મેઘાણીની સમગ્ર નવલિકા/નગરલક્ષ્મી

From Ekatra Wiki
Revision as of 07:03, 4 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નગરલક્ષ્મી|}} {{Poem2Open}} શ્રાવસ્તી નગરમાં દુકાળ પડ્યો. પ્રજામા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નગરલક્ષ્મી

શ્રાવસ્તી નગરમાં દુકાળ પડ્યો. પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. પોતાનાં ભક્તજનોને ભેગાં કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો: “બોલો પ્રિયજનો! ભૂખ્યાંને અન્ન દેવા તમારામાંથી કોણ કમ્મર બાંધે છે?” ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો: “આવા વિશાળ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી, પ્રભુ!” ત્યાર પછી ગુરુદેવનાં નિરાશ નયનો સેનાપતિ જયસેનના મોં પર પડ્યાં. જયસેને જવાબ વાળ્યો: “છાતી ચીરીને હૃદયનું લોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઊગરી શકે તો પલવારમાં હું કાઢી આપું. પ્રભુ! પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય?” નિ:શ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઊઠ્યો: “હું તો ભાગ્યહીન છું, પ્રભુ! મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો કસ શોષી લીધો; હું રાજ્યનો કર પણ કેવી રીતે ભરી શકીશ?” બધાં એકબીજાંનાં મોં સામે જોવા લાગ્યાં. કોઈ જવાબ દેતું નથી. ચુપચાપ બની ગયેલી એ મેદનીમાં, ભૂખથી પીડાતાં એ પ્રજાજનોની સામે, બુદ્ધ ભગવાનની કરુણાળુ આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચોંટી રહી. ત્યારે પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઊભી થઈ. લાલ એનું લલાટ છે અને શરમમાં નીચું નમેલું એનું માથું છે. ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથપિંડદની એ દીકરી સુપ્રિયા હતી. વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. બુદ્ધદેવના ચરણની રજ લઈને મધુર કંઠે બાઈ બોલી: “હે દેવ! આજે જ્યારે સહુએ નિ:શ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે, ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું. અનાજ વિના આજે જે માનવીઓ કલ્પાંત કરી રહ્યાં છે, તે બધાં મારાં જ સંતાનો સરખાં મને લાગે છે. નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉં છું.” સાંભળનારાં સહુ લોકોને નવાઈ લાગી. ગુરુદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું, કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે. સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યા: “ઓ ભિખ્ખુની દીકરી! તું પોતે પણ ભિક્ષુણી! એટલું બધું અભિમાન ક્યાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે? તારા ઘરમાં એવા શા ભંડાર ભર્યા છે, ભિખારણ?” બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બોલી: “મારી પાસે બીજું કાંઈ યે નથી; રહ્યું છે ફક્ત આ ભિક્ષાપાત્ર. હું તો પામર નારી છું, સહુથી ગરીબ છું. પરંતુ હે પ્રિયજનો! દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે, મારી શક્તિથી નહિ. મારો ભંડાર તો તમારા સહુના ઘરેઘરમાં ભર્યો છે. તમારી સહુની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષાપાત્ર પણ એક અક્ષયપાત્ર બની જશે. હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાંને ખવરાવીશ. માતા વસુંધરા જીવતી છે, ત્યાં સુધી શી ખોટ છે?” ગુરુદેવે આશીર્વાદ દીધા, લોકોએ પોતાના ભંડાર એ ભિક્ષુણીના ભિક્ષાપાત્રમાં ઠાલવ્યા, અને આખી નગરી ભૂખમરામાંથી ઊગરી ગઈ.