ચિલિકા/જ્યાંનર્તક

From Ekatra Wiki
Revision as of 06:57, 31 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્યાંનર્તક|}} {{Poem2Open}} અત્યાર સુધી ગુજરાતના નામે સૌરાષ્ટ્ર, મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્યાંનર્તક

અત્યાર સુધી ગુજરાતના નામે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જ પરિચય થયો હતો. તે પરિચય પણ પાછો નાગરી. સૌરાષ્ટ્ર સિવાયના કોઈ બીજા ગ્રામ-જનપદનો તો આછેરો જ પરિચય. આ થોડા મહિનાઓમાં જ ગુજરાતના દૂર છેવાડાના બે વિશિષ્ટ પ્રદેશો જોવાના થયા કચ્છ અને ડાંગ. એક સુક્કો ભઠ્ઠ, કોરોધાકોર પણ ભાતીગળ પ્રજા, શૂરા સતી-સંતોની કથા અને કચ્છી કસીદા-કસબથી ભરેલો-ભરેલો. તો બીજો ડાંગ તે ઊભા ફાટ્યા વાંસઝુંડ, ઊંચા સાગ, વનનાં નેક વૃક્ષો; પટાદાર વાઘ, દીપડા, હરણ; ભોળી આદિવાસી પ્રજા અને વનાચ્છાદિત પર્વતો-ખીણોથી ભરેલો. આ બંને પ્રદેશોના પરિચય વગર ગુજરાતનો પરિચય અધૂરો રહેત. વાંસદાથી વઘઈ રસ્તે આહવા આવ્યા તે યાત્રા જ જાણે યાત્રાનું ફળ. સૌરાષ્ટ્રમાં કે બનાસકાંઠામાં બોડી ટેકરીઓ, બોડા ડુંગરો જોઈ મનમાં કાંઈનું કાંઈ થઈ જતું. અહીં ભાગ્યે જ કોઈ ડુંગર બોડો મળે. વાંસ, સાગ, સાદડ, હરડે, બહેડાં, ખાખરા, ખેર, મહુડા અને મોટાં ખોસેલાં પીંછાં જેવા ઠેર ઠેર લીલા વાંસનાં ઝુંડ. ખાપરી નદીના સુક્કા ખડકાળ પટ પર ક્યાંક ક્યાંક ઘૂનામાં સ્વચ્છ નીલ જળ, એ નીલ જળઆરસીમાં વળી વળીને પોતાનું મોં જોતા બે કાંઠે ઝળૂંબેલાં વૃક્ષો. ક્યાંક છીછરા પટમાં કછડો વાળી ગોઠણભેર પાણીમાં સાડીના ચાર છેડા પાણીમાં રાખી માછલાં ઝડપાયે સાડીની ખોઈ તારવતી આદિવાસી સ્ત્રીઓ, વળાંકદાર રસ્તો, આમતેમ બધે બધે ફેલાયેલું-વિસ્તરેલું વન; નાની નાની રાતી-કાળી ડાંગી ગાયો, પીઠ અને શીંગડાં બહાર રાખી પાણીમાં મસ્તીથી પડેલી ભેંસો, લીંપાયેલાં આંગણાં, વાંસની જાડી સાદડી પર લીંપણ કરી ઊભી કરેલી દીવાલો – આ બધું મન ભરી પામતાં પામતાં આહવા. અહીં આવ્યાં પહેલાં જ અહીંનો મુખ્ય ઉત્સવ હોળી અને ડાંગદરબાર તો ચાલ્યા ગયા હતા તેનો અફસોસ મનમાં હતો ત્યાં જ આહવા આવ્યા. તે જ દિવસે રાત્રે જમ્યા પછી નાનકડી બજારમાં લટાર મારવા નીકળ્યા ને દૂરથી આછો આછો તરતો આવતો શરણાઈ જેવા વાદ્યનો ધ્વનિ સંભળાયો. એ ધ્વનિ એટલે આમંત્રણ કે ઇજન જ. પગ વિવશ બની તે તરફ ચાલવા લાગ્યા. અંધારિયા રસ્તે બૅટરીના ઝાંખા કૂંડાળાની સહાયથી તે સ્વરો તરફ ચાલતા ગયા. અહીંના આંબાપાડા વિસ્તારમાં પહોંચ્યા તો જોયું તો એક આદિવાસી નર્તક કોઈ રાક્ષસનું મહોરું પહેરી, તેની પાછળ વાગતા ત્રણ વાદ્યોના સૂરે-તાલે નાચતો નાચતો આવતો જાય છે. “उत्सव प्रिया: खलु जना:” કાલિદાસની આ એક સીધીસાદી ઉક્તિ ‘મનુષ્યો ખરેખર ઉત્સવપ્રિય છે’માં તેણે ‘ખરેખર’ શબ્દ કેમ વાપર્યો હશે તે તો આ ડાંગી લોકોને અને તેમના ઉત્સવોને – નાચને જોઈએ ત્યારે ખ્યાલ આવે. આંબાપાડા મુખ્ય રસ્તાને જ આ ઉત્સવભૂમિ તરીકે શણગાર્યો છે. રોડની બંને તરફ વાંસની રેલિંગ અને પતાકા-તોરણો આખા રસ્તે બાંધ્યાં છે. બંને તરફ પાથરણાં પાથરી સ્ત્રીઓ તેમનાં છોકરાંઓને લઈને આખી રાત આ ઉત્સવ જોવા-માણવા નહીં પણ ઊજવવા બેઠી છે. મોડી રાતે ઠંડા પવનમાં છોકરાંઓ ઊંઘમાં પડખાં ફરે છે, મા પરસેવો લૂછી ફરી જોવા લાગી જાય છે. શમિયાણાના એક છેડે હનુમાનજીનું સ્થાપન છે ને છેક બીજે છેડે છે આ ભવાડા – નૃત્યમંડળીનો પડાવ. આ મંડળી મહાસૌરાષ્ટ્રમાંથી આવી છે. પાંચ પાંડવ, શંકર, ગણપતિ, પાર્વતી, વૈતાળ, દત્તાત્રેય જેવા દેવોનાં રંગબેરંગી મહોરાંઓ છે તો પુંડરિક, શ્રવણ જેવા ભક્તોનાંય છે. દેવોનાં વાહનો હંસ, મોરની સાથે વિષ્ણુએ ધારણ કરેલાં મત્સ્ય, કચ્છપનાં મહોરાંઓ પણ છે. કહો કે દેવો, મનુષ્યો, દાનવો અને પશુઓનો આખો લોક પ્રતીકાત્મક રૂપે હાજર છે. મહોરાં પહેરી નર્તક નાચે છે. શરણાઈ જેવા આકાર અને સૂરવાળું કાહળ્યાં તેની સાથે એક જ સ્વરે સૂર પુરાવતું બાંકા અને સાથે આદિમ તાલે તાલ આપતું સાંભળ્યાં. વગાડતાં વગાડતાં વાદકો નર્તકની પાછળ પાછળ ચાલ્યા કરે છે. કંકુ, ચોખા, શ્રીફળની થાળી લઈ કન્યકાઓ આ દેવને વધાવતી વધાવતી પાછા પગે ચાલી આવે છે અને બધાં હનુમાન દેવના સ્થાનકે થંભે છે. દરેક મહોરાં દેવસ્થાનકે પહોંચે કે તરત જ કથાકાર તે દેવની વિશિષ્ટ લોકશૈલીમાં નાનકડી કથા કહે છે. દરેક દેવ, દાનવ, પશુઓ માટે મહળ્યાંની વિશિષ્ટ ધૂનો વાગે. અહીંથી સ્થાનિક ભાષામાં તેને ‘ચાળો’ કહેવામાં આવે છે. હનુમાનના સ્થાનકેથી મહોરાં ફરી પાછા નાચતાં નાચતાં તેમના વિશ્રામમંડપ પર પહોંચે છે. દેવોને વધાવતી કન્યાઓ હાથમાં દીપમાળા ને થાળ લઈ પાછા પગલે તેમની આગળ આગળ ચાલે છે. આ તો લોકોત્સવ, અને તેય પાછો ડાંગનો. લોકોમાંથીય જેને મન થઈ જાય, તાન ચડી આવે, પગ થરકે તેના નર્તકની સાથે સાથે નાચતા જાય. કાખમાં છ મહિનાનું છોકરું તેડી એક આધેડ બાઈને અને એક વૃદ્ધ પુરુષને મસ્તીમાં, ધૂનમાં નાચતાં જોવા તે એક લહાવો છે. છેક દૂબળા-પાતળા રાંટા પગવાળા નાનાં નાનાં છોકરાંઓ પણ આગળ આગળ નાચતાં જાય. ગળથૂથીમાંથી જ નૃત્ય. જોતાં જોતાં અંગ્રેજ કવિ યેટ્સની વાત યાદ આવી જાય કે “How can we know the dancer from the dance?” નર્તક સાથે નાચ એક જ. કોઈ કળામાં કળા અને કલાકારનું આવું અદ્વૈત નથી. નાચ અને નર્તકને જુદા ન પાડી શકાય. સંપૂર્ણ સંપૃક્ત – વાગર્થ જેવા. અહીંના સ્થાનિક આયોજક ગુલાબભાઈ ગવળીને અમે નાચનારાઓના આ અદમ્ય આદિમ ઉત્સાહ વિશે પૂછ્યું તો કહે, ‘દસ માઈલ દૂરથીય કાહળ્યાંનો મીઠો, તીણો, માદક અવાજ સંભળાય તો નાચનારા ત્યાં પહોંચી જઈ નાચવાનાં, કૃષ્ણની બંસી સાંભળી રાધા કે ગોપીઓ દોડી જતી તેમ જ. અહીંયાં જ પંચોતેર વરસની ડોસી, માતલીબાઈ આજેય કોઈનાં લગન હોય કે બીજો પ્રસંગ હોય, નાચવા પહોંચી જ જવાની.’ સુરેશ જોષી એક વાર સ્પેનિશ કવિ લોર્કાની વાત કરતા હતા. લોકો કહે “કવિતામાં ‘દુઆંદો’ હોવું જોઈએ.” લોકો પૂછે કે “આ ‘દુઆંદો’ એટલે શું? આ ‘દુઆંદો’ કોઈ ઘટક હોય તો લોકો તેમને સમજાવે ને! આ ‘દુઆંદો’ એટલે જ જગતની કળાની કવિતાની પ્રાણશક્તિ. એક વાર લોકોત્સવમાં વ્યાવસાયિક નર્તકોની સાથે સાથે સ્ફૂર્તિ, ઉત્સાહ ને અંદરબહારના તાલે તાલે અથાક ગ્રેસફૂલ નાચતી એક ડોસીને દેખાડી લોકોએ કહ્યું: આ છે ‘દુઆંદો’. પ્રાણમાંથી આવિર્ભૂત થતી આ શક્તિ વગર રાતરાતભર, વરસોવરસ જિંદગી આખી કોઈ નાચ્યા કરે ખરું? યાદ આવે છે બાર્સેલોના ઓલિમ્પિકના ઉદ્ઘાટન-સમારોહમાં ઘેરદાર ફ્રૉક પહેરેલી, સૅન્ડલના ઠેકે-ઠમકે તાલ આપતી, ઘેરદાર ફ્રૉકના ઘડીક એક તો ઘડીક બે છેડા પકડી વળાંકદાર ઘેર ઉત્પન્ન કરી ઘેરની વચ્ચે નાચતી, ઘેર સંકેલતી, સૅન્ડલથી ઠપાકા દેતી, ગતિનું ગૂંચળું બની ફરતી, ચક્કર ચક્કર ફરતી, પગને હળવેથી ફંગોળતી, દર્શકોને મૂક નર્તક બનાવતી, દર્શકોના મનમાં નાચતી સામાન્ય ચહેરાવાળી, કાળા વાંકડિયા વાળવાળી, કામણ ઢોળતી, સાવ સામાન્ય ચહેરાને પ્રાણના તેજથી છલકાવતી તે સ્પેનિશ નર્તકી. શું આહવાની આ માતલીબાઈ એમ જ નાચતી હશે?