બે દેશ દીપક/શ્રદ્ધાંજલિ
જાહેર જીવનમાં સદાય સંગ્રામ ખેલનાર, શત્રુ કે મિત્ર સહુના ઉપર આક્રમણ કરી તૂટી પડનાર અને પોતાને માટે તેવી જ આકરી કસોટી માગી લેનાર જન્મસિદ્ધ લડાયક નર આ લાજપતરાય એના ખાનગી જીવનમાં કેવા હતા? મીણ જેવા મૃદુ અને બાળક જેવા નિર્દોષ પોતે જાતે પૂરા વિનોદી હતા, અન્ય સહુનાં ટોળટિખળ કરતા અને પોતાનું ટિખળ થતું પણ માણી શકતા. નાનાં બાળકોના તો પરમ પ્રેમી હતા. બચ્ચાં સાથેની રમતોમાં એને ફિલ્સુફીની ચર્ચાથી પણ અધિક આનંદ પડતો. મિત્રોનાં
બિમાર બચ્ચાંની પથારી પાસે બેસીને કલાકો સુધી દેશભક્તિની કથાઓ કહેનાર લાજપતરાયને આજે મિત્રો યાદ કરે છે. પરદેશમાં પણ એને ગોરા મિત્રોનાં બાળકો સાથે રમવાનું સહુથી વધુ સુખકર થઈ પડતું. આજે એનાં સ્મરણો લખતાં એક સ્નેહી કહે છે કે–
‘મંદ મંદ મલકતા એ મુખ સામે તાકીને હું ઊભો હતો, અને એ ન ભૂલાય તેવી બે આંખોના કોમળ મધુર દૃષ્ટિપાત વડે અવારનવાર મારી મહેનતનો મને બદલો વળી જતો.
‘પછી તો હું મોટો થયો, એને ઓળખતો ને ચાહતો થયો, તેમ તેમ તો એ અવિસ્મરણીય બે આંખોમાં હું કોઈ ગુપ્ત વાણી ઉકેલતો થયો. એ આંખોમાં તો મને મનુષ્યોમાં વિરલ એવા એક આત્માનું દર્શન થયું : માનવકલ્યાણ માટેની ધગશથી સળગતા અને અવિશ્રાંત કામ કરતા આત્માનું એ દર્શન હતું. પણ મને નથી ખબર કે એ આત્માને રાજકારણમાં કેવોક રસ પડતો હતો. એમની સાથેની મારી વીસ વર્ષની ઓળખાણ દરમ્યાન રાજકારણ વિષે એવો એક પણ શબ્દ મેં એના મોંમાંથી નથી સાંભળ્યો કે જેમાંથી રાજકારણ તો એક અનિવાર્ય આપત્તિ હોવાનો ધ્વનિ ન નીકળ્યો હોય. બહેતર પરિસ્થિતિમાં ને મૂક્ત વાતાવરણમાં લાલાજી રાજનીતિજ્ઞ નહિ પણ કોઈ ઝેવીઅર સમા કે સાવન્રોલા સમા પરમ સુધારક જ થયા હોત, લડવૈયા તો હરગિજ બન્યા હોત, પણ પાપ સામે, દુ:ખ સામે ને રોગ સામે લડાઈ માંડત. અંધકાર સામે યુદ્ધ કરતા પ્રકાશના પયગમ્બર તરીકે જીવન ખતમ કરીને એ પોતાના મૃદુ રૂઝણ-સ્પર્શનાં જ શીતલ સ્મરણો મૂકી જાત.
‘દિવસભર જ્યારે એ રાજકારણથી ધરાઈ રહ્યા હોય ત્યારે, એટલે કે હમેશાં સાંજરે જ હું એમને મળવા જતો. કેમકે મૂક્ત અને નિર્દોષ હૃદયે તો એ ત્યારે જ હસતા. મેાટી મેાટી–પોતાનાથી પણ મહાન પુરૂષોને પટકી નાખનાર મોટી વિપત્તિઓની વચ્ચે પણ એક બાળકની પેઠે હસી પડવાની પોતાની શક્તિને પ્રતાપે જ લાલાજી પ્રત્યેક વખતે શત્રુ સામે પ્રચંડ મોરચો માંડવાનું ભીષણ નિશ્ચય-બળ લઈ કારાગૃહોમાંથી બહાર નીકળતા. એના સત્ય–જીવનનની આ ઉન્નત પળો દરમ્યાન જ એની વાર્તાલહરીઓ એક પછી એક પ્રસંગ પર રેલમછેલ કરતી ચાલી જતી. પ્રસંગોપાત અમે તોફાને ચડતા અને એનું ટિખળ કરતા. એ ટિખળના બદલામાં અમને શું મળતું? પાંચેક મિનિટની એકાદ વક્તૃતા કે જેમાં એની ભાષાસમૃદ્ધિ વિદ્યત્ શા ચમકારા કરતી અમારી ગુફતેગૂમાં નવીન જ ભાત પાડી દેતી.
‘પરંતુ આજે તો મને યાદ આવે છે એ શાંત સંધ્યાઓ, કે જ્યારે એ સંત મેાટી આરામ-ખુરસી ઉપર ઢળી પડતા અને પછી એની રસના મધૂર શબ્દે પ્રેમ અને પરમાનંદના સિદ્ધાંત પર સ્થપાએલી જીવન-ફિલસુફીનું વિવરણ રેલાવ્યે જતી. જીવનની અધમતાના અને વિકૃતિના ભાનવાળી એની પળોને હું આજે નથી સંભારતો. હું તો સંભારું છું પેલી વિરલ ઘડીઓને કે જ્યારે એને જગતના ઈશ્વરી ગૌરવનું ભાન થતું અને જ્યારે પોતાના જીવનના આનંદ બદલ સાચા ભક્તિભરપૂર અંતઃકરણે એ સર્જનહારનો અહેશાન ગુજારતા.
‘પરંતુ હાય! એ મધુર કંઠ આજે ચુપ બન્યો છે ને એ બે આંખોનું ચમકતું તેજ ઓલવાઈ ગયું છે. લોકો મને કહે છે કે એની હત્યા કરવામાં આવી છે. હું એ નથી જાણતો, હું તો માત્ર આટલું જ જાણું છું કે એણે તો પોતાના જાલિમોને, તેઓએ અગાઉ જ્યારેજ્યારે પોતાના પર જુલમ ગુજારેલો ત્યારની માફક આ વખતે પણ ક્ષમા જ આપેલી હશે. કેમકે હૃદયનું રૂધિર તપી જતી વેળા એ સિંહની માફક સંગ્રામ કરતા તે છતાં ‘મેંઢા જેવા ગરીબ' એ વિશેષણ જેટલું એને બંધ બેસે છે તેટલું અન્ય કોઈને બેસતું હોવાની મને ખબર નથી.'
દીનબંધુ એન્ડ્રુઝ લખે છેઃ
‘મારી કલ્પનામાં તો એકની એક જ મૂર્તિ રમી રહી છે : જીવનભર જે દીઠેલી તેની તેજ : હાસ્ય વિનોદ અને રમૂજથી છલકતા : અને એટલા બધા દિલાવર દિલના કે દરેક પ્રસંગે એની બાળક સમાન પ્રકૃતિ ઉછળી આવતી. એક ક્ષણે જુઓ તો કોઈએ કશું કહ્યું હોય તેના ઉપર ધમધમાટભર્યા ઉશ્કેરાઈ પડ્યા હોય અને પોતાના દેશને થયેલા કોઈ અન્યાય ઉપર રોષે ઊભરાઈ રહ્યા હોય; બીજી જ ક્ષણે જુઓ તો એના એજ પ્રસંગની અંદર કોઈ મનુષ્ય-સ્વભાવની નબળાઈનો મુદ્દો નજરે પડતાં તો એ ખડખડાટ હસી પડે. આપણને એમ જ લાગી જાય કે એનો મિજાજ પણ એક બાળકની માફક લહેર અને ગાંભીર્ય વચ્ચે ક્ષણે ક્ષણે પલટા લઈ રહ્યો છે.
‘અંતમાં તો હમેશાં અચૂક એ ઉજળી બાજુ જ નિહાળતા અને એને જરા જેટલી પણ દયામણી વિનવણી થતાં તો એ અન્ય કોઈ પણ મનુષ્ય કરતાં વેળાસર બધું મનદુ:ખ વીસરી જવા ને ક્ષમા કરવા તત્પર થઈ જતા. જેમ જેમ વૃદ્ધ થતા ગયા તેમ તેમ તે એ દિલગજાઈ ક્ષીણ બનવાને બદલે બળવાન બનતી ગઈ. એ તે એનું એક અજબ લક્ષણ હતું. જીવનની અંતિમ ઘડી સુધી એણે પોતાની બાલ–પ્રકૃતિ સાચવી રાખી.
‘મૃદુતા, પ્રેમ, ક્ષમાવૃત્તિ અને ઔદાર્ય-એ તમામ અંશોથી છલકતી વિનોદવૃત્તિ, એ તો એના ચારિત્ર્યનું મુખ્ય લક્ષણ હતું. એ ગુણ તે પોતે બોલતા હોય ત્યારે જાણે કે એનાં નેત્રોમાંથી નીતરતો હતો. આંખોના એક પલકારામાં અને મોં પરના એક સ્મિતમાં તો એના અંતરમાં ભરેલી તમામ વેદના ને તમામ મમતા બહાર ઝલકવા લાગતી. કેટલાએક માણસોમાં એવું મીંઢાપણું હોય છે કે જે એનાં આંતરિક સ્વભાવને અમૂક અંશે છુપાવી રાખે છે, અને એમનાં ઊંડાણમાં શું શું ભરેલું છે તે પામતાં ઘણી વાર લાગે છે. પરંતુ લાજપતરાયનું તમામ ભીતર તો પલકમાં બહાર ધસી આવતું અને એની મુખમુદ્રા જ અંતરની આખી કથા બોલી નાખતી. આ બધું એના બચપણથી જ ખીલતી આવતી એ નિખાલસતા નિર્ભયતા અને સચ્ચાઈને જ આભારી હતું, આનો અર્થ એ નથી કે મેાટી વયે પોતાના નિત્યના વ્યવહારમાં એ સાવધાની નહોતા સાચવી શક્યા. ના, એમ તો એનામાં સંપૂર્ણ કાર્યકુશળતા હતી અને વ્યવહારૂ કામકાજમાં એને છેતરી જવું સહેલ નહોતું. પરંતુ આ સાવધાનવૃત્તિએ એના સ્વભાવને કઠોર નહોતો કરી મૂક્યો. એ શક્તિએ એની મુખમુદ્રા પરથી પેલી પારદર્શક નિખાલસતાને નીચોવી નહોતી લીધી. યત્નથી પણ એ પોતાના મનોભાવને ન જ છુપાવી શકતા.
‘કેવું બાલ–હૃદય! પારીસમાં મી. રાણા રહે છે એનાં પત્ની એક જર્મન બાઈ છે. હું એની સાથે રહેવા ગયેલો. સાથે રહ્યાં તે દરમ્યાન લાલાજી સિવાય બીજા કોઈની વાતો ભાગ્યે જ અમે કરી હશે. એ કોમળ દિલની જર્મન બાઈને તો પોતાનું એકાદ સગું બાળક મરી ગયું હોય એટલી વેદના થાય છે. કેમકે લાજપતરાય ડોસા હોવા છતાં પણ એ બાઈને ‘મા' સમાન જ ગણતા અને એનાં ઘરમાં રહ્યા તે દરમ્યાન તો એના ‘અતિ લાડકા' છોકરા જેવા જ બની ગયેલા. બાઈ કહે છે કે ‘ઓહો! કેવા ગમ્મતી અને નિરંતર મશ્કરીખોર! એનાં હાસ્યથી તો આખું મકાન ગાજ્યા કરતું. ને એ સીધાવ્યા ત્યારે તો જાણે ઘરમાંથી બધું તેજ પણ એની સાથે જ ચાલ્યું ગયેલું.' બાઈની આંખમાં આ બોલતી વેળા જળજળીઆં આવી ગયેલાં. એણે બીજી હૃદયદ્રાવક વાત તો એ કહી કે લાલાજીના અવસાનના સમાચાર સાંભળીને ઘરની દાસી પણ આંસુભેર રડી પડી હતી અને બોલતી હતી કે દાદાજી આ દુનિયા પરથી ચાલ્યા ગયા એ તો જાણે કે મનાતું જ નથી.
‘કોઈએ કહ્યું છે કે સાચી મહાનુભાવતાને શોધી કાઢવાનો સહુથી સહેલો માર્ગ આ છે : એ મનુષ્યની અંદર વૃધ્ધાવસ્થામાં બાલ–હૃદય રહ્યું છે કે નહિ તે તપાસી લેવું. મહત્તાની જો આ જ આંકણી હોય તો લાજપતરાય સાચેસાચ મહાન હતા.
‘અધિકારશાહીને હાથે એને શું શું સહેવું પડ્યું છે એનો હું જ્યારે વિચાર કરું છું ત્યારે તો એની ક્ષમાવૃત્તિનો આંક તાજ્જુબ કરે છે. પ્રથમ પહેલાં ઈ. સ. ૧૯૦૭માં ગભરાટની ઘડીમાં એને સરકારે સંદતર અન્યાયથી હદપારી અને ગિરફતારી આપ્યાં. હરકોઈને પણ ઝેરીલા બનાવી દેવાને માટે એટલું જ બસ થાત, કેમ કે એ સજા છેક જ નિષ્કારણ અને અધર્મી હતી, પરંતુ લાલાજી તો જેવા સૌમ્ય હતા તેવા જ પાછા વળ્યા અને એ દિવસોનાં રાજપ્રકરણ ઉપર પોતાની વ્યવહારકુશળ શૈલીએ સંયમશીલ અને નરમાશભરી અસર પાથરતા રહ્યા. પાછા વળતાં પોતાને જે અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ તેનાથી તેણે પોતાનું સમત્વ લેશમાત્ર નહોતું ગુમાવ્યું.
‘એજ વસ્તુ વારે વારે બની. એનો અમેરિકાનો અનુભવ અત્યંત કટુ હતો, ત્યાં એક બાજુથી એને ગુપ્ત વિપ્લવની હિંસામય યોજનાઓમાં ઘસડી જનારાઓ હતા, અને બીજી બાજુ હતા છુપા જાસૂસો કે જેઓ પલેપલ એના ઉપર ટાંપી રહી એની વાતચીતોમાં એકાદ અસાવધ શબ્દોચ્ચાર પડવાની જ વાટ જોઈ રહ્યા હતા. એ સંજોગોમાં પણ લાજપતરાય તો એના એજ નિર્ભય અને બાળક સમા નિખાલસ ને નિર્દોષ જ રહ્યા હતા. અમેરિકામાં એને ઓળખનારા ઘણાએાએ મને કહ્યું છે કે હિન્દના કોઈ પણ નેતાએ પૂર્વે ન ઊપજાવેલી એવી ઊંડી છાપ એમના પર લાજપતરાયે જ પાડી હતી.
‘મને લાગે છે કે એ મહાન જીવનનું સહુથી વધુ વિલક્ષણ તત્ત્વ એના પ્રત્યેક ગુણોની જૂજવી ઉચ્ચતામાં નહિ પણ એ તમામ ગુણોની દુર્લભ મિલાવટમાં રહેલું છે.'
[પંડિત મોતીલાલ નેહરૂ ]
‘યુનીવર્સીટીની ઉચ્ચ કેળવણીનો લાભ એને મળ્યો નહોતો, પરંતુ એ ન્યૂનતાને એણે પોતાના સ્વયંશિક્ષણ થકી ને વિશેષે કરીને તો વિદેશના અનુભવો થકી પૂરી લીધી હતી.
‘એના પ્રત્યેક બોલની પાછળ એક સાચું ને સળગતું વ્યક્તિત્વ ઊભું હતું. પોતાના અભિપ્રાય પર મક્કમ રહીને મરી ફીટવાની શક્તિ આપનાર આત્મશ્રદ્ધા અને અડગ હિમ્મતમાંથી ઘડાયેલું એ અદમ્ય વ્યક્તિત્વ હતું. એ ગરીબોનો બંધુ હતો અસમાનતાને ધિ:કારનાર અને સામાજિક સમાનતાને માટે મથી જનાર એ સાચો લોકશાસનવાદી હતો.'
[તેજબહાદૂર સપ્રુ]
‘લાજપતરાય સંગ્રામ કરતાં શાંતિને વધુ ચાહતા. એ હિંસાવાદી તો કદી પણ નહોતા. એ જાણતા હતા કે હિન્દને સશસ્ત્ર બળવાથી કે ગુપ્ત ખૂનખરાબીથી મુક્તિ નથી મળવાની. અત્યંત સમતોલ મગજનો એ પુરૂષ હમેશાં ચાલુ વસ્તુસ્થિતિને સમજતો હતો. કુદરતી રીતે ધર્મ પ્રત્યે ઢળેલા મનવાળા એ પુરુષની એવી પણ માન્યતા નહોતી કે પોતાના દેશ પર પ્રેમ રાખવાને ખાતર અન્ય દેશો પ્રત્યે ધિઃકાર સેવવો અનિવાર્ય છે. પોતાની જાત માટે એ હમેશાં નીચી જ આંકણી રાખતા, પોતાનું ચાલતાં સુધી અગ્રપદે કદી ન ઉભા રહેતા.'
[બિપીનચંદ્ર પાલ]
‘એનું જીવન તો સેવા અને સ્વાર્પણનું મહાકાવ્ય હતું. સદાસર્વદા એનું સ્થાન તો સંગ્રામની મધ્યમાં જ રહેતું.'
[પ્રકાશમ]
‘એક સાચા મહાન રાષ્ટ્રવાદીની અને સ્વાધીનતાને ખાતર લડનાર નિર્ભય યોદ્ધાની હિન્દને આજે ખોટ પડી છે, બલકે આ ખોટ તો સમગ્ર જગતને પડી છે. માનવ જાતિના વિકાસને માટે દસે દિશામાં ઝૂઝનાર એક મક્કમ આંતરરાષ્ટ્રીય પુરુષને જગત આજે હારી બેઠું છે.'
[વિઠ્ઠલભાઈ પટેલ]
‘લાલા લાજપતરાય મરી ગયા. ઘણું જીવો લાલા લાજપતરાય! હિન્દના નભોમંડળમાં જ્યાં સુધી સૂર્ય તપે છે ત્યાં સુધી લાલાજી જેવો માનવી મરે નહિ. લાલાજી એટલે એક માનવી નહિ, એક સંસ્થા. યૌવનથી જ એણે સ્વદેશ-સેવાને ધર્મ કરી સ્વીકારેલ. અને એનું દેશાભિમાન સાંકડા સંપ્રદાયનું નહોતું. એ જગત બધાને ચાહતા તેથી જ સ્વદેશને ચાહતા. એની રાષ્ટ્રીયતા આંતરરાષ્ટ્રીય હતી. તેથી જ યુરોપી લોકોનાં દિલ પર એનો એટલો કાબૂ હતો. યુરોપ અમેરિકામાં એને અનેક મિત્રો હતા. તેઓ એને ચાહતા કેમકે તેઓ એને ઓળખતા.'
મહાત્મા ગાંધીજી