વેવિશાળ/બોલ્યુંચાલ્યું માફ કરજો

From Ekatra Wiki
Revision as of 10:38, 3 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બોલ્યુંચાલ્યું માફ કરજો|}} {{Poem2Open}} નાહવાની ઓરડીમાં લૂગડાં ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બોલ્યુંચાલ્યું માફ કરજો

નાહવાની ઓરડીમાં લૂગડાં ચોળતાં ચોળતાં સારી વાર થયે એકાએક મોટા બાપુજીના ખંડમાંથી એમના શબ્દો સંભળાયા : `બસ, બાપા! મારો ને તમારો બેયનો લોહીઉકાળો પૂરો થયો. બાકી તો આપણે ભાઇયું જ છીએ, હો શેઠ! સંબંધ કાંઈ બગડી નથી ગયો.' જાણે કે એ કંઠ જ મોટા શેઠનો નહીં! કરડાઈની એક કણી ન મળે! શું થયું? આટલી બધી ચુપકીદી પછી આ સંતોષના શબ્દો કેમ નીકળ્યા? મોટા બાપુજીની ને સસરાની વચ્ચે કાંઈ મૂગું કામ થઈ રહ્યું હતું? મોટા બાપુજીના મીઠા બોલ પૂરા થયા બાદ એકાએક બેઠકમાંથી એ રુદન-સ્વર કોનો સંભળાયો? એ ઠૂઠવો કોણે મૂક્યો? સસરા રડ્યા? હા, જુઓને, મોટા બાપુજીના કંઠમાંથી ફરી પાછો મીઠો બોલ સંભળાય છે : `એ તો તમારી દીકરી જ છે એમ માનવું, બાપા!' ફરી રડતા સસરા શું કહે છે આ? — `જરૂર, હો શેઠ! તમારે પગે લાગીને માગી લઉં છું : જરૂર મને એનાં લગન વખતે કાગળ બીડજો, હો! બીજું મારું ગજું નથી; એક શ્રીફળ લઈને આવી પોગીશ.' `ખુશીથી ખુશીથી! તમારે ને મારે ક્યાં જુદાઈ છે?' એ સ્વરો પાછા મોટા બાપુજીના મોંમાંથી નીકળ્યા; વિશેષ કશુંક બોલ્યા : `ને સુખલાલનેય ધંધે ચડવા માટે હજાર બે હજાર હું કાઢી દઉં. એમાં શી મામલત છે?' તેનો જવાબ હજુય ગળગળા સ્વરે સસરા દેતા હતા : `ખુશીથી, શેઠ; જોવે તો મારું ઘર જ છે, માગી લઈશ. પણ ઓલી દયા કરજો! દીકરીને પરણાવો ત્યારે મને સમાચાર —' ભાભુની નજર સાબુ ચોળાતાં ફીણના જે સપ્તરંગી બુદ્બુદો રચાતા હતા તે તરફ હતી. સુશીલાએ એકાએક ભાભુને ગાભરા સ્વરે પૂછ્યું : `આ શું, ભાભુ?' ભાભુએ પૂછ્યું : `શું?' સુશીલાને સમજ પડી કે ભાભુ બેધ્યાન હતાં. બેઠકમાં ચાલેલા વાર્તાલાપમાંથી પોતે તારવેલા કાળ-ભણકારાને એ વ્યક્ત ન કરી શકી. પોતે એ બધો વાર્તાલાપ કંઈક અસ્પષ્ટ સાંભળેલો. તે અરસામાં તો બેઠકના ખંડમાંથી સ્વરો અને પગધબકારા સાથે આવતા સંભળાયા. ભાભુ એકદમ ઊભાં થઈને કપડાં સંકોડી નાહવાની ઓરડીની બહાર જઈ ઊભાં રહ્યાં. સુશીલા અંદર જ રહ્યે રહ્યે સસરાનું મોં જોઈ શકી. એ મોં તાજું જ ધોયેલું લાગ્યું. એની આંખો જાણે કોઈકને શોધતી હતી. એના પગ પોતાના ઘણા લાંબા કાળનાં દોસ્તદાર પગરખાંને પણ જાણે કે ઓળખી ન શકવાથી વેવાઈના બૂટમાં પેસવા પ્રયત્ન કરતા હતા. `કેમ, મામા?' ભાભુએ વેવાઈને કહ્યું, `કેમ જોડા પે'રો છો?' `રજા લઉં છું, બે'ન!' વેવાઈએ બે હાથ જોડ્યા ને કહ્યું, `બોલ્યુંચાલ્યું માફ કરજો.' `અરે, પણ એમ તે જવાતું હશે?' પતિ તરફ સહેજ જતી-આવતી લાજ રાખેલી તે ખેસવીને એણે જાણે કે પતિની આંખોની અંદરની લાલ-લીલી ઝંડી જોઈ લીધી. ઝંડી લીલી લાગી, એટલે વેવાઈને કહ્યું : `જમ્યા વગર જવાય નહીં, ક્યારનું સુશીલાએ રાંધ્યું છે ને!' `સુશીલા તો મારાં આંખ્યમાથા ઉપર. એણે રાંધ્યું હોય તો હું ખુશીથી રોકાઉં.' એટલું કહીને એણે જોડા કાઢી નાખ્યા. `સુશીલાને રાજી રાખીને જ હું જવાનો; એને કોચવીને જાઉં જ કેમ?' એમ કહેતે કહેતે એણે મોટા શેઠની સામે જોયું, ત્યારે મોટા શેઠે પણ મોં મલકાવીને કહ્યું : `હા, હા, શેઠ, જમીને જ જાવ.' એ શબ્દો બોલનાર મોં ઉપર પોતે મોડા પડ્યાનું ભોંઠામણ હતું, છતાં ભાભુએ આછા નજીવા ઘૂમટામાંથી તેમ જ સુશીલાએ બાથરૂમની ચિરાડમાં દીઠેલું એ એક અપૂર્વ દૃશ્ય હતું. હજુ તો હમણાંની ઘડી સુધી આ ગામડિયા સગાની પટકી પાડનાર, વિના પ્રયોજને એને અપમાન દેનાર, એને હડધૂત કરી હાંકી મૂકનાર આ મોટા શેઠનું દિલ પરોણા પ્રત્યે એકાએક માખણ જેવું કૂણું કેમ પડી ગયું? શું સસરાજીની નરમાશ જ આવડી મોટી અસર કરી ગઈ? બંને વેવાઈઓ વચ્ચે ચમત્કારી સુમેળ સધાઈ ગયો? કારણ જડ્યું નહીં, સમજ પડી નહીં, તેમ છતાં ભાભુને તો ખોળિયામાં જાણે નવો જીવ આવ્યો. એક સુશીલા સિવાય કોઈ ન કળી શકે તેવો સુખ-સંચાર ભાભુના અંતરમાં થઈ ગયો. કાચી કેરીની લીલી છાલ કનકવરણી પીળાશ ક્યારે પકડવા માંડે છે, તે પ્રકૃતિ સિવાય કોણ વરતી શકે છે? એ અગોચર રંગ-પલટાના પગઠમકાર તો મધ્ય રાત્રીનો એકાકી કોઈ મૂગો તારલો જ કદાચ સાંભળતો હશે — જેવી રીતે સુશીલાએ ભાભુનો લાગણીપલટો પારખ્યો. સુશીલા પણ ભાભુની જીવન-રાત્રીનો એક તારો જ હતી. પણ સુશીલાનો પોતાનો લાગણીપલટો એટલો સહેલો નહોતો. ભાભુએ જે નહોતું સાંભળ્યું તે પોતે સાંભળ્યું હતું. જે સાંભળ્યું તે સ્પષ્ટ નહોતું, રહસ્યભર્યું હતું. એ રહસ્ય બહુ દૂર બેઠેલું નહોતું, છતાં હૈયાના પિંજરમાં કેમેય કરતું આવતું નહોતું. એ રહસ્ય હૈયાની પરસાળ સુધી આવીને નાચતું હતું — જાણે પંખી છેક હાથમાંથી ચણ્ય ચણતું હતું, છતાં ઝલાતું નહોતું. સુશીલા કળી ન શકી તેથી જંપી ન શકી. મોટા બાપુજી અને સસરા પાટલે બેઠા; ને પોતે રસોડામાં પેસીને ભાભુને પીરસવામાં મદદ કરતી હતી ત્યારે એના કાન, બહાર જે ઝંકાર થતો હતો તે તરફ મંડાયા હતા. એ ઝંકાર બીજા કશાનો નહોતો : પીરસાવાની વાટ જોતા સસરા ખાલી થાળી સાથે પોતાની રૂપાની વીંટીવાળી આંગળીના તાલબદ્ધ ટકોરા મારતા હતા. ટકોરાના સતત સૂર બંધાઈ ગયા હતા. બારણાંની બહાર ઊભેલાં ભાભુને પીરસવાની ચીજો દેતી દેતી અર્ધગુપ્ત સુશીલા સસરાના એ ખુલ્લા, ચળકતી ચામડીવાળા, ચોખ્ખાચણાક દેહને ફરી વાર જોઈ શકી. એને એમ પણ લાગ્યું કે સસરાની આંખો પોતાનેય જાણે કે જોઈ લેવા યાચના કરતી કરતી ભમે છે. જમવાનું પૂરું કરી, સાફ કરેલી થાળીમાં પાણી નાખીને ધોઈ પી જનાર સસરાએ ગામડામાં હજુય ક્યાંઈક કયાંઈક સચવાઈ રહેલો વિરલ સંસ્કાર દેખાડ્યો. પોતાની એઠનો એકાદ અન્ન-દાણો પણ ધરતી પર ન ઢળવો જોઈએ : ગ્રામ્ય વણિકની એ સંસ્કાર-શુચિની, સ્વચ્છતાની, છેલ્લી ટોચ કહેવાય. એ ખાસિયત, સસરા જ્યારે પહેલી વાર જમવા આવેલ ત્યારે રાત હોઈને સુશીલા નહોતી જોઈ શકી. ઊઠીને તરત જ મહેમાને પાછા વિદાયના હાથ જોડ્યા. એ ઉતાવળ ભાભુને તેમ જ સુશીલાને કેમ અસ્વાભાવિક લાગી? જમવા સુધીનો કાબૂય જાણે આ મહેમાને જબરદસ્ત કોઈ કષ્ટથી સાચવ્યો હોય તેવું લાગ્યું. એના છેલ્લા શબ્દો આ હતા : `આવજો, બાપા! માફ કરજો! દીકરી સુશીલાને આશીર્વાદ દઉં છું. બાપા! એ…ય…ને એવાં સુખી જોઉં કે મારી આંખ્યું ઠરીને હિમ થાય.' એ શબ્દો પણ જાણે એની સાથે લિફ્ટમાં ઊતરી ગયા. સાથે મોટા શેઠ વળાવવા ગયા. મોટરમાં જવાનો ઘણો આગ્રહ કર્યો. પણ તેનો જવાબ એટલો જ હતો કે, `પગ મોકળા ન કરું તો આંહીં શહેરમાં ખાવું પચે નહીં. બીજો કોઈ વાંધો થોડો છે, બાપુ?' આમ છેવટ સુધી તેની વાણી એક પણ વાંકાચૂકા કટાક્ષ વગરની નિર્મળ રહી. એને વધુ આગ્રહ કર્યા વગર મોટા શેઠ તો પાછા સડેડાટ ઉપર ચડી ગયા, પણ શૉફરની નજર સુશીલાના એ ચાલ્યા જતા સસરાની પીઠ પરથી ખસી ન શકી. અનેક માણસોની પીઠો એમના ચહેરાઓ કરતાં વધુ ભાવદર્શક હોય છે. મુખાકૃતિ કરતાં બરડો જ્યારે હ્ય્દયની આરસી બને છે, ત્યારે એનું દર્શન બેહદ વેદનાયુક્ત થાય છે. કોણ જાણે કેમ પણ ચાલ્યા જતા એ મહેમાનની પીઠ દેખાતી બંધ થયા પછી તરત જ શૉફર મોટરની અંદર બેસીને ઉત્તર હિંદના કોઈ ગામડામાં જીવતા પોતાના બુઢ્ઢા બાપને એક પત્તું લખવા બેસી ગયો. જમવા બેસતી ત્રણે સ્ત્રીઓને કાને મોટા શેઠના શયનખંડમાં તેજુરી ખૂલવાનો ને પછી બીડવાનો અવાજ આવ્યો. ત્રણે સ્ત્રીઓએ ચુપચાપ જમી લીધું. ત્રણેનું મૌન જુદાં જુદાં કારણોને આભારી હતું : સુશીલાનું મન કોઈક રહસ્ય ઉકેલવામાં પડ્યું હતું. એની બાને વેવાઈ અને જેઠ વચ્ચે વળી પાછું શું સમાધાન થઈ ગયું તેની વિમાસણ હતી; એના હ્ય્દયમાં સળવળતો પેલો `પીટ્યા' શબ્દનો કીડો એને જંપવા દેતો નહોતો. ને ભાભુના મૌનમાં અસ્પષ્ટ અને ઠગાયેલી કરુણ પ્રસન્નતા હતી. `કાં જમી રહ્યાં?' મોટા શેઠનો ટૌકો આવ્યો. કદી નહીં ને આજ! કેટલી પ્રસન્નતા! ભાભુએ જવાબ દીધો : `જમીએ છીએ! કેમ?' `માળાં ત્રણેય ભારી ખાધોડકાં!' કદી નહીં ને આજે ઘરના સ્વામીની આવી વિનોદ-ઊર્મિ! `સુશીલા, મોટા બાપુજીને કહે કે ભાભુ નહીં, મારી બા જ ખાધોડકી છે.' સુશીલાની બાએ, જેઠ સાંભળે તેવા સ્પષ્ટ શબ્દે, છતાં લાજમરજાદથી કહ્યું. સુશીલાને એ શબ્દો ફરી બોલવાની ઇચ્છાય નહોતી, જરૂર પણ નહોતી. જુનવાણી કુટુંબવ્યવહારમાં જોડાજોડ ચાલતી અદબ અને સગવડની એ જોડલી બહુ જુક્તિદાર હોય છે. `એ જ દુ:ખ છે ને મારા ઘરમાં,' બહારથી મોટા શેઠે દુ:ખને સુખભર અવાજે વ્યક્ત કર્યું : `કે ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક. આમાં તે ચોર પકડાય ક્યાંથી?' બાનું મોં ફૂલીને ઢોલ થયું. `ઠીક,' જેઠે જતે જતે કહ્યું : `ઝોંસટવું હોય તેટલું ઝોંસટીને પછી ત્રણે જણાં દીવાનખાનામાં આવો. મારે તમારી પાસે એક વાત કરવી છે.' ફડક ફડક થતે હ્ય્દયે સુશીલા વધુ જમી ન શકી. પાણી પીતાં એને ગળે ઓતરાશ આવી ગઈ. જમીને ત્રણે જણાં દીવાનખાના તરફ જતાં હતાં ત્યારે મોટા બાપુજી પોતાના શયનખંડમાં ઊભા ઊભા ફરી વાર પાછા કોઈક અગત્યનો દસ્તાવેજ `સેઈફ'માં મૂકતા હતા. મૂકતા મૂકતા વળી ફરી વાર વાંચી લેતા હતા. વાંચી વાંચીને હસતા હતા. સુશીલાને મૂંઝવતું રહસ્ય કહેવાને સમર્થ એ કાગળ પાછો `સેઈફ'માં પુરાઈ ગયો ને મોટા બાપુજીએ દીવાનખાનામાં આવીને વાત શરૂ કરી : `જાણે કે તમને દેરાણી-જેઠાણીને મારે ઠપકો આપવો પડે છે, એ મને ગમતું નથી. પણ હું સુશીલાની બાનો વાંક કાઢું તે કરતાં તો એની ભાભુનો જ વધુ વાંક કાઢું છું. સુશીલાના શરીર ઉપર હું સારું લૂગડું જ કેમ જોતો નથી, ભલા? પહેરવા-ઓઢવા જેવડી દીકરીને તમે આ શું પહેરાવી રહ્યાં છો? આ સાડી-પોલકાંની ભાત્ય જુઓ, રંગ જુઓ : તમે પાંત્રીસ ને ચાળીસ વર્ષની થઇયું એટલે સુશીલાનેય શીદ તમારા જેવી બૂઢીખખ ગણીને આવા ગૂઢા ધોળા રંગ પે'રાવો છો? મારી એકની એક છોકરીને મીરાંબાઈ કાં કરી દેવા મંડિયું તમે?' `ના બાપુજી,' સુશીલાએ જવાબ દીધો, `હું પસંદ કરી આવેલ છું. મને ગમે છે.' સુશીલાના અવાજમાં વડીલના આ કોડીલા બોલને ઝીલવાનો ઝંકાર નહોતો. એ જાણે કે માસ્તરની સામે આંક બોલતી હતી કે `ચાર દૂ આઠ.' `તને ગમે શું — ધૂડ!' વડીલે કહ્યું, `તારી ભાભુએ જ તારા શોખને બગાડી નાખેલ છે. આજ તો હું જ તને સ્વદેશી માર્કિટમાં લઈ જવાનો છું. હું કાંઈ તારી ભાભુની જેમ ભગતિને મારગે નથી ઊતરી ગયો. ચાલ, થા તૈયાર! ને તને ગમે કે ન ગમે તોય મોટા બાપુજીની આંખ્યો ઠરે એવાં કપડાં તારે માટે આજ લેવાં પડશે; લે હવે કહેવું છે તારે કાંઈ? કાંઈ કહીશ ને, તો હું તારી સાથે રિસાઈ જ બેસવાનો! બોલ, છે કબૂલ?' `પણ મને ન ગમે તોય પરાણે?' `હા, ધરાર પરાણે. મારે તને ભગતડી નથી બનાવવી, કહ્યું નહીં?' વડીલ માનતો હતો કે સુશીલાને પોતે રાજી રાજી કરી રહ્યો છે. સુશીલા સમજતી હતી કે મોટા બાપુજીનું મન રાજી કરવાનું રહે છે. `હવે બીજો ઠપકો,' વડીલે વિશેષ ઉમળકો અનુભવ્યો : `તમારી બેય જણિયુંની તે મારે કેટલીક ટાલ પાડવી? આ છોકરીને તમે રાંધણાંમાં ને લૂગડાં ધોવામાં કાં દાટી રાખી છે? એને તે શું ધોબણ કરવી છે કે ભઠિયારણ બનાવવી છે? અરેરે જીવ! હું તો ખાર કે સાંતાક્રુઝજાઉં છું, ને બંગલે બંગલે બાઇયુંને હાર્મોનિયમ અને દિલરુબા વગાડતી સાંભળું છું, ત્યારે મારા મનમાં થાય છે, કે મારી એકની એક દીકરીને હું એવું ગાતી-વગાડતી ક્યારે સાંભળીશ! ના, આપણું બાળક બુદ્ધિ વગરનું ડઠર હોય, અક્કલનું ઓથમીર હોય, જડ અણઘડ હોય, તો તો ઠીક; પણ ઈશ્વરે બુદ્ધિશાળી દીકરી આપી છે તો શા સારુ એને શીખવા ન દેવું? મારી દીકરીએ શા માટે એ ખાર-સાંતાક્રુઝની છોકરિયુંથી ઊતરતાં રહેવું જોઈએ? હેં વઉ, તમેય કેમ તમારી જેઠાણી જેવાં જડસુ થઈ ગયાં છો?' `બાપુજીને કે', સુશીલા,' સુશીલાની બાએ લાજમાંથી કહ્યું, `પછી સંગીત ને દિલરુબા શીખવીને દીકરીને દાટવી તો છે ગામડામાં ને?' આ શબ્દોની પણ પુનરુક્તિ કરવાની જરૂર નહોતી; સુશીલા એ કરત પણ નહીં. જેઠના કાન સરવા હતા. એણે જવાબ આપ્યો : `એનો જવાબ જોવે છે? આપું? ઊભાં રો'.' એમ કહી પોતે ઊઠવા જાય છે, ટેબલ પરથી `સેઇફ'ની ચાવી ઉપાડે છે, પછી પાછા બેસી જાય છે. `કાંઈ નહીં. હમણાં નહીં. રત્ય વગરનાં ફળ કાચાં. રત્ય પાકવા દ્યો, વઉ, પછી એ તમારા સવાલનો જવાબ હું આપીશ. કહી રાખું છું તમને, કે એવાં મોળાં ઓસાણ મને આપશો મા. એની ફિકરમાં ને ફિકરમાં સુકાશો મા. તમારાં સૌનાં મન-મોં સદાનાં ઢીલાંઢફ ને નિસ્તેજ કેમ રહે છે, તેની મને ખબર છે. હું કાંઈ ઢોર નથી. હું કાંઈ ગામડિયો ભોટ નથી. હું ટાણાસર બધું જ કરીશ. પણ હમણે તો તમે ધરપત રાખીને આ ઝાંખાઝપટ ઘરની નિસ્તેજી ઉડાડો. આ બે'નને ગ્લાનિ કરાવો મા. બે'નને મારે એક ઠેકાણે લઈ જવી છે, જ્યાં એ મોકળા મનથી સંગીત શીખે, ભણતર ભણે, ભરેગૂંથે, ફરેહરે, એઈ…ને લે'ર કરે!' સુશીલાએ એ શબ્દો અરધાપરધા જ સાંભળ્યા; એનું મન તો બાપુજી `સેઇફ'ની ચાવી લઈને `સેઇફ'માંથી શો ખુલાસો શોધવા જવાના હતા તે મુદ્દા પર રમતું હતું. બાએ કરેલા કટાક્ષનો કયો જવાબ `સેઇફ'માં હતો? `સેઇફ'માં મુકાયેલો એ કાગળ — એ દસ્તાવેજ શું બાની સમસ્યાનો ખુલાસો કરવાનો હતો? એ કાગળમાં એવું શું હતું? સુશીલાની કલ્પનાશક્તિના છેક ગોખ સુધી બેસવા આવતું એ રહસ્યપારેવું, હાય, કોણ જાણે કેમ પણ અંદર આવતું નહોતું. ગમ પડતી નહોતી.