પરકમ્મા/રાદડિયાનું ખીજડિયું
ઊઘડે પાનાં— ચીતળયો કાઠી દરબાર હમીરવાળો : રામ રાદડિયો નામે એનો કાઠી. રામ રાદડિયાને ઘેર મહેમાનગતમાં સાકરની ડમરીઉં ચડે. એક વાર ખુમાણો મહેમાન થઈને ચીતળમાં આવ્યા. ગામમાં પેસીને જરા થંભ્યા. ઘોડા ખુંદી રહ્યા છે. પણ મસલત કરે છે કયે ઘેરે જવું! ‘જો દરબારગઢમાં જાશું તો ખાટિયાં [ ખાટી કઢી ] મળશે. સાકર દૂધની ડમરીઉં તો રામ રાદડિયાને ત્યાં મળશે.’ ‘હાલો હાંકો રામને ઘેર ઘોડાં.’ આ વાતચીત દરબારગઢની ડેલીએ બેઠે બેઠે દરબાર હમીરવાળાએ અને એના કાઠી રામ રાદડિયાએ બેઉએ કાનોકાન સાંભળી. રામને બીક પેઠી : નક્કી દરબાર રજા આપશે! દરબારે મર્મ કર્યો :‘જાવ રામ રાદડિયા, સાકરની ડમરીઉં ચડાવો. આંઈ તો ખાટિયાં છે!’ રામને ઘેર ખુમાણ દાયરો ઊતર્યો, રોજની રીતે રૂડી ભાતની મહેમાનગતિ માણી ને પછી આગળ ઊપડવા ઘોડે પલાણ મંડાય છે ત્યાં જ દરબાર હમીરવાળો આવીને હાજર થયા. રામ રાદડિયાને પૂરો ધ્રાશકો પડ્યો. દરબાર મહેમાનને કહે કે ‘બા! રોકાઈ જાવ.’ કે ‘કાં આપા?’ કે ‘રામ રાદડિયાને ખરચ બહુ છે. એટલે મારે એને ખીજડિયું ગામ દેવું છે.’ તે જ વખતે ખીજડિયું ગામ દીધું. હજુ પણ રાદડિયા ખીજડિયું ખાય છે. માણસાઈ હજી ઝબૂકે છે સોરઠી જીવનનો ‘સંસ્કાર’ ‘સંસ્કાર’ એમ હું જે વારંવાર કહું છું, જે સંસ્કારને હું સોરઠી સાહિત્યકલાસંપત્તિનું જનક ગણાવતાં થાકતો નથી, તે જ આ સંસ્કાર છે. જેની ગાળો ખાતાં ખાતાં પણ ક્ષુધાર્ત ઠાકોર વજેસંગ ખરા બપોરે છાશની ઘેંશ પામ્યા તે ખેડૂતને મોટું દાન દીધું (રસધાર ભાગ ૧ : ‘બેળો’ નામની વાર્તા), જે પોતાનો કારમો શત્રુ હતો તે વીરાવાળાં પર વિષપ્રયોગ થનારો જાણીને તુરત ચાતુરી કરીને ખાંટ ભાયા મેરે શત્રુને બચાવ્યો, (રસધાર ભાગ ૩ : ‘દુશ્મન નામની’વાર્તા) જે પોતાની સ્ત્રીને પરણી બેઠો હતો તે જુવાનને રાતના અંધકારમાં શત્રુહાથે ઘવાયેલો પડેલ દેખી કાંધે ઉપાડી વાઘેરે ઘર ભેગો કર્યો, (બહારવટિયા ભાગ ૨ઃ વાધેરોનાં બહારવટાં) પરરાજ્યના જે પટેલને એની પરોણાચાકરી બદલ ભૂલભૂલથી ગોંડળના કુંવર પથુભાએ પોતાની જમીન જાણી પારકી જમીન સરપાવમાં સમર્પી તે પટેલને તે જમીન તેના ધણી કાઠીરાજે ખરેખાત આપી દીધી (રસધાર ભાગ ૫ રખાવટ નામની વાર્તા), એવા પ્રસંગો સોરઠી જીવનમાં ઠેર ઠેર પડ્યા છે. સાહિત્યમાં મળે તો તો કલાકૃતિ તરીકે જ સારા લાગે, અને વાસ્તવ-જીવનમાં તો એ સામા મળે તો પણ કાં કલ્પિત લાગે ને કાં બેવકૂફીનાં પરિણામો લાગે, એવી એ ઘટનાઓ છે. માણસાઈ ઘસાતી ઘસાતી પણ આટલા જમાના પછી જીવનની અનેકવિધ દીનતા વચ્ચે ઝબૂકે છે, તે જ આવા ‘સંસ્કાર’ ની ઊંડી જડને આભારી છે. ખેલદિલી ‘કરિયાવર’ નામની વાર્તા, (રસધાર ભાગ ૫ ની પહેલી) તો યાદ હશે. હમણાં જ ટ્રેનમાં એક ભાઈએ યાદ કરાવી. પરપ્રાંતે વસેલ એ ભાઈ એ કહ્યું કે ફલાણા ફલાણા એક ભાઈ આ વાર્તા વાંચી વારંવાર રડ્યા છે. વાર્તા એવી છે કે એક વૃદ્ધ બની ગયેલા વિધુર પિતાએ, પોતાને સંતાનમાં જે એક જ હતી તે પુત્રીને પરણાવી કરી, એને આણે તેડવા આવેલ જમાઈ સાથે પોતાના ઘરની કુલઝપટ સંપત્તિ સાથે વિદાય દીધી. જેવી બાઈ બધો કરિયાવર લઈને ગામ સોંસરી વેલડાંમાં નીકળે છે તેવા જ ચોરે બેઠેલા પિતરાઈઓ ડાંગ તલવારો લઈ આડા ફરે છે : ‘નહિ લઈ જવા દઈએ આટલું બધું. વાંસે અમે વારસ બેઠા છીએ.’ બાઈએ કહ્યું– ‘વેલડું પાછું વાળો.’ તેડવા આવેલ ધણીને એણે કહ્યું કે ‘ધાધલ, આ લે, તું આ રૂપિયા લઈ જા. બીજે પરણી લેજે.’ કે ‘કા?’ કે ‘હું તો મારા બાપને દીકરો થયા પછી જ આવીશ. તે પહેલા તું મારો ભાઈ છો.’ બાપને બીજે પરણાવ્યો. દૂધના કઢા પાઈ મર્દ બનાવ્યો. વરસ દહાડે નવી માને દીકરો આવ્યો એની છઠ્ઠી કરી, પછી ધાધલ પતિને કહેવરાવ્યું કે ‘હવે તું તારે મને તેડી જાજે.’ પછી તો બધું જ લઈને દીકરી સાસરે જવા નીકળી, ચૉરે બેઠેલા પિતરાઈઓને વેલની ફડક ઊંચી કરીને કહ્યું : ‘હવે આવો આડા ફરવા.’ ‘હવે શું આડા ફરીએ? ’ ‘હા જ તો. શું ફરો! ઘોડીએ ભાઈ રમે છે.’ આંહીં સુધી તો મેં વાત આપી છે, પણ તે પછીનો પ્રસંગ ટાંચણમાં જ રહી ગયેલો આજે સામો મળે છે. આ વૃદ્ધ કાઠીના જે બે દીકરા થયા તેનાં નામ સૂરો ને માત્રો. મોટપણે એમણે સાંભળ્યું કે વડાળાના કણબીએ પોતાના બે બળદોનાં નામ આપણાં નામ પરથી સૂરો ને માત્રો પાડ્યાં છે માટે જઈને એને ઠાર મારીએ. ગયા પટેલને ખેતરે. જુએ તો પટેલે બેઉ બળદોની ગમાણમાં એક કોર ખોળ ભર્યો છે ને બીજી કોર કપાશીઆ ભર્યા છે. બેઉને ખાવું હોય તેટલું ખવરાવે છે ને ‘બાપો સુરા!’ ‘બાપો માત્રા!’ કરતો જાય છે. પશુ પર પ્રેમથી ઓછો ઓછો એ થઈ રહ્યો છે. બેઉ ભાઈઓ ગયા’તા તો પટેલને મારવા, પાછા વળ્યા બન્નેની ઘોડીઓ પટેલને ઈનામમાં આપીને. એની એ જ વાતઃ સંસ્કાર : આજે આપણે એને ખેલદિલી, રમતવીરતા, સ્પોર્ટસ્મેનશીપ વગેરે અનેક શબ્દો વડે ઓળખીએ છીએ. ખાનખાનાન નવાબ દાનના પ્રકારો વર્ણવું છું તેજ ટાણે ટાંચણનું નવું પાનું દાનના ઉદાત્ત સંસ્કારનો મર્મ બતાવતો પ્રસંગ રજૂ કરે છે — ખાનખાનાન નવાબ, એ નામના મોટા અમીર અકબરશાહને રાજદરબારે શોભતા હતા. દાનેશ્વરી હતા. પણ દાન દેતા દેતા શરમાતા. કવિ પ્રશ્ન લખી મોકલે છે. સીખે કહાં નબાબ જી, એસી દેતે દેન? જ્યું જ્યું કર ઊંચે કરો, ત્યું ત્યું નીચે નેન. અર્થ—હે નવાબ ખાનખાનાન! આવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા, કે જેમ જેમ હાથ ઊંચો કરો છો તેમ તેમ નેણાં નીચાં ઢળે છે? ખાનખાનાન જવાબ મોકલે છે. (તે કવિ હતા) દેને વાલા ઓર હે, ભેજત એ દિનરેન, લોક ભરમ હમ પે ધરે તાતે નીચે નેન. અર્થ—હે કવિ, દેવાવાળો તો કોઈક બીજો (અલ્લાહ) છે. દિવસરાત મોકલે છે તો એ. પણ લોકો એનો ભ્રમ મારા પર આરોપે છે, (કે હું આ દઉં છું) તેથી લજ્જા પામીને મારાં નેણાં નીચાં ઢળે છે. અકબર–દરબારનાં ‘રત્ન’ ગણાતા એ નેકપાક શાહિર–સેનાપતિ ખાનખાનાન પર, સ્વર્ગસ્થ મહારાણા પ્રતાપસિંહના પુત્ર રાણા અમરસિંહે, મુગલ–સામ્રાજ્યનાં પીડનોથી તોબાહ પુકારતા આ બે દુહા મોકલ્યા તે પણ આજે ટાંચણમાંથી જડી આવે છે ને સ્વ. ગગુભાઈનું સ્મરણ તાજું કરાવે છે. કમધજ હાડા કુરમ્મા મહલાં મોહ કરન્તા; કહજ્યો ખાનખાનાન મેં બનચર હુવા ફિરન્ત અર્થ–રાઠોડો, હાડાઓ ને કચ્છવાહા ક્ષત્રિ રાજવીઓ તો અકબર–સામ્રાજ્યને શરણે થઈ જઈને મહેલોમાં મોજ કરે છે, હું એક જ વનનું વનચર બનીને ભટકું છું. ચહવાણાં દલ્લી ગઈ, રાઠોડાં કનવજ્જ; કહજ્યો ખાનખાનને એ દન દીધે અજ્જ અર્થ–ચહુવાણોની દિલ્હી ગઈ, રાઠોડોનું કનોજ ગયું, એજ દિવસ મારા મેવાડનો પણ આજે દિસે છે. તેના જવાબમાં ખાનખાનાન ભાવિની વાણીથી ભરેલો દુહો મોકલે છે. ધર રહસી, રહસી ધરમ્મ, ખપ જાસી ખુરસાણ, અમર! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ! અર્થ–ધરા રહેશે, ધર્મ રહેશે, ખોરાસાનીઓ (પરદેશી પીડકો) ખપી જશે. હે અમરસિંહ! વિશ્વંભર પર વિશ્વાસ રાખજે. રસજાવટની વિવિધતા ‘ધર રહસી, રહસી ધરમ...’ એ શબ્દ મારા સ્વ. ચારણમિત્ર ગગુભાઈ નીલાના કંઠેથી જ્યારે પ્રથમ વાર ઊઠ્યા ત્યારવેળાનું તેમનું મોં અત્યારે પણ નજરે તરવરે છે. એ મોં પર, આ દુહો બોલતાં બોલતાં, ખાનખાનાનનું આત્મસંવેદન ઝલક મારતું હતું. મોં પર પસીનાનાં ટીપાં બાઝતાં. સુંદર ગુલાબી ઝીણી કિનારવાળા દુપટ્ટાનો છેડો લઈને પોતે મોં લૂછતા, હાથના પંજાનો ઝટકો મારીને કહેતા- ‘ખપ જાસી ખુરસાણ.’ ‘ધર રહસી’ બોલતે ધરણીના પરમ સ્થૈર્યનું મહાસ્વરુપ હાથની સ્થંભમુદ્રાએ ખડું કરતા, અને આકાશ સામે આંગળી ચિંધાડીને, માનવના તૂટતા મહાસામર્થ્યને ટેકવી લેતા હોય તેમ બોલતાઃ ‘અમર! વિશંભર ઉપરે રાખ નહચ્ચો રાણ!’ – આશા અને આસ્થાના શા એ બોલ હતા! થોડાક જ બોલ, પણ ચારણના બોલ, વલોવાઈ જતા એક મુસ્લીમના હૈયા–બોલ:– ‘ધર રહસી, રહસી ધરમ...’ પરિહાસ તો જેની વાણીમાં પગલે પગલે આવતો હતો, એ ગગુભાઈની પાસે આ ત્રણ દુહા ઉચ્ચારતી વેળા નરી પ્રાર્થના, નરી આરઝૂ, નરી આપદા જ છવાઈ રહેતી. આંખોમાં જળના ટશીઆ આવતા. વીરોચિત કારુણ્ય વાળી ઘટનાઓને એની ઉત્કટતાએ પહોંચાડવામાં ગગુભાઈ કેટલા પાવરધા હતા તે તો મારી ‘રાઠોડ ધાધલ’ની વાત (રસધાર ભાગ ૩)ને યાદ કરનારા વાચકો કલ્પી શકશે. જોગીદાસ ખુમાણે અને રાઠોડ ધાધલે મળીને એક કાળા બપોરે વીજપડીના ખેતર વચ્ચે સાંઠીઓ સૂડતા એક જોબનજોદ્ધ કણબીને બરછીએ માર્યો, અને ધણીને બચાવવા માટે પોતાના દેહ પર ઠાંસેલાં તમામ આભરણોને ઉતારી દેતી આણત કણબણ યુવતીએ ધણીને મરતો દેખી કોદાળીના જે ધડૂસકારા પોતાને કપાળે ખાધા, તેનું વર્ણન યાદ આવે છે? એ વર્ણન ગગુભાઈનું કરેલું. એ પાતકની આહ વૃદ્ધ કાઠી રાઠોડ ધાધલને કેવી જલાવી રહી હતી તે યાદ આવે છે? એ વર્ણન ગગુભાઈનું કરેલું. રાઠોડ ધાધલના વીરમૃત્યુને ‘એપીક’ ઘટના બનાવીને કરેલું આલેખન યાદ આવે છે? એ શિલ્પ ગગુભાઈનું. એ ચિત્રો આલેખવા ટાણે કોણ કહી શકે કે ગગુભાઈની રસના–પીંછીમાં હળવાશ પણ ભારોભાર હશે!– એ હળવાશનો દાખલો મારા ટાંચણમાં એકલિયા બહારવટિયાના બ્યાન રૂપે મોજુદ છે. છોકરું મોઈડાંડિયે રમતું હોય એટલી મોજભરી બાનીમાં ગગુભાએ એકલિયા નામના ચોરને આલેખ્યો—