વેરાનમાં/દીકરાની મા
કોણ જાણે શાથી, મારો એ કોલેજ્યન પ્રિયતમ કંટાળ્યો. એણે ઓરડીમાં બત્તી કરી. મને કહ્યું: “હવે તું જલદી અહીંથી નીકળી જા. મારો સાથી આવી જશે. લે, હું તને પાછલે બારણેથી પસાર કરી દઉં. કોઈ કદાચ દેખે!” કોલેજના છાત્રાલયની એની ઓરડીમાંથી લૂગડાં સંકેરતી હું ચૂપચાપ બહાર નીકળી ગઈ. ચાર મહિના ગયા. એ અલોપ થયો હતો. મારા દેહમાં કંઈક પલટો દેખાતો હતો. હું સમજી ગઈ. મુંઝાઈ શહેરની પ્રત્યેક આાંખ, ઝાડનું એકોએક પાંદ, મકાનોને હરએક પથ્થર મારી સામે તાકતાં હતાં. મને મા સાંભરી. મારી મા મને નક્કી સંધરશે: હું મારે ગામ ચાલી.
“શું થયું છે? ચુપ કેમ બની ગઈ? બહાર બેસવા ઊઠવા કાં નથી જતી દીકરી?" “મા!…મા!” માને ખોળે ઢળીને મેં કહ્યું: “મારા પેટમાં…બાળક છે.” મા સળવળી. મને ખોળામાંથી ઉતારી ચાલી ગઈ. બીજા એરડામાંથી સંભળાવ્યું: “તને ફાવે તે કરજે બાઈ! પણ ખબરદાર અહીં મારી નજરે ન કરતી તારું…”
મને સાંભર્યું : માએ નાનાભાઈને પણ એકવાર એમજ કહેલું: બાવળી કુતરી વીંઆઈ તે દા’ડેઃ નાનોભાઈ મા કને દોડ્યો’તો “મા! મા! બાવળીને છ કુરકુરિયાં આવ્યાં છે મા! શેરો કરી દે.” “ખબરદાર!” માએ કહેલું: “તારાં કુરકુરિયાનું તને ફાવે તે કરજે. મારી નજરથી વેગળાં રાખજે, નીકર…” નાનો ભાઈ બાવળી કને ગયેલો. છ કુરકુરિયાંને ઢાંકીને બાવળી બેઠી’તી. બાવળીની આંખોમાં આજીજી હતી: નાનાભાઈ બહુ ભૂખી છું હો! નાનાભાઈએ છ કરકુરિયાંને ઉપાડ્યાં, એક કોથળામાં ભર્યાં. તળાવે ગયો, કોથળો પાણીમાં પધરાવ્યો. ઊભો ઊભો રડ્યો’તો. મને એ સાંભર્યું – હું માની વાત સમજી.