છેલ્લું પ્રયાણ/૩. સજણ ગિયાં ને શેરીયું રહી!

From Ekatra Wiki
Revision as of 06:39, 5 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. સજણ ગિયાં ને શેરીયું રહી!

વિશ્વ-સાહિત્યમાં ઠેકાણે ઠેકાણે બે તત્વોને સામસામે છેડેથી ખેંચી લાવીને ભેગાં બેસારેલા જોવાય છે: મરણ અને પરણ, લગ્નમંડપ અને મસાણ, કંકુ અને ભસ્મ. મારી ટાંચણપોથીનાં નવાં પાનાંમાં પણ એવાં બે તત્વોની જોડી બની ગઈ છે, એક જ શાહીએ ને કલમે, એકી બેઠકે, (અનુમાન થાય છે કે ચાલતી ટ્રેનમાં કોઈક ભરવાડે કથેલાં) ત્રુટક છૂટક જે કવિતાના ટુકડા ટપકાવ્યા છે, તેમાં પહેલું આ પદ છે

કાયા બાંધી કટે લાકડે,
કરતાં શ્રીફળ ચાર;
પંડ પરમાણે પાંભરી,
ખોટપેને તાર. (?)
નગરમાંથી નનામિયું નીકળિયું,
તે દી' નેજા ફરકે ચાર.

મસાણે જેને મડાં લૂંટશે,
વાશે વા ને ઊઠશે સેલીયું;
 ​
જેઠવો રામનો કે'–
કાયા બાંધી કટે લાકડે,
ફરતાં શ્રીફળ ચાર.


જેઠો કે'
એક દી'ના જાવું એકલાં
કાં રે'વી મસાણે રાતઃ
ગોળા છૂટે ગબના,
(તે દી') ઘટ્ડું પામે ઘાત.

દાર્શનિક લોકકવિ આ જેઠો તો આ પાનાં પર આપણો જાણીતો સહયાત્રી છે. લોકવાણીમાંથી જીવનરસ પીતો પ્રવાસી-માનવ ઘડીક એ ફિલસૂફનું પદ બોલી સ્મશાનનાં સ્મરણ આપે છે, ‘વાશે વા ને ઊડશે સેલીયું' એમ યાદ કરાવી આપણા પિંડની બની ગયેલી રાખને પવનમાં ઊડતી બતાવી ઠીક વ્યંગ કરે છે, અને તે પછી વળતી પળે એ પ્રવાસી ચૂડ વિજોગણની પ્રેમ-કવિતામાં લેટી પડે છે;–

સાજણ સિવાડે ચરણિયો,
ફરતી મુકાવે કોર;
ઉરે ટંકાવ્યાં આભલાં,
હૈડે લખાવ્યા ઝીણા મોર.
હૈડે લખાવેલ મોર તે ખરા,
ઈ સાજણ છે પાકા તેલના ધરા,
બોલે મીઠું ને કરે છે ગોર.
સાજણ સિવાડે ચરણિયો, ફરતી મુકાવે કોર.


નવી જ ઉપમા મળી–સ્વજન એ તો ‘પાકા તેલના ધરા'–પાણીનો નહિ, પાકા તેલનો ભરપૂર ઘૂનો!

સજણાં ચડ્યાં ચોરીએ,
ચકલાં બાંધ્યાં ચાર;
બાથમાં ઘાલી બેસારો માયરે,
કોડે જમાડો કંસાર.
કોડે જમાડો કંસાર તે લગારક ચાખશે,
પછે પીઠિયાળી વરમાળ ડોકમાં નાખશે.


ઊજળાં સાજણને ન સારીએ
જેની કાયામાં હોય બો'ળા કાંટા,
સાજણ દી'એ પાડે હા,
રાતના ખવારે આંટા.

આના રચયિતા જેઠો ને ચૂડ વિજોગણ, બેઉ બાદ દેવાય છે. કવિ નહિ, કવિતા જ રહી જાય છે. લોકવાણીમાં શ્વાસ ઘૂંટનાર એ સંગાથી મુસાફરનું મન જ આપણા વિચારનો એકમાત્ર વિષય રહે છે. પ્રિયજન-સ્વજનનાં પરણેતરનો ચિતાર મહાલીને એ વળતી જ ક્ષણે ચંચળ સ્વજન-મનથી ચેતી જવા કહે છે. પ્રેમમાં મળેલી નિરાશા એ તો ભારી સાર્વજનીન ભાવ લાગે છે! કોણ જાણે ક્યાંથી કાને પડેલાં, કેટલી પેઢીએ ટોચાતાં ને ખરી જરી જતાં આ ખંડિત પદોને એ ભરવાડે પકડી, કલેજે ને કંઠે રમમાણ રાખ્યાં હશે—

સજણે શીખું માગીયું,
રુદાના રામ રામ કરે.
પલમાં ખોળા પાથર્યા,
ચડીને થિયાં સવાર.

ચડીને થિયાં સવાર, તે ઊભાં સલામું ધરે
સજણે શીખું માગીયું, રુદાના રામ રામ કરે.


સજણે સાંકળું ચડાવીયું,
ખોરડાં કર્યા ખાલી;
પાડોશમાંથી પ્રીતાળુ ગિયાં,
હેડાઉત ગિયાં હાલી.

હેડીનાં— સરખી જોડીનાં સ્વજન, ઘરને સાંકળ ચડાવી પાડોશમાંથી ચાલ્યાં તો ગયાં, તે છતાં એ જ્યારે બાજુમાં વસતાં હતાં તે કાળનું તેમનું સૌંદર્ય તો નથી વિસરાતું

સજણા ખાંડે જે દી' ખાંડણા,
હલકે ઉપાડે હાથ;

દસે આંગળીએ ચોગઠય વળે,
નવરો દીનોનાથ.

નવરો દીનોનાથ ને માઢુડા ઘડ્યાં,
માઢ કમાણસને પાને પડ્યાં.

દરેક પ્રેમિકની એ જ માન્યતા! પોતે સુમાણસ અને સ્જવનને જે પરણી ગયો તે કુમાણસ. ખેર, એ આશ્વાસન કંઈ ઓછું નથી. આપણને ગમે છે તે તો આ ‘માઢુડાં' (માનવી) જેવો લાડ-પ્રયોગ. પ્રેમની વિષમતા તો આ છે કે

સજણા ઝાંપે ને અમે શેરીએ
વચમાં વળુંધાઈ રિયાં,
સજણ, તમે લોભી અમે લાલચુ,
કોક દી અબોલડા ભાંગ્ય;
મોઢે ચડી તમે કે'દી, માગેલ નૈ,
અમે કે'દી, પાડેલ ના ?

વિદાય લેતાં ‘સજણ'ની સાથે આટલો ઝડપી વાર્તાલાપ પણ થઈ જાય છે. પછી તો પ્રવાસી સાથી સોન-હલામણ, નાગમદે-નાગવાળો, શેણી–વીજાણંદ, મેહ-ઉજળી વગેરેની કરુણાન્ત પ્રેમગાથાઓમાં ઉતરી પડી દુહા પર દુહા રેલાવે જાય છે. ખંડિત અને તેમ છતાં મૂળ વિષયને વળગી રહેતી એ કવિતા સૂત્રાત્મક સ્વરૂપને પામી રહે છે

સજણ ગિયાં ને શેરીયું રહી,
ઊડવા લાગી ખેપ;
ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે
ઓતરની વાદળી સૂકાં સ્રોવર ભરે.

તૂટી પાળ તે નીર ગ્યાં વહી,
સજણ ગિયાં ને શેરીયુ રહી.

છેવટે –
માયા રાખજો માનવી, હૈયે રાખજો હેત;
બોલ્યાં ચાલ્યાં માફ કરજો, અવગણ અમારા અનેક.

એમ કહીને પાછા વળવું જ રહ્યું! પણ પછી પાછો નરને બદલે નારીને ઝૂરવા વારો આવે છે આ અડબૂથની વાણીમાં

સાજણે ઘોડો શણગારિયો,
દોરી કાઢ્યો ડેલા બા'ર;
વજોગણી ખેાળા પાથરે,
સજણ, ઘેરે શિયાળો ગાળ.
ઘેરે શિયાળો ગાળ્ય તે આડયું
અમો તમારા જીવની નાડ્યું.

તે પે'લાં લૈને અમને બરછીએ માર,
સજણે ઘોડો શણગારિયો, દોરી કાઢ્યો ડેલા બા'ર.


​વાટ છે જૂની ને પગ નવો,
ચંગો માડુ જાય,
કરને હૈડા પંખડી
મીટે મેળા થાય.

મીટે મેળા થાય તે ધડી દો ઘડી.
ખેલાડુ સાજણ જાશે વહાણે ચડી.

ગયાં સ્વજન, વહાણે ચડી ગયાં, હૈયાએ પાંખ કરી નહિ, પછી તો રાત્રીએ

સજણ સ્વપને આવિયાં,
ઉરે ભરાવી બાથ,
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં,
પલંગે પછાડું હાથ.

પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું.
વાલાં સજણ સાટુ ખોબલે આંસુ ઢાળું.

આદર્યા કામ તે અધવચ રિયાં,
જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં.


વિપ્રલંભની ઊર્મિ સર્વ સંયમ સાચવતી સાચવતી યે વધુ ને વધુ આંતરિક ઉત્કટતા ધારણ કરે છે–

સાજણ વોળાવી હું વળી,
આડાં દીધાં વંન;
રાતે ના'વે નીંદરા
ને દી’એ ન ભાવે અન્ન.

દી'એ ન ભાવે અન્ન તેં અણોસરાં;
નાખવાં બાણ તે કાઢવાં કાળજ સોંસરાં.

આંખ્યુંની ઓળખાણ ને મુંદરા મળી,
સાજણ વોળાવીને હું તે વળી.


સાજણ વોળાવી હું વળી,
ઊભી વડલાની છાંય;
વડલે વરસે મોતીડે,
ડાળ કોળાંબા માંય.

કોળાંબો ભાંગીને કટકો થિયો,
પ્રીતનો માર્યો સાજણ પરદેશ ગિયો.
ભાળી ભોમ તો લાગે ગળી,
સાજણ વોળાવીને હું રે વળી.
 
અરે સ્વજન! રહી જાવ ને! કહેશો તે ખિદમત કરીશ–
સજણ રિયો તો રાખિયે, લાગી તમારી માયા;

ઓરૂં માથે ઉતારા દૈયેં, કરીએ છતરિયુંના છાંયા.
કરીએં છતરિયુંના છાંયા ને તમને વરિયેં;
કલેજાં માગો તો લૈ મુખ ઉપર ધરિયેં.
નમ્યો છે દી, ને ઢળી છે છાંયા,
સજણરિયો તો રાખિયેં, લાગી તમારી માયા.

ઓરું માથે – ઉર પર, છાતી પર – ઉતારા દઉં: પ્રણયકવિતાની ઘણી ઊંચી કક્ષાએ પહોંચી ગઈ લોકકવિતા. ફરી પાછી એક ચોટદાર, અને લોકસાહિત્ય સિવાય અન્યત્ર અસંભવિત એવી ઉપમા મળે છે આ રેલગાડીના બોતડ સાથી પાસેથી : સજણા! તમારી શેરીએ, (અમે) ગળીને ખાતર થયાં ગળીને – કણેકણમાં ગળી જઈને–નરમ ઉકરડો બની જવું, વાવેતરની ભોંયમાં રસકસ પૂરનાર પદાર્થ બની જવું, પારકી સુગતિને ખાતર સ્વયં દુર્ગતિને પામવું, એ દશા પ્રિયજનને કારણે પોતાની કરી નાખ્યા પછી વિચ્છેદ પડતો બતાવ્યો છે.

લોકકવિતાને રાંક પ્રતિનિધિ એ મારો સહયાત્રી પ્રથમ દેહની ક્ષણભંગુરતાનાં અને પછી ‘સજણા'ના નેહમાં સાંપડેલી વિફલતાનાં પદોમાંથી જોબનની વિદાય પર ઊતરી પડ્યો હતો

કાના કેસા ને લોચના, ડગમગતે દાંતે,
ઈને લાંછન લાગશે, એક જોબન જાતે.
કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા;
દલને ભોંઠ૫ દેછ, દુનિયાને કાંઉ દેખાડિયે.

જુવાની હતી તે જાતી રહી, દેઈ ને નાંખી દળી;
રાણો કે, શું વાવરિયે, ભર્યા ભગરાં પળી.
દેઈને દળી પીસી નાખી. ભગરાં-ધોળાં પળીઆં આવી ગયાં. શા માટે આમ? જોબનને સંસારી જન ઠપકો આપે છે

જોબન! મેં તને ગણ કર્યો,
પહર ચાર્યો સારી રાતઃ

એક તુંમાં અવગણ ભલે,
મને લાકડી દઈ ગયો હાથ.

જોબનિયા, તુંને જાળવ્યું, ચાર્યું માજમ રાત;
જાતાં જાણ્યું હોત તો, ઉછી ઉધારાં કરત.

નાની એવી બે પંક્તિમાં પણ રૂડું રૂપક મૂકી આપ્યું -'ચાર્યું માજમ રાત’ : વનવાસી સંસારની માટીમાંથી આપોઆપ ઉદ્ભવતી એ કલ્પના લોકસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર બતાવે છે. પશુઓને આખી રાત પહર ચારનારાં માનવો જોબનને એમની ન્યારી રીતે પિછાને છે.

દાંતને પણ પડતા દેખીને લોકકવિ ઉપાલંભ દે છે :
દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું,
લાજ્યા નહિ લગાર! હાડાં પહેલા હાલિયા!

પણ લોકકવિતા ‘ફસ્ટ્રેશન'નું – વિફલતાનું શરણું સ્વીકારતી નથી. સમાધાનવૃત્તિ એ એનું મોટું લક્ષણ છે. વિદાય લેતા દાંત સ્વામીના એ ઉપાલંભને તરત જવાબ વાળે છે –

અમને ન દેજો દોષ, જાયું તે સૌ જાવશે,
રૂદા ન ધરજો રોષ, (અમારાં) પેઢાં પ્રતમ્યા પાળશે.

એવા વાર્ધક્યના વિચાર-પગથિયેથી જ શું મારો ભરૂ (ભરવાડ) ભાઈબંધ યાત્રાસ્થાનોની યાદમાં ઉતરી પડ્યો હશે ? ત્રૂટક છૂટક અને પરાપૂર્વના સંબંધ વિનાનું એનું કાવ્ય-રટન ઉંડાણે એના અંતસ્તલમાં શું કઈ સંબદ્ધતા અને સુમેળ સૂચવતું હતું? એણે ગિરનારના કોઈ તીર્થસલિલને સંભાર્યુ :

મરઘી કંડના પથ્થરા, (તુંને) કેતા જુગ થિયા?
માનવી હતાં તે મરી ખૂટ્યાં, પથરા ઈના ઈ રિયા!

પથરા રિયા તે ખરાખરી,
બવેશરની બજાર છે ઈંદ્રાપુરી.


મરઘી કંડને કાંઠડે, અમે પથરા સરજાયેં પ્રાણ,
વાલી લાગે વનરા, લીલાં નાગરવેલ પાન;
લીલા નાગરવેલ પાન તે ચાવ્યાં નો ખૂટે,
જે જાય ગરવે ઈ કૂતરાં મીંદડાનો અવતાર છુટે.


ભારી દેરૂં ભીમાણંદનું, નૈ પગથિયાંનો પાર,
ચડતાં સાજણ લપટ્યાં, તૂટ્યો હૈયાનો હાર;
હવે વીણવાં મોતી ને પરોવવો હાર,
ભારી દેરું ભીમાણંદનું, નૈ પગથિયાંનો પાર.

આમ ફરી ફરી પાછા તીર્થપથે પણ ‘સજણા'નાં સ્મરણો પાની ખૂંદતાં પાછળ પડે છે! કોણ જાણે કેમ પણ પહાડની સ્મૃતિની પછવાડે નદીની યાદ ગુંજે છે—

માતાની શેતલ સુકાણી, નિર્જળ નદી-નવાણ,
આભેથી ફોરું નવ પડ્યું, કુંજડી ગઈ મેરાણ.
કુંજડી ગઈ મેરાણ તે નિસાસા નાખી,
સુકાણા પાન ને વનરા થઈ ઝાંખી.

અને પરોડથી સવાર સુધી રેલગાડીનો આ સંગાથી ધોળા જંકશન ઢુંકડું આવતાં, જીવની આખરી ગતિને યાદ કરાવતું એક ભજન ગાઈને જુદો પડ્યો –

ચેતનહારા ચેતી લેને ભાઈ!
જાવું છે નિરવાણી,

જાવું છે નિરવાણી ગરૂ મારા!
જાવું છે નિરવાણી રે-ચેતનહારાo

માટી ભેળી તારી માટી થાશે,
પાણી રે ભેળાં પાણી;
કાચી કાયામાં કાંઈ યે ન જાણ્યું ભાઈ!
શું ભૂલ્યો તું તો પ્રાણ રે–ચેતનહારાo

રાજા જાશે પરજા જાશે,
જાશે રૂપાળી રાણી;
ઈદરનું ઈંદ્રાસન જાશે
બ્રહ્મા ને બ્રહ્માણી રે–ચેતનહારાo


અવિચળ વાસ ગુરુને ચરણે,
દાસી પોતાની જાણી;
ગુરુ પ્રતાપ ગાય અમરસીંગ
બોલ્યા અમર વાણી—ચેતનહારાo

સ્મશાનની સેલી (રાખ)થી શરૂઆત કરીને સમાપ્તિ પણ ‘જાવું છે નિરવાણી' થકી જ કરી. વચ્ચે એણે સજણાનાં સૌંદર્ય, વરમાળ, માયરા, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, ચાલી નીકળેલ સ્વજનની વેલ્યની ઊડતી ખેપટ, આડા દેવાઈ ગયેલાં વન, સ્વપનાલિંગન, ખોબલે ખોબલે આંસુડાં, પલંગ પછડાતા હાથ-એમ પ્રગાઢ પ્રણયની આરઝૂઓ ગાઈ. પછી, વહી જતા જોબનની વિદાય ગાઈ, શૂન્ય સંસારને પાછળ છોડી તીર્થશૃંગોનાં ચડાણ ગાયાં, ને છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહ-જીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ.

આ પ્રવાસ ક્યાંનો હતો ? કયારનો હતો? આગળ આવતું એક પાનું પતો આપે છે. ૧૯૨૯ ની સાલ અને ફેબ્રુઆરીથી એપ્રિલના એ મહિના હતા. વસવાટ હતો ભાવનગરમાં. મુંબઈની જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે પખવાડિયે અકકેક એવાં છ વ્યાખ્યાનોનું સત્ર મળ્યું હતું. દર વ્યાખ્યાને ભાવનગરથી મુંબઈ જતો. એમાંના એક પ્રવાસેથી પાછા વળતાં આ સાથી ભેટી ગયો હતો. એ વ્યાખ્યાનમાલાનું ટાંચણ માનસપટ પર રહ્યું છે. કાવસજી જહાંગીર હોલમાં તો શ્રોતાસમૂહ ચિકાર રહેતો. પ્રમુખસ્થાને બેસતા સ્વ. ડૉ.સર જીવણજી મોદી : પેલા રોયલ એશિયાટિક સોસાઈટીના મારા વાચન-ખંડમાં લગ્નગીતો પર એ જ નિબંધ વાંચનારા જે વૃદ્ધ વિદ્વાન હતા તે જ એ ડૉ.મોદી. એમની પાસે મને મોકલનાર મુરબ્બીશ્રી કૃષ્ણલાલ ઝવેરી. મારી સૌ પહેલી નાનકડી કૃતિ ‘કુરબાનીની કથા'થી લઈ આજ પર્યત મારી લેખનપ્રવૃત્તિમાં જેમનો રસ કદી ન્યૂનતાને પામ્યો નથી એવા એ મુરબ્બીને મળવા ગયો હતો મુંબઈમાં. કહે કે ‘ઝવેરચંદ.ડૉ. જીવણજી મોદીનો આ કાગળ છે.એ લખે છે કે સૂરતમાં પોતે હમણાં ગયેલા ત્યાં ગુજરાતી સ્ત્રીઓના લગ્નગીતો સાંભળી આવેલ છે, ને એ વિશે વધુ જાણવા માગે છે. તું જ જઈને એમને બધું કહી આવ.' એમની ચિઠ્ઠી લઈને ગયો. એ પારસી બુઝર્ગને મેં ગુજરાતી લગ્નગીતના મારા સંગ્રહ ‘ચૂંદડી’ની વાત કહી. પહેલો જ પ્રશ્ન એમણે આ પૂછ્યો : ‘‘ચૂંદડી’ શબ્દની વ્યુત્પત્તિ શું છે ?’ મારી પાસે ઉત્તર નહોતો. કહે કે ‘યુ મસ્ટ નો ધેટ.’ (એ અર્થ મેં સોળ વર્ષ પછી મેળવ્યો! પ્રશ્ન મન પર રહી ગયો હતો. ગયા ઈતિહાસ-સંમેલન વખતે શ્રી કેશવરામ શાસ્ત્રીજીને પૂછ્યો. એ કહે કે ચંદ્ર પરથી ચૂંદડી, ચંદ્ર પરથી ચંદ્રકળા; — ચંદ્ર જેવી બુટ્ટાળી ભાત હોય છે ને, તે પરથી ચૂંદડી.)

પછી ડૉ. જીવણજીએ, શ્રી ઝવેરીના સારા અભિપ્રાય પર આધાર રાખી મને કહ્યું : ‘અમારી જૂની સંસ્થા જ્ઞાનપ્રસારક મંડળી છે. એનું છ વ્યાખ્યાનોનું વાર્ષિક સત્ર હોય છે. દરેક વ્યાખ્યાન માટે જુદા જુદા વ્યાખ્યાતાને નોતરીએ છીએ. વ્યાખ્યાન દીઠ રૂ. પચીસની રકમ આપીએ છીએ. આ વર્ષનાં છ વ્યાખ્યાન તું ન આપે ?’ આવા પ્રખર વિદ્વાનની સમક્ષ ઊભવાની અશક્તિનું ભાન છતાં, વ્યાખ્યાનો કેમ અપાય તેની ગમ ન હોવા છતાં, કામ કામને જ શીખવશે એવી જ આશાથી સ્વીકારી લીધેલી એ વ્યાખ્યાનશ્રેણીમાં હું પાર ઊતર્યો. વિશેષ યાદ આવે છે છેલ્લા વ્યાખ્યાનની સંધ્યા. રણજિતરામ સુવર્ણચંદ્રકનું પહેલવહેલું સન્માન પામીને મુંબઈ છેલ્લું ભાષણ દેવા ગયો હતો. પોતે કડક હતા, કરડા હતા, સહેલાઈથી પ્રસન્નતા બતાવતા નહિ, શિખાઉ માણસ મલકાઈ છલકાઈ જાય એવી રીતે વર્તતા નહિ. મારો ચંદ્રક હાથમાં લઈ, પંપાળી પંપાળી સર્વ શ્રોતાસમૂહને એ બતાવી મને કહ્યું:'આ ચંદ્રકથી તારી જવાબદારી ઘણી બધી વધી જાય છે. સંશોધન કરતો જ રહેજે, મલકાઈ જતો ના.' સેંકડો ગુજરાતીઓની સાક્ષીએ સ્વીકારેલો એ ગુરુમંત્ર સતત કાનમાં ગૂંજતો રહ્યો છે. યથાશક્તિ એનું પાલન કરે ગયો છું.