પુરાતન જ્યોત/પ. મેકરણ-વાણી
સીમમાં કઈ સ્થળે ઊતરેલા મેકરણ ભજન ગાતા હતા—
સાવરાં હુદાં સૂર
એ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણાં નૂર
એ આવો! આવો તો મળીએ જી,
મળતાંની સાથે આપણ હળીમળી રહીએં ને
કાઢીએં દલડાનાં કૂડ,
એમાં સાયબોજી મારો રાજી રિયે
ફાગણ ફૂલ્યો ઝીણે ફૂલ.
એ આવો! આવો તો મળીએં જી.
ખોટાબોલાનો આપણ સંગ ન કરીએં ને,
આદ અનાદનાં બોલે કૂડ;
એવાંની સંગત આપણે કેદી ન કરીએં
(એની) આંખુંમાં નાખો ઝીણી ધૂડ
એ આવો! આવો તો મળીએ જી.
હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા
એનાં કેશરવરણાં હોયે નૂર;
એની તો સંગતું આપણ દોડી દોડી કરીએં ને
જમાડાને ઈ તો રાખે દૂર—
એ આવો!. આવો તો મળીએં જી.
કાયા માયાનો તમે ગરવ ન કરજો
આંઈ તો રેવાનું છે કૂડ;
મેકણ કાપડી એણી વિષે બોલ્યા રે,
જાવું છે પાણીહંદે પુર—
એ આવે! આ તો મળીએ જી.
સંત મેકરણનો રાગ સૂરીલો નહોતો. એ ગાતા ત્યારે બરાડા જેવું લાગતું. એક કુંભાર ત્યાં દેડ્યો આવે. જોઈને પાછો વળ્યો. "કેમ ભાઈ!" મેકરણે પૂછ્યું. "કાંઈ નહીં ડાડા!” "ના, ના કહો તો ખરા.” "ઈ તો મારો ગધેડો ખોવાણો'તો, તે ગોત કરવા નીકળેલ છું ડાડા!” મેકરણ સમજી ગયા. પોતાનો સૂર ગધેડા જેવો છે! થોડી વાર દુઃખ પામ્યા. પણ પછી એકાએક મસ્તીમાં આવી જઈને પૂરી ખુમારીભરી સાખી લલકારી :
ન જાણું રાગ ન રાગણી,
ઈ તો રઢજાં રડાં;
હકડો રીજાવું નાથ કે
બ્યાને પેદારસેં હણાં.
“રાગ અને રાગિણીઓ હું નથી જાણતો. ગાનાર તો ગાડર(ઘેટાં)ની જેમ આરડે છે. ભલે ભાંભરડા દેતા. મારે કાંઈ મનુષ્યને રીઝવવાં નથી. હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તે હું જોડે જોડે મારું.” ને આ સૂરીલા ગાનારાઓ કેવા છે?
ઝાંઝકૂટા અને પેટમૂઠા,
ઝિઝયું ડિયેંતા ધાઉં,
ઠાકર ચેતો ઈની પોઓ
મુઠે અઈયાં આઉં.
ઝાંઝ કૂટનારાઓ અને પેટભરાઓ મોટા મોટા બરાડા પાડે છે. ઠાકરજી તો કહે છે કે એવાઓની પાછળ હું જ મૂઓ પડ્યો છું.
કૂટયું કુટિયેં કુંજિયું,
ડિયેં ઝાંઝેકે જોર
હિકડા ભૂખ્યા ભતજા,
બ્યા રનેંજા ચોર.
જોરથી ઝાંઝ બજાવનારા અને મંજીરા વગાડનારા ખોટા છે. એમાંના કોઈક મીઠું મીઠું ખાવાના લાલચુ છે, ને કોઈક સ્ત્રીઓના ચોર છે.
જે નર રામ ન ભુજિયા
સે સરજ્યા ઢગા;
ખેડી ખેડી આપો ડઈ રિયા
અખિયું કઢીતા કગા.
રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળદનો અવતાર પામે છે, ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય, ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.
જે નર રામ ન ભુજિયા
સે સરજ્યા ગધા;
મીઠેજ્યું છાંટું ખણીને
સેરીએ સેરીએ ભગા.
રામને ન ભજનારાઓ ગધેડાનો અવતાર પામે છે. પછી મીઠાંનાં છાલકાં ઉપાડી ઉપાડીને એ શેરીએ શેરીએ ભાગતા હોય છે.
જે નર રામ ન ભુજિયા,
સે સરજ્યા કૂતા;
ભૂખ ભડવે જેં પેટ મેં
સેરીએ સેરીએ સૂતા.
રામને ન ભજનારા કૂતરા સરજ્યા. પછી એ નાલાયકો ભૂખ્યા પેટે શેરીઓમાં સૂતા હોય છે. મંદિરોને, મૂર્તિપૂજાને, કીર્તનકારોનાં કૂડને, બાહ્ય ક્રિયાકાંડને સોટા લગાડતા મેકરણનું જ્ઞાન અનેક ગૂઢાર્થો ઉકેલતું અંતર્મુખ બનતું ગયું. પણ એનો સાચો પારખુ ન સાંપડ્યો. એણે પોકાર કર્યો કે —
ગૂઢારથ ક્યું ગાલિયું
વધી વડ થઈયું;
તાણેં કે ન પૂછિયું;
મું પણ ન ચઈયું.
જીવનના નિગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધી વધીને વડ જેવટી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી, કે ન મેં કોઈને વગર પૂછ્યે કહી.
ગાલડિયું ગૂઢેરથ જ્યું
વધી વધી વડ થયું;
અંગે માડુએ ન પૂછ્યું
દલજી દલને રિયું.
ગૂઢાર્થોની વાત મારા હૃદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ, પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી. એટલે એ દિલની વાતો દિલમાં જ રહી ગઈ. અને મને પૂછવા આવનારા કોણ હતા? મારી પાસેથી કોઈ વરદાન લેવા આવ્યા. કોઈ સંસારી લાભ લૂંટવા આવ્યા.
વડા ધણીજી વિનતિયું
જાગી કોન કિયું;
વણ કમાણીએ મોજું માગે,
(ભડવે કે) લાજુ કો ન થિયું!
મહાન ધણી ઈશ્વરની માગણીઓ તો કોઈએ પૂરી કમાણી કર્યા વગર તેઓએ ઈનામો માગ્યાં. નાલાયકોને શરમ, પણ ન આવી! એ ગૂઢાર્થોનું જ્ઞાન મેકરણે કયાં જઈને મેળવ્યું?
જાં વિઝાં જરાણમેં,
તે ભાવરે માથે ભાર;
ખિલી કેં ન ખીંકારેઓ
કેં ન કેઓ સતકાર.
હું કબ્રસ્તાનમાં ગયો ત્યાં તો મારા ભાઈઓ (માટીના) ભાર તળે ચંપાયેલા હતા. મને કોઈ એ હસીને બોલાવ્યો નહીં, કોઈ એ મારો સત્કાર કર્યો નહીં.
જો વિંઝા જીરાણમેં,
કરિયાં સેણે કે સડ;
મિટ્ટી ભેરા વ્યા મિલી
હુંકારો ડિયે ન હડ.
હું સ્મશાનમાં ગયો. સ્વજનોને મેં સાદ પાડ્યા. પણ એ તે માટીમાં મળી માટી બની ગયા છે. એમનું હાડકું પણ હોંકારો આપે તેમ નહોતું.
જાં વિઝાં જીરાણમેં,
ત કોરો ઘડો મસાણ;
જડેં તડેં ભાડુઆ!
ઈ પલ થિંદી પાણ.
હું સ્મશાશનમાં ગયો. ત્યાં કોરો ઘડો ચિતા પર પડ્યો હતો. અરે માનવો, જતે દિવસ આપણી પણ એ જ પળ આવી પહોંચશે.
ઊ ભુંગા ઊ ભેણિયું,
ઊ ભિતેં રંગ પેઆ;
મેકણ ચેતો માડુઆ!
રંગીધલ વેઆ.
આ એ જ ઝૂંપડાં છે. એ જ જગ્યાઓ છે. ભીંતો પરના એ જ રંગ કાયમ છે. પરંતુ મેકણ કહે છે કે, અરે લોકો, એને રંગનારા ચાલ્યા ગયા.
કુરો કરિયાં, કિત વિંઝાં,.
કે' કે કરિયાં સડ!
જમ જોરાણું થૈ મુંકે,
આડી ડઈ વ્યો અડ.
હું શું કરું? ક્યાં જાઉં? કોને સાદ કરું? આ જમ જુલમી થયો અને મારી આડે પડદો નાખી ગયો. કોણ તર્યું? કોણ ખાટી ગયું? આ અસારતામાંથી કોણ ઊગર્યું? મેકણ કહી ગયા :
ખારાઈંધલ ખટેઆ;
મેડીધલ મુઠા :
સરઘાપુરજી સેરીએ.
મું ડીંધલ ડિઠા.
ખાટી ગયા તે ખવરાવનારા; ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઠો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને જ દીઠા છે. અને બીજા કોણ તરી ગયા?
જિની જુવાણી જારવઈ
મોડે રખેઓ મન,
સરઘાપુરજી સેરીએ
કલ્લોલું તા કન.
જેમણે જુવાની જાળવી, અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગાપુરની શેરીએ કલ્લોલ કરી રહ્યા છે.