સમરાંગણ/૮ સોરઠનો કોલ

From Ekatra Wiki
Revision as of 11:35, 8 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮ સોરઠનો કોલ|}} {{Poem2Open}} અમ્મા મારી! ઓ અમ્મા! તું યે શું મારી માફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮ સોરઠનો કોલ

અમ્મા મારી! ઓ અમ્મા! તું યે શું મારી માફક ચીસો પાડતી હતી? બરાબર શું આવી જ પુકારો ને આવી જ વેદનાઓ, હેં અમ્મા?” "ખમ્મા! ખમ્મા! ખમ્મા!” કિલ્લાના ઘુમ્મટમાંથી નહનૂ મુઝફ્ફરના એ બોલની સામે માતૃ-હૃદયનો જાણે પડઘો પડ્યો. પોતાનાં અંગો પર ચાબુકોના ફટકા પડ્યાને ચારેક વર્ષો વહ્યાં હતાં, છતાં નહનૂની યાદદાસ્તમાંથી એ રાતની વાત નહોતી ભૂંસાતી. “નાદાન, હવે કેવો સીધો થઈ ગયો છે!” અમીર ઇતમાદ એની પીઠ થાબડતો થાબડતો શાબાશી આપતો હતો. ગુજરાતની પ્રજાની ઝૂકીઝૂકીને સલામો શી રીતે લેવી તે અમીરે બાળ સુલતાનને શીખવ્યું હતું. હસતું મોં રાખવાની તાલીમ નહનૂએ અમીર આગળથી પૂરેપૂરી મેળવી લીધી હતી. તે પહેલાં અને બીજા ઘણા તમાચા અને ડારા ખમવા પડેલા. જાહેરમાં સુલતાનના દીદાર થતા ત્યારે ખાંસાહેબ સાથે જ રહેતા. ખાનગીમાં મુલાકાતો ગોઠવાતી ત્યારે પણ ખાંસાહેબની હાજરી રહેતી. ‘મારો બાળો સુલતાન’ એ શબ્દો ખાંસાહેબના ગળગળા કંઠે જ્યારે બોલાતા ત્યારે સાંભળનારાઓ ખાંસાહેબની વફાદારી પર આફરીન પુકારતા. ઇતમાદખાન જે કાંઈ કરતા, ખાતા, પીતા, શ્વાસોચ્છ્‌વાસ લેતા, તે બધું જ બાળા સુલતાનને ખાતર હતું. ‘એ ઉમ્મરલાયક થઈ જાયને, તો શુકર ખુદાના. હું તો એના હાથમાં ગુજરાતની લગામ સોંપીને એક તસ્બી લઈ મારા મુકામ પર બેસી જઈશ. મને ધાસ્તી તો લાગે છે દિલ્હીના પ્રબલ બનતા જતા મુગલશાહ અકબરની. માટે જ હું મારા બાળા સુલતાનની પહેરેગીરી કરતો ખડો છું.’ ઇતમાદના આવા ઉદ્‌ગારો સંભળાતા. શ્યામ અને સફેદ વાળોના મિશ્રણથી કાબરી બનેલી દાઢીના કેશ પસવારતો એ સુલતાન-રક્ષક ચાર વર્ષોમાં તો બીજા તમામ અમીરોને અળગા કરી નાખી, બાળ સુલતાનનો સંપૂર્ણ કબજો કરી ચૂક્યો. ​ ખાનગીમાં એ સુલતાનને ‘કમબખ્ત’ કહી સંબોધતો, જાહેરમાં કહેતો ‘જહાંપનાહ, ગરીબનવાજ, ખુદાવંદ’. પાંચમાં વર્ષના એક વહેલા પરોઢિયે નહનૂ મુઝફ્ફર ગહરી નીંદમાં હતો. ઇતમાદખાને બાજુના ખંડમાં આખી રાત જાગરણ માંડ્યું હતું. એ ચુપકીદી ભયાનક હતી. કેમ કે માણસો શબ્દ બોલવાને બદલે ઇશારતોથી અને ગુસપુસ અવાજથી વાર્તાલાપ કરતાં હતાં. બુલંદ ગુસ્સાની ત્રાડો કે યુદ્ધના રક્તપિપાસુ લલકારો કરતાં ય એક વાણી વધુ ભયાનક છે. જીવલેણ જનાવરોની ભૂખી ત્રાડો એની પાસે ફિક્કી પડે છે : એ વાણી છે માનવીની ઇશારતોની બનેલી. મશાલો આવતી ને જતી હતી. અશરફીઓના થેલાઓ બહાર નીકળતા હતા. ઈતમાદખાં પોશાક પહેરીને તે પર અસ્ત્રશસ્ત્રો સજતો હતો. સજી રહ્યો. બાળ સુલતાનના ખંડમાં આવ્યો. સખ્ત હાથની ભીંસ દઈને એને ઢંઢોળ્યો. “અમ્મા!” બોલતો નહનૂ મુઝફ્ફર ઝબકી ઊઠ્યો. ઇતમાદે એના મોં સામે ચુપકીદીની નાક-ઇશારત કરી અરધા પોશાકભેર જ બહાર ઉઠાવ્યો. ઘોડા તૈયાર હતા. એક ઘોડા પર સુલતાનને ચડાવી, પોતે પણ ઘોડેસવાર થયો. બહાર નીકળતાં તો પચીસેક ફોજી સવારો એને વીંટળાઈ વળ્યા. ઘોડા મારી મૂક્યા. આખી વાટમાં ઇતમાદે નહનૂને કશી બાતમી આપી નહિ. એટલું જ કહ્યું : “તારો જાન જોખમમાં છે. જીવવું હોય તો જલદી ઘોડો હંકાર.” ઘણે દૂર નીકળી ગયા પછી જ એને એનાં કપડાં પહેરાવ્યાં. એના ગજવામાં અશરફીઓ ભરી દીધી. માર્ગે બાતમીદારો મળતા જતા હતા. કાસદો સાંઢ્યો ઝોકારીને ઠેકઠેકાણે ઊભા હતા. સમાચારો બંડના હતા. બીજા અમીરોએ બંડ જગાવીજગાવી ફોજો હંકારી હતી. ભદ્ર ઘેરાઈ ગયું હતું. “ભલેને ચૂંથતા માળાને!” ઇતમાદે દાઢી પર હાથ પસવાર્યો : “બુલબુલ તો મારી પાસે જ છે ને!” ​ મજલ કાપતાં કાપતાં કપડવંજ આવ્યું. ત્યાં બે દિવસનો આશરો લીધો. બંડખોરોનાં લશ્કરોએ કપડવંજની ધરતીને પણ ધ્રુજાટી આપી. વૃદ્ધ ઇતમાદે બાળ સુલતાનને ઘોડે નાખી ત્યાંથી પણ ઉઠાવ્યો. ‘જલદી હાંક, જલદી ઘોડો હાંક! તારો જાન જોખમમાં છે’, એવો ડર બતાવતો ઇતમાદમાં એની પાછળ હતો. રાત પડી ગઈ હતી. બાળકનો જીવ એ પહાડી ઘોડા પર ઠેરતો નહોતો. મજલ કપાતી નહોતી. પંખીનો પીંજરાધર વજીર ઇતમાદ ખિજાતો હતો. ખીજનો પારો આખરી આંક સુધી ઊંચે ચડી ગયો. “હેઠ નામર્દ! હેઠ વ્યભિચારિણીના ફરજંદ!” એવા શબ્દો ઇતમાદના હોઠમાંથી સર્યા. એ શબ્દોએ બાળકની સળવળતી મર્દાઈને આગ ચાંપી. બાળકે પોતાના અશ્વને એડી મારી. અશ્વ ઊપડ્યો. લગામે નાના પંજામાં ઝીંક ન ઝાલી, બાળ સુલતાને ઘોડાની ગર્દન પર દેહ ઢાળી દઈ બાથ લીધી. એને લઈને ઘોડો ઊપડ્યો. ઘોડાએ સીધા માર્ગો મૂકીને સીમના નદીઓ અને નાળાંના, ભેખડો અને ખાડાના આડમાર્ગ પકડ્યા. ઇતમાદ અને એના ફૌજી સવારો સમજે – ન સમજે ત્યાં તો ઘોડાએ નાળાં ટપી, નદી વટાવી, ઝાંખર પર છલંગો મારી બાળ-અસવારને રાતના અંધકારમાં ગાયબ કરી દીધો. ઘોડો દોટમદોટ જાય છે. પગલું ચૂકતો નથી. ઠોકર ખાતો નથી. પોતે એકાકી બન્યો છે. પાંજરું તૂટી ગયું છે, ચિડિયાંનો ચોકીદાર પાછળ રહી ગયો છે. બાળકને ભાન થયું, મુક્તિનું ભાન થયું. અનંત આકાશની આસમાની હેઠળ, અહોહો! શું આટલી બધી સ્વતંત્રતા પથરાયેલી છે? પૃથ્વી શું આટલી બધી પહોળી છે? રાંગમાં શું આવો વેગધારી રેવત છે? અંધકાર શું અભેદ્ય અને બિહામણો નથી? યૌવન શું જાગવાની જ રાહ જતું હોય છે? જાગ્યા પછી શું એને ડર નથી? રુકાવટ નથી? બાળક એકલો રંગમાં આવી ગયો. એના બીકણ કલેજામાં આઝાદીના ફુવારા ઊછળ્યા. એનો દેહ ઘોડા પર ટટ્ટાર બન્યો. ભય ​ ગયો, આત્મશ્રદ્ધા આવી. કેદ તૂટી, પાંખો ફૂટી. મનુષ્યોનો સંગ મટ્યો, અનંત સિતારા અને નિઃસીમ પૃથ્વીનાં મેદાનો સંગાથી બન્યાં. દોડ્યો જા, રેવત, દોટમદોટ લઈ જા મને, મરજી હોય ત્યાં લઈ જા. તેડી જા મને મારી અમ્માની પાસે. અમ્મા મરી ગઈ છે. મૃત્યુ અમ્માની ગોદ છે. માને પડખે પોઢાડનારું મોત મંગળ છે. એ મોતથી બીતો બંધ થનાર યુવાન જિંદગીને ચાહવા લાગ્યો. પળેપળ એને જીવવા જેવી લાગી. હવાની હરએક લહરી અને માતાના પયપાન જેવી મીઠી લાગી. એ એક જ રાત્રિએ કિશોરાવસ્થાની કૂખેથી તસતસતા જોબનને જન્મ આપ્યો. પ્રભાતની લાલી પથરાઈ, ને સોરઠ-ગુજરાતની મિલન-ભોમ કંકુવરણી બની. સીમનાં સરોવરડાંનાં હૈયાં ઉપર બાળ-સૂર્યનાં કિરણોના ગલ પડ્યા, ને બાળ નહનૂના વીરત્વનું પ્રતિબિમ્બ અંકાયું. ઘોડો ચાલતો ગયો, તેમતેમ ધરતી રંગો બદલતી ગઈ. માર્ગે માણસો મળતાં તેને કહેતો કે ‘જૂનાગઢના સૂબાનો માણસ છું. ટપાલ લઈ જઉં છું’. બીજાને બનાવતો કે ‘બાજુમાં જ સુલતાની ફોજ પડી છે, તેનો ઘોડો સાચવનાર છું’. વીરમગામની શ્યામરંગી, વઢિયારની ભૂખરી, પાંચાળની કંકુવરણી, મચ્છુકાંઠાની કાંકરિયાળી, એવી વિધવિધરંગી ધરાને વીંધતો, ખેડૂતોના રોટલા ખાતો, મૈયારીની છાશ પીતો, સોરઠિયાણી માતાઓનાં અણઓળખ્યાં વાત્સલ્યે છલકતી નયનમમતામાં નાહતો એ મુસ્લિમ બાળક, આખરે બે જ દિવસની મજલ વટાવીને હાલારના એક ગામડાને પાદર આવી ઊભો.

“ગામનું નામ?”
“ખેરડી.”
“ગામધણી?”
“લોમો ખુમાણ.”
“એની પાસે મને તેડી જાશો?”

“આ ઊભા ભેંસુંનાં ખાડુ પાસે.” ​ હમણાં જ જાણે જરીક વધુ ઊંચો થશે તો આભને અડકી જશે એવો એક કદાવર આદમી, કરચળીઆળા કેડિયા પર કનેરીબંધ પછેડીની ભેટ લપેટીને ભેંસોના ધણ વચ્ચે એક નાથેલા પાડાની ડોક ખજવાળતો ખડો હતો. એની બગલમાં એણે તલવાર દાબી હતી. એની કમ્મરમાં કટારી પડી હતી. એના માથા પર ઊંચું મોળિયું હતું. વયમાં તો જુવાની વળોટીને પ્રૌઢાવસ્થાના પંથ કાપતો ભાસ્યો. આવા ગજાદાર માણસો તો પઠાણો પણ હોય છે, પણ આવી સીધી, સોટા સમી દેહ-કાઠી તો સૌરાષ્ટ્રના કાઠીઓ સિવાય કોઈની નહોતી સાંભળી સુલતાન મુઝફ્ફરે. ધીરેધીરે ક્યાંક દીઠેલો પણ લાગતો ગયો. ઘોડેથી ઊતરીને જુવાન એક વડને છાંયે ઊભો રહ્યો. ખાડુ વચ્ચે ઊભેલા દરબાર લોમા ખુમાણે અજાણ્યા અસવારને તીરછી નજરે નિહાળ્યો. લોમા ખુમાણની જોવાની એ સ્વાભાવિક છટા હતી. સન્મુખ નજર નોંધીને એ ભાગ્યે જ કોઈના સામું જોતા. ફાટ્યા ડોળા જેટલું જોઈ શકે છે તેના કરતાં તીરછી આંખો ઘણું વધુ, ને ઘણા વિશેષ ઊંડાણે જોતી હોય છે. સામા ડોળા તો જેટલું જુએ છે તેના વડે છલોછલ ભરાઈ જાય છે. ત્રાંસી દૃષ્ટિ બારીક વિગતોનું વાંચન કરી શકે છે, કલેજાં ઉકેલે છે, માણસના ભીતરનો ભાગ માપી શકે છે. આટલું કર્યા છતાં પાછી એ પોતાની જાતને તો સામા જોનારથી સાવ સલામત રાખી શકે છે. “ખબરદાર જો કોઈએ ખેરડીની સીમમાંથી દૂધાળાં ઢોરને ઓછાં થાવા દીધાં છે તો!" લોમા ખુમાણ ગામલોકોને ઠપકો દેતો હતો : “દૂધ ન વરતાં હોય તો ઘોડાંને ધરી દ્યો, પાછાં ભેંસ્યુંને પાઈ દ્યો, પણ કમતી કરશો નહિ. કાઠીની ધરતીને ધમરોળવા નથી દેવી. જુવાનોનાં ડિલ એકલા રોટલાથી નહિ તૈયાર થાય. દૂધ પાવ, ગોરસ ખવરાવો, માખણના પિંડા ને પિંડા જમાડી દ્યો. જમાનો કાળઝાળ હાલ્યો આવે છે. હાલારમાં રહેવું કઠણ થઈ જશે – જો માયકાંગલા જુવાનો ખડક્યા કરશું તો.” “કોઈક જુવાન અસવાર આવ્યો છે.” માણસે આવીને કહ્યું. ​ “મળાય છે. ધીરા રો’!” “અમીરાતવાળો આદમી લાગે છે.” “મેં જોઈ લીધું છે, બા! અથરાઈ શીદ કરો છો?” લોમા ખુમાણ કશી જ ઉતાવળ કર્યા વગર એકસરખે ગંભીર પગલે વડલા તળે આવ્યાં. ક્યાંથી આવો છો, કોણ છો, ગામતરું કેમ આટલી નાની ઉમ્મરે આદર્યું છે, એવો એક પણ સવાલ પૂછ્યા વગર લોમા ખુમાણે સાદા રામરામ કરીને આ જુવાનની મુસ્લિમ પદ્ધતિની અદબ કરવાની છટા જોઈ લીધી – બેશક ત્રાંસી નજરે. પછી એણે જુવાનની આખી કાયા પર નજર ફેરવી. એના કબજા નીચે બેઉ બાજુ તસતસતાં ભરેલાં ગજવાંમાંથી નાનાં ગોળાકાર ચગદાં છલોછલ લાગ્યાં. કાઠીની ત્રાંસી નજરે એ ગજવાંનો તાગ લઈ લીધો. પરોણાને ઘેર લઈ જઈને પોતે પોતાને હાથે જ ઘોડો ઘોડારમાં બાંધી, પછાડી પગમાં નાખી, પોતે જ ઘાસની બથ ભરીને નીરી. પોતે જ તંગ ઢીલો કરીને માણસોને આડાઅવળા કામે મોકલી આપ્યા. ને એણે પોતાના રાણીવાસમાં એક આંટો માર્યો. બાઈ સાથે કશીક વાતો કરીને એ પાછા મહેમાન પાસે આવ્યા, ત્યારે મહેમાને પોતાના ગજવાં એક રૂમાલમાં ખાલી કર્યા હતાં. સોનેરી સિક્કાઓની ને જવાહિરની ઢગલી થઈ હતી. “આમ કેમ? શા માટે બહાર કાઢો છો?” લોમા ખુમાણે પૂછ્યું. “તમારા કબજામાં સોંપવું છે.” “પણ, બાપ, આટલું મોટું જોખમ?” “હવે જોખમ કેવું? જોખમ તો ઉતારી નાખું છું.” “કેમ?” “સોરઠમાં આવ્યો છું એટલે સલામત છું. સોરઠનાં લોક ઇમાનને ખાતર મરે છે.” “આટલી નાની અવસ્થામાં શી રીતે જાણ્યું?” “તમારા ચારણોની વાતો સાંભળી છે, લોમા ખુમાણ! એ જોખમ ​ તમે જ સાચવી લ્યો.” બાળકે કહ્યું. “પણ... બાપા... મારું મોત...” “નહિ, નહિ, સોરઠના ઇમાન પર મને ઇતબાર છે.” “આંહીં ઓરડામાં આવશો?” જુવાન સુલતાન બેધડક લોમા ખુમાણના ગઢના એક એકાંત ખૂણામાં ચાલ્યો. એણે સોરઠની ઇમાનદારીની વાતો ચારણો પાસેથી સાંભળી હતી. ઓરડામાં એક ઓરત ઊભી હતી, એણે “આવ્યા, ભાઈ! આવો, મારા વીર!” એ શબ્દે સંબોધીને અતિથિનાં દુખણાં લીધાં, ટાચકા ફોડ્યા. “તમે મને પિછાનતાં નહિ હો.” બાળકે આ કદાવર કાઠિયાણીના ખુલ્લા વેશવાળા આગમનથી અને આટલા વહાલભર્યા મિલનથી તાજ્જુબી બતાવી. “ઓળખાણ તો આંખ્યુંની છે ને, ભાઈ! મીટેમીટ મળે એટલે હાઉં, ઓળખાણની ખાણ્ય ઊખળી પડે, મારા બાપ!” યુવાનને કાને પડતી એ વાણી પૂર્વે અણસાંભળી હતી. એ વાણીમાં દર્દ હતું, આસ્થા હતી, મજાક હતી, મીઠાશ હતી – કેટલું હતું! “આ સગી બહેનનું જ ઘર સમજી લેજો, ભાઈ, ભે માતર રાખશો નહિ.” એટલું કહીને કાઠિયાણી પોતાના ધરતીઝૂલતા મલીરને એમ ને એમ ધુળાળું થવા દેતી ગંભીર પગલે ચાલી ગઈ. “અમદાવાદથી પધારો છો ને?” લોમા ખુમાણે મરકમરક મોં રાખીને કહ્યું. “તમે કેમ કરતાં જાણ્યું?” લોકો ખુમાણ ખડો થયો. એણે ઝૂકીને પાદશાહીની અદાથી સલામ ભરી. એ પ્રકારની અદબમાં સોરઠના રાજાઓના હાથ ગુજરાતના સુલતાન સિવાય કોઈને નમતા નથી એવું મુઝફ્ફરે સાંભળ્યું હતું. મુઝફ્ફરે સલામ ઝીલી. પણ પૂછ્યું : “તમે મને ઓળખો છો?” “બરાબર.” ​ “મળ્યા છો?” “રૂબરૂ તો મળવા મને કોઈએ દીધો નહોતો. પણ કચેરીમાં ધારીધારીને નિહાળ્યા હતા.” “ક્યારે આવેલા?” "બે વરસ પર.” “શેની કચેરી હતી?" “જામનગરના જામ સતાજીનો નજરાણો લેવાની.” "સતાજી! નજરાણો!” “આપના સુલતાની રૂપિયા સાથે જામે એની ‘કુંવરી’ પરણાવી તે દિવસે.” “કુંવરી! હા, હા, કુંવરી, હવે યાદ આવ્યું.” બે વર્ષ પૂર્વેના બાળ મુઝફ્ફરને એ કચેરીની આ એક જ વિગત યાદ રહી હતી, કેમ કે એમાં બાળકને રમૂજ પડી હતી. સતા જામે સુલતાની રૂપિયાની સાથે ખૂમચામાં મૂકેલો ‘કોરી’ નામનો નાનો રૂપા-સિક્કો મુઝફ્ફરની સ્મૃતિમાં રમી રહ્યો. “આપે એને ટંકશાળનો હક્ક નવાજેશ કરેલો.” લોમા ખુમાણે યાદ કીધું. “સાચે જ? ઓહો, ત્યારે તો એ મને... હાં, એ આંહીંથી કેટલા દૂર છે?” “ઢૂકડા જ છે.” “એ પણ ત્યારે તો, મને મદદ કરશે. સોરઠનાં માણસો અહેસાન ભૂલતાં નથી એવું મેં ચારણોની પાસેથી સાંભળ્યું છે.” "બધાં જ રૂડાં વાનાં થઈ રહેશે, સુલતાન ધણી! આ સોરઠ તો આપની જ છે. આપ તો અમારાં હાડ-ચામડીના ધણી છો.” “કોઈ વિશ્વાસઘાત તો નહિ કરે ને?" “વિશ્વાસઘાત! સોરઠની ધરાનો કોઈ જણ્યો કરે? તો તો ધરતી રસાતાળ જાય, ધણી!” “તમે ખબર જાણ્યા છે અમદાવાદના મામલાના?” ​ બધું જ જાણતો બેઠો છું. મારા અસવારો દનરીજ વાવડ લઈને આવે છે. આપ હાથમાંથી વછૂટી ગયા પછી ઇતમાદખાં બાપો લપાઈ બેઠા છે. ને અમદાવાદની ગાદી માથે ચંગીઝખાં ચડ્યા છે.” “ચંગીઝખાં?” “હા, સુલતાન.” “ચંગીઝખાં ગુલામ!” "હા, ને એ ઇતમાદખાંને લલચાવે છે, કે પાછા જૂની જગ્યા પર આવીને સત્તા સંભાળી લ્યો.” “ઇતમાદખાં શું જવાબ વાળે છે?” “એ તો આપને જ ગોતે ને?” "લોમા ખુમાણ,” સુલતાનનું મોં ગરીબડું બન્યું : “મને પાછો સોંપી તો નહિ દિયો ને?” “સોરઠમાં આવ્યા એટલે માના પેટમાં બેઠા હો એવું જ જાણજો, ધણી! કોઈ ન સોંપે.” “ને મારે તો ગુજરાતનું રાજ્ય પણ નથી જોતું, લોમા ખુમાણ. મારે કિતાબો ભણવી છે, ઘોડેસવારી કરવી છે, તમારા ચારણોને મોંયેથી ઇમાનદારીના અદ્‌ભુત કિસ્સાઓ સાંભળવા છે.” “એ બધું ય ઠીક, પણ રાજપાટ શા માટે પાછું નથી જોતું? તમે હક્કદાર છો, સાચા સુલતાન છો.” “ના રે ના, કાઠીરાજ, હું તો બનાવટી સુલતાન હતો.” “આજ સુધી બનાવટી હતા, તો અમે સાચા બનાવશું. અમે સોરઠિયાઓ આપની ભેરે છીએ.” “સતા જામ પણ?” “અફર. સમજાવવો રહે છે એક ફક્ત આપના જૂનાગઢ-સૂબા અમીનખાન ઘોરીને.” "હા, હા, અમીનખાન. અમીનખાનને મારા ઉપર ભારી પ્યાર છે. અમીનખાનની પાસે હું જલદી પહોંચી જાઉં.” ​ “કાંઈ ફિકર કરો મા, ખુદાવંદ! અમે સોરઠના પોતરા આપને માટે શરીરની ચામડી ઉતારી દેશું. આપ નિરાંતે રહો. હું તેલ જોઉં, તેલની ધાર જોઉં, કોઈ ક્યાંય ફસાવી ન દ્યે, એવી ચાલબાજી ચાલવી જોવે. આપ સુખે સૂઓ. મારા કાઠીઓ આપને માટે માથાં દેશે. આપ સુલતાન છો એ તો ઠીક, પણ આપ અમારા શરણાગત છો. શરણાગતિ સમો બીજો કોઈ ધરમ સોરઠના પોતરાઓએ જાણ્યો નથી.” “ને પાછાં, ઓહોહો! મને અજાણ્યાને એક સોરઠિયાણી બહેન મળ્યાં. હવે મને શેની બીક હોય?” અને આઠ દિવસ પછીની એ સોરઠી રાત પોતાના શરણાગતને ખોળામાં ઘસઘસાટ પોઢાડી દઈ, બેઠીબેઠી અનંત ઝાકળ-બિન્દુઓનાં આંસુડાં પાડતી હતી.