ફેરો/એમ. એમ. ત્રિવેદી
ચીલાચાલુ, ઘટનાપ્રધાન, વાર્તાઓના મહત્ત્વથી જાણે કંટાળી નવો જ પ્રયોગ, જેમાં વ્યક્તિગત અનુભૂતિનું તત્ત્વ કેન્દ્રમાં હોય તે ઘટના, શ્રી રાધેશ્યામ શર્માની લઘુકથા ફેરોને ધ્યાનપાત્ર કરી મૂકે છે. છતાં તેઓ પોતે જ આડકતરી રીતે સ્વીકારે છે કે, આનું અનુસંધાન જેમ્સ જૉય્સ સાથે છે. એટલે આ પ્રયત્ન જૉય્સનું અનુકરણ કરે છે તેવું રખે માનતા. અને અનુભૂતિની કક્ષાએ અનુકરણનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. છતાં જૉય્સ જેટલી ઉત્કટ કક્ષાએ રાધેશ્યામ અનુભૂતિને લઈ જાય છે કે નહિ, તે પ્રશ્ન જરૂર કોઈ પણ કરી શકે છે. તદુપરાંત એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, એક અનુભૂતિને સમગ્ર વ્યક્તિત્વના સ્થાને મૂકી દેવી તે ગંભીર ભૂલ છે. એટલે ફેરોના નાયકનું વ્યક્તિત્વ તે રાધેશ્યામનું વ્યક્તિત્વ તરીકે ગણવું ન જ જોઈએ. એ રાધેશ્યામની અનુભૂતિમાંથી જન્મેલું મનોગત છે, એટલું જરૂર સ્વીકારીશું.
આ જ પ્રમાણે થોડી ચોખવટ શ્રી સુમન શાહ આ કથાને ‘સ્વપ્નના પોમેટિકનું રસાયન’ કહે છે તે વિશે કરી લેવી જરૂરી છે. અહીં પોએટિક્સ વિશે ચર્ચા નહિ કરતાં સ્વપ્ન વિશે વિગતમાં ઊતરવું એટલા માટે જરૂરી છે કે, મનોવિશ્લેષણના ક્ષેત્રે સ્વપ્નોનું સ્થાન આગવું મહત્ત્વ ધરાવે છે. હવે શ્રી શાહ સ્વપ્નો એટલે સ્વૈરવિહારી અભિવ્યક્તિ, એવો અર્થ કરતા હોય તો, તેમાં કશું અસંગત નથી. પરંતુ સિગ્મન્ડ ફ્રોઈડે : ‘‘સ્વપ્નો એ તો અજ્ઞાત માનસનો રાજમાર્ગ’ કહ્યો છે, તેવું કાંઈક, અભિપ્રેત માનીશું તો ઘણી ગૂંચ ઊભી થશે. આ કથામાં નાયકના અને બીજાના અજ્ઞાત માનસના ઝબકારા નથી, એમ હું કહેવા માગતો નથી. આવા ઝબકારા ઘણા લલચામણા, લોભામણા છે; પણ સ્વપ્નો દ્વારા કોઈ એક પાત્રનું અજ્ઞાત વ્યક્ત કરાતું નથી, એટલે આ પ્રશ્ન ઉપાડવા જેવો જ નથી, છતાં આટલું કહેવું જરૂરનું એટલા માટે છે કે સ્વપ્નો જેવા સ્વૈરવિહારી વિચારોને, લેખક ઉપયોગમાં લે છે. અને તેના કારણે શ્રી શાહ આ કથાને ‘સ્વપ્નના પોએટિકનું રસાયન’, કહેવા લલચાયા છે. ફેરોના નાયકના વ્યક્તિત્વનો અભ્યાસ કરતી વખતે તેને બે વિભાગોમાં જોવા પ્રયત્ન કરીશું. પ્રથમ વિભાગમાં તેની પોતાની જીત (self) સાથેના ભાવો વ્યવહારો જોઈશું અને બીજા વિભાગમાં જગત (object=વસ્તુનો, જીવંત વ્યક્તિઓ સમેત)ની સાથેના વ્યવહારો. ફેરોના નાયકને, ‘પયગંબરી’ સ્વપ્નો આવે છે, કદાચ ક્લેરવોયન્સની શક્તિ હોય, એમ તે માને છે. વળી બીજાને કાકતાલીય ન્યાય લાગે તેને તે ‘ચમત્કારિક શક્તિ’, વચનસિદ્ધિ વગેરેમાં તેને શ્રદ્ધા છે. આ છે એના પોતાના વિશેના આલાગ્રાન્ડ (grandiose phantasies) મનોરથો. પણ સાથે સાથે આવો આલાગ્રાન્ડ નાયક, રિક્ષાવાળાથી દબાઈ જતો જણાય છે. ટ્રેનમાં પત્નીની મદદથી જગ્યા મેળવી શકે છે. ટૂંકમાં સુમન શાહ કહે છે તેમ ‘કથાનાયકની શક્તિઓ વંધ્ય છે’, એટલે પ્રશ્ન થશે કે આવાં અસંગત તત્ત્વો, ભેળસેળ, મિશ્ર સ્વરૂપે શક્ય હોય? હા. આવી વ્યક્તિઓ વિષે ‘‘આત્મરતિશીલ વ્યક્તિત્વના વિકારો’’ (Narcissistic Personality Disorders)માં આવું વિચિત્ર સ્વરૂપ જોવા મળે છે. (Dr. Heinr Kohut- ‘The Analysis of The Self" -૧૯૭૧). ઉપરાંત આવા વ્યક્તિત્વનું બીજું લક્ષણ ઓળખવા એને સામાન્ય કે, સામાન્યની નજીકનું વ્યક્તિત્વ ધરાવતી ‘હિસ્ટીરિકલ પર્સનાલિટિ’ સાથે સરખાવી જોઈશું. આ સરખામણીમાં કહી શકાશે કે, વ્યક્તિને માનહાનિ કે સ્વમાનને ઘા પડે ત્યારે શિશ્નછેદ અનુભવે છે. આથી ઓછી ઉત્કટતાનો ઘા, તે પ્રીતિ-પાત્રની પ્રીતિ ખોઈ બેસવી. અને લગભગ સામાન્ય રીતે જેની કલ્પના જ કરવામાં આવતી નથી તે, પાત્ર કે વસ્તુ (object)ને ખોઈ બેસવું. આ સામાન્ય ક્રમ આત્મરતિશીલ વ્યક્તિત્વના વિકારમાં ઊલેટાઈ જાય છે. અને તેમને માટે વસ્તુ (object)ખોઈ બેસવાનો ભય સૌથી અગ્રસ્થાને રહે છે. બીજા સ્થાને પ્રીતી ખોઈ બેસવાનો ભય અને સ્વમાનહાનિ કે શિશ્નછેદ સમકક્ષ ઘા એમની આત્મરતિનું કવચ ભેદી શકતી નથી. પરિણામે આવી વ્યક્તિ સામાન્ય વ્યક્તિ જેનાથી શરમ અનુભવે છે તેમાં કશી શરમ અનુભવતી નથી, અને શિશ્નછેદ સમકક્ષ અનુભવોની વાતો વગર શરમે વ્યક્ત કરતી જણાશે. એટલે જ ‘ફેરો’નો નાયક, લબડી પડતી હડપચી, વારે વારે ખીસામાંથી પેન પડી જવાની ભીતિ, વગરે ટૂંકમાં પોતા વિશેના અનેક આવા હીણપતભર્યા નિર્દેશો વારંવાર કર્યા કરતો જોવા મળે છે. આથી વિશેષ મહત્ત્વનું લક્ષણ જે આવા વ્યક્તિત્વનું છે તે, (Solipsism) વિશેષ સ્વકેન્દ્રીયતા. આખી કથા પહેલા પુરુષ એકવચનમાં લખાઈ છે. તે માની લઈએે કે સ્વાનુભૂતિના નિરૂપણ માટે યોગ્ય શૈલી છે, માટે છે. તે જ પ્રમાણે કથામાં આવતાં બીજાં પાત્રોને કોઈનું નામવિધાન થતું નથી, તે પરકેન્દ્રીયતા ઓછી એમ કહીશું? પરંતુ જ્યારે બિસ્તરાવાળી સ્ત્રી અને નાયકને, આ ભવમાં તો કોઈ નાતો કે સંબંધ નથી, પરંતુ : ‘‘ગયા ભવમાં કદાચ અમે...’ (પૃ. ૪૩) એ સ્વકેન્દ્રિયતાનો જ નિર્દેશ છે. આમ આવા સ્વકેન્દ્રીયતાના અતિરેકના નિર્દેશો અપૂરતા નથી. ફેરોના નાયકની ઉપર જોઈ તે બે વિચિત્રતા ઉપરાંત ત્રીજી વિચિત્રતા તે, સામાન્ય બાબતોમાં પણ સેક્સના નિર્દેશો મૂકવા કે જોવા તે છે. ઊડીને આંખે વળગે એવો દાખલો : ‘બારણાને બે હડા છે. એક સરળતાથી, કાંચળીમાં સાપ પાછો જતો હોય તો તેની માફક જાય છે. બીજો હેંકું, હેંકું, હેંકું એમ કિચૂડાટ કરતો જાય છે, (કોઈ વાર રાતે સમાગમ પ્રસંગે આવું બોલીએ તો ઉત્તેજનાની વિશિષ્ટ અનુભૂતિ ઉપલબ્ધ થાય ખરી?)’ (પૃ. ૧૦) બીજી દાખલો : ‘વિષય વિના વાત જ ન થાય એવું કાંઈ ખરું?’ વિષય જડે તો વાત લખવા બેસી જાઓ છો. અને વાત કરનાર તો તમારા ભાઈબંધ હોય છે જ ને ? પેલા... પેલા... પેલા... ફલાણા.’ આજ પાછું એ બુદ્ધિભર્યું બોલવા લાગી હતી. પણ ‘વિષય’ શબ્દના અન્ય અર્થ પરત્વે અત્યારે સભાન ન હતી એ સારું હતું. (પૃ. ૬૧) આમ સામાન્ય ઘટના વગેરેને કામવાસનાનો રંગ ચડાવવો (sexualization) પણ પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. એટલે સમગ્ર વિચાર કરતો ‘આત્મરતિશીલ વ્યક્તિત્વના વિકારો’માં જોવા મળતાં ત્રણ પ્રમુખ લક્ષણો અહીં પૂર્ણ પ્રમાણમાં જોવા મળે છે. તે પ્રથમ; આલાગ્રાન્ડ હોવાના મનોરથો (gandiose phantasies) બીજું : સવિશેષ-સ્વકેન્દ્રીયતા (solipsism) અને ત્રીજું; આત્મરતિનો સંનિવેશ થયો છે તે તત્ત્વોને કામવાસનાને રંગ ચડાવવો (sexualization of the narcissistically cathected objects.) હવે નાયકના અન્ય લોકો સાથેના લાગણીના વ્યવહારો તપાસીએ : (object relationship). આમાં પ્રથમ તે નાયકથી બીજા નંબરે આવતો તે તેનો પુત્ર ‘ભૈ’ આ ભૈ પ્રત્યેના એના વાત્સલ્યભાવો બાળકના લાલન-પાલનમાં જણાય છે. છતાં વિચિત્રતા તો એ છે કે એ ખોવાઈ જાય છે ત્યારના નાયકના પ્રત્યાઘાતો સમજી શકાય તેવા નથી. નાયકનો પ્રથમ પ્રત્યાઘાત તે પત્ની ઉપર ગુસ્સે થઈ જવાનો, અને તમાચો ચોડી દેવાનો, આને અસામાન્ય નહિ કહી શકીએ. પણ પછીથી? નાયક લગભગ નિષ્ક્રિય રહે છે. ‘લાળની જેમ હડપચી લબડી પડી.’ (પૃ. ૬૩) ‘ચાલો એક કથા પૂરી કરી.’ અને ખરેખર ફેરોની કથા અહીં જ પૂરી થાય છે. કારણ કે આવી વ્યક્તિને માટે object loss-વસ્તુ સાથેનો સંબંધ તૂટ્યો - ભારે આઘાતજનક હોય છે. આવા જ એક બીજા સંદર્ભમાં Goetheનું પાત્ર Faust કહે છે : ‘What I possess, seems for away, and what is gone becomes reality.’ એટલે જે છે, તેનો દૃઢ પ્રત્યય નથી; પણ એ જ ખોવાય છે ત્યારે પેલું આત્મરતિનું કવચ ભેદાય છે. હવે લઈએ પત્ની સાથેના સંબંધો. એની ‘આંખમાં પ્રેમ કરતાં વાત્સલ્ય (જ્યારે તે પરણીને આવી ત્યારે ય ડોકિયાં કરે છે’ (પૃ. ૭). એ જાડી છે. શરદીથી પણ પીગળે નહિ તેવી છે; પણ એ બધું તો નાયકની દૃષ્ટિથી જોયું. નાયકનો એની સાથેનો વ્યવહાર શું સૂચવે છે? પત્ની ઉપર અવલંબન, બને તેટલું વધુ અવલંબન, અને તેમાં પત્નીની સંતોષ આપવાની નિષ્ફળતા. નાયકને જોઈએ છે. સ્તનો, દૂધના ભરેલા ઘડા જેવા. પણ અનુભવાય છે ભારે તાળાં જેવા. આવો વિસંવાદ મોટે ભાગે રહે છે. ફક્ત એક અપવાદ છે. ‘પવનની એક લહેરખી આવી બહાર મોં કાઢી પડિયામાં ભૈને પાણી પાતી મારી પત્નીના ચહેરાને તેની વાળની લટે આકર્ષક દેખાડ્યો. હું તાકી રહ્યો. મારી હડપચી? જાણો જ છો.. અમારા લગ્નજીવનનાં છેલ્લાં દસ વરસમાં આવો પવન કોઈ દિવસ કેમ નહોતો વાયો? કેમ આ રીતે લટ એના મુખ ઉપર કમાનની પેઠે ઝૂકી ન હતી? (પૃ. ૪૦) અહીં ક્ષણ માટે થાય છે કે નાયકને પત્ની પ્રત્યે – object love, વસ્તુલક્ષી પ્રેમ, એટલે કે સામાનું સંપૂર્ણ વ્યક્તિત્વ, પોતાથી અળગું, અને સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો છે. પણ આ વિધાન ટકી શકતું નથી. કારણ કે આના પછીનું તુરત જ આવતું વાક્ય : ‘પેલી મારી અલૌકિક શક્તિમાં આવું તો કદી યે ઊગ્યું નહોતું કે આવા કો’ક અજાણ્યા સ્ટેશને મને આવું સૌંદર્યદર્શન થશે.’ એટલે કે નાયકને મન મહત્ત્વની બિના તે બાહ્ય વાસ્તવ સાથે સુમેળ અને સત્યમ્-શિવમ્-સુંદરમ્ની અનુભૂતિ નથી; પરંતુ એ તો એની અલૌકિક શક્તિની પરીક્ષામાં પડ્યો છે. આમ એની વસ્તુલક્ષી પ્રીતિનો છેદ ઊડી જાય છે. અને આનું કારણ આગળ જે નિદાન કર્યું છે તે આત્મરતિશીલ વ્યક્તિત્વ-વિકાર જ છે. આવી વ્યક્તિનું મન, જેમ જાત પ્રત્યે આલાગ્રાન્ડ મનોરથો સેવે છે, તેમ તેમની વસ્તુ -object-પ્રીતિપાત્ર, સર્વશક્તિમાન (omnipotent) હોય તો જ સ્વીકાર્ય, અપનાવી શકાય, તેવો આગ્રહ, તેવા મનોભાવો ધરાવતી હોય છે. આમ ફેરોની કથામાં grandiose-self અને omnipotent objects ડોકિયાં કરતાં જોઈ શકાય છે. આના દાખલા છે, સોમપુરી બાવો અને બિસ્તરાવાળી સ્ત્રી. નાયકને મન એ ‘આ વૈભવશાળી ઘરમાં કેટલાં બારીબારણાં હશે?’ની ઉપમામાં બંધ બેસતી છે. ખેર, ખરી મહત્ત્વની વાત તે તો આ સર્વશક્તિમાન હોવાના મનોરથો આદર્શ માતા-પિતાની માનસમૂર્તિમાંથી આકાર લે છે. એટલું જ નહિ પરંતુ જ્યારે આવી આદર્શ માનસમૂર્તિઓ, અને વાસ્તવમાં રહેલાં માતા-પિતાના વર્તનને કારણે, પેલા મનોરથોમાં રહેલો મોહ ભાંગી પડે છે ત્યારે, પ્રેમરસ ખાટો થઈ જાય તેવું થાય છે. એટલે આદર્શોની આસક્તિને સ્થાને ઘૃણા મુકાય છે. બિસ્ત્રાવાળીને સ્થાને નાગર વિધવા, ચાના પ્યાલા ખાતર કામવાસનાનો રંગ ચડાવેલી વાતો કરી શકે તેવી મૂકી શકાય છે. મનોવિશ્લેષણની દૃષ્ટિએ, આ પ્રતીકો પ્રચુર, અને સ્વપ્નો જેવી સ્વૈરવિહારી વિચારોવાળી કથામાં, ઝીણી ઝીણી ઘણી બધી વસ્તુઓ છે કે જેની ચર્ચા લોભામણી લાગે; પણ આવા આડામાર્ગે ઊતરી જવામાં ભયસ્થાન એક જ છે તે : ‘આખાને ભૂલી એક વિભાગને જ વળગી રહેવા’ જેવું થાય; ઝાડની ગણતરી કરવામાં વનની અખિલાઈ ઓળખવાની રહી જાય તેમ. અંતમાં શ્રી ઉમાશંકરભાઈએ ‘ફેરો’નું એક આગવું અર્થઘટન કરી, નવો જ સમન્વય સાધવા પ્રયાસ કર્યો. મને લાગે છે, મારું કાર્ય નવો શ્લેષ કે સમન્વય શોધવાનું નથી. એટલું જ નહિ પણ વિશ્લેષક શિવમસુંદરમ-ને બદલે દૈત્ય(devil)નો પણ દોસ્ત છે. એટલે શુભ-અશુભથી નિરપેક્ષ દૃષ્ટિએ જોવા ઉમેરવાથી સિક્કાની બંને બાજુ જોવાનો લાભ થશે, તેમ હું ધારું છું. શ્રી રાધેશ્યામના આ મૌલિક પ્રયોગનું અભિવાદન કરતાં ઉમેરીશ કે એક વ્યવસાયી મનોવિશ્લેષક તરીકે મારો અનુભવ છે કે, જ્યારે સામાન્ય સ્વસ્થ માનવીની સાથે સમસંવેદનનો સેતુ બાંધવો એટલો અઘરો છે, ત્યારે આત્મરતિશીલ વ્યક્તિત્વની સાથે સહ-અનુભૂતિ કરી શકવી કેટલી દુષ્કર અને દુર્લભ છે; અને તેનું સળંગ, સર્વાંગી નિરૂપણ અને તો પણ સહજ સહસા કરવું, મને તો આશ્ચર્યચકિત જ કરે છે. અને આમ હું રાધેશ્યામને આ પ્રયત્ન માટે અભિનંદું છું.