તુલસી-ક્યારો/૭. જુગલ-જીવન
ભાસ્કરભાઈને તો કંચન જાણે ઘણે દૂર વળાવવા માટે પૂર્ણિમાની વહેલી ઊગેલી ચાંદનીમાં ને ચાંદનીમાં ચાલી ગઈ. પાછળથી વીરસુતે પોતાના ઓરડામાં સૂતે સૂતે સાદ કર્યા : “કંચન! કંચન! ગૌરી! ઓ ગૌરી!” ભદ્રાએ તે વખતે એકલું ધોતિયું ઓઢીને જ રસોડું માંડ્યું હતું. તેવા સ્વરૂપે એણે અંદર ન જતાં બહાર ઊભે ઊભે જ દિયરને જવાબ દીધો : “એ હાલ ઘડી એમને સાકરું છું, હો ભૈ!” “ક્યાં છે?” “અહીં બહાર જ ગયાં હશે, ભૈ! લો જલદી બોલાવી લાવું.” “તમારી પાસે રસોડામાં નથી?” “ન – હા – છે – હતાં – હજુ હમણાં જ – લ્યો, સાકરું, ભૈ!” એવા ગોટા ભદ્રાએ ઝપાટાબંધ વાળી નાખ્યા. “ભાભી, જરા ગરમ પાણી કરીને કોથળી ભરી આપજો તો!” “એ લો, ભૈ, હાલ ઘડી કરી આપું, હો ભૈ! લો, મારી દેરાણીનેય સાકરી લાવું છું, હો ભૈ! વાર નહીં કરું, હો ભૈ!” ભદ્રાએ જલદી જલદી બહાર જઈને આઘે નજર નાખી, પણ દેરાણી દીઠામાં આવી નહીં. છતાં એણે ધીરા સાદ દીધા : “ઓ કંચનગૌરી!” વળી પોતે રસોડા તરફ દોડી ગઈ ને ઊકળતી ખીચડી એકદમ ઉતારી એણે પાણીની તપેલી મૂકી દીધી. પણ રબરની કોથળી ક્યાં હશે! કંચનગૌરી તો હજુ આવતાં નથી. દેરને પૂછીશ તો પાછા પૂછશે કે, કંચનગૌરી ક્યાં ગયાં? આવી મૂંઝવણમાં પડેલી એ બે-ત્રણ વાર દરવાજા સુધી જઈ આવી. કંચન પાછી આવી ત્યારે ભદ્રા પરભારી એને રસોડે લઈ ગઈ ને ત્યાંથી પાણીની તપેલી એના જ હાથમાં પકડાવી કહ્યું : “જાવ, બાપુ, જલદી શેકની કોથળી મારા દેરને આપો. એને કશીક પીડા થતી લાગે છે. એ કણકણે છે. એને કહેજો, હો, કે, હું ના’વા બેસી ગઈ’તી. તમે બહાર ગયાં’તાં ઈમ ના કે’તાં, હો ભૈશાબ! મારી શોગાન!” જેઠાણીનો કશો વાંક થયો લાગે છે, ને મારે હાથે એ વાંક ઢંકાવવા માગે છે, એવા પ્રકારની માન્યતા લઈને કંચન ગરમ પાણી ઉપાડીને ચાલી. એ અંદર દાખલ થઈ ત્યારે વીરસુત પડખું ફેરવી જઈને પેટ દબાવી રાખી સૂતો હતો. કંચને કોથળી ઉતારી, ભરી, પછી પલંગે જઈ કહ્યું : “લ્યો જોઉં, આ તરફ ફરો જોઉં! ક્યાં મૂકું? એકાએક પાછું શાથી દુખવા આવ્યું?” મૂકતાં મૂકતાં કોથળીનું ગરમ પાણી વીરસુતના શરીર પર ઢોળાયું. એણે ‘અરરર...’ એવો સિસકારો કર્યો. શું થયું તે ન સમજતી કંચન પણ ચમકી ઊઠી. “ઢાંકણું તો બરાબર બંધ કરવું’તું!” વીરસુતથી વેદનાના માર્યા આટલું બોલાઈ ગયું. “પણ મને શી ખબર!” એટલું બોલતાં બોલતાં કંચન રડું રડું થઈ પડી. “મેં તો બરાબર બંધ કર્યું હતું!” “તો પછી કોણે – મેં ઉઘાડી નાખ્યું?” વીરસુત મોટે અવાજે બોલી ઊઠ્યો : “તારે તો જવાબ જ આપી દેવો સહેલ છે!” “લ્યો ત્યારે મૂંગી મરી રહું! અભાગ્ય છે મારી!” કોથળી તો વીરસુતે જ પેટ પર ગોઠવી દીધી. દસેક મિનિટે એની આંખ મળી ગઈ પછી એ જાગ્યો ત્યારે કંચન ડ્રેસિંગ ટેબલ પર જઈ અરીસા સામે બેઠી બેઠી રડવું રોકવાનો પ્રયત્ન કરતી હોય એવો ભાસ વીરસુતને થયો. ખરી રીતે તો એ રડવાનો પ્રયત્ન કરતી હતી. વીરસુતે તરત એને બોલાવી : “આંહીં આવ, ગાંડી!” જવાબમાં ડૂસકું સંભળાયું. “મારા સમ – જો ન આવે તો.” “સમ શા માટે દો છો? તમે મને ક્યાં વહાલા છો?” રડતાં રડતાં કંચને આ જવાબ વાળ્યો. “એવું તે હું કદી માનું? આંહીં આવને, બાપુ! ભલી થઈને આવને! જે બોલી જવાયું તે ભૂલી જા ને! જો, મને દુખાવો પણ ઓછો થવા લાગ્યો છે. આંહીં આવીને તું હાથ ફેરવે તો હમણાં જ મને મટી જાય.” કંચને આંસુ લૂછ્યાં. વીરસુતે એને પલંગ પર પોતાની નજીક બેસાડીને પંપાળતે પંપાળતે કહ્યું : “હું શું એટલો બધો અબુધ છું કે તને મારા માટે કેટલો પ્રેમ છે તે પણ ન સમજી શકું? તું મારે માટે કેટલું કેટલું કરે છે તે હું શું નથી જાણતો? મારે ભાસ્કરભાઈનો ઠપકો સાંભળવો પડ્યો!” “તમને તો પાછા એમ જ લાગવાનું કે આ બધું ભાસ્કરભાઈને મેં જ કહી દીધું હશે.” કંચનનું ગળું હજી ગદ્ગદિત હતું. “મને એવું કશું જ નથી – તારા સોગંદ ખાઈને કહું છું!” “ચાલો, છોડો હવે એ વાત. દુખવું બંધ પડી ગયું ને?” “હવે તો કેમ ન પડે? તું મારા પ્રત્યે રાજી હોય તો દુખાવો ટકે નહીં. કોથળીના શેકે એ થોડો મટે છે? એ તો મટ્યો તારા સ્નેહની વરાળે!” “હાય મા! હું તો ફાળ ખાઈ ગઈ હતી!” “કેમ?” “આપણે ભાસ્કરભાઈની જોડે પેલા પૂર્ણિમા-ઉત્સવમાં જવાનું છે – એ રઝળી પડત ને?” “ઓ...હો! એ તો હું સાવ ભૂલી જ ગયેલો! શું આપણે જવું જ પડશે?” “હા, મેં તો બધું નક્કી કરી નાખેલું છે. હમણાંય પાછા ભાસ્કરભાઈ સાથે પાકું કર્યું. તેઓ બધાં તો આપણી વાટ પણ જોવાનાં છે.” “તેં મને પૂછ્યુંયે નહીં, ભલાં!” “પરમ દિવસે જ નક્કી કરેલું ને!” “અત્યારે મને પેટમાં દુખતું સહેજ નરમ છે. ત્યાં જઈને વધી પડશે તો?” “તો આપણે રસ્તામાં ડૉક્ટરને ત્યાં થતાં જઈએ. તમે એક ડોઝ પી લો. બીજા બે ડોઝ સાથે રાખીએ. ને ગરમ પાણીની કોથળી પણ હું સાથે લઈ લઉં છું.” આ બધું કંચન છેક સ્વાભાવિક રીતે બોલી ગઈ. પોતે જે બોલી તેનો શબ્દેશબ્દ એ સાચો જ માનતી હતી. પતિના પેટનો દુખાવો એ સત્ય વાત હતી : મિત્રોમાં જમવા જવું એ પણ એટલી જ સત્ય વાત હતી : પેટના દુખાવા માટે ‘ડોઝ’ લેવાનો હજુ વખત છે એ પણ સત્ય વાત હતી : ન જઈએ તો કેટલાં બધાં માણસો નિરાશ થાય એ પણ સત્ય હતું. “એ બધી માથાકૂટ કરવા કરતાં મને તો એમ થાય છે, કંચન, કે તું એકલી જ ન જઈ આવે?” “તો પછી એમ જ કહો ને, કે તમને મારી સાથે આવવું આજે ગમતું નથી?” એમ કહીને કંચન પોતે કપડાં-ઘરેણાં પહેરવા માટે જે કબાટ ઉઘાડી રહી હતી તે પાછો બીડવા લાગી. “નહીં, નહીં; તને એમ લાગતું હોય તો ચાલ, હું દુખતે પેટે પણ આવીશ.” “મટી ગયું કહો છો, ને પાછા કહો છો કે દુખતે પેટે આવીશ! કેટલું જુદું જુદું બોલો છો તમે પણ!” “ચાલ, એ પણ નહીં બોલું; હવે તું ભલી થઈને કપડાં પહેરી લે.” તે પછી અરધાક કલાક સુધીની ઝીણી ઝીણી ફૂલખરણી એ ઓરડામાં જલતી જ રહી... પ્રત્યેક નાનીમોટી વાત પર બેઉ જણાં વચ્ચે વાદાવાદી ચાલતી હતી. થોડી થોડી ઉગ્રતા અને સામસામાં ‘અલ્ટિમેટમ’. પછી પાછા ‘વહાલી...’ ‘વહાલા...’ ‘દુ:ખ લાગી ગયું?’ ‘હવે નહીં લગાડું’ – એવા ફૂલદડા-શા ઉદ્ગારો ગૂંથાયે જતા હતા. રસોડામાં એક નાનકડી તપેલીમાં ખીચડી રાંધતી બેઠેલી ભદ્રાએ આવું જુગલ-જીવન અગાઉ કદી જોયું કે સાંભળ્યું નહોતું. અગાઉ પોતે જ્યારે આવેલી ત્યારે આ ધમરોળ અદીઠા હતા અને આ ભાસ્કર અહીં નહોતો. ત્યારે આવી નવી નવાઈ શાથી થઈ? ચૂલે બેઠી બેઠી એ કાનની સરવાણીઓ આ દેર-દેરાણીના ઓરડા સાથે જ જોડી રહી હતી ને એનું મન પોતાની જાણે જ બોલતું હતું કે, ‘માડી રે! આ કરતાં તો ધણી-ધણિયાણી વચ્ચે મોટા ધડાકા બોલી જાય એ શું ખોટું! તેનું દુ:ખ આ ઝીણી ઝીણી ખાખાવીંખી કરતાં તો ઓછું, હો બૈ! આ રોજનું તો નહીં હોય ને!’ “કાં ભાભીજી?” એમ બોલતી કંચન રસોડા તરફ આવતી હતી, ત્યારે તેનો સ્વર એકદમ બદલી જઈ મધુરી ઘંટડી જેવો બન્યો હતો. એ રસોડે પહોંચે તે પૂર્વે તો એનાં વસ્ત્રોની અત્તર-સુગંધ ને એની વેણીનો પુષ્પ-પરિમલ ભદ્રા પાસે પહોંચી ગયો. પુષ્પો અને અત્તરોએ ભદ્રાના કાનમાં ઉન્માદ મચાવી દીધો, ને એક પલમાં તો કંચન ત્યાં આવી ઊભી રહી ત્યારે ભદ્રાને સંભ્રમ થયો. વિસ્મય લાધ્યું, અહોભાવ ઊપજ્યો : અહોહો! આ તો સ્વરૂપની પૂતળી! આ તો આનંદની નિર્ઝરિણી! આ ખરડાયેલા ગાલ કેવા લીસાલપટ ને ગોરા ગોરા થઈ ગયા! આ કપડાંની છટા : આ ચોટલાનો ચાબુક : આ લળક લળક હીરા ને મોતી : આ ભરત ભરેલી પગની ચંપલ! “વાહ ભૈ વાહ! વાહ રે, બૈ!” એમ એ બોલી ઊઠી, એટલું જ નહીં, પણ એણે તો કંચનના હાથના પંજા પોતાના પંજામાં લેવા હાથ લંબાવ્યા. “ત્યારે, ભાભીજી, અમે જઈએ?” કંચન દૂર હટી જઈને ચાલતી ચાલતી કહેવા લાગી. આ તો જોઈ મૂઈ! મને આ સોત થઈને ત્રીજી વાર ભર્યે મોંએ ‘ભાભીજી’ કહી બોલાવી : આમ જોઈ મૂઈ! આ મારી જોડે કેવી વહાલભરી હસે છે! ને પાછી મને મોટેરી કરે છે : રજા માગે છે કે, ‘જઈએ?’ વાહ રે વાહ! એવી હર્ષોર્મિના કટોરા પર કટોરા પીતી ભદ્રાએ ઊભાં થઈને કંચનના માથા પર હાથ પસવારતે કહ્યું : “જાવ, માડી, ખુશીથી જાવ! એ...ય તમતમારે રંગેચંગે જમીકરીને, હરીફરીને આવજો! આજ પૂનમ છે, એટલે ઉતાવળાં થઈને ઘેર ન આવતાં રે’જો : મારી કશી ચિંતા ન કરજો. હું કાંઈ મે’માન થોડી છું, બૈ! જાવ. એઈને ઈશ્વર વાસુદેવ તમારું જોડું સદા સુખી રાખે ને ઘરડાં-બુઢ્ઢાં થાવ, માડી! જાવ.”