માણસાઈના દીવા/અર્પણ

From Ekatra Wiki
Revision as of 12:22, 24 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અર્પણ


માણસાઈના ઓલવાતા દીવાઓને ગુજરાતમાં સતેજ કરનાર
સરદાર શ્રી વલ્લભભાઈ પટેલને
સવિનય અર્પણ


મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે. ‘માણસાઈના દીવા'ને ૧૯૪૬નું ‘મહીડા પારિતોષિક' આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે. ૨૬-૬-'૪૭ મહેન્દ્ર મેઘાણી


બીજી આવૃત્તિ વેળા

વર્ષની ઉત્તમ કૃતિ લેખે તમે પુરસ્કારેલ મારી ‘માણસાઈના દીવા' સંબંધે થોડું આત્મકથન કરું તો ક્ષમ્ય ગણજો. સહુની સાક્ષીએ એકરાર કરું છું કે વાઙ્મયના ગણનાપાત્ર ગ્રંથોનું મારું વાચન વિશાળ નથી. પરંતુ મારે સુભાગ્યે મને માનવ-જીવનનો મહાગ્રંથ વાંચવા મળ્યો, અને એણે મને લખતો કર્યો. સંસારનાં અનુભવ-પાનાં ઊઘડતાં ચાલ્યાં. ને એણે મને પાત્રો આપ્યાં વસ્તુસામગ્રી પૂરી પાડી. માનવ-જીભે મારા કાન મંડાયા. અને એ કથનનું પાન કરવાનો નાદ લાગ્યો. મારી ધરતી સૌરાષ્ટ્રની. એનાં સુખદુઃખની, એનાં શૌર્ય પરાક્રમની, એનાં સતીજતીઓનાં શીલસૌંદર્યની માનવકંઠમાં સંઘરાયેલી વાતો સાંભળવા મળી, ને એણે જન્માવેલી સંવેદનાએ મને વાણી પૂરી પાડી. જનતા મારી જનેતા બની. ગુજરાત સમસ્તને એ મારાં લખાણો ગમ્યાં, તે સાથે એવો પણ એક અવાજ ઊઠ્યો કે, ‘શું એકલી સૌરાષ્ટ્રભૂમિમાં જ આ શૌર્યસતીત્વ અને પ્રેમનો ઇતિહાસ પડ્યો છે? ગુજરાતની માટી શું વાંઝણી છે?' એના ઉત્તરમાં કોઈએ વળી કહ્યું પણ ખરું કે, કાઠિયાવાડમાં જે એકલ-વીરતાના પ્રબલ અંશો પ્રગટ થયા તેનું કારણ હતું : એ પ્રદેશ કદી કોઈ મહાસત્તાની આણ તળે નહિ મુકાયો હોવાથી ત્યાં વ્યક્તિ વીરત્વને ખેલવા મેદાન મળ્યું : જ્યારે ગુજરાત પર સુલતાનિયત, શહેનશાહત તેમ જ મરાઠી સત્તાનું વર્ચસ્વ એક પછી એક સ્થપાતાં રહ્યાં તે કારણે એવી એક રાજવ્યવસ્થા પ્રવર્તી રહી કે વ્યક્તિગત પ્રેમશૌર્ય—ખાનદાનીની લીલા પ્રમાણમાં ઓછી નીપજી. હું આવું માનતો નહોતો. ધરતીનો કોઈ કટકો માનવસુલભ અને માનવસહજ સંસ્કારલીલાથી વંચિત હોઈ શકે નહિ, એવું હું માનનારો છું. તો પછી હું ગુજરાતના એ લોક-ઇતિહાસને કેમ શોધતો નથી, એવો પણ એક પ્રશ્ન ઊઠ્યો હતો. એ પ્રશ્નમાં ગર્ભિત એવી એક ટકોર પણ હતી કે હું પ્રાંતીયતા—ગ્રંથિથી પીડાઉં છું. હકીકતે આમ નહોતું. કાઠિયાવાડ મારું ઘરઆંગણું, જૂના સૌરાષ્ટ્રના અવશેષો જેવાં માનવીઓને ખોળે મારો ઉછેર, એ જમીનની ધૂળમાં મારે આળોટવું વગેરે કારણોએ મને રોકી લીધો. બીજી બાજુએથી, આ બધાં વર્ષો મેં પુકાર તો ચાલુ જ રાખ્યો હતો કે, ગુજરાતના કોઈ ધરતી-બાળો ઊઠો. તમારો દરિયાકાંઠો ને તમારી કંદરાઓ, કોતરો, પહાડ-કરાડો તેમ જ સપાટ મેદાનો તપાસો. એનાં સંતાનો આ રબારી, પાટણવાડિયા, ઠાકરડા, ખારવા ઈત્યાદિની માણસાઈને ધીરતાથી ઉકેલો. એમાં સાહિત્યધનનો અખૂટ સંચય પડ્યો હશે કારણ કે બહુરંગદર્શી ઇતિહાસ આમાં છુપાયો છે.' અમદાવાદ જેવાં નગરોમાં મેં નિહાળી નિહાળીને જોયા છે — એ બાઈસિકલ પર દૂધનાં બોઘરાં ગોઠવીને દોડાવ્યે જતા રબારીઓ : મહાકાય અને મૂછાળા, પોતાના અસલી પોષાકમાં શોભતા, માનવવંશવિદ્યાનાં કંઈ રહસ્યોને પોતાની મુખરેખાઓમાં સંઘરનારા, પોતાની સંકેતબોલીમાં કંઈ કંઈ કાળસ્થળોની તવારીખને વહેનારા. અને જોઈ છે એની સ્ત્રીઓ : ગૃહહીન, ધનહીન, છતાં ગૌરવવર્ણી, નીલકમલ સરખે છૂંદણે છવાયેલી પિંડી-ઊંચા ચણિયા પર ઓઢણું લપેટેલી. અને એને ઊભી રાખી પૂછવા મન થયું કે, ‘બાઈ! કહે તો ખરી તારી સંસાર-વીતી! આ ટાઢ-તડકે અને મેહની ત્રમઝટ હેઠળ તારાં ઢોરાંની સંગાથે ઉઘાડા આભ નીચે તારું અસલી તેજસૌંદર્ય તેં શી જુક્તિથી જાળવી રાખ્યું છે!' મહીકાંઠે કદાવર ઠાકરડા જોયા, રેલગાડીઓમાં ડંગોરા લઈ ચડતા પાટણવાડિયા જોયા અને એ ગુર્જરવાસી જાતિઓ જોઈ જોઈ દિલ ગાતું રહ્યું છે કે —

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી;
માનવ-ઝરણાંના મહાસ્ત્રોત વળી આવ્યા!
આર્યો-ચીના, દ્રવિડ, હુણો-શક અડાભીડ;
આવી આવીને સર્વ એકમાં સમાયા.
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે;
જાગો, જાગો, રે પ્રાણ, જાગો ધીરે —
ભારતભૂમિને લોકસાગર-તીરે.

એટલે હુણો, શકો ને સીથિયનોમાંથી ઊતરી આવેલી આ જાતિઓ હશે. એક વેળાનાં જે વિદેશીઓ હતાં તેમની આ ભારતી ઓલાદો કંઈક રુધિરમિશ્રણના પ્રયોગમાંથી નીપજી હશે. નૃવંશશાસ્ત્રનાં અભ્યાસીઓને માટે આ તો કેટલો બુલંદ રહસ્યભંડાર પડ્યો છે! અમુક કોમ સૂર્યવંશી, ચંદ્રવંશી કે અમુક કોઈ દેવદેવીના મોં, પેટ અથવા સાથળમાંથી નીકળી હોવાની વાતોમાં આપણને રસ નથી. આપણાં કૌતુક, મૌગ્ધ્ય અને મમત્વની બાબત તો એ છે કે ‘જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ.' આપણા ગૌરવની વસ્તુ તો આ અનેકનાં એકરસ બનવાની છે. બલિહારી છે આવા મહારસાયનનાં સંતાનો સમાં ગુર્જરજનોની, અને મોટી બલિહારી તો છે એ રવિશંકર મહારાજ સમ લોકપ્રેમી સંતપુરુષની — કે જેમણે આ ચોર-ડાકુમાં ખપેલાં, માનવસભ્યતાના સીમાડાની બહાર ફેંકાઈ ગયેલાં માનવકુળોમાં પોતાની આત્મબાંધવતાનો અનુભવ કર્યો, અને એ અનુભવમાંથી જાગેલી મમત્વભાવભરી ભાષામાં મારા જેવા માણસને માનવતાનું દર્શન કરાવ્યું. એ દર્શન એવું તો સચોટ હતું કે પોતે મને કહેતા હતા તે ઘડીએ જ હું મહીપ્રદેશને નજરે દીઠા વગર પણ કલ્પનામાં સાકાર કરી શકતો હતો. એટલે જ મને મહારાજે જ્યારે એ માટી તેમ જ માનવીઓ પ્રત્યક્ષ બતાવ્યાં ત્યારે મને એ જૂનાં પરિચિતો જેવાં જણાયાં હતાં. આ દર્શન મેં કર્યું અને આત્મસંવેદન દ્વારા શબ્દસ્થ કર્યું તે કૃપા મહારાજ રવિશંકરની છે. મહારાજ તો એક નવોઢા નારી જેવા શરમાળ છે. પોતાની વાત નહિ પણ પોતે જેને પ્રાણભેર ચાહે છે તે આપ્તજન સમાં આ લોકોની અંતર્હિત માણસાઈની વાતો કહ્યા કરવાના એમને અંતરમાં ઊભરા આવતા હોય છે. મેં એમને વચન આપ્યા મુજબ આ ‘માણસાઈના દીવા'માં મારો પ્રયત્ન મહારાજની વ્યક્તિસ્તુતિ ગાવાનો નહિ પણ એ મહીકાંઠાવાસી જનતાની માણસાઈને ઉકેલવાનો રહ્યો છે. માનવી એ એક જટિલ સર્જન છે. ટપાલના સોર્ટરની અદાથી માનવીને પણ આપણે બે ખાનામાં વહેંચી નાખીએ છીએ : સારો અને ખરાબ. એટલું જ નહિ પણ જેને આપણે ‘ખરાબ'ના ખાનાંમાં ફેંકી દઈએ છીએ તેને એક તરફથી પોલીસ, અદાલત કે રાજસત્તાની રીતે શકમંદ ગણી માનવતા પર ચોકડી મારીએ છીએ, અગર તો એને ‘ખરાબ'ને ‘સુધારવા' નીકળીએ છીએ. આ ‘સુધારવા'ની ક્રિયા એટલે કે માનવીને આપણે જેવાં હોઈએ તેવો બનાવવાની ક્રિયા. એને આપણે આપણા બીબામાં ઢાળીએ છીએ. એની ભાષાને ભૂંડી, ગમારુ સમજીને એને આપણા જેવું બોલતો-લખતો કરવો : અજંતાના ચિત્રમાંથી સળવળીને ઊઠેલી એની સુડોળ, સુગઠિત નગ્નતા પર આપણા જેવા પોશાક લાદવા; પહાડો-જંગલોને ગજવતા તીરભાલાધારી ભીલને એના પરાક્રમ, એની પ્રણય-રીત, એના શિકાર-રોમાંચ અને એની આગવી સંસ્કારિતાથી વંચિત કરીને આપણાં સ્કૂલ-કૉલેજમાંથી કારકુની કરનાર તરીકે એને તૈયાર કરવો : એ છે આપણી ‘સુધારવા'ની ક્રિયા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પોતાના ‘સેટિંગ' વચ્ચે એનું જીવન એક નિરાળી સંસ્કારિતા અને માનવતાના શ્વાસ ઘૂંટી રહ્યું છે. મહારાજ શ્રી રવિશંકરે મને એ મુદ્દાની વાત કહ્યાનું સ્મરણમાં છે. પાટણ તરફના આ લોકો વચ્ચે પોતે કામ કરવા બેઠા ત્યારે વડોદરાના માજી પોલીસ-ઉપરી મેજર એક્વિનોએ મહારાજને કહ્યું હતું કે, “જોજો હો! રખે તમે આ જાતિઓને સુધારવા જતાં એમની આંખોમાં જે એક તેજ છે તેને ઓલવી નાખતા.” આ સૂચના કેટલી મર્મભરી હતી! મહારાજને એ કાળજે ચોંટી ગઈ છે. અને મહારાજની તો એ જ દૃષ્ટિ રહી છે. એમની આંખોનાં તેજ પોતે ઓલવવા નથી માગતા. એટલે કે પાટણવાડિયા-ઠાકરડા-ગરાસિયાને પોતે આજના ચાલુ અર્થમાં ‘સુધારવા' નથી નીકળ્યા. એમનું નિજત્વ અને સ્વત્વ મહારાજને પ્રિય છે. મહારાજે એમને સારા-નરસાનાં ખાનાંમાં નથી નાખ્યા. કોઈ માણસ સારો નથી કે નથી નરસો : માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. ‘માણસાઈના દીવા'માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતું માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સામે મુકાય છે ત્યારે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો—ઊતરતી ને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો—આપણે ગણીએ છીએ. રેલગાડીના ડબામાં બિસ્તર પાથરીને આખી પાટલી રોકી બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા'ની દુનિયાનાં માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોડાઈ ઊભાં રહેલાં નિહાળતો હોય છે, છતાં બિસ્તરની કોર પણ નથી વાળતો; અને કદાપિ એની જોડે વાતચીત આરંભતો હોય છે તો તે એની ભાષાનાં ચાંદૂડિયાં પાડીને એની બે ઘડી મજાક ઉડાવવા માટે. ‘માણસાઈના દીવા'નું અહીં થઈ રહેલું સન્માન આપણને એ કૃતિના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતા પ્રત્યેના સ્નેહ તરફ લઈ જાઓ, એવી ભાવના સાથે વિરમું છું. ૨૯-૧૨-'૪૬ ઝવેરચંદ મેઘાણી