પરકમ્મા/મન પર મોરલી વરસી
આગળ વધું છું ત્યાં મને એક ગીત રોકે છે— જેમ સુકાય તારી જૂઈનાં ફુલ મારા વાલા જી રે! તેમ તારી ગોરાંદે કરમાય જઈને કે’જો મારા વાલાને રે! લોકગીતોમાં જેને હું ઉત્કૃષ્ટ ઊર્મિગીતો ગણું છું તેમાનું આ એક મને કોણે આપ્યું? ભાવનગરનાં બહેનોએ; મારા મિત્ર કપિલ ઠક્કરના કુટુંબનાં બહેનો મારે માટે એ ભાવનગરની ખવાસણોને પોતાને ઘેર તેડાવી રાસડા લેવરાવતાં. ‘જઈને કે’જો મારા વા’લાને રે!’ એ ગીત એ બહેનોના કોમળ કંઠેથી પ્રથમ વાર જાગ્યું ત્યારે મન પર મોરલી વરસી. ખવાસણોના નાનકડાં નારીવૃંદે ઓરાડામાં ફૂલ ક્યારી જેવડે કુંડાળે ગાયું કે - શેના લીધા મારા શ્યામ! અબોલડા શેના લીધા રે! હૈયામાં રૈ જાશે હામ! અબોલડા શેના લીધા રે! લોકગીતોની નવી લગની લઈને મને આવતો જોયો, લોકગીતોની ઘેલછામાં પડેલો જોયો ત્યારનું મારા પ્રત્યેનું એ કુટુંબીજનોનું વિનોદ-મધુર હાસ્ય હજી પણ મને શ્રવણગોચર થાય છે. એમને, ઘરનાં સર્વને, લોકગીતો એ તો જે ઘરનો શોખ હતો તે ઘરનાં આબાલ-વૃદ્ધ તમામને, મેઘાણી લોકગીતોની લતે ચઢે એ એક કૌતક બન્યું. લોકગીતો મારે માટે તેઓ પૂંમડે પૂંમડે વીણી આપતાં. દેવપૂજામાં હાલરડું ઘરમાં પ્રભાત પડે છે, બીજે માળે ટોકરી વાગે છે, કોઈક ગાય છે— ‘તમે મારાં દેવનાં દીધેલ છો ‘તમે મારાં માગી લીધેલ છો ‘આવ્યાં ત્યારે અમર થૈને રો! કરુણતાઘેરે કંઠે કોણ ગાય છે? કપિલભાઈ-કંચનબહેનનાં બા ગાય છે. પુષ્પો ને ધૂપદીપના મંગલ વાતાવરણ વચ્ચે મઢાયેલું એ લોકહાલરડું મને દેવની વૃદ્ધ પૂજારિણી મોંઘીબા પાસેથી મળ્યું હતું. આજે ઓગણીસ વર્ષોથી ગુજરાતને હૃદયે રમતું મૂકેલું એ હાલરડું સ્વ. મોંઘીબાનું પૂજન-સ્તોત્ર હતું. મોંઘીબા મંદ મંદ મલકતાં જાય અને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં મને ગીતો સંભળાવે. એમાંનું એક, જે ગાતાં ગાતાં એ ગદ્ગદિત બનેલાં (કંઈક તો પોતે પુત્રવધૂઓ પર કડક રહેતાં તેના આંતર્-મંથનને લીધે હશે!) તે ‘ચૂડલો’ મારા ટાંચણમાં છે— ચૂડલો કમાડ પછવાડે માતા દેવકી ને સાંભળે વહુની રે વાત; અમ રે સાંભળતાં વવારૂ બોલિયાં હવે કેની રાખશે લાજ! તેડાવો ગામ ગરાસીઆ રે લખાવો રે કાગળ! વેગે તેડાવો વઉનો બાંધવો રે વઉને મૈયરીએ મોકલ! રોતી રોતી વહુ કહે છે — અરેરે! કીડી પર આટલાં કટક લઈને શું ચડી આવ્યાં છો! કીડી ઉપર શું કટકાયું કરો રે માતા! રાંક ઉપર શો રોષ. બાળક જાણી અમે બોલિયાં રે હવે! દયા કરો મુજ દોષ. બસ, સાસુને તો સંતોષ થઈ ગયો! દયા ચડી રે માતા દેવકીને ચાંપ્યાં છે રૂદિયાની સાથ, જે રે જોયેં તે મગાવજો રે તમારો પિયુ તે પાટણ જાય. જોજન કેરી સાંઢડી રે માતા પવન-વેગે જાય; ઊંડણ દાંત ન વોરશો હું નૈ પે’રૂં જમણે હાથ. પીળા પોગરનો ચૂડલો રે મારી બાંવડલી ઢંકાય; નંદ રે નારણજીએ પાઠવ્યો રે મૂલ કરે કે મોરાર ત્રીકમજીએ તોળાવિયો રે વેરાવે વૈકુંઠ જાય, સોનાની જીવીએ મઢાવિયો રે પેરણ રાધાને હાથ. આર્થિક ભીંસમાં પણ ઉજળાં મોં ને ઉજળી રખાવટ જારી રાખીને, ઘણાં બાળકોને, પૌત્રપૌત્રીઓને મોટાં કરી, અને એવાં ‘પાણા પઠે પકવેલાં’ કેટલાંયને મસાણે વળાવીને મોંઘીબા ગયાં.
‘ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે’ ઊભી ઊભી ઊગમણે દરબાર રે કાગળિયા આવ્યા રાજના રે લોલ. ઊઠો દાસી, દીવડિયા અંજવાસો રે કાગળિયા આવ્યા રાજના રે લોલ. કોરે મારે લખિયું છે સો સો સલામું રે વચાળે વેરણ ચાકરી રે લોલ. ચાકરીએ મારા સસરાજીને મેલો રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ. સસરા-ઘેરે દરબારી છે રાજ રે દરબારી પૂરાં નૈ પડે રે લોલ. ચાકરીએ મારા જેઠજીને મેલો રે અલબેલો નૈ જાય ચાકરી લોલ. જેઠ-ઘેરે જેઠાણી તરજાત રે ઊઠીને ઝઘડો માંડશે રે લોલ. ચાકરીએ મારા દેવરજીને મેલો રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ. દેર ઘેરે દેરાણી નાનું બાળ રે મોલુંમાં એકલ નૈ રહે રે લોલ. લીલી ઘોડી પિતળિયાં પલાણ રે અલબેલો નૈ જાય ચાકરી રે લોલ. ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું રે આલબેલા ક્યારે આવશો રે લોલ. ગણજો ગોરી પીપળિયાનાં પાંદ રે એટલે તે દા’ડે આવશું રે લોલ. ટાંચણ-પોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય લઈ ગયેલા હાથના છે. એ હાથની ઉષ્માને આસ્વાદી હતી ચોવીશ વર્ષ પૂર્વેના જેઠ વદ નોમની રાત્રિયે. अलम ઉતારનાર ગયું છે. ઉતરાવનાર પણ નથી. અક્ષરો સ્વચ્છ યાદ આપે છે. જેઠ કે અષાઢની સાંજ હતી. ભાદરકાંઠે જેતપૂર ગામ, બીલખાનો દરબારી ઉતારો. માસાજી શિવલાલ ગોસળિયા એ રજવાડાના સરકાર–નીમ્યા હાકેમ. હોકો પીતા પીતા, ઊંચા મોટા મેજ ઉપર રેંટિયો મૂકીને કાંતતા, હાંકેમી કરતા-’૨૨ના રાજદ્વારી વિપ્લવયુગને ખરે મધ્યાહ્ને. ગોરા પોલીટીકલ હાંકેમોની મોટર–ગાડીઓ દરવાજે ઊભી રહેતી, છતાં શિવલાલ ગોસળિયાનું કાંતણું ચાલુ રહેતું, ખાદીનો પોશાક અણઢાંક્યો ધારણ થતો. એક ચડ્ડી ને પહેરણભેર બહાર જઈ ગોરા ઉપરીઓને મળતા પણ ખરા. એ ડાંખરા આદમીનું ઘર મારી મહોબતનું ધામ ને મારાં પરિવારનું આરોગ્યાલય. માસીજી સાંકળીબાઈએ કલેજાની કોર પરથી એની ભાણી હસ્તક ઉતરાવેલું આ કરૂણ લોકગીત છે. હતાં તો માતૃસ્થાને, પ્રૌઢ ને પાકટ, છતાં મારી કને ન ગાયું. કારણ છે. શિવલાલ ગોસળિયા જૂના-નવા યુગની સંક્રાંતિ–ધારે ઊભેલા કાઠિયાવાડના રાજકોટવાસી હતા, સમકાલીનોમાં સુશિક્ષિત હતા, કરડા હતા, ચોખલિયા હતા, ને લોકગીતો જેવી અળખામણી વાણીને તો ઘરમાં ચૂપ કરનારા હતા. કવિતા સાથે કજિયો કરી બેસે એવા ડરામણા એ વડીલ એક વાર કહે કે સંભળાવો તો! સંકોચ પામતે પામતે મેં ગાયો— ગોપીચંદનો ગરબો : સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, ગોપીચંદ રાજા બેઠો ના'વા રે ભરથરી. હાથ પગ ચોળે એના ઘરની અસતરી વાંસાના મોર ચોળે માતા રે ભરથરી. મોર ચોળંતાં એનું હૈયડું ભરાણું જો નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી. નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી. ટપ! ટપ! ટપ! ગોપીચંદ કુંવરને નવરાવતાં જનેતાનાં નેણલેથી આંસુડાંની ધાર થઈ પુત્ર ઝબક્યો : ઊંચે જોયું : મા, શીદને રોવું આવ્યું? કે બાપ— આવી રે કાયા તારા બાપની હતી જો! ઈ રે કાયાનાં મસ્તુક હુવાં રે ભરથરી! સાંભળીને ગોપીચંદે ભરપુર ભોગની વચ્ચેથી ઊડીને કાયાને અમર કરનાર ભેખ લીધા વગેરે વગેરે જેમ સાંભળતા ગયા તેમ તે જવાંમર્દ અને કરડા ગોસળિયા રડતા ગયા. કહે કે ચૌદ વર્ષનો દીકરો સાતેક વર્ષ પર મુએલો તે સાંભર્યો. ચકિત બન્યા કે ‘લોકગીતોમાં શું આવું ભેદક તત્ત્વ ભર્યું છે? મને તો આ ખબર જ નહોતી.’ ‘અં-હં-’ દીકરીઓ ત્યાં હતી તે હળવેથી, ભારે હૈયે બોલી ઊઠી : ‘કેશોદ વગેરે ઠેકાણે ડિસ્ટ્રીકટમાં બાપુ જોડે જતાં ને રાતે ગામની બાઈઓ રાસડા લેતી તે સાંભળીને અમે ય એમાં ભળવા તલસી ઉઠતાં, ત્યારે તો બાપુ અમને જવા ન દેતા, કહેતા કે એ તો હલકાં માણસનું કામ!’ શરમાઈને શિવલાલભાઈએ ભૂલનો સ્વીકાર કરેલો મને તાદૃશ સાંભરે છે. મેં કહેલું તેય યાદ છે, કે આ દોષ કરવામાં આપ કંઈ એકલા નથી. ઘણા પિતાઓ એ સંક્રાંતિ-યુગની ચાબાઈ ચાંપલાઈના ભોગ બન્યા હતા અને સુધારાની શિલા તળે તેમની પત્નીઓ પુત્રીઓની કૈંક હૃદયોર્મિઓ ચેપાઈ પણ ગઈ છે. ચેપાયેલી એવી ઉર્મિઓ એ ઘરમાં ફરી એકવાર મહેકી ગઈ, અને કોણ જાણે કેટલાં વર્ષોના બોજ ફગાવીને માસીજી સાંકળીબાઈના યૌવનકાળનું સંઘરેલ આ ચાકરી–ગીત બહાર આવ્યું— કોરે મોરે લખીયું છે સો સો સલામું રે વચાળે વેરણ ચાકરી રે લોલ. એ રાજ-ચાકરીને તેડે ચાલી નીકળવાનું આખા કુટુંબમાંથી એકલા એક વચેટ દીકરાને માથે જ મુકાયું. ને એ ચાકરીની તો જેટલાં પીપળનાં પાંદડાં તેટલી લાંબી અવધઃ એ સમજનારી વચેટ વહુએ ‘અલબેલા’ને ઉગારવા બહુ જીકર કરી, પણ છેવટે એને જ જવું પડ્યું. ઘરના બીજા તો નાનામોટા સર્વ મરદોને માટે બહાનાં હતાં, નહોતું એક વચેટને. શું કુટુંબમાં કે શું સમાજમાં, ઘરમાં તેમજ વિશ્વમાં, વચેટને-વ્યકિતને અને વર્ગને જ હિસ્સે સંતાપો સરજાયા છે. એ સૈનિકનું ગીત છે; અને આજે જગતમાં સૌથી વધુ વેધક કરુણતા લાખો સૈનિકોનાં દિલદર્દની છે, વર્તમાનને કલેજે આ ‘વેરણ ચાકરી’નું ગીત એ ‘કોન્સ્ક્રીપ્શન’નું ગીત બને છે, રોટીને કાજે ખેતી મજૂરી છોડી લશ્કરી ભરતીમાં ચાલી નીકળનારાઓનું ગીત બની રહે છે. છ છ વર્ષો સુધી જેમણે ઘરનાં દર્શન કર્યાં નથી તેવા લાખોની ગોરીઓ પીપળનાં પાંદ ગણતી આજ બેઠી હશે. એ પાંદ-ગણતરીનો પાર આવનાર નથી. ‘વેરણ ચાકરી’ને તેડે ચાલ્યા ગયેલાઓમાંથી જે અનેકની ગોરીઓ ‘અલબેલા’ને બદલે મરી પરવારેલા અલબેલાઓની વીરતાના ચાંદચંદ્રકોની નવાજેશ પામી રહી છે તેમનાં સર્વનાં કાળજાની કોરે લખાયેલું આ લેકગીત છે. એ ગીતનું ટાંચણ મારી ઉમ્મરનાં અઢાર વર્ષોનો પરદો ઊંચકે છે અને મને સ્મરાવે છે : મારી લગ્નચોરીનું ધામ જેતપુર, ભેખડાળી ભાદર : મારી રસધારના વીર ચાંપરાજની બારી : ટ્રેનમાંથી ઊતરી અધ રાતે જઈ ઊભો રહું ત્યારે ઉઘાડી ડેલીમાં બેઠું બેઠું બે ધીરા વિશ્રભ્મટૌકા કરતું શિવલાલભાઈ–સાંકળીબાઈનું નિત્યનવરસવંતું પ્રૌઢ–જોડલું : મારા માટે ટાણું કટાણું કદી ન વિચારતો એ યુગલનો સત્કાર : શરમીંદા મહેમાનની સાંપટ સમજતી ગૃહિણીએ ડેલીએ આણીને પીરસેલ બાજરાના પાતલા રોટલા પર ઘીના દડબાનું વાળુ : અને પછી તો અણખૂટ વાત–ધારા. લેણાદેવી પણ પૂરી હતી ના! ખાદીધારી, રેટિંયો કાંતતા, પાકા સ્વમાની અને ડાંખરા શિવલાલ ગોસળિયા વર્ષો સુધી જેમને કલેજે ખટકતા હતા તેમણે છેવટે એની ’૩૦ વર્ષની જબ્બર નોકરીને એક ઝટકે ખૂંચવી લીધી-કારણ કે અમને ’૩૦ના બેએક રાજકેદીઓને પોતે સાબરમતી જેલે માત્ર વ્યવહારના કામસર પાંચ મિનિટ મળવા આવ્યા હતા! જરાક દિલગીરી દેખાડે એટલી જ હાકેમોને રાહ હતી — જરાક જ દિલગીરી! પણ આખા શરીરમાં નાક હમેશાં ‘જરાક’ જ હોય છે ખરું ને! શિવલાલભાઈ નાક સથુકા જ સંસાર છોડી ગયા