એકતારો/નૂતન યુગના જોગંદર જગદીશને—
ભૂકમ્પે દફનાઈ ગયેલા
આ પાષાણી ખંડેરોની
રજ ખંખેરી,
કોણ અદીઠા તપોભવનને
તેં અજવાળ્યું
ઓ જગદીશ!
ઓ જગદીશ!
કયા પુરાતન આર્ય મહર્ષિ
તણો નવોદિત
તું અવતારી
ઓ જગદીશ!
ઓ જગદીશ!
* કવિ ટાગોરના બંગાળી કાવ્યના અંગ્રેજી પરથી અનુવાદ.
૨
ખદબદતી જનતાના પાગલ
કોલાહલમાં અણચલ રહીને
કોણ મળ્યો તું
વિરાટના લઘુ વચબિન્દુનો
પ્રશાંત શોધક
ઓ જગદીશ!
ઓ જગદીશ!
૩
સૂર્–ચાંદલે,
પુષ્પ–પાંદડે,
પશુ–પંખી પાષાણ–ધૂળમાં,
ઝૂલે અનિદ્રિત
એક જ્યોતિ–કણ
એ વિરાટના હૃદય–પારણે,
ઝુલે ઝુલાવે સચરાચરને:
શબ્દહીન હાલરડાં ગાતા
એ જ્યોતિને
લીધ ઓળખી
કયા લોચને
ઓ જગદીશ!
ઓ જગદીશ!
૪
અમે મદાંધો ફૂલણકુકડા
અતીતના ગૌરવને ફાંકે
બની ફાંકડા
વિદેશ–સાજે,
વાતો કરતા પર–વાણીમાં;
પરજન કેરા નકલી વાંદર,
અમે પરાયી ચાલ્ય–છટાનાં
ચટકાં કરતા :
પૂર્વજના અંધાર–કૂપમાં
ડોક ફુલાવી
ડરાં ડરાં કલશોર ગજવતાં
અમે દેડકાં—
તે સમયે તું
કયા વિશ્વના શેષ–સીમાડા
હતો ઘૂમતો
હે જગદીશ!
હે જગદીશ!
૫
કયા અગોચર ત્રિલોક–તટ પર
ગહન ગોદડી બિછાવતો'તો,
તું જોગંદર?
દૃશ્ય જગતના શેષ–સીમાડા,
ગયો વટાવી
અદીઠ એક કિરણની શોધે,
અરૂપની ગાયબ દુનિયાનાં
દર ઢંઢોળ્યાં,
ઊઠ્યા પુરાતન ઋષિ–પ્રોળીઆ,
ઉઘડ્યાં દ્વાર,
પ્રવેશ્યો અતિથિ,
बहु स्याम्નાં
સિંહ–દુવાર વટાવી ઊભો
एकोऽहंની ભવ્ય સન્મુખે
દ્વય કર જોડી,
ચકિત સ્તબ્ધ
વાચાહીન મુખડે
પ્રણમ્યો વિભુને
ઓ જગદીશ!
ઓ જગદીશ!
૬
સામ–ઋચાના અસલ શબ્દની
હાકલ દે હે નવલા જોગી!
માર હાક "उत्तिष्ठ जाग्रत!"
હાકલ દે આ
મતિહીણા વાતૂલ જનોને,
શાસ્ત્ર – અર્થની
વ્યર્થ બડાઈ કર્યા કરતાને!
ઓ જગદીશ!
ઓ જગદીશ!
૭
સાદ પડ્યો તુજ–
"વળી જાઓ આ પ્રકૃતિ કેરા
સત્ય – પાટલે
ધરતીના સુવિશાલ બાજઠે.”
કર તેડાં તુજ યજ્ઞવેદિની
ચોગમ નવદીક્ષિત બટુકોને
આસન દે તું
ઓ જગદીશ!
ઓ જગદીશ!
૮
એ તવ નવદીક્ષાને તાપે
એક દિવસ આ
રાષ્ટ્ર પુરાતન
અમૃત પીશે
આત્મભાનનાં,
કર્મભક્તિના આસન ઉપર
અણડગ કાયા
ઠે૨વશે ને
સ્વધર્મ સ્મરશે
ભક્તિ ભજવશે
યોગસમાધિ—
માં ફરી ઠરશે
ઓ જગદીશ!
ઓ જગદીશ!