પરકમ્મા/નિવેદન

From Ekatra Wiki
Revision as of 07:24, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} આ પુસ્તક લખાયું તેનું શ્રેય ભાઈશ્રી ઉમાશંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન

આ પુસ્તક લખાયું તેનું શ્રેય ભાઈશ્રી ઉમાશંકરને જાય છે. ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પોતાને સોંપાતાં એણે મને લખ્યું કે લોકસાહિત્યના તમારા સંશોધનકાર્યમાંથી કંઈક chips from the workshop (કોઢ્યમાં પડેલાં છોડિયાં) વીણીને બુ. પ્ર. માં આપતા જાઓ. એ સૂચના મળતાં મેં મારી ટાંચણ–પોથીઓનાં પાનાં ઉથલાવવા માંડ્યાં. કટકા બટકા ને કરચો, છોલ અને છોડિયાં, ઝીણી મોટી ખરઝર પાને પાને વણવાપર્યાં પડી રહ્યાં જોયાં. આજ સુધી જે સંગ્રહો આપી ચુક્યો છું તેના ઉપર નવું અજવાળું નાખે તેવી નાની મોટી વિગતો, વાર્તિકો ને ટૂચકા જડી આવ્યા. તદુપરાંત એક વિચાર ચમક્યો : કે મારી સંશોધન-વાટ પર, મારા રઝળપાટને માર્ગે મને જે જે જીવતાં જનો વાતો કહેનારાં ભેટ્યાં, તેમની ઓળખાણને ગ્રંથસ્થ કરી તેમનું ચિરસ્મરણ પણ કાં ન સંઘરી લઉં. પરિણામ આ લખાણ. બુ. પ્ર. માં તો એ થોડાં પાનાંનું ત્રમાસિક હોવાને કારણે ન આપી શક્યો પણ ‘ઊર્મિ’ માસિકમાં એની લેખમાળા ‘ટાંચણપોથીનાં પાનાં’ના નામે ચાલુ કરી. ‘ઊર્મિ’ના સંપાદકના સાંઢસામાં જો ન ચંપાયો હોત તો નફકરાઈમાં લખવાને ટેવાયો ન હોઈને આ બધો કુટારો સાત જનવારે પણ બંદા ન કરત! આ તો તકદીર બોચી ઝાલીને પાણીમાં ઝીંકે છે તેને જ આભારી છે. આનો ઘાટ એક આત્મકથા જેવો ઊતર્યો છે. પણ એ લેખકની આત્મકથા નથી (એવી કોઈ છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર પણ નથી) આ તો છે મારા વિષયની–લોકસાહિત્યની શોધનકથા. ‘ઊર્મિ’ના વાચકોએ, વિદ્વાનો કે સામાન્યોના ભેદ વિના આ વાચનમાં રસ લીધો છે. જનસામાન્યને એમાં ભરપૂર પડેલા કથાપ્રસંગો રસપ્રદ થયા છે, અને અભ્યાસીઓને એમાં પ્રકટ થતી મારી શેાધન-પદ્ધતિની વિગતો થકી આનંદ ઊપજ્યો છે. આવો લેખનપ્રકાર બીજા કોઈ માણસે ખેડ્યો હોવાનું જાણ્યું નથી. એની અભિનવતા એ એનો ગુણ છે કે દોષ તે તો ખબર નથી. અભિનવતાનું ગુમાન આ આલેખનની પ્રેરણા રૂપ નથી, પણ પચીસેક વર્ષ સુધી જે મારાં પરિભ્રમણોનું ધામ હતું તે ગિરિશૃંગમાલાની ફરતો એક વાર માનસિક ચક્કર લગાવતો જાઉં એ એક જ તરંગને આભારી આ કાર્ય છે.