કંકાવટી/મોળાકત

From Ekatra Foundation
Revision as of 06:44, 22 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોળાકત|}} {{Poem2Open}} આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મોળાકત

આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. કેવી રીતે વાવે? બરાબર અષાઢની અજવાળી પાંચમે -

 મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો

મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો મારે ... ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો મારે ... વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘઉં, તલ ને મગ: એમ ચાર જાતના દાણા વાવે છે. ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે. દસમને દા’ડે કુમરિકા ડાટો કરે છે. ડાટો એટલે શું? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયે પેટ ભરીને ખાઈ લે. દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વાળીને કુમરિકાઓ નદીએ નહાવા જાય. જાય ત્યારે ય ગાતી જાય:

 મગ મગ એવડા મોગરા રે

તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર! આંબો મોર્યો. ગામનો ગરાસિયો કૃષ્ણ[૧] કુમાર રે પાઘડીમાં રાખે ફૂ•લ, મોરી સૈયર! આંબો મોર્યો. ગામની ગરાસણી ...... બા [૨] રે ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો.

નદીકાંઠે ગારાની ગૌર્ય (ગૌરી) કરી હોય તેને નાહ્યા પછી કુમારિકાઓ પૂજે, પૂજતાં પૂજતાં ગાતી જાય: 

ગોર્યમા ગોર્યમા રે સસરો દેજો સવાદિયા તમે મારી ગોર્યમા છો! ગોર્યમા ગોર્યમા રે સાસુ દેજો ભુખાળવાં[૩] - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે કંથ દેજો કહ્યાગરો. - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે નણંદ દેજો સાહેલડી. - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે દેરાણી જેઠાણીનાં જોડલાં. - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે દેર ને જેઠ બે ઘોડલે. - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે ભગર ભેંસના દૂઝણાં - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે કાઠા તે ઘઉંની રોટલી - તમે મારી૦ ગોર્યમા ગોર્યમા રે મહીં રે માળવિયો ગોળ રે. - તમે મારી૦

રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે. મોળાં અન્ન ખાય. એક વાર ખાઈને ચતેચતાં પથારીમાં સૂઈ પણ લે. ઊઠીને વળી થોડું ખાય. પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહિ. જમી કરી, પથારીએથી ઊઠી, સાંજે કન્યાઓ કાન ઉંઘાડવા જાય. જઈને માગે: ગોત્ય ગોર્ય માડી! ઉઘાડો કમાડી! હું આવું છું પૂજણહારી. પૂજણહારી શું માગે? ઢીંલલિયાળી ધેડી માગે પાઘડિયાળો પૂતર માગે દેરિયાં જેઠિયાંના જોડલાં માગે દૂઝણિયું ઝોટડિયું માગે એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે. પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે - રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો ઝાંઝરિયા ઘડાવું રે! તમારા ઝાંઝરિયાને શું કરું, મારે નદીએ ના’વા જાવું રે! નદીનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી, સરવર ના’વા જાવું રે! સરવરનાં તો ઓળાં પાણી, ડોળાં પાણી, કૂવે ના’વા જાવું રે! ડબ દઈને ડબકી ખાધી ગોર્યમાં વે’લા આવજો રે! તમને ચીરના ચંદરવા તમને અટલસનાં ઓશીકાં તમને પાંભરિયુંના પડદા વે’લા આવજો રે. -- રિયો રિયો૦

  • પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે.
  • પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે.
  • સસરાજી અને સાસુજી ખાવાનાં શોખીન હોય તો પોતાને એ લાભ મળે ખરોને!