મેઘાણીની સમગ્ર નવલિકા/ફાંસી

From Ekatra Wiki
Revision as of 11:12, 4 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફાંસી|}} {{Poem2Open}} તું આ બધા ઉદ્ગારો સાચા માનતો નથી, ખરું ને, ભાઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ફાંસી

તું આ બધા ઉદ્ગારો સાચા માનતો નથી, ખરું ને, ભાઈ હરખા? મારું કહેલું કટાક્ષયુક્ત સમજીને તું ચાલ્યો જાય છે. મને બુઢ્ઢીને તો જુવાનોની ઠેકડી કરવાની ટેવ પડી ગઈ છે. મારો પરિહાસ બહુ કાતિલ થઈ પડે છે, ખરું? પેલા બુઢ્ઢા ઉપદેશક સાહેબો પણ મારા પર ચિડાઈ ગયા. પણ હું ઠેકડી ન કરું તો શું કરું? મારું અંતર ભેદાઈ જ જાય ને! દરરોજનાં આટલાં ક્રંદનો સાંભળનારને ગંભીર રહેવું પરવડે નહિ. તો તો હું ગાંડી જ થઈ જાઉં. તમારે સહુને તો ઠરાવેલી મુદતની સજા છે. પચીસ વર્ષ પૂરાં કરીને પણ તમારા માંહેલા અનેક જન્મકેદીઓને છૂટીને ચાલ્યા જતા મેં જોયા છે, ને હું જોઈ જોઈ સળગી ગઈ છું. મારી સજા તો અનંત છે. જેલની દીવાલના પથ્થરોએ મને ચોમેરથી ચાંપી છે એટલે જ હું બક બક કરીને મારા દિવસો વિતાવું છું. એકાએક હું સ્તબ્ધ બની જાઉં છું. જેલ-ઑફિસના કારકુનોની ધક્કામુક્કી અને ગાળાગાળી થંભી જાય છે. જેલરની ત્રાડો પણ રૂંધાઈ ગઈ. વાતાવરણ કેમ આટલું વજનદાર બની રહ્યું છે? મારી પાસેથી બીજા મુલાકાતિયાઓને શા માટે ખસેડી લીધા? જેલના ઇન્સ્પેક્ટર જનરલની હાજરીથી પણ જે ચુપકીદી નથી છવાતી, તેવી ચુપકીદી આજે સંધ્યાકાળે આ કોનું આગમન પાથરી રહ્યું છે? ચુપ! ચુપ! ચુપ! ખણીંગ: ખણીંગ: ખણીંગ: મૃત્યુ ચાલ્યું આવે છે, મૂર્તિમાન મૃત્યુનાં એ પગલાં, એની પછવાડે ચાર પોલીસ છે. એના હાથપગમાં બેડીઓ પડી છે. ઓળખ્યો? ફાંસીની સજા પામેલો અનવરખાન પઠાણ. અનવરખાન પઠાણ! તારી અમ્મા તને મળવા આવી છે. છેક પેશાવરથી આવી છે. સફેદ વાળ અને સફેદ વસ્ત્રોવાળી એ ડોશીએ બુરખા ઉઘાડી નાખ્યા છે. તું શાંત કેમ ઊભો છે? “બેટા! મેરા પ્યારા બેટા!” એમ કહેતી એ ડોશી તો હૈયાફાટ રડી ઊઠી છે, છતાં તારી છાતી કેમ ભાંગતી નથી? તારા મોં ઉપર આઠ મહિનાના નાના બાળક જેવી કરુણતા છે. તારી આંખો અમી વરસાવે છે. પઠાણની આંખો આવી હોય? તું ફાંસીની સજા પામેલો કોઈ કેદી નહિ પણ આત્મસ્થ યોગી દીસે છે. રડવા જ દીધી: એકીટશે બસ નિહાળી જ રહીને તેં અમ્માને રડવા જ દીધી. અને પછી હાથકડીઓમાં જકડાયેલા હાથ જોડીને તેં અમ્માને કહ્યું: “સુનો, સુનો! અબ રંજ મત કરો.” તારી વાણીમાં તો આવતી જિંદગીનો અવાજ હતો. તેં કહ્યું — “તુમ યહાંસે શહરમેં જાઓ. વહાં જડજ કે બંગલે પર જાના. દો બંગલે હૈં. એક કાલા જડજકા, ઔર એક ગોરાકા. તુમ ગોરે કે પાસ જાના. બોલના કિ સાબ, મેરા એક બેટા તો મારા ગયા, અભી યે દૂસરા ભી બેગુનાહ મરતા હૈ —” “હાં!” અમ્મા વચ્ચેથી જ બોલી ઊઠી: “ઔર વો છોટે બચ્ચેકો સચ્ચે મારનેવાલે તો મૌજ કર —” એટલું કહીને અમ્મા ફરી વાર ઢગલો થઈ પડી. “ખેર!” અનવરખાનનો ઉત્તરનો તો સાંભળો: “ખેર! જાને દો વો બાતકો. વો બાતસે અબ અપના ક્યા નિસ્બત હૈ —” આખું દૃશ્ય દિલ ચીરનારું હતું. એ ન સહેવાયાથી જેલર બહાર ચાલ્યો ગયો. ઑફિસનાં પંદર માણસોમાં કોઈને જીભ ન રહી. છતાં અનવરખાન તો અમ્માને ફોસલાવી રહેલ છે. ગોરા જડજને બંગલેથી જાણે બેટાનો જાન હાથ લાગવાનો હતો! એટલી તો બારીકીથી અનવરખાને અમ્માને સૂચનાઓ આપી કે ડોશીને બેટાના ઉગારની અરધી આશા આવી ગઈ. એણે પોતાનો બટવો કાઢીને નાગરવેલનું બીડું ખાધું, તમાકુની ચપટી હોઠમાં દાબી. “અમ્મા! તુમ પરસુ આના. અભી શહરમેં અપને ભાઈઓંકે ઘર જાના.” ડોશી પેશાવરથી સીધેસીધી જ જેલ પર આવી હતી. “તુમારે પાસ અસબાબ હૈ?” બેટાએ પૂછ્યું. “હાં બચ્ચા! એક પેટી હૈ.” “અચ્છા, સ્ટેશન પર જાના. કુલીકો દો પેસા દેના.” “બચ્ચા! દો પેસામાં તો કુલી નહિ લે જાયગા.” “નહિ ક્યોં લે જાયગા? કાનૂન હે. બાબુકો બોલના.” “કાનૂન હે, બાબુકો બોલના!” અનવરખાં પઠાણ! મૃત્યુને અને તારે ચાર દિવસનું અંતર છતાં તને હજુ આ દુનિયાના કાનૂન પળાવનારા બાબુ પર ઇતબાર છે? તારા ખૂની હૃદયના ઊંડાણમાં તો કાનૂન અને કાનૂનરક્ષક રાજતંત્રનો જ પક્ષપાત છે ને? ત્યારે તું તો જિંદગીભર કાનૂનના ભુક્કા બોલાવી રહેલ હતો તે શું એક રોગ જ હતો? જિંદગીમાં તને જે ન સૂઝ્યું તે શું તને આજ મૃત્યુની છાયાએ યાદ દીધું? હું આવું આવું વિચારી રહી હતી ત્યારે ઓચિંતી એક રમૂજ દીઠી. ધોળી ટોપીવાળો એક રાજકેદી ત્યાં બેઠો હતો એને આંસુ આવી ગયાં. અનવરખાન, બસ, એને કોઈ નિર્દોષ માર્યો જતો લાગ્યો. અનવરખાન જેવો સમાધિસ્થ પુરુષ શું પોતાના પિત્રાઈ ભાઈની હત્યા કરે? ત્રણસો રૂપિયાની ખાતર? હાય, નક્કી ન્યાયકર્તા આગલા દિવસના એક બનાવથી દોરવાઈ ગયા હશે. આગલે દિવસે એક પઠાણ કેદીએ એને છૂટી બાટલી મારી તેથી, બસ, એણે બીજે દિવસે અનવરખાનને પઠાણ તરીકે ફાંસીની સજા ટીપી મારી! રાજકેદી બાપડો ગદ્ગદિત બની ગયો. ભાઈ રાજકેદી, તું અનવરખાનને ઓળખી ગયો શું? આટલી આસાનીથી? તારા અંતરમાં અનવરની નિર્દોષતા પથરાઈ રહી છે. તું જો વાઈસરોય હોત તો ખૂનીને એકદમ ક્ષમા દઈ દેત, ખરું? અરે ગંડુ! અનવરને તો શહેરની એકેએક ગલી ઓળખે છે. એ તો અંધારી રાતનો રાજા: એનો ધંધો અફીણગાંજાની દાણચોરીનો. એનું વીરત્વ ગળાકાટુનું. આજ એ અનેક ખૂનોની ગાંસડીએ અનવરને નીચો નમાવ્યો છે. રાતે જઈને અનવરની તુરંગ પાસે તો તું ઊભો રહેજે! અનવર આખી રાત કલમા પઢે છે, નમાજે ઝૂકે છે, દરોગાઓને કહે છે કે મેં ઘણી ઘણી હત્યાઓ કરી છે; આ એક ભલે નથી કરી, પણ મને યોગ્ય સજા મળી છે. અનવર ઘેરા કંઠે ગાયા કરે છે. કૈં કૈં દિલભેદક કલામો ગાય છે. વચ્ચે વચ્ચે પાછો બોલી ઊઠે છે: “અય ખુદા! હમ ભી તેરે પ્યારે બચ્ચે હૈં!” આખી ફાંસીખોલીનું વાતાવરણ અનવરની સંગાથે જ જાણે પાપની તોબાહ ગુજારી રહ્યું છે. ઈમાન, શાંતિ અને ઇશ્વરી રહમદારીની એક મસ્જિદ જાણે કે સર્જાઈ ગઈ છે. ત્યાં વૉર્ડરો, મારપીટ કે ગાળાગાળી તો શું પણ ઊંચે અવાજે વાત પણ કરી શકતા નથી. ત્યાં મુકાદમો જાય છે ત્યારે તેઓના પગના જોડા અબોલ બની રહે છે. ત્યાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટની મુલાકાતો પણ રૂઆબફુવાબથી રહિત બનીને થાય છે. ગુસ્સામાં અને ખુશાલીમાં જેનું ગળું હંમેશાં ગાજી ઊઠવા જ ટેવાયેલું છે તે જેલરના હોઠ પર ત્યાં માત્ર મૂંગી પ્રાર્થના જ ફફડે છે. તાળાં અને ચાવીઓ, કોટડીનાં કમાડો અને સાંકળો ત્યાં અદબથી ઉઘાડાય છે અને બિડાય છે. ખુલ્લે ગળે બોલે છે ફક્ત ત્યાં પક્ષીઓ ને ખિસકોલીઓ. જેલના રચનારને જાણે મૃત્યુની અદબ હશે. ફાંસી ખોલીની આખી તુરંગને બાંધવામાં એણે હવાઉજાસની આવ-જા રૂંધી નથી. પહોળી પરસાળ પર શીતળ લાદી જડી છે, ને પરસાળની સામે સીધી હારમાં લીલાછમ લીંબડા-પીપળા રોપાવીને ઘટાદાર છાંયડો નિપજાવ્યો છે. એ ઝાડોના પગ પાસે ગુલાબ, ડોલર અને ચંપા જેવાં ઝાડોનો નાનો બાગ વવરાવ્યો છે. કોઈ કોઈ વાર ત્યાં રહી જતા બેવકૂફ રાજકેદીઓ પોતાની મુલાકાત વેળા પોતાનાં બાળકોને પહેરાવવા સારુ આ ડોલર-ચંપાની માળાઓ પરોવી રાખતા. તુરંગના દરવાજાથી પચીસ જ કદમ દૂરની દીવાલ પાછળ જ્યાં પરલોકના પ્રવેશદ્વાર જેવું ફાંસીખાનું છે, તેના બારણા સુધીની એ પચીસ જ પગલાંની નાની કેડીને પણ બન્ને બાજુએ ફૂલ-રોપ વડે શણગારી છે. એ ફૂલોની વચ્ચે થઈને કેદી અપર દુનિયાની યાત્રાએ ચાલ્યો જાય છે. એ ફૂલમંડિત વાટિકા જાણે કોઈ તપોવનમાં, આશ્રમમાં કે નદીઘાટ પર લઈ જાય છે. કોઈ નૌકા ત્યાં મુસાફરની વાટ જોતી જાણે ઊભી હશે. થોડા જ દિવસ પછીને એક પ્રભાતે પોતાને પણ જે ફૂલમંડિત કેડીનાં પચીસ પગલાં ભરી કાઢવાનાં છે, તે પગથી ઉપર નજર ઠેરવતો અનવર પોતાની કોટડીને બંધબારણે બેઠો બેઠો પોતાની રચેલી ઈશ્વરી કલામો ગાતો ત્યારે એનો ઘેરો અને ગળતો કંઠ એ કોટડીના ઊંચા ઊંચા છાપરા સુધી ઘૂમરીઓ ખાઈને કેવો ગુંજતો હતો! હું તો રહી દરવાજા પરની, છેવાડાની બારી: અજગર સરખા, કૂંડાળું વળીને પડેલા એ જબ્બર કાળા કોટની એક તબકતી ઝીણી આંખ જેવી હું તો. પણ અંદર ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે તે બધું જોઈ અને સાંભળી શકું છું. હવા વાટે અને જમીન વાટે મને એ આખીય જેલમાં બનતા બનાવોના વીજળી જેવા આંચકા વાગે છે. હું ચીસ પાડી નથી શકતી તેથી કરીને એ આંચકાની પીડા મને વધારે લાગે છે. દાખલા તરીકે આજે જ અમારો સૂબેદાર દોરડાંનાં મોટાં ગૂંચળાં લેવરાવીને ફાંસીખાનામાં જઈ આવ્યો. અનવરને કેટલી ઊંચાઈએ ઊભો રાખવો પડશે, એના ગળાની પહોળાઈને પહોંચી વળવા માટે કેટલો ગાળિયો જોઈશે, વગેરે માપ-બાપ નક્કી કરી આવ્યો. અનવરના ભારથી રસી તૂટશે તો નહિ ને, એ ચોકસી કરવા સારુ ગુણપાટમાં રેતી ભરીને બનાવેલ એક માનવ-પૂતળાને લટકાવવાની ‘રિહર્સલ’ પણ કરી આવ્યો. ફાંસીખાનું વાળીચોળી કોઈ શિવાલયના આંગણા જેવું ચોખ્ખુંફૂલ બનાવરાવી આવ્યો, ને બરાબર સામે જ પોતાની કોટડીમાં બેઠે બેઠે અનવરે એ નજરે દીઠું. પછી બપોરે ‘અમ્મા’ મુલાકાતે આવી. પણ જેલરે આજ એ છેલ્લી મુલાકાતનો મીઠો ભક્ષ મારા મોંમાંથી પડાવી લીધો તેથી મને ઘણું ઘણું માઠું લાગ્યું. ‘અમ્મા’ને તો વૉર્ડરો છેક ત્યાં ફાંસી-ખોલીની તુરંગમાં લઈ ગયા. હું તો અનુભવી રહી ખરીને, એટલે કળી ગઈ કે જેલરને એ મુલાકાતનું દુ:ખ નજરે જોવું નહોતું તેથી કરીને જ તેણે મારું સુખ હરી લીધું. મને ખીજ તો એટલી બધી ચડી કે આ મૂઆઓના ‘આઈ. જી. પી.’ને એક નનામો કાગળ લખી નાખું કે આવાં કૂકડી જેવાં પોચાં કલેજાંવાળાઓને તમે જેલ ઉપર શું જોઈને નીમ્યા છે, સાહેબ! પણ લખું તે શી રીતે? ચાર-પાંચ ખડિયા-કલમ પડ્યાં છે તેમાંથી એકેય ઉપાડી શકે તેવાં આંગળાં મારે નથી. ખેર! ‘અમ્મા’ની પાછળ મારા પણ વીજળીતાર સંધાઈ ગયા. એક હજાર કેદીઓ વચ્ચે સર્વથી નિરાળો અને આખા કારાગૃહમાં સર્વથી સુઘડ સુંદર અમીરી મકાનમાં લીલી કુંજ વચ્ચે રાખવામાં આવેલો ‘મારો અનવર’ શું છૂટવાનો હશે તેથી જ અહીં એને માનપાનથી મહેમાન રાખ્યો છે? અનવરને દરવાજા સુધી ચાલવાની તકલીફ આપવાને બદલે મને એના આવાસ પર લાવવામાં આવી એ વાતમાં પણ શું અનવરના છુટકારાની જ વધાઈ હશે! આવા આવા ઘોડા ઘડતી ‘અમ્મા’ને જ્યારે પરસાળમાં બેસાડવામાં આવી પણ અનવરને કોટડીમાંથી બહાર ન કાઢ્યો, અને સળિયાવાળા બારણાની પાછળ બેસીને અનવર જ્યારે અમ્માની સાથે આવેલ પોતાના બંધુજન પાસે અનેક સગાંવહાલાં પર છેલ્લી સલામના કાગળો લખાવવા લાગ્યો, ત્યારે પછી ‘અમ્મા’ની આંખોમાંથી આશાનો ચમકાટ ઊડી ગયો. “બેટા! ક્યા તારીખ મુકરર હો ગઈ? તૂ મુઝે ક્યોં નહિ કહતા?” એવું પૂછતી આંસુભરી અમ્માને અનવરે બસ એકસરખું મંદ મંદ સ્મિત કરતાં ખામોશીથી એક જ ઉત્તર આપ્યો: “નહિ, અમ્મા! અભી તો બડા લાટસાબ કે પાસસે રહમિયતકી અર્જીકા ફેંસલા કહાં આયા હી હૈ? અભી તો દેર હૈ. તુમ રંજ મત કરો.” અનવરનું મોં મલકતું હતું, પણ અમ્માએ આજુબાજુ દૃષ્ટિ ફેંકીને દીઠું કે વૉર્ડરો, મુકાદમો વગેરેના ચહેરા પર જુદી જ છાયા છવાઈ ગઈ હતી. પોતે અમ્માની આખરી રજા લેતો હોય એવા કશા ચાળા પુત્રે કર્યા નહિ. સાંજરે જ્યારે અમ્મા બડા લાટસાબની રહેમિયતના ફેંસલાની છેલ્લી આશા લઈને ઘેર ચાલી, ત્યારે દરવાજે એને કહેવામાં આવ્યું કે કાલે સવારે નવ બજે અનવરની લાશ તને સોંપવામાં આવશે. તે રાતે તો અનવરે ઝોલું પણ ન ખાધું, બંદગી જ કર્યા કીધી. સવારે એને પરસાળમાં બેસારીને હજામે હજામત કરી. હજામત વખતે એના હાથ પીઠ પાછળ રખાવીને હાથકડી જડવામાં આવી હતી. પણ અનવર તો જાણે શાદીની તૈયારી કરાવતો હતો. હજામત પૂરી થઈ રહ્યે જ્યારે પાછા એના હાથને પછવાડેથી અગાડી લાવીને હાથકડી પહેરાવી, ત્યારે એણે હજામને કહ્યું: “જરા કંગવા લાવ તો, ભૈયા!” કાંસકો અને અરીસો લઈને અનવરે પોતાની દાઢી ઓળી. ચા પીધી, કપડાં પહેર્યાં. ચમકતાં સંગીનોવાળી બંદૂકો ખભે નાખીને પોલીસની ફોજ આવી ગોઠવાઈ ગઈ; ને જ્યારે સર્વ ભાઈઓને મીઠી સલામ સાથે માફામાફી કરીને અનવરે એ ફૂલો વચ્ચેની કેડી પર પચીસ કદમો ભર્યા, ત્યારે કદમે કદમે ધરતીએ એને ‘ખમા ખમા’ કહ્યું હશે; ફાંસીખાનાની ખડકી પર અમલદારોને અને માજિસ્ટ્રેટને એણે ‘દરગુજર’ યાચ્યું ત્યારે પણ અનવર એવી ને એવી સમતામાં હતો. મેં તો ઘણુંય ટીકી ટીકીને જોયું, કાન માંડી માંડીને તપાસ્યું કે એની આ વીરતામાં બડાશ અથવા શેખી તો નથી ને! બનાવટી રીતે અક્કડ રહીને એ પોતાનો નોક રાખવા તો મથતો નહોતો ને? પણ મારી એ બધી હુશિયારી ફોગટ ગઈ. ભાઈ, એ તો જ્ઞાનમાં ને અવિકારમાં ગળી પડેલા કોઈ મુરશદની ભદ્ર વીરતા હતી. અરેરે, આમાં મોતની સજાનું માત્યમ ક્યાં રહ્યું? આ તો અમારી, સહુ સત્તાધારીઓની ઠેકડી જ થઈ ને? દરવાજેથી એને ગળા સુધી કાળી કાનટોપી ઓઢાડી દેવામા આવી તોય અનવર તો દુલ્લો જ રહ્યો. અને પછી તો એક-બે મિનિટમાં જ પાટિયાંનાં ધબકારા થયા. અનવર લટકી પડ્યો. પણ લટક્યા પછી દસ મિનિટે જ્યારે દાક્તરે એ ભોંયરામાં ઊતરી લાશની નાડ તપાસી ત્યારે નાડી એક તંદુરસ્ત જીવતા માણસના જેવી ચાલતી હતી. એટલે કે અનવરના હૃદય ઉપર એ કારમા મોતનો આઘાત જરીકે નહોતો પડ્યો. એ તો મરી રહ્યો હતો, કેવળ ગળાના ફાંસલાની ભીંસથી જ; જ્યારે બીજાઓ ફાંસી પર બે રીતે મરે છે: એક તો ગળાની નસ પર ભીંસામણ થવાથી શ્વાસ રૂંધાઈને, અને બીજું એ મૃત્યુની દારુણ ફાળની અસરથી. અનવર જો ખોટી વીરતાનો વેશ ભજવતો હશે તો છેલ્લી ઘડીએ ઉઘાડો પડી જશે એવી મને આશા હતી. પણ આ તો અમારા માથાનો મળ્યો. આખી જિંદગીને હારનારો પાપી આમ મોતને જીતી ગયો. હી-હી-હી-હી-હી! એ વાત કરતાં તો વળી પાછું મારાથી હસી જવાય છે. અમે તો જેલનાં જીવ: અનવર ફનવર જેવાનાં મોતની અસર અમારા ઉપર પાંચ-દસ મિનિટથી વધુ લાંબી પહોંચે નહિ. અમે તો ટેવાઈ ગયાં. અમારો તો ધંધો ઠર્યો. અનવરની વાત કહેતાં હું આવી ગંભીર અને જ્ઞાનદંભી શીદ બની ગઈ! પણ મને રમૂજ તો પડી ગઈ પેલા દયાળજી વાણિયાનો કિસ્સો યાદ આવી જવાથી.