યુગવંદના/માતા, તારો બેટડો આવે!

From Ekatra Wiki
Revision as of 05:09, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
માતા, તારો બેટડો આવે!
[‘શિવાજીનું હાલરડું’નો ઢાળ]

માતા! તારો બેટડો આવે:
આશાહીન એકલો આવે.
જો જો! મારો બેટડો આવે:
સંદેશાઓ ખેપિયા લાવે.
જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
એવો કોઈ માનવી આવે:
ભેળાં કાળ-નોતરાં લાવે. – માતા
સૂતો રે હોય તો જાગજે, સાયર! ઘેર આવે પ્રાણાધાર,
હૈયે તારે બાંધ હિંડોળા:
મોભી મારો ખાય બે ઝોલા. – માતા
ધૂળરોળાણા એ મુખ માથે, વીરા, છાંટજે શીતળ છોળ,
પ્રેમેથી પાહુલિયા ધોજે!
આછે આછે વાયરે લ્હોજે! – માતા
તારા જેવાં એના આતમાનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
ત્યાંયે આજે આગ લાગી છે:
ધુંવાધાર તોપ દાગી છે. – માતા
સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
ઠાલાં નવ ઢોળશો પાણી!
ના ના એની વેદના નાની. – માતા
કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ!
એવી ક્રોડ આપદા ધીકે,
છાની એની છાતડી નીચે. – માતા
માનતાં’તાં કૂડાં માનવી રે એને ફોસલાવી લેવો સે’લ!
પારાધીનાં પિંજરાં ખાલી:
હંસો મારો નીકળ્યો હાલી. – માતા
ઘોર અંઘારી એ રાતમાં રે બીજાં બાળ ઘોરાણાં તમામ;
આઠે પો’ર જાગતી આંખે
બેઠો તું તો દીવડે ઝાંખે. – માતા
બૂડ્યા બૂડ્યા બીજા ઘેલડા રે માયામોહ કેરે પારાવાર,
બેટા! તું તો પોયણું નાનું:
ઊભું એક અણભીંજાણું. – માતા
પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો ખોળલે ખેલાવ્યાં બાળ;
ચૂમી ચૂમી છાતીએ ચાંપ્યાં:
બંધુતાના બોલડા આપ્યા. — માતા
રોમેરોમે તારે દાંત ભીંસી ઝેરી કરડ્યા કાળુડા નાગ;
ડંખે ડંખે દૂધની ધારા
રેલી તારા દેહથી, પ્યારા! — માતા
ચીર પાંચાળીનાં ખેંચવામાં નો’તા પાંડવોએ દીધા હાથ;
આજે અધિકાઈ મેં દેખી:
બેટાઓએ માતને પીંખી! — માતા
એકલો તું આડા હાથ દેતો ઊભો દોખિયાંને દરબાર;
તારી એ અતાગ સબૂરી
શોષી લીધી વેરીએ પૂરી. — માતા
કૂડ પીધાં, હીણમાન પીધાં, પીધાં ઘોળી દગાવાળાં દૂધ;
કડકડતાં તેલ તેં પીધાં:
ગાળી ગાળી લોહ પણ પીધાં. — માતા
ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ!
વાવાઝોડાં કાળનાં વાશે,
તે દી તારી વાટ જોવાશે. — માતા
કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
ખંડેખંડ બોળશે લાવા:
ભૂકમ્પોના ગાજશે પાવા. — માતા
‘ધાઓ ધાઓ, ધેનુપાળ!’ તેવા તે દી ઊઠશે હાહાકાર,
શાદૂળા ને સાંઢ માતેલા
ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. — માતા
ભાઈ વિદેશીડા! વીનવું રે — એને રોકશો મા ઝાઝી વાર;
બેઠી હું તો દીવડો બાળું:
ક્યારે એના ગાલ પંપાળું! — માતા
તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો’ય હિસાબ;
બેટા! તારી ખાકની ઝોળી
માતા કેરે મન અમોલી. — માતા
૧૯૩૧
૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.
૨. અકબર સમદ અથાહ, ડુબાડી સારી દણી,
મેવાંડો ત્તિણ માંહ, પોયણ રાણા પ્રતાપસી.