વેરાનમાં/હું કોણ છું?

From Ekatra Wiki
Revision as of 12:56, 31 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


હું કોણ છું?


[૧]
"aa કોણ છે?” સભાગૃહમાં શોર ઉઠ્યો.

“મહારાણીજીના સ્વામી સરકારને પંદર લાખનું વાર્ષિક સાલીઆણું આપવાની ના પાડનાર આ આદમી કોણ છે?” “આટલી બધી ધૃષ્ટતા! આ કપાએલા હોઠવાળો, કુબડો, અસભ્ય જંગલી સભાસદ કોણ છે?” ઉમરાવોનું સભાગૃહ ગણગણી ઊઠ્યું. ઉમરાવે એકબીજાને ઈસારા કરી, ભવાં ચડાવી, એ વિરોધ કરનાર અકેલા નવા ઉમરાવની સામે ડોળા તાણી રહ્યા. દેશની તવારીખમાં કદી ન બનેલું આજ બન્યું છે. રાજનિષ્ઠ ઠકરાતોનો એક ઠાકોર જ ઊઠીને મહારાણીજીના સ્વામી સરકારનું સાલીઆણું નાકબુલે છે! આશરે બે સૈકા પૂર્વેનો એક દિવસ હતો. અંગ્રેજ પ્રજા ઉપર એક મહારાણીનું શાસન હતું. એના પતિદેવને અપાતું સાલીઆાણું ઓછું પડતું હતું. ઉમરાવોની સભામાં એ સાલીઆણાની રકમ પંદર લાખ રૂપિયાની ઠેરાવવાને પ્રસ્તાવ પેશ થયો હતો. એક પછી એક ઉમરાવો ખડા થઈ થઈ ‘મંજુર' ‘મંજુર' શબ્દ ઉચ્ચાર્યો હતો. એક જ ઉમરાવ — નવીન જ આવ્યો છે આજે — એને કોણ જાણે શું સૂઝ્યું : એણે કહ્યું કે ‘નામંજુર.' આવો શબ્દ સાંભળવાની આ પ્રતિનિધિ સભાને ટેવ નહોતી. “કોણ છે આ? એને કોણ લઈ આવ્યું છે અહીં? નિકાલો અહીંથી.” હોઠ વગરને ‘હસતો’ આદમી ઊભો જ રહ્યો. ગઈ કાલે એ સર્કસનો બજાણીઓ હતો. આજે એ ઉમરાવ બન્યો છે. એક જુની અને માતબર ઠકરાતનો એ ગૂમ થએલો વારસ બાળ ગઈ કાલે હાથ લાગેલો છે. છારાંઓ ના હાથમાં પડેલું એ બાલક — એના હોઠ પર છારાં લોકોની છુરી ચાલી હતી. એ છુરીએ એના મોં પર સદાનું હાસ્ય ચોડ્યું. એ અનંત હાસ્યને દેખી લાખો ગામડિયાં હસતાં ને પૈસો પૈસો દેતાં. "હસતો માનવી" એનું હુલામણું નામ પડ્યું હતું. ‘હસતો માનવી' એ હાસ્ય તળે અનંત રૂદનને ઢાંકી બજાણીઓ બન્યો હતો. આજે નવી રાજખટપટે એને પાછો ઠાકોરપદે સ્થાપ્યો છે. આજે પહેલી જ બેઠકમાં એણે ઉમરાવગૃહની તવારીખને એબ લગાડનારું વતન કર્યું છે. “કોણ છે તું?” સભાપતિએ ભ્રુકૂટી ચડાવી: “ક્યાંથી આવે છે તું? ” એણે જવાબ દીધો: “હું આવું છું ઉંડાણમાંથી: નીચલા થરમાંથી: ધૂળની અંદરથી.” પછી એણે અદબ વાળી, સભાસદોની સામે નજર ચોડી કહ્યું: “હું કોણ છું? હું કંગાલીઅત છું, હું હાડપીંજર છું. તમને ભાગ્યવંતોને હું બે શબ્દો કહેવા આવ્યો છું. સાંભળો.”