યુગવંદના/સ્વતંત્રતાની મીઠાશ

From Ekatra Wiki
Revision as of 07:02, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વતંત્રતાની મીઠાશ|}} <poem> <center>[ઢાળ: ‘ઊડી જા તું, ગાફિલ ગાભરા! ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વતંત્રતાની મીઠાશ
[ઢાળ: ‘ઊડી જા તું, ગાફિલ ગાભરા! તારે અંતરે શી આંટી પડી’]

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી!
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી!
પૂછી જોજો કોઈ ગુલામને –
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન!’ – શી ઓહો સુખની ઘડી!
એની આંખ લાલમલાલ: છાતીમાં છોળો છલકાઈ પડી!
– તારા નામમાં, ઓ સ્વતંત્રતા
એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું?
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું:
એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી;
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
– તારા નામમાં, ઓ સ્વતંત્રતા
પડું કેદખાનાને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપ તણી ગડે:
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી!
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી!
– તારા નામમાં, ઓ સ્વતંત્રતા
કાળી રાત ચોગમ ઘૂઘવે,
લાખો શાપ બંધુજનો લવે,
વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવે:
છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી;
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી.
– તારા નામમાં, ઓ સ્વતંત્રતા
મારા દેશનાં સહુ શોષિતો,
દુનિયાનાં પીડિતો-તાપિતો,
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો:
એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી!
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી.
– તારા નામમાં, ઓ સ્વતંત્રતા
૧૯૩૦