વેવિશાળ/પરોણો આવ્યો

From Ekatra Wiki
Revision as of 09:29, 3 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરોણો આવ્યો|}} {{Poem2Open}} રાત પડીને મોટર માળા નીચે ઊભી રહી ને થડક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરોણો આવ્યો

રાત પડીને મોટર માળા નીચે ઊભી રહી ને થડકારા કરવા લાગી, ત્યારે સુશીલાના હ્ય્દયમાં પણ એવા જ થડકારા થયા. એણે બાપુજીના દાદર પરનાં પગલાં પણ કાન માંડી ગણ્યાં. બ્લૉકનું કમાડ ઊઘડ્યું અને બૂટ નીકળ્યા. ત્યાર પછી પા કલાક સુધી બાપુજી સિંહગર્જનાઓ કરતા કરતા અંદર ન ધસી આવ્યા, એટલે સુશીલા નિરાંત પામી. પોતે બાની સાથે રસોડામાં હતી. કોઈક મહેમાન હતું? કોણ હતું? સુશીલાને કોઈએ ઓળખાણ ન આપી. બા અને ભાભુ છાનાંમાનાં કશું મિષ્ટાન રાંધવાની વાતો કરતાં હતાં. જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના જ ખંડમાં રહેતી, તે બ્લૉકના બીજે છેડે ગોઠવવામાં આવી. અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળબદલો નહોતો થતો, તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું. સુશીલાએ પૂછપરછ કરતાં ઘાટીએ જાણ કરી કે કોઈ ગામડિયો ડોસો મહેમાન છે. `બગુન તો પા, બાઈ, હે જૂતે!' એમ કહીને મશ્કરી કરતા ઘાટીએ સુશીલાને ત્યાં પડેલા મહેમાનના જોડા પછાડીને દેખાડ્યા. જોડા ઓખાઈ હતા. જીર્ણ છતાં તાજા તેલ પાયેલા હોવાથી તેના પર ધૂળ ચડી ગઈ હતી. એવડા તોતિંગ જોડા સુશીલાએ કોઈ દિવસ જોયા નહોતા. એવા જૂતા પહેરનાર ગામડિયા મહેમાનને માટે ભાભુ અને બા કંસાર રાંધવા કેમ બેસી ગયાં હશે? બાપુજી જોડે એ ખાનગી ઓરડામાં પેસીને શી વાત કરતો હશે? સૌનાં મોઢાં પરથી તો મહેમાન કાંઈક અણગમતો અને અનાદરને પાત્ર માનવી લાગે છે. છાનાંમાનાં સુશીલાએ જમવા ઊઠેલા અતિથિની ચેષ્ટા નિહાળી. એના માથા પર એક ચોટી સિવાય બધું મુંડન જ હતું, ને હજામત વધેલી હોઈ મુંડન ઝગારા નહોતું કરતું. એણે પહેરણ પણ ઉતારી નાખ્યું હતું. ખુલ્લા દેહની કાઠી પાતળી હતી. ખૂબ દુ:ખ સહન કરનાર ભાસે એવો એ દેહ ક્ષીણ છતાં કઠણ, અને ત્રાંબાવરણો છતાં સ્વચ્છ હતો. નાહવાની ઓરડીમાં નળ વહેતો હતો, પુષ્કળ પાણી હતું, છતાં પરોણાએ સાચવીને હાથ-પગ-મોં ધોયાં અને પાસે મૂકેલા ચોખ્ખા નેપ્કિનને મેલો કરવાની બીકે હો, કે પછી બીજા કોઈ કારણે, એણે પોતાના પહેરલ જાડા ધોતિયા વડે જ હાથપગ ને મોં લૂછ્યાં. પછી એ પાટલા પર બેસવાને બદલે પાટલા ઉપર થાળી રાખીને, `હે રામ!' કહીને નીચે બેઠો. સામે મોટા શેઠે બેઠક લીધી. ગામડિયો જ્યારે ખાવા લાગ્યો ત્યારે એની ચીવટ નજરે પડી. એણે વધુ લાગ્યો તેટલો કંસાર કાઢી નાખ્યો. એની ખાવાની રીતમાં સંસ્કાર હતો. પહેલું તો એ ઉતાવળ કરીને નહોતો જમતો અને જોઈએ તેટલું માગી લેતો હતો. ઘીમાં એણે કંસાર ચોળ્યો ત્યારે બીજા ઓરડામાંથી સુશીલાએ બારીક નજરે રસભેર જોયા કર્યું. એણે ધીરજથી કંસાર અને ઘી સારી પેઠે મસળ્યાં : મસળીને થાળીની એક બાજુ દાબો કર્યો : આખી થાળી સ્વચ્છ બની, ઘી આંહીંતહીં રેલાયેલું ન રહ્યું. અથાણું પણ એટલી જુક્તિ અને જાળવણી રાખીને લીધું કે તેલનું ટીપું પણ આડેઅવળે ન રેલાયું. સુશીલા સાંભળે છે તેની કોઈને જાણ નહોતી. મોટા શેઠે પોતાનાં પત્નીને બહાર બોલાવ્યાં. એમણે બહાર આવીને આ પરોણાને આદરમાનના શબ્દો કહ્યા. જમતા પરોણાએ પણ વિનય દેખાડ્યો, અને `ઘર આગળ તબિયત કેમ છે?' વગેરે પુછાતા પ્રશ્નોના ઉત્તરોમાં કહ્યું : `હા, ઘરડાંને પુન્યે ને તમ જેવાં સગાંની આશિષે સારું ચાલે છે. તબિયત તો હવે લથડી ગઈ, પણ મન ભારી સમતામાં રહ્યું છે. કોઈ વાતની વળગણ નહીં, કોઈ વલોપાત નહીં, વિચાર-વાયુ ન મળે; છોકરાંઓ સાથે હસીને જ વાત કરે, ને જ્યારે પીડા સહેવાય નહીં ત્યારે મને ફક્ત `ચત્તારિ મંગળમ્'* સંભળાવવાનું કહે.' સુશીલાને ગમ પડી : આ મહેમાન થોરવાડથી આવેલા સુખલાલના પિતા જ લાગે છે. ઘણાં વર્ષો પહેલાં, નાની દસેક વર્ષની હતી ત્યારે, જોયેલા તેની અણસાર યાદદાસ્તમાં અંકાવા લાગી. કોની વાત ચાલતી હતી? સુખલાલની બીમાર માતાની. સુશીલાની કલ્પનાની દુનિયા સળવળી ઊઠી : એક ગામડિયું ઘર છે, એના ઓરડામાં એક સ્ત્રી — દવાને નહીં અડકનારી, દાકતરી સારવાર વગરની — ધર્મના માંગલ્યપાઠને પોતાની અસહ્ય વેદનાનું ઔષધ કરી શાતા મેળવી રહી છે. `રાંધવે-ચીંધવે બહુ દુ:ખી થતા હશો.' મોટાં શેઠાણી ત્યાં ઊભાં ઊભાં વધુ રસ લેવા લાગ્યાં. `ના બાપા, બહુ તો વપત નથી રહી,' પરોણાએ સ્વાભાવિક અવાજે જ જવાબ દીધો, `દીકરી બાર વરસની થઈ ગઈ, ને નાનેરો દીકરો સાત વરસનો — બેય મળીને રાંધી નાખે છે. પાંચ મહેમાનેય સાચવી લે છે છોકરાં.' જમતાં જમતાં ચાલેલા આ વાર્તાલાપમાં મોટા શેઠે લેશમાત્ર ભાગ લીધો નહીં. એણે તો વારંવાર ઠરી જતા શાકનો વાટકો એકાદબે વાર પછાડીને ગરમ શાક માગ્યા કર્યું. એમને મરીનો ભૂકો જોઈતો હતો, ત્યારે કહ્યું : `રામો ક્યાં મરી ગયો?' વાળુ કર્યા પછી પરોણાને સુખલાલ પાસે ઇસ્પિતાલે સૂવા જવું હતું. દીકરાની માંદગીના ઊડતા ખબર સાંભળી દોડી આવેલો આ પિતા સુશીલાના ચાલી આવ્યા પછી દવાખાને સુખલાલને જોઈ આવેલો, પણ સુખલાલે એને કશી જ વાત નહોતી કરી. એણે બંડી પહેરીને માથા પર પાઘડી મૂકી. `પાંચ મિનિટ બેસો, હમણાં મોટર મૂકવા આવે છે,' એમ કહીને રોકેલા પરોણાને મોટા શેઠે ફરી પાછો એની એ જ વાતોમાં ઘસડ્યો. `શું ધાર્યું?' `હમણે થોડુંક જાળવી જાવ.' `થોડુંક એટલે કેટલુંક?' `એ તો હું કેમ કહી શકું, શેઠ? પણ નીકર ઈ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જશે એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાશે; માટે હું હાથ જોડીને વીનવું છું કે થોડુંક જ જાળવી જાવ.' મોટા શેઠ તુચ્છકારથી હસ્યા. `હવે એ ઝાઝું નહીં જીવે, શેઠ!' પોતાની પત્ની વિશે આવું બોલતો ગામડિયો પતિ દિલને વધુ ને વધુ કઠોર બનાવી રહ્યો હતો. `એનું કાંઈ ધાર્યું રે' છે, ભાઈ? ને હવે અમારો કાંઈ વાંક છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી, હવે ઝેર થોડું દેવાશે?' પરોણો પોતાના શરીર પર મોટા પ્રહારો અનુભવતો છતાં અબોલ રહ્યો. તેના મૌનને નબળાઈનું ચિહ્ન ગણનારા મોટા શેઠે કહ્યું : `જુઓ જાણે, સાંભળો, આપણે આપણી મેળે જ સમજી જાયેં. તો આ લો બે હજાર રોકડા. ચાય ત્યાં દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદ્ગતિ કરો. બાકી જો જિકર જ કરવી હોય, અમને દબાવવા જ હોય, અમારી ભલાઈનો કસ જ કાઢવો હોય, તો પછી હું લઉં નાતનું શરણું. નાત આ વેવિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશો નહીં હો, શેઠ! મારી પાસે તો દાકતરનાં સર્ટિફિકેટો છે, કે છોકરો પરણવા માટે નાલાયક છે.' સુખલાલનો પિતા મોટા શેઠની સામો ને સામો સડક થઈ રહ્યો.