મેઘાણીની સમગ્ર નવલિકા/દાક્તર દાદા

From Ekatra Wiki
Revision as of 10:00, 4 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાક્તર દાદા|}} {{Poem2Open}} સલામ, દાક્તરસાહેબ! હું જેલ-ઑફિસની બારી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દાક્તર દાદા

સલામ, દાક્તરસાહેબ! હું જેલ-ઑફિસની બારી તમને સલામ કરું છું. તમારાં તો વારણાં લેવાને મને કોડ થાય છે. કોઈ મારા હાથ છૂટા કરે તો હું ખાતરીથી કહું છું કે તમારાં વારણાં લીધ્યે મારી આ સાંધાસૂંધા વગરની લોખંડી આંગળીઓમાં પણ ટચાકા ફૂટે. તમે કંઈ ઓછાં કષ્ટો ઉઠાવો છો, દાદા! બીજાઓ સમજતા હશે કે તમારું ગળું ગલોફામાં પાનપટ્ટી હોવાથી ફુલાય છે. પણ સાચું કારણ તો એક હું જ જાણું છું. તમને તો ત્રાડો પાડી પાડીને કંઠે સોજો આવ્યો છે, અને એ ત્રાડ પણ કંઈ જેવી તેવી? “લે જાઓ સાલાકો ચક્કીમેં! ઉસ્કા બુખાર ઊતર જાયગા!” “જાઓ ડાલો સાલેકો રેંટપાટી મેં! પેટ મેં અચ્છા હો જાયગા.” “પિચકારી-પિચકારી લેનેકી ના બોલતા હૈ, સાલા હરામી? ઉઠા જાઓ ઉસ્કો કોસ ખિંચનેમેં — સબ દરદ મિટ જાયગા.” બંદીખાનાના કલેજા સરખી એ વચ્ચોવચ આવેલી ઈસ્પિતાલમાંથી જ્યારે આવા સિંહનાદ ઊઠે છે, ત્યારે દૈત્ય જેવા હજાર-પંદરસો બંદીવાનોના પણ હોશ તમે ખાટા કરી નાખો છો. અને ગર્જનાઓ ન કરો તો તમે કરોય શું બીજું? દવાખાનામાં પૂરી દવાઓ નથી, કેદીઓમાં કૂડકપટ અને દોંગાઈનો પાર નથી, સૂબેદારને મજૂરી પૂરી કરાવવામાં તૂટ પડી જાય છે. તમે થોડાં દૂધચાવલ વધુ છૂટથી આપો છો તો પેલા છેક પૂનામાં બેઠેલ હાકેમના હૈયામાં પણ વરાળો ઊઠે છે. પછી તો તમારી તમામ વિદ્યા એ સાવજશૂરી ત્રાડોમાં જ રૂપાંતર પામે ને, દાદા! માત્ર ત્રાડો જ નહિ: કોઈ કોઈવાર તો તમારા ઠોંસા ને લાત પણ અમૂલખ ઇંજેક્શનનું કામ કરી આપે છે. ‘દાદા! દાદા!’ કરતો તમારા પગ ઝાલીને બેઠેલો એ દમલેલ કેદી જ્યારે ઓચિંતો તમારા પગનો જરીક જોરદાર સ્પર્શ પામીને ચતોપાટ જઈ પડે છે, ત્યારે મારું જો ચાલતું હોય તો હું બુઢ્ઢી બુઢ્ઢી પણ આવીને તમારાં એ ચરણો ચાંપવા બેસી જાઉં એવું મન થઈ આવે છે. સરસ છે એ રસમ: વિદ્યાલયમાંથી પાસ થઈને સરકારી નોકરી લેનારા એકેએક યુવાન દાક્તરને પ્રથમનાં બે વર્ષો આ જેલનું દવાખાનું ચલાવવું પડે એ પદ્ધતિ મને ભારી પસંદ છે. બે વર્ષની અંદર તો ભાષા પાસાદાર બને અને અમુક ઘાટીલાં રૂવાબી વાક્યો જીભને ટેરવે રમતાં થઈ જાય; દાક્તરની મુખમુદ્રા સૌમ્ય, શાંત અને મરક મરક હસતી હોવાનો જે ખોટો વહેમ ચાલે છે તેને બદલે ‘અર્ધ ફોજદાર–અર્ધ જેલર’ જેવી વિકરાળ અને લુચ્ચી સિકલ બની જાય: દરદીને પંપાળવા–પટાવવાના જે ઢોંગધતૂરા પેસી ગયા છે તેને બદલે ધાકધમકી અને લાલ આંખો વડે જ અરધું દરદ દબાવી દેવાની શક્તિ પ્રાપ્ત થાય: દવાઓને બદલે નર્યાં નિર્મળ જળ વડે જ બિમારી હટાવવાની બાહોશી આવે: અને જીવનમૃત્યુ વિષેની એવી ભવ્ય ફિલસૂફી ભણી લેવાય કે હવે દર્દી જીવ્યો તોય શું ને મર્યો તોય શું? એન્ટીફ્લોજેસ્ટીન વાપર્યું હોય તોય શું ને એક કોટડીમાં એને ફગાવી નાખ્યો તોય શું? દરદીને મળતું દૂધ તે ખાય તોય શું ને બાપડા પેલા થાકીપાકી લોથ થઈ જતા મુકાદમો આવીને મોડી રાતે એ દૂધનો દૂધપાક કરી જમી જાય તોય શું? મરી રહેલ બીમાર કેદીને મળવા એનાં દૂરવાસી સગાંવહાલાં વખતસર આવી પહોંચ્યાં તોય શું ને એના ખોળિયાને ફૂંકી દીધા બાદ એક કાગળથી ખબર પહોંચાડાવ્યા તોય શું? દવા, સારવાર, સુધામય શબ્દો, રોગીના તપ્ત લલાટ પર ‘દાક્તર દાદા’નો એક જ કરુણાળુ કરસ્પર્શ, અને આખરે અધૂરાં સાધનોની સારવારથી જિંદગીનો ત્રાગડો ન સાંધી શકાતાં એ ‘દાદા! દાદા!’ કહેતી સુકાતી જીભ ઉપર ઠંડા પાણીની નાની-શી ટોયલી: આવા આવા લાગણીવેડાની કશી જ લપછપ ન રહેવા દેનારાં જેલ-ઈસ્પિતાલનાં જોડ-વર્ષો તમને મુબારક હજો, ઓ પ્યારા દાક્તરસાહેબ! બરાબર ખબરદાર રહેજો, હો દાદા! આ નવો જમાનો એવું વિચાર-વિષ પાવા લાગ્યો છે કે દાક્તરની ખુરસી સન્મુખ તો નથી કોઈ ચોર કે નથી કોઈ શાહુકાર — એ તો છે ફક્ત ‘દરદી’: એના આચાર કે વિચાર સામે જોવાનું નથી દાક્તરોએ: એનો રોગ ભલે હો અકસ્માત, ગફલત યા તો ઈરાદાપૂર્વકની બદફેલ જિંદગીનું પરિણામ, છતાં દાક્તરની આંખોમાં તો એ રહે છે એક અસહાય શરણાગત રોગી: એવી શરણાગતિની ઘડીએ દરદીની અસહાયતાનો લાગ દેખીને, “તું તો એ લાગનો જ હતો, તારાં તો કામો જ એવાં હતાં” — આવા ટોણા મારે તે દાક્તર નહિ: મોતની છાયાને સામે આવી ઊભેલ દેખીને ગભરાઈ ઊઠતો રોગી દાક્તરની સામે ગમે તેવા બકવાદ માંડે ને ગાળો ભાંડે એટલે ‘તને આ બધું તારું મોત બોલાવી રહ્યું છે’ એવા બોલ કાઢનાર તે દાક્તર નહીં: મરતાને પણ ‘મર’ કહે તે દાક્તર નહિ: સાચો દાક્તર તો આખરી ઘડી સુદી દરદી અને મૃત્યુની વચ્ચે ઈલાજો કરતો ઊભો રહે ને ઈલાજનું સાધન ન હોય તો યમની બિહામણી આંખોના ડોળાને આવરતો, રોગીને ઈશ્વરનું ધામ યાદ આપતો, અને છેલ્લી લડાઈમાં જીવાત્માને સુભટ બનવા પડકારતો ખોળામાં માથું લઈને બેઠો રહે... ખી-ખી-ખી-ખી... દાક્તર દાદા! આવી આવી વિચારઘેલછા ઊભી કરનારા આ યુગકાળને પડકારો. પેલા કવિરાજના સુપ્રસિદ્ધ શબ્દો વડે કે ‘થંભો બારણાની બહાર! આ જોદ્ધો જુદો છે’. જુઓ તો ખરા, જગલો કેદી ચોખ્ખે ચોખ્ખો ચક્કી પીસવાની દગડાઈ કરીને એક દિવસનો આરામ માગવા આવ્યો છે, તેને તમે શી રીતે છુટ્ટીનું સર્ટિફિકેટ આપી શકો? એનાં ફેફસાં નબળાં હતાં, તો પછી એ આંહીં આવ્યો શા સારુ! ને માજિસ્ટ્રેટે સજા ફરમાવતી વખતે તેવો કાંઈ તામ્રલેખ કરી આપ્યો નથી કે સજાની મુદત પૂરી થયે એને જીવતો એની ઓરતના હાથમાં સોંપવો. હવે એ ઝાડાપેશાબથી લદબદ પથારીમાં ‘મારો ટપુડો! મારો ટપુડો!’ ઝંખતો સનેપાતમાં દીકરાને સંભારે છે તે વેળા શું તમે એના લલાટ ઉપર હથેળી મૂકવા અને એનું ગંધાતું માથું ખોળામાં લેવા જાઓ? આપણે તો ઘણું ય સમજીએ છીએ કે જગલાનો રોગ કંઈ પ્રથમથી જ અસાધ્ય નહોતો, એને આરામ અપાયો હોત તો ત્રીજે દિવસે જ એ ઘોડા જેવો બનીને પાછો ચક્કીએ લાગી પડત. અથવા એ પટકાઈ પડ્યા પછી પણ પેલી દવાની શીશી ખાલી ન પડી હોત તો એનો ઉગાર થઈ શકત. પણ માણસ શું બહાર નથી મરી જતા? તો પછી આંહીંયે શું ન મરે? બહાર તો એને આટલીયે દવા ન મળત. બેશક, તફાવત એટલો કે બહાર એ જગલો એની ઓરતને હાથે સારવાર પામતો, એના ટપુડા દીકરા અને દીવડી દીકરીની સામે મીટ માંડતો, એના ભાઈ-પિતરાઈને ભરભલામણ દેતો સદ્ગતિથી શરીર છોડત. પણ એટલે શું, દાદા! તમારે ઊઠીને આંહીં એની મા, બાયડી અને એના ટપુડા કે દીવડીના પાઠ ભજવવા? એંહ દાદા, એવા ઢોંગ આપણને પરવડે નહિ. જેટલા સુંવાળા થઈએ એટલું આ લોકોને ગુના કરવાનું પ્રોત્સાહન મળશે. એ ધારાળાફારાળા અને ભીલડાંબીલડાં એવાં પાજી છે કે આવા સુંદર મકાનમાં અને આવી ખુશબોદાર ફૂલવાડી વચ્ચે મરવાની લાલચે પણ તેઓ ગુના કરવા મંડી પડશે. વાસ્તે એને તો ઉત્તેજન આપવું જ નહિ. કામ લઈ શકાય તેવો કસ લાગે ત્યાં સુધી દવાદારૂ કરવાં. બાકી એને આંહીં પૂરતી વેળા નખમાંય રોગ નહોતો માટે છોડવાં પણ નીરોગી કરીને, એવી કોઈ બંધણી નથી. દફતરમાં એના નામની સામે ‘ઇસ્પિતાલે ગુજરી ગયો’ એટલો શેરો થઈ જાય એટલે તો નિહાલ થઈ ગયાં. કેવા બડભાગી છો તમે, દાક્તર દાદા! જિંદગીમાં પ્રવેશ કરતાં પહેલાં જ તમને એવાં સરસ બે વર્ષો મળી ગયાં કે જેણે જગતની કાળામાં કાળી બાજુ તમારી સામે રજૂ કરી. તમને જગતમાં ક્યાંય જંપવા ન આપે એવી હેવાનિયતનો ખ્યાલ ઠસાવી દીધો. પગલે પગલે તમને આ દુનિયા દોંગી, દગડી ને લબાડ જ દેખાયા કરશે. તમને કોઈનો ઈતબાર નહિ બેસે. બધાં તમને છેતરવા જ આવે છે એવી જાગ્રત મનોદશા નિરંતર રહેશે. દાક્તર બાપડો ઈશ્વરનો દૂત બનવાની કોશિશ કરી ધુતાય છે. તેને બદલે તમે તમારી તબીબીવિદ્યાની સાથે પોલીસવિદ્યાનું તત્ત્વ જોડી શકશો. તમે ખાટી ગયા છો હો, નૌજવાન દાક્તરસાહેબ! મને તમારા વિનિપાતની બીક ક્યારે હતી, કહું? જ્યારે તમે પેલા બે જુવાન રાજકેદીઓની જીવલેણ બીમારીમાં એક માસના અથાક યત્નો માંડ્યા હતા ત્યારે; તમે શરૂમાં સુંવાળું અંતર રાખીને આ દેશભક્તનું રોમેરોમ તમારા હાથની અમૂલખ થાપણ ગણ્યું હતું ત્યારે, હું ચીસેચીસ પાડતી હતી કે “લપટ્યા, એ અમારા બાંધવ, તમે નક્કી હવે લપટી પડ્યા.” પણ ત્યાં તો કેદીઓનો રાફડો ફાટ્યો. ઇસ્પિતાલ તો સર્વના હિલનમિલનની છૂપી આશ્રયભૂમિ બની ગઈ. રાજકેદીઓમાં પણ દાદાગીરી કરવા ટેવાયલાઓ ધરાર-ધણી બની બેઠા. ફૂલોની અઘઊઘડી કળીઓ જેવા સુકુમાર કુમારો અને જીવનભરના આજાર આધેડો, અશક્ત બુઢ્ઢાઓ, ગુલાબની પાંદડીઓથી પગ-પાનીઓવાળા લક્ષ્મીનંદનો અને સાઠીકડાં સાથે હોડ કરતાં કલેવરો થકી શોભતા વિદ્વાનો: આવું જંગી દળકટક જ્યારે જેલમાં આવી પહોંચ્યું ત્યારે પછી રસોડામાં તુવેર-મગની દાળ ગભરાઈને જળસ્વરૂપ બની ગઈ. જુવાર-બાજરીના રોટલા કરવતે વેરવા જેવા થઈ રહ્યા. અપચો, ઝાડા, મરડા, ઈત્યાદિની બૂમ બોલી. દૂધભાતના તબીબી ખોરાક માટે ત્રાગાં થવા લાગ્યાં. એ દળકટકમાં જેઓ વડા ગણાતા તેઓનું પ્રયાણ ઈસ્પિતાલના પલંગો તરફ વિનારોગે પણ વધતું જ ગયું. જીવતર ધરીને જેમણે કદી જુવાર-બાજરીનો સ્વાદ જાણ્યો નથી તેવા દૂધમલિયાઓ તમારી સામે હક્કનો અવાજ કાઢતા ઊભા રહ્યા. ક્યાં પેલા જગલાફગલાની રાંકડી કાકલૂદી, અને ક્યાં આ હક્કદારીના સ્વમાની શબ્દો! તમારી સામે ખાલી બાટલીઓ હસે છે! તમારા માથા પર છેક પૂને બેઠેલા હાકેમનો ઓળો હથોડો ઉગામી ઊભેલ છે; અને પેલા જગલાફગલાના લાંબા સહવાસે તમારી જીભને અમુક જાતના વળાંક વળાવ્યા છે. એટલે પછી તો તમારી અકળામણ કંઈક આવા શબ્દોમાં ઉચ્ચાર પામે જ ને! — “તો પછી આંહીં આવ્યા શું કામ?” “આંહીં કાંઈ સૅનેટોરિયમ થોડું જ છે?” “કસરત કરો ને, રોટલા પચી જશે.” “શું મિસ્તર, તમે દૂધભાત ખાવા સાટુ થઈને આ ઢોંગ કરો છો?” “આમને ચક્કીમાં ઉપાડી જાઓ ચક્કીમાં, એટલે બધી ફરિયાદ ટળી જશે.” શાબાશ દાદા! આ તમારી વાત મને ગમી. તમે પાછા આપણા સીધા માર્ગે ચડી ગયા. આપણી નજરમાં તો તમામ કેદીઓ સરખા: ચાહે જગલો ખૂન-કેદી હોય કે ચાહે મધુસૂદન રાજકેદી હોય. વળી એક વાર જંગમાં ઝુકાવી બેસનાર જુવાનને તો એની ફિશિયારી બદલ આવા ટોણા મારવાનો આપણને હક્ક છે. અને જેઓના હાથ નીચે આપણા જેવા તો ચાર-ચાર કંપાઉન્ડરો ચાકરી કરતા હોય તેવા જાજરમાન દાક્તરસાહેબો જેલની બહાર ભલે આપણી પૂજાના અધિકારી રહ્યા, આંહીં તો તેઓ પણ કેદી જ લેખાય. તો પછી તેઓ શા અધિકારે આંહીંથી અમુક જ દવા માગી લઈ શકે? તેઓએ પણ આપણી જ સારવાર નીચે મુકાવું રહ્યું. મને તો દિવસરાત એક જ ફિકર થયા કરે છે, દાદા, કે આ નવા યુગના હાથમાં જેલોની સત્તા સોંપાશે એટલે તેઓ જેલ-ઇસ્પિતાલોના વહીવટમાં ભયાનક પરિવર્તન કરી નાખશે. એ નવા કારભારીઓ આવીને પ્રથમ તો પેલા રવિવારિયા હિન્દુ-મુસ્લિમ ધર્મોપદેશકોને રુખસદ આપશે, આત્માના ઉદ્ધારને બદલે આ લોહી, પરુ ને મળમૂત્રે ભરેલા દેહની સાચવણ ઉપર ભાષણો દેનારને નોતરશે, ઈસ્પિતાલોમાં રોગીની સારવાર શીખવવાના વર્ગો કાઢશે. જાદુઈ ફાનસો અને સિનેમાની ફિલમો બતાવી શરીરસુખાકારીના ઈલમો ભણાવશે. એક એક કેદીને ભલી જીભે બોલાવી ચલાવી દાક્તરો એના સાચા ‘દાદા’ બનીને રહેશે, ગંભીર માંદગી ભોગવતા કેદીની પથારીએ એનાં સ્વજનોને તેડાવી ચાકરી કરવા દેશે. ઓસડિયાંની અછત હશે તો જેલની જ જમીન ઉપર વૈદકની વનસ્પતિઓ વવરાવશે, આખો દિવસ મજૂરી ખેંચનારા હજાર-દોઢ હજાર જણ વચ્ચે જ આ તમે બે જ જુવાનો તૂટી મરતા મૂંઝાઈ જઈ મિજાજ ગુમાવી બેસો છો, તેને બદલે તે વખતે એક જેલર ઓછો કરીને ત્રીજો તબીબ વધારશે, અને એ દોઢ હજાર કેદીઓમાંથી જ પચીસ જણને ચૂંટી ‘નર્સિગ’માં પ્રવીણ બનાવશે. આવી તો કંઈક ઊથલપાથલો કરી નાખવાની રાહ જોતો બેઠો છે આ નવલોહિયો નવો જમાનો. મને તો ધાસ્તી છે, ઓ દાદા, કે તે દિવસે તો તમે પણ બદલાઈ જશો. તમારા કલેજામાં પણ કૂણાશ પેસી જશે. હું શું જૂઠી બીક રાખું છું? વચ્ચે શું તમે પોતે જ નહોતા પોચા પડી ગયા? ક્યારે, કહું? પેલા એક સાહેબ થોડા મહિના આવી ગયા ત્યારે. પહાડોના શિખર પરથી ઊતરેલો એ તો એક દેવદૂત હતો. કોમે અને વંશે એ ઈસ્લામીઓનો ‘હજરત’ હતો. શુદ્ધ અરબી ખાનદાનનું લાલ ગુલાબી લોહી એની શિરાઓમાં વહેતું હતું. એની મુખમુદ્રા પર ઝગારા મારનાર કેવળ દેહની તંદુરસ્તી જ નહોતી; એ તો હતી અંતરાત્માની નિરોગિતા. એના બાલક જેવા મોંમાંથી તાજાં ફૂલ જેવું હાસ્ય ઝરતું ને એવી જ વાણી ફોરતી. અરધા માથા સુધી ખેંચાયેલું એનું લલાટ ધૈર્ય અને વિચારશીલતાનાં કિરણો પાથરતું હતું. એને આવ્યાં ચાર જ દિવસ ઊગીને આથમ્યા ત્યાં જ શું આ કારાગૃહની કાળાશ ભોંઠી પડી નહોતી? બુરાકોના દરવાજા દર પ્રભાતે પૂરેપૂરા ઉઘાડા મુકાતા ત્યારે શું કેદીઓનાં હૈયાં નહોતાં થનગની ઊઠતાં? ‘બાપ આવ્યો! આપણો સગો બાપ આવ્યો!’ એવા શબ્દો શું અનેકનાં અંતરમાં નહોતા ગુંજતા? એણે તો શાસન સ્થાપી દીધું શંકાને બદલે વિશ્વાસનું, દમદાટીને સ્થાને સભ્ય સમજાવટનું, અનુકમ્પાનું, વાત્સલ્યનું. છતાં એના શાસનકાળમાં જેલની શિસ્ત તો જરીકે તૂટી નહોતી પડી. એની ભલાઈથી ખૂનીડાકુઓ કોઈ વિફર્યા પણ નહિ. કામકાજ ક્યાંય કમતી ન ઊતર્યું, બંદીવાનોના દિવસો જાણે કે દોટમદોટ ચાલ્યા જવા લાગ્યા. જેલને ખૂણે ખૂણે એના આત્માનાં અજવાળાં અજવાળાં છંટાઈ ગયાં. એ-ના એ માણસો: એટલી જ ઓછી દવાઓ: એ-નું એ જ દાળશાકનું પ્રમાણ: નવું કરવાની કશી જ સત્તા લઈને એ પહાડોમાંથી નહોતો ઊતર્યો. પરંતુ દોઢ હજાર બંદીવાનોને ભૂખ હતી કોઈ માયાળુ મુખના દર્શનની, માયાળુ બોલની, માયાળુ વર્તાવની: એ ભૂખ નેકપાક ડાહ્યા મુસ્લિમે ભાંગી. કદાચ કોઈ કોઈ લાલિયો, અલીખાં કે પેથો કેદી એને છેતરી ગયા હશે. જાણીબૂજીને એણે પોતાની જાતને છેતરાવા દીધી હશે. પોતાની જાતને કોઈક વાર છેતરાવા દેવામાં પણ મહાનુભાવતા રહેલી છે. નહિ તો એની આંખ શું તમારા કરતાં ઓછી ચકોર હતી, દાદા? એની ત્રાડ શું ઓછી બુલંદ હતી? એના કદાવર શરીરમાં રૂઆબ શું જેવો તેવો ભર્યો હતો? એનો એક ગડદો કે એની એક પાટુ ખમી શકે તેવો કોઈ વજ્રકાય કેદી હતો શું આ કારાગારમાં? ચાર મહિનાનું સ્વપ્ન દેખાડીને એ તો ચાલ્યો ગયો પાછો પહાડો ઉપર. બલા ટળી! પણ હું તો કંપી રહી છું એ જ બીકે, મારા જાની દોસ્ત દાક્તર દાદા, કે આવો આવો અક્કેક આદમી નવી સત્તાઓ લઈ ને નવા કાર્યક્રમો સાથે જે દિવસે પ્રત્યેક જેલ ઉપર ઊતરશે, તે દહાડે તમારા જેવા જુવાનો ઝટ ઝટ પલટી શકશે, પણ મારા જેવી પોણોસો-સો વર્ષોની ડોકરીનું તે દહાડે શું થશે? મારાં આંસુનાં જવાહિર બધાં લૂંટાઈ જશે ને?