ભૂંસાતાં ગ્રામચિત્રો/પ્રતિભાવ: દ્વૈત અને દ્વંદ્વમાંથી જન્મતી વેદના — ધીરેન્દ્ર મહેતા
મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખકમાત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે — એનાં રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વ રૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ પોતે તો ઉતરડાઈ ગયા છે, પરંતુ એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની સ્થિતિ જુદી છે. ત્યાં તો આજેય આ ચિત્રો અકબંધ છે — આ ભળભાંખળે જાગતું ગામ, આ એનાં સીમ-સીમાડા, આ એનું પાદર, નેળિયું… મણિલાલ એની વાત માંડે છે — આપણને એની ઓળખાણ આપતા હોય એ રીતે અને પછી પોતે હળવેક રહીને એ સૃષ્ટિમાં સરી પડે છે. વાત માંડવાની એમની રીત રસિક અને એમણે માંડેલી વાત આપણે માટે કૌતુકરસિક એટલે આપણેય એમની સાથે ને સાથે…
વાત આપણે કૌતુકરસિક હોવાનું કારણ એ કે આપણે એ જગતના જીવ નથી. મણિલાલ એ જાણે છે એટલે જ તો આ ઢબે એ વાત કરે છે : પહેલાં તો એ આપણને વિસ્તારથી સમજ પાડે છે કે આ ભળભાંખળું એટલે શું, સીમ અને ગામનો શો સંબંધ, પાદર કોને કહેવાય, નેળિયુંનો અર્થ? પછી ધીમે રહીને આપણને એની વચ્ચે મૂકી દે છે — એ આખા વાતાવરણ વચ્ચે અને પોતે દૃશ્ય-શ્રાવ્યની મદદથી એને સજીવ કરવા ચાલે છે. એમાં આપણે જોઈએ છીએ મંદિરના મહંતને અને કપિલેશ્વરના બાવાને, ધના સોમા પટેલને, ઘરડી માને અને જીવીભાભીને, દલાકાકાને અને માશીને, લાલાદાદાને, ભાઈરામકાકાનાં કંકુકાકીને — ભળભાંખળું થતાંમાં મંડાઈ જતી એમની પ્રવૃત્તિ સાથે. એ પ્રવૃત્તિઓ એની નોખી હલચલ અને અનોખા અવાજો સાથે આપણને આવરી લે છે. અહીં પરિવેશ મુખ્ય છે અને આ બધી વ્યક્તિઓના પાત્રો—કેરેક્ટર્સ પણ એ પરિવેશનો એક હિસ્સો છે. આ પરિવેશમાંથી જ આપણે ભળભાંખળાનો સાચો અર્થ પામીએ છીએ.
આ ગ્રામસૃષ્ટિ અને કૃષિસૃષ્ટિ એકમેક સાથે જોડાયેલાં છે. સીમ અને શેઢો, ધરુવાડિયું અને ખળું… એમ આપણે સીધા ઘરના વાડામાં આવી પહોંચીએ છીએ અને અહીં પ્રકૃતિ સમાજ અને સંસ્કૃતિ કેવાં એકમેકની ઓથે જીવે છે તેની પ્રતીતિ આપણને થાય છે. ખેતીનાં અને અનુષંગે ઘરનાં સહિયારાં કામકાજ સહુને એકબીજાની સાથે કેવાં ગૂંથે છે અને પોષે છે! ઘરખેતરને અરસપરસ સાથ અને સધિયારો છે અને ‘ધરુવાડિયું તો કુંવારકા જેવું ગણાય’, એમ જ્યારે લેખક કહે છે ત્યારે એનો સંસ્કારસંદર્ભ પણ સ્પષ્ટ થાય છે. આ સૃષ્ટિને જેમ આવા તળપદા સંસ્કારોનો સંદર્ભ છે તેમ તેનાં અસલ જીવનમૂલ્યોનો સંદર્ભ પણ છે. લેખકને આ સૃષ્ટિની માયા છે તેમ એમના પર એનો પ્રભાવ છે તેનું એક કારણ આ પણ છે.
આ વાસ્તવિક સૃષ્ટિ જાણે ભાવસૃષ્ટિમાં રૂપાંતર પામી છે. નજર સામે એનો લોપ થતો જાય છે, પરંતુ લેખકની ચેતનાનું ધરુવાડિયું એના થકી હર્યુંભર્યું છે. સ્મૃતિમાં આમોદ અને સ્થિતિમાં વિષાદ. આ દ્વેત અને દ્વંદ્વજન્ય વેદના એ આ ગ્રામચિત્રોની ભોંય છે અને એથી આ ચિત્રો સંચલિત છે.
ભાષામાં સહજ જણાતો બોલીનો અને કૃષિસંબંધિત લાક્ષણિક શબ્દોનો પ્રયોગ તથા કથનશૈલીને ઉપકારક ગદ્યની તળપદી લઢણ અનેક જગાએ કાવ્યાત્મક બનતી (જેમ કે ‘શેઢો’માં) પદાવલિની જેમ, આ વિશિષ્ટ નિબંધોના સૌંદર્યની વૃદ્ધિ કરે છે. આપણી ભાષાની જૂની મૂડી એમાં સચવાઈ છે.
— ધીરેન્દ્ર મહેતા