યુગવંદના/બીક કોની, મા તને?

From Ekatra Wiki
Revision as of 07:14, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીક કોની, મા તને?|}} <poem> બીક કોની! બીક કોની! બીક કોની, મા તને? ત્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બીક કોની, મા તને?

બીક કોની! બીક કોની! બીક કોની, મા તને?
ત્રીસ કોટિ બાલકોની ઓ કરાલી મા તને.
બીક કોની, બંદૂકોની?
બીક કોની, સૈનિકોની?
બીક ચોર-ડાકુઓની?
નયન ફાડ, માર ત્રાડ, જરીક વાર જાગને!
હાં રે ઘેલી, ભાનભૂલી, બીક કોની, મા તને?
યુગયુગોથી બીત બીત,
વાર વાર વિકલ ચિત્ત,
ભાળે ભૂત ને પલીત!
પલક પલક થરથરાટ સન્નિપાત ત્યાગને,
નિજ પિછાન કર, સુજાન! બીક કોની, મા તને?
ઘડી ઘડી તુજ ધરમ જાય!
ભ્રષ્ટ થાય, હાય! હાય!
નાત જાત સબ લૂંટાય!
ઓ રે અંધ! બુદ્ધિ બંધ, રોતી ધૂળરાખને,
છોડ છોડ આત્મઘાત, બીક કોની, મા તને?
નિરખી તુજ વદન વિરાટ
દુશ્મનોના છૂટત ગાઢ,
દેખ દેખ ફડફડાટ!
તુંથી કો ન જોરદાર, ખાલી ખા ન ડર મને!
ગજવ ગજવ ઘોર નાદ, બીક કોની, મા તને?
દુશ્મન તુજ દ્વાર ખડો,
કપટી કૂટ પાજી બડો,
છલકે દેખ પાપ-ઘડો!
દોડ દોડ, દંભ તોડ, છોડ ન તુજ વાતને;
આ છે આખરી સંગ્રામ, બીક કોની, મા તને?
૧૯૩૦