યાખ્યાન વીખરાય છે, યુવતી ચાલી જાય છે. પોતાના મન પર પણ પરદો પડી જાય છે, એ પરદો ઉપાડનારો કંગાલ યુવાન શ્રાવક આસરાજ આવી ઊભો રહે છે, ને ત્યાગીનાં નયનોમાં ક્યો વિકાર વ્યાપ્યો હતો તે પૂછે છે. પોતે એને કહે છે, કે એ કન્યાના પેટમાં રત્નો છે. કન્યા વિધવા છે એવું જાણ્યા પછી પણ પોતાના ભાખેલ ભાવિ-બોલને વળગી રહે છે... અને યુવાન આસરાજના અંતરમાં જાગેલા પ્રેમને વધાવી લે છે. એના પુત્રો! આંખો ઉઘાડીને ધારી ધારી નિહાળ્યા. સાધુનું સમત્વ પણ આનંદની લાગણીના ઝંકારે પુલકિત બન્યું. વિજયસેનસૂરિને સમજ ન પડી. એ તો હજુ ચકિત સ્થિતિમાં ઊભા હતા. વેદનાને વેધતા માંદા મુનિનો હાથ માંડમાંડ ધ્રુજતો ને લોડતો, આખા શરીરનું જોર શોષી લેતો ઊંચો થયો. કુમારદેવે એ બેઉ બાળકોનાં માથાં એ સાધુના હાથ નીચે મુકાવ્યાં. હાથ થોડી વાર તેજિગના ને થોડીક વાર વસ્તિગના લલાટ પર, જીવલેણ શ્રમ ઉઠાવતો ઉઠાવતો સ્પર્શ કરી રહ્યો. અને વૃદ્ધ સૂરિની આંખો કોઈ શાસ્ત્ર કે પોથી પર કદી જે મમતા ને આશ્ચર્ય સાથે નહીં ફરી હોય તેવી મમતા ને તેવી તાજુબીથી આ છોકરાઓના ચહેરા પર ફરવા લાગી. "માતાજી ક્યાં છે?” એમણે મુશ્કેલીથી પૂછ્યું, “એક જ વાર એને દીઠી હતી.” "મંડલિકપુર.” “પિતાજી?” “ગુજરી ગયા.” “ગુજરી ગયા? મારે એમને ખમાવવા હતા.” હરિભદ્રસૂરિને યાદ આવ્યાં - આસરાજ અને કુંઅરદેવી પર વીતેલાં વીતકો. “આપ ભણાવો છો? સૂરિએ કુમારદેવને પૂછ્યું. "હું શું ભણાવવાનો હતો?” કુમારદેવની નમ્રતામાં સ્વાભાવિકતાની સુવાસ હતી, “હું તો એમની કેળવણી આપને સોંપવા આવ્યો છું, એ જૈન છે.” "શૈવોના શત્રુઓ!...” માંદા મુનિએ સ્મિત વરસાવ્યું. કુમારદેવ પર એ સ્મિતના ઝગારાએ જીત મેળવી. એ બોલી ન શક્યા. માંદા મુનિની વૃદ્ધ આંખોમાંથી ડબડબ બે આંસુડાં દડીને મોં પરના ખાડામાં વહ્યાં. એની દૃષ્ટિ પોતાના શિષ્ય વિજયસેનસૂરિ તરફ ગઈ. શિષ્ય પોતાના કાન ગુરુના મોં પાસે ધર્યા. “ભણાવવામાં ગુરુ કુમારદેવનો સાથી થજે, વધુ તો કાંઈ શીખવીશ નહીં, ફક્ત એટલું જ બતાવી દેજે કે આ સંસાર અસાર નથી, મહાસારથી ભરપૂર છે.” શિષ્ય વિજયસેને શિર નમાવ્યું કે બાળકો તરફ નજર ફેરવી. ફરી વાર ગુરુએ ઇશારત કરી, ફરી વાર શિષ્ય પોતાના કાન નજીક ધર્યા; ગુરુએ કંઈક કહ્યું કે જે બીજા કોઈએ ન સાંભળ્યું. ફક્ત એટલો શબ્દ સંભળાયો. “ચંદ્રાવતીના ધરણિગ શેઠ – અનોપ – આબુરાજથી પાછા ફરે ત્યારે –” થોડી વાર આખા ઉપાશ્રયની હવામાં પ્રસન્નતાના પરમાણુઓ પ્રસરી રહ્યા અને કોઈના મોંમાંથી વાણી ફૂટી નહીં. સૂતેલા ગુરુને એક સખત ઉધરસ આવી, તે સાથે એના મોંમાં બળખો ભરાયો, એ બળખાને શિષ્ય વિજયસેને જતનથી પોતાની હાથના કપડામાં લૂછી લઈ જરીકે સૂગ વગર ઠેકાણે કર્યો. "આ ત્રીજો બાળક કોણ?” ગુરુએ સોમેશ્વર તરફ મીઠી નજર માંડી. “મારો પુત્ર.” કહીને કુમારદેવે સોમેશ્વરને આગળ કર્યો. ગુરુનો ચેતનહીન હાથ ફરી પાછો ઊંચો થવા સળવળ્યો ને તેમણે સોમેશ્વરની ખુલ્લા દેહ પરની જનોઈને જતનપૂર્વક હાથમાં લઈ પરમ માર્દવથી પંપાળી: “મજબૂત છે હો! ન તૂટે તેવી છે. ત્રણ ત્રાગડાઃ ત્રણ ભેરુબંધો: કેવો સુમેળ! વાહ વાહ! ગુજરાતનો ખળભળતો દેહ – તેની છાતીએ ત્રણેય જણા ત્રાગડારૂપે ગંઠાઈ જઈને - યજ્ઞોપવીતરૂપ બનજો” “સોમ!” પિતાએ કહ્યું, “સંતના આશીર્વાદ સ્વીકાર!” સોમદેવે મસ્તક નમાવ્યું. “મને આજે આપનાં દર્શન થયાં. મોટી કૃપા. ઘણાં કર્મોં ખપ્યાં મારાં.” જૈન ગુરુ કુમારદેવને દૃષ્ટિથી ભેટી રહ્યા. કુમારદેવનો પ્રાણ આ ઉદારતામાં ડૂબી રહ્યો; વાણી ન કાઢી શકાઈ. જૈન ગુરુ શરીરમાંથી ચાલ્યા જતા છેલ્લા ચેતનને થંભાવીને બોલ્યા: “આપણે – હું ને તમે – જોવા નહીં જીવીએ પણ દિનમાન વળે છે આ ભૂમિનાં. ટીંબો ફરી તપશે. ઉદ્યોત થશે. આ ધરતીના કણેકણે પિંડ પોષાયો છે – આત્મા ધરાયો છે. આ તો માતા છે – સાધુઓની ને સંસારીઓની, સર્વની એકસરખી; એને હું અસાર કેમ કહું? અનિત્ય કેમ કહું? ઢેફે ઢેફે મારા પગ ભમી વળ્યા છેઃ દેવપટ્ટણથી આબુરાજ સુધી ભદ્રેશ્વરથી ભૃગુકચ્છ સુધી: મા સરસ્વતીથી મહી અને નર્મદા સુધીઃ ને મેં સાંભળ્યાં છે – માનાં ધેનુ સમાં ભાંભરડાં. વીરોની જનેતાને વાંઝણી બનેલી દીઠી છે. સૌભાગ્યવતીના વિધવાવેશ નિહાળ્યા છે. હરિયાળાં માતૃચીર ચિરાઈને લીરા થયેલાં ભાળ્યાં છે. ક્યાં ગયા જનનીને ઢાંકનાર ક્ષત્રીપુત્રો! છો ગયા! શું થઈ ગયું! વણિકો ને બ્રાહ્મણો ઢાંકશે માની નગ્નતાને.” સૌ મૌન ધરી રહ્યા. સાધુએ ફરી કહ્યું: “સ્વપ્ન લાગે છે? ખેર, વિદાય લેનારાઓને સ્વપ્ન જોવાનો તો લહાવ લેવા દેશોને! સ્વપ્ન! સોનાનું સ્વપ્ન!” “આપને થાક ચડશે.” "હવે ક્યાં ફરીથી આ દેહનો ખપ પડવાનો છે! થાક તો વધુ મીઠી નિદ્રા નિપજાવશે ને!” બોલતે બોલતે એના મોંમાંથી થૂંકના છાંટા ઊડતા હતા, લાળો પડતી હતી, ખાંસી ચડતી હતી. તોય એનું મોં, એનાં નેત્રો મલકાતાં હતાં. "વિજય! બેટા!” એણે શિષ્યને હાથ ઝાલી સલાહ દીધીઃ “તું શું શીખવવાનો હતો આ નવી પ્રજાને! તું શું શાસ્ત્રોના થોકડા ગોખાવીશ? તું શું પૂજા ભણાવીશ? નહીં રે નહીં. ચૌદ દેવલોકની ને બાર વિમાનોની વાતો ન ગોખાવતો, ભાઈ! એવું એવું ભણાવજે કે જેથી જીવવું ને મરવું બેય સરખું મીઠું લાગે. સંપ્રદાયના કીચડમાં અળશિયાં તો પારાવાર ખદબદે છે. વધારો કરીશ મા, વિજય!” શિષ્યનો ચહેરો દેદીપ્યમાન બન્યો. “મને આવી ખબર નહોતી.” કુમારદેવથી બોલી જવાયું. ત્રણેય છોકરાઓ એકીટશે જોતા રહ્યા. "દીવાલો! દીવાલો!” ગુરુએ હાંફતી છાતીએ કહ્યું, “દીવાલો ચણાઈ ગઈ છેને! દીવાલો જ આપણને ભેળા થવા દેતી નથીને.” “મારી તો દીવાલો તૂટી પડી છે આજે.” કુમારદેવે કહ્યું. એના ખુલ્લા શરીર પરની ભરાવદાર રામાવલિ ખડી, થઈ ગઈ હતી. એનાં નેત્રો બે જળાશયો બન્યાં હતાં. "જાણજો, દેવ!” વૃદ્ધ સાધુનો એ છેલ્લો બોલ હતો, "કે મારા જ છોકરા આપને ભળે છે. રાણા લવણપ્રસાદને મારા વતી ધર્મલાભ દેજો. કહેજો કે મળ્યા તો નથી, સાંભળ્યું છે ઘણું ઘણું, મહારુદ્રના એ ભક્તનું કલ્યાણ ભાવતો ભાવતો મરું છું.” તે પછી થોડા દિવસે ગુરુ હરિભદ્રસૂરિના મૃતદેહની સ્મશાનયાત્રા નીકળી ત્યારે એની માંડવીના એક ખૂણે કુમારદેવનો જનોઈધારી ખંભો ટેકવાયો હતો ને એની આંખોમાં અશ્રુધારા હતી. પુત્ર સોમદેવના હાથમાં ઝાલર હતી. પાટણ જાણે એક મહાપાપનું પ્રાયશ્ચિત્ત કરતું હતું.