મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/ઠાકર લેખાં લેશે!

From Ekatra Wiki
Revision as of 12:15, 9 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઠાકર લેખાં લેશે!|}} {{Poem2Open}} <center>[૧]</center> “તું જાણ્ય ને ઠાકર જાણે, ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઠાકર લેખાં લેશે!
[૧]

“તું જાણ્ય ને ઠાકર જાણે, ભાઈ!” પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા પર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક ઊંચી મેડીના બંધ થતાં બારણાં સામે ઠેરાયેલી હતી. બોલતાં બોલતાં એણે ઠાલવેલો એક નિશ્વાસ જાણે કે ઠાકર પરની આસ્થાના આકાશે અડકતો એક થાંભલો રચતો હતો. શહેરની એ એક દેવમંદિરવાળી પોળ હતી; ને તે કારણે શહેરનાં લોકો જેટલે દરજ્જે શ્રદ્ધાથી ભીંજાયેલાં રહેતાં, તેટલે દરજ્જે એ પોળ પણ સદૈવ કાદવકીચડથી ભીંજાયલી રહેતી. એ કચકાણ પર પદમાની ટોપલીનો દશ શેર લોટ ઠલવાયો કે તત્કાળ કૂતરાંના ટોળાએ ત્યાં મહેફિલ જમાવી દીધી. ખાલી ટોપલીને હાથમાં ઝુલાવતો પદમો ચાલતો થયો; પણ બબ્બે ડગલાં માંડીને એ પાછો અટકતો હતો. અને એ ઊંચી મેડીનાં કમાડ સામે ઘાતકી નજરે તાકતો હતો. મનુષ્યની આંખોના ડોળા એ જો વછૂટી શકે તેવા તોપગોળા હોત તો જીવનભરનો અંધાપો સ્વીકારીને પણ પદમા કણબીએ એ મેડીને ફૂંકી દીધી હોત. લોકોનું ટોળું તો તરત એકઠું થઈ ગયું. રોજગાર વિનાના દુકાનદારોને આ એક રમૂજનો અવસર સાંપડ્યો. પદમાને તરેહતરેહના દિલાસા અપાવા લાગ્યા: “અલ્યા પદમા, મૂરખા, એ તો સતગુરુની પરસાદી લેખાય!” “અલ્યા, આજ મોટે દા’ડે તારે કૂતરાં ધરવવાનું પુણ્ય સરજ્યું હશે!” “અનીતિના દાણા તારા ઘરમાં આવી પડ્યા હશે, પદમા! પથ્થરખાણવાળા અભરામ શેઠ કનેથી ખોટી રોજી પડાવી હશે તેં. મારો બેટો પદમો કાંઈ કમ નથી!” એક મોટા કેસરિયા ચાંદલા વડે શોભતા કાપડિયા ભાઈએ યાદ આપ્યું: “ખેડ કરતો ત્યારે ગાડાના પૈડામાં તે દા’ડે તેં ગલૂડિયાની પૂંછડી ચગદી નાખેલી — યાદ છે ને? એ અપરાધની તને ઈશ્વર સજા આપી રહ્યો છે, સમજ્યો ને? હજુ તો તારું સત્યાનાશ નીકળી જાવાનું, જોજે! તે દી તો અધમણ જુવાર પારેવાની ચણ્યમાં નાખતાં ઝાટકા વાગતા’તા, મા’જન જેવા મા’જનનું મોં નો’તું રાખ્યું — ને આજ કેમ આ સાંખી રિયો, ગગા!” “એ...એ સાચું, બાપા! — તમારું સૌનું સાચું!” પદમો ખેરના અંગાર જેવું સળગતું અટ્ટહાસ્ય કરીને આગળ વધ્યો. માથામાં ચક્કર આવતાં પાછો એ થંભ્યો. મિયાણાની જોટાળી બંદૂક-શી બે આંખો એણે પેલી મેડી તરફ તાકી. પણ આ વેળા એની મીટ મેડીના દ્વારથી ઊંચી ચાલી. આકાશના અદીઠ તારાનાં ચાંદુડિયાં પાડતો એક સુવર્ણ-કળશ કોઈ ધનપતિ ધર્માચાર્યના પેટની ફાંદનો આકાર ધરીને સૂતેલા મંદિર-ઘુમ્મટની નાભિ સમો શોભતો હતો; અને તેથીયે ચડિયાતા ગગનમાં ફરકતી નવી ધજા એ મેડીના છાપરા ઉપર કાળી નાગણી જેવી છાયાને રમાડતી હતી. પદમા કણબીને આટલા બધા છેડાઈ જવાની જરૂર નહોતી. વાત માત્ર એમ બની હતી કે બપોરે પથ્થરખાણેથી પથ્થર તોડીને એ ઘેર આવ્યો, ને કંકુવહુ સીમમાંથી છાણાં વીણીને પાછી આવી, ત્યારે ઘરમાં લોટ નહોતો. બરાબર આસો માસ ઊતરીને કાર્તિક સુદ બીજનો દિવસ બેઠો હતો, એટલે જૂની જુવાર થઈ રહી હતી — ને નવા ધાન્યનો દાણો હજુ નહોતો મળતો. દશ શેર બાજરો ઉધાર લાવીને પદમો ઝટઝટ સંચે દળાવવા ગયો. લોટની સુંડલી માથા પર મૂકીને એ ચાલ્યો આવતો હતો. નાની-શી પોળમાં ત્રણ-ચાર ધર્માલયો હોવાથી એનાં એઠવાડ-પાણીનાં ખાબોચિયાં રસ્તામાં ભરાતાં, અને એ પ્રવાહી કીચડની સપાટી ઉપર પવનની લહરીએ મચ્છરોના થર ઝૂલી રહેતા. પદમો એક બાજુ તરીને ચાલવા ગયો ત્યાં તો ઉપરથી એક મોરીની ધાર લોટની સૂંડલીમાં પડી. એ મેડી હતી ધર્મગુરુઓના વસવાટની. શહેરમાં દેવજાત્રાના વરઘોડા વારંવાર નીકળતા; ઉત્સવો ઊજવાતા. ચાતુર્માસમાં પ્રત્યેક સંપ્રદાય શક્ય તેટલાં ઈનામો અને લહાણાં આપી આપીને વાસોને ઉત્તેજતો, તેમ જ ધર્મોપદેશનાં વ્યાખ્યાનો, ભજન-કીર્તનો, ભોજનો, ધર્માચાર્યોનાં વિદાય-સ્વાગતો એકબીજા સંપ્રદાયો વચ્ચે હરીફાઈના અવસરો બની રહેતા. સ્થાનિક અમલદારોને પોતપોતાના સમારંભોમાં હાજર રખાવવા પ્રત્યેક પંથને ચીવટ હતી. આ બધાં સારુ જેમ ધજાપતાકાઓ તથા ડંકા-નિશાનોની જરૂર પડતી, તેમ બહોળા સાધુમંડળની હાજરી પણ જરૂરી હતી. સંખ્યાના પ્રમાણમાં સ્નાનાદિકનાં પાણી પણ મોરીમાંથી વિશેષ પ્રમાણમાં વહ્યાં કરતાં. પરંતુ એક તો, મ્યુનિસિપાલિટીની સાથે માથાકૂટ કરવી પડે અને, બીજું, પ્રભાતને પહોર હંમેશાં ઊઠીને ભંગીની જોડે તકરાર કરવી પડે એ કારણે ધર્મપાલોએ મોરીનું ભૂંગળું છેક ભોંય સુધી ઉતારીને કૂંડી બાંધવાનું મુનાસબ નહોતું માન્યું. મોરીનું બે તસુ લાંબું નાળચું મોકળું વહેતું હતું. અધ્ધરથી પડતી ધારે તે દિવસે બપોરે પદમાની સૂંડીનો દસ રતલ આટો બગાડ્યો, ને પોતાની કંગાલિયતને હિસાબે જરા વધુ પડતા સુગાળવા સ્વભાવથી દોરવાઈ જઈને પદમા કણબીએ પોતાનો તમામ લોટ રસ્તા પર ઊંધો વાળ્યો! હસમુખા ધર્મપાલોએ ઉપલી બારીમાં ઊભા રહીને આ ટીખળ જોતાં જોતાં, લોકવૃંદને જમા થતું દેખી દ્વાર બંધ કર્યાં, તે જ વેળાએ પદમાએ આ હાયકારો કર્યો કે — “તું જાણ્ય — ને ઠાકર જાણે, ભાઈ!”

[૨]

“વાતવાતમાં જ, બસ, ‘ઠાકર’! શી ટેવ છે અનુયાયીઓને હવે તો!” ચીમળાયેલા ગાજર જેવા વર્ણના એક ધર્મપાલે ટકોર કરી. “જર્મન તત્ત્વવેતા ગંટિંજન અને રશિયન ગ્રંથકર્તા વોચાસ્કીનું પણ એવું જ મંતવ્ય છે કે...” એમ એક લાંબું અંગ્રેજી અવતરણ કહીને એક ભવ્ય મુખવાળા સાધુએ સર્વને ચમકાવ્યા. એનાં ચશ્માંના કાચની આરપાર ફિક્કી આંખો ફરતાં ગોળ, કાળાં ચકદાં દેખાતાં હતાં. “ઓહોહોહો!” પોતાની પેટીમાંથી સાધુઓને માટે ઊંચી ઔષધિઓનાં પડીકાં વાળતાં, ખાસ તેડાવેલ વૈદરાજે વિસ્મય બતાવ્યું: “ગુરુશ્રી, આપ તો એ બધા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞોને પણ ઘોળી ઘોળી પી ગયા દીસો છો!” આઠ-દસ અનુયાયીઓ ત્યાં બેઠેલા હતા, તેઓએ ખાતરી આપી કે ગુરુશ્રીનું કોઈ પણ પ્રવચન એવાં પંદરેક અવતરણો વગરનું જતું નથી; વેદ, કુરાન તેમ જ બાઈબલનાં પણ અનેક સમાન સૂત્રો પોતે ટાંકી બતાવે છે. વૈદને વીંટળાઈ વળી કેટલાએક શિષ્યો ભાતભાતની બીમારીઓની ફરિયાદ કરતા હતા, તે વેળા બાજુના ખંડમાં બે શિષ્યો સુંદર કૂકડાની પેઠે કલહ કરતા હતા: “શા માટે તમે મારી પાછળ ને પાછળ ચોકી કરો છો, નંદન!” એ બોલનારના કંઠમાં મધુર વેદનાનો ઝંકાર હતો. “શા માટે, કેમ?” એની પાછળ જનાર ચાલીસ વર્ષના સુક્કા, સળગી ગયેલા વૃક્ષ-શા ત્યાગીએ ત્રાડ મારી: “આચાર્યની આજ્ઞા છે તે માટે, સમજ્યા, સુમેરુ! તમને લપટાતાં ક્યાં વાર છે જે?” “નંદન, ભલા થઈને મને એક વાર છોડો. મને એકલવાયો બહાર ભિક્ષા માટે જવા દો. મને મુક્ત નેત્રે નિહાળવા દો...” “કોને નિહાળવા? હું જાણું છું! નહિ જવાય. તો પછી ભેખ શા સારુ પહેર્યો’તો — મલીદા ઉડાવવા માટે?” “ન બોલો... હું ગાંડો થઈ જઈશ. મારું હૃદય ધસે છે, મારું માથું ચક્કર ફરે છે.” “તો આચાર્યદેવ ડંડો લઈને તમારાં ચક્કરને ઠેકાણે આણશે.” ધર્માલયની અંદર આવી જાતની ભિન્ન ભિન્ન જીવનચર્યા ચાલી રહી હતી તે વેળા ધર્માલયની ખડકી ઉપર પોતાનાં ત્રણ છોકરાંને તેડી પદમા કણબીની વહુ બેઠી હતી. બેઠી બેઠી તે લવતી હતી: “આવું તે કાંઈ હોય! અમારો દસેદસ શેર લોટ કૂતરાંને મોંએ નિરાવ્યો અને આ છોકરાનો બાપ ભૂખ્યો ને દાઝભર્યો પાછો પાણા ખાણે પાણા તોડવા હાલ્યો ગયો. હવે અમે બીજા દાણા બજારેથી ક્યારે લાવીયે, ક્યારે સોઈયે ઝાટકીયે, ક્યારે દળાવીયે ને ક્યારે રોટલા ભેળાં થાયેં! આમ તે હોય! મોટા મા’રાજ ક્યાં ગયા? અમને ખાવાનું અલાવે ઝટ!” “ક્યાં ગ્યા મોટા મા’રાજ!” કંકુનો અવાજ ફરીવાર દેવાલયના ઘુમ્મટ પર અફળાયો. કંકુના બોલવામાં બીજાંઓને સાધારણ હિંમત ભાસે; વસ્તુત: એની વાચામાં કોઈ જૂની પિછાણના પડઘા હતા. પચીસ કરતાં વધુ વર્ષો એ હજુ નહોતી વળોટી; છતાં એની લાલી અને તેજી ઓસરી ગઈ હતી. ભસ્મ બનેલી ફૂલવાડી પણ પોતે પૂર્વે એકાદ વાર કેવી પલ્લવિત હશે તેનું અનુમાન કરાવી શકે છે. પદમાની વહુ કંકુ પણ એક વાર યૌવનમાં નીતરી રહી હશે એવું, એના દેહ પરની કાળી દાઝો પરથી, કળાઈ આવે. ફરીને એણે બૂમ પાડી: “મોટા મા’રાજશરીને મારે મળવું છે: ક્યાં ગ્યા ઈ!” ખડકીના અર્ધખુલ્લા દ્વારમાંથી એક ભરાવદાર મોં દેખાયું. એ મોં બોલી ઊઠ્યું: “શા માટે બૂમો પાડે છે?” પોતાને ચીતરી ચડતી હોય એવે ભાવે એ મોં આડું ફરીને ઊભું હતું. કંકુએ ચોમેર જોઈ લીધું: કોઈ ત્યાં નહોતું. તૂટક તૂટક વાક્યો લવવા લાગી: “હાંઉ! બૂમો હવે વસમી... તમારી તેલફૂલેલ કાયા ને મને ભળાવ્યો આ રુંવેરુંવે રોગ... તમારાં પાપે મારી આ છોડી આંખ્યો વિનાની... હું ક્યાં જાઉં?” “મને ફજેત કરવો છે?” પેલું મોં બોલ્યું. “ફજેત કરવા હોત તો હું પાંચ વરસથી અલોપ ન થઈ ગઈ હોત! તમારે શું છે ફજેત થવાનું?” “શા માટે આવી છો?” “એકવાર તમને નીરખી લેવા અને આ આંધળું બાળ તમારી નજરે કરવા. જુઓ તો ખરા! પાંચ વરસની થઈ ગઈ. વિના ભાળ્યે શેરીઉંમાં ભમે છે. એક વાર તો આની સામે મીટ માંડો!” કંકુની ઉપલી માગણીના જવાબમાં ધર્મપાલના બે હાથોએ જ્યારે ખડકીનાં કમાડ વાસ્યાં, ત્યારે એના બેવડમાં બે વસ્તુઓ ભીંસાઈને ચગદાઈ ગઈ: એક તો, પોતાનું પાંચ વર્ષો પૂર્વેનું ગુપ્ત પિતૃત્વ; ને બીજું, કંકુની આંગળીનું એક ટેરવું. કમાડના હૈયામાંથી એક તીણી ચીસ સંભળાઈ. મોટા મહારાજને ખુદને જ ખડકી પર એક ઓરત સાથે જિકર કરતા જાણીને શિષ્યો ધસી આવ્યા હતા. એમની હાજરીથી ભાન ગુમાવીને દ્વાર ભીંસવામાં એમણે જરા વધુ પડતું જોર નિચોવ્યું. બહારથી શબ્દો સંભળાયા: “ઠાકર તારાં લેખાં લેશે, બાપ!” સહુ મહારાજશ્રીને પૂછવા લાગ્યા: “શું થયું? આટલું બધું એ કોણ બકી ગઈ આપની સામે?” “કશું જ નહિ... કહે કે, તમારા મંદિરના ‘હિંડોળ’ માટે ફાળો થયો’તો તેમાં મેં મારા ચૂડલાની ચીપો ઉતારી આપી’તી માટે મને ખાવાનું અપાવો, ને મને રોગ છે તેનાં ઓસડિયાં તમારા વૈદ કને કરાવી દ્યો — નીકર હું તમને ફજેત કરીશ... એવું અજ્ઞાનભર્યું બકતી’તી.” ફિક્કો ચહેરો હસ્યો. “અરેરે!” શિષ્યો બોલ્યા: “ક્યાંક કાળી ટીલી લગાડત ને એ રાંડ!” “હશે; એવું ના બોલો. લોકો તો બાપડાં અજ્ઞાની છે.”

[૩]

હિંદુ લોકો જ્યારે લોહીમાંસ ભાળે છે ત્યારે એમનાં હૈયાં ફફડી ઊઠે છે. એટલા માટે જ બાવા-ફકીરો સૂયા-ચાકુ વડે શરીર પર કાપા કરી દુકાને દુકાનેથી પૈસા મેળવે છે, ધોરાજી તરફના મેમણો રેલગાડીના ડબામાં માંસની વાનીઓ ખુલ્લી કરીને આખાં ખાનાં મેળવે છે; અને દરેક લોહિયાળા ત્રાગાની અસર શ્રાવક દુકાનદારો ઉપર સચોટ થાય છે. આમાં દયા નથી હોતી — ચીતરી ચડતી હોય છે. પદમાની વહુની આંગળીએથી લોહી વહેવા લાગ્યું એટલે માણસો પાછાં ટોળે વળ્યાં. મદારી માંકડાં રમાડે, મકાનને આગ લાગે, અથવા તો રાષ્ટ્રીય સરઘસ નીકળે એવા હર કોઈ પ્રસંગે લોકોને તમાશો જોવાનું મળે છે. સહુને આ તો જુલમની વાત લાગી. લોકોનું એક મોટું ટોળું, જે હમેશાં તમાશા ઊભા કરવામાં તત્પર ખડું હોય છે, તેણે પહેલાં કેટલુંક કિકિયારણ મચાવ્યું; ને પછી પદમાની વહુને સરઘસના રૂપમાં ઇસ્પિતાલે ઉપાડી. મોખરે પદમાની વહુની લોહી નીતરતી આંગળી, આંગળીની પાછળ પદમાની વહુ કંકુ પોતે, તેની પાછળ રોતી આંધળી છોકરી, તેની પાછળ માણસોનું ટોળું: સરઘસ બજાર સોંસરુંનીકળ્યું. દુકાને દુકાને વાત ચાલી. જુવાનિયાઓએ આ ‘ખૂંટડા જેવા’ સાધુઓના ઉપાડા સામે બળાપા કાઢ્યા. મોટેરાઓએ જુવાનોને ધરમની બાબતમાં ક્યાંય ભેખડે ન ભરાવાનો ડાહ્યો બોધ દીધો. કંકુની આંગળી સારી પેઠે ચેપાઈને છૂંદો થઈ હતી. જોરાવર મનુષ્યોનું જોર તરેહતરેહનું હોય છે: કોઈ સાવઝ મારે છે, કોઈ એક હજાર દંડ પીલે છે, તો કોઈ ગાડાની ઊંધ ઝાલીને ગાડું ઉથલાવી નાખે છે. મહારાજશ્રીનું જોર મંદિરની ખડકીનાં કમાડ ભીડવામાં પ્રગટ થયું હતું. એક વાર જે કૌવતે પદમાની વહુના ભરાવદાર સુડોળ યૌવનને ભીંસવામાં પ્રેમાંધતા બતાવેલી, તે જ કૌવતે અત્યારે એટલા જ અંધ ધિક્કારથી એક વારની ચૂમેલી આંગળીઓ ચગદી. દાક્તરે આંગળી પર ‘ડ્રેસિંગ’ કરતાં કરતાં ચકોર દૃષ્ટિએ કંકુના દેહ પર છવાયેલ વિષ રોગને નિહાળ્યો: સાથે આંધળું બાળક દીઠું: મુખી મહારાજશ્રીનો દેહ પણ એણે એકવાર તપાસેલો. ત્રણેય જણાંના રોગમાં કશુંક સામ્ય પારખ્યું. ડ્રેસિંગ થઈ રહ્યા પછી એમણે કંકુને પૂછ્યું: “તારે બીજું કશું કહેવું છે, બાઈ? શરીરની બીજી કોઈ માંદગીની દવા....” “ના, દાદા! એ માંદગીનાં લેખાં તો ઠાકર લેશે — તમે નહિ.” દાક્તર કનેથી વાત ફોજદારને કાને ગઈ. એમને ધર્માલય ઉપર કેટલાંક કારણસર દાઝ હતી. એમણેય પદમાની વહુને તેડાવી કહ્યું: “કંકુ, તું જરા મક્કમ થા તો તને મોટી રકમ અપાવીશ ઈ સાલા પાસેથી.” “ના, દાદા; એનાં લેખાં તો ઠાકર લેશે.”

[૪]

પથ્થરખાણ પર આખો દિવસ ચલમ પી-પીને પથ્થરો કાપતો પદમો દિવસ અથમાવી ઘેર આવ્યો. જાતનો કણબી, એટલે ઝનૂન તો ચડ્યું નહિ; પણ રોટલા ઘડી દેનારા તેમ જ છાણાં વીણી લાવનારા કંકુના હાથ એને વહાલા હતા. ચેપાયલી આંગળીવાળો હાથ ઝાલીને આખી રાત એ ફૂંકતો ફૂંકતો વહુની પથારી પાસે બેસી રહ્યો. એને પણ એક મહાન ઇન્સાફ પર આસ્થા હતી કે ‘તું જાણ્ય ને ઠાકર જાણે, ભાઈ!’ વાણિયા-બ્રાહ્મણ વગેરે ઊંચા વર્ણો શાંત જ રહ્યા. સહુને લાગ્યું કે આ કણબાંફણબાં જેવી વસવાયાની જાતો ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી: ધરમમાં પણ એ બધાં રોટલાદાળની જ વાત પહેલે દરજ્જે લાવીને ઊભી રાખે છે: ધરમ તો આ પાપી માનવજન્મરૂપી મહાસાગરને તરવાનું નાવ છે, એનું તો ભાન જ નથી આ લોકવરણને: એટલે જ ઈશ્વરે ઊંચનીચના ભેદ દોર્યા હશે ને, ભાઈ! ઈશ્વર કાંઈ ગમાર નહિ હોય... વગેરે વગેરે ધર્મતત્ત્વનું મંથન ચોરે-ચૌટે ને હાટે-બજારે ચાલતું હતું. આમ, તુલસીના ક્યારાવાળા ફળિયામાં ગમે તેવી ગિલા થઈ પણ નીચા લોકવર્ણોમાં તે રાતથી ધીરો ધીરો અગ્નિ ધૂંધવાવા લાગ્યો. પદમાની વહુના બનાવની ઓથે ઓથે તો બીજી ઘણી વાતો ચણભણ ચણભણ થતી ચાલી. “આપણી બોનદીકરિયુંને જગ્યામાં અનાજ સોવા-ઝાટકવા તેડે છે: અસૂરસવાર ત્યાં શા સારું જવું?” “ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીના તોરણ કરવા ને ઠામડાં ઘસવા, ફળમેવા સમારવા બોલાવે છે.” “સાધુઓની આંખ્યું ચકળવકળ થાય છે. છમકલાંય થાય છે.” “લાજનાં માર્યાં કોઈ કહેતાં નથી.” “ને આપણી પાસેથી આટલો બધો પૈસો ઉસરડી જઈને એનું કરે છે શું?” “આપણા ઘરની ગાયું-ભેસ્યુંનાં દૂધના કઢા ઉકાળીને આ સાધુડાને શીદ પાઈ દઈએ છીએ? આપણાં છોરુ તો ટળવળે છે પાવળું દૂધ વન્યાં.” “ઠાકર તો સંધાય દેરામાં સરખો બિરાજે છે; ફાવે ત્યાં દરશન કરી આવશું. પણ આ આંકેલ ખૂંટડાઓનો વાડો તો હવે નભાવવો નથી.” સંપ્રદાયના વહીવટકર્તાઓને બીક પેઠી કે આપણા કિલ્લાની અંદર આ તો નાનું એવું પણ ગાબડું પડ્યું; અશ્રદ્ધાનાં પૂર બહાર છોળો મારી રહેલ છે; નાનું બાકોરું ભેદાઈને મોટી દીવાલ તૂટી પડશે જતે દહાડે. મહારાજશ્રીને ઉપલી ધર્મસત્તા તરફથી આજ્ઞા આવી કે “ચાલ્યા આવો!”

[૫]

પાંચેક વર્ષો પછી એ જ સાધુ સમગ્ર પંથના ગાદીપતિ બન્યા. એક દિવસ ગામમાં વધાઈ આવી કે ગાદીપતિ પધારે છે — સાથે ચાર લખપતિ શેઠિયા પણ છે — મોટી ત્રીજનો મહોત્સવ કરવા સારુ. ગામલોકોએ રાજ્યની સાથે ખાસ મસલત કરીને હાર-તોરણે શણગારેલી એક મોટર સામે મોકલેલી, પણ બે ગાઉ ઉપર સ્ટેશનેથી ઊતરી જઈને ગુરુ મહારાજ અડવાણે પગે ચાલતા ગામમાં આવ્યા. લોકોએ મહારાજનું મુખડું નિહાળીને વાતો કરી: “ઓહોહોહો! કેવું રૂડું દર્શન! જાણે સાક્ષાત્ કૃષ્ણાવતાર!” પેલા લખપતિઓ ચામર ઢોળતા હતા. ગુરુની ચાખડીઓ મસ્તકે ઊપાડીને સામૈયામાં સાથે ચાલતા હતા. લોકો તો છક જ થઈ ગયાં — આભાં જ બની ગયાં. ભાણો કહે: “પશવા! ગાદીપતિનાં તેજ જોયાં? મોઢડે કૃષ્ણ મા’રાજની કાંતિ ઝગે છે ને!” પશવો ભાણાને કહે: “ગાદીપતિ નક્કી કોઈક સમરથ પુરુષ! એના હેઠલા તાબેદારો જ નિરદય લાગે છે.” ભીમો કહે: “સમરથ વન્યાં કાંઈ અમથા આ લખપતિયું ઊઠીને ચામર ઢોળતા હશે!” પછી તો ભીમો, ભાણો, ઠાકરો વગેરે તમામ કેડ બાંધીને, કાંસિયાં લઈ કૂદી પડ્યા; સામૈયામાં ગીતોના ધ્વનિ ગાજી ઊઠ્યા કે—

મારો વા’લો આવ્યાની વધામણી રે —
આજની ઘડી રળિયામણી!
પશવા, ભીમા, ભાણા વગેરેની વહુઓ પણ ત્રણ-ત્રણ છોકરાંને રઝળતાં મૂકીને બાઇઓનાં ઘેરામાં સાદ પુરાવવા લાગી:
શેરી વળાવીને સજ કરું: ઘેર આવો ને!
આંગણિયે વેરું ફૂલ: વાલમ, ઘેર આવો ને!

મહારાજશ્રીએ કૃપા કરીને સુથાર, લુહાર, કણબી, સથવારા વગેરે વસવાયાં ભાવિકોને ઘેર માત્ર રૂપિયો સવા અને અક્કેક શ્રીફળ સ્વીકારીને જ પધરામણી કરી. આખું અઠવાડિયું ધર્મના જ ઉદ્યોત વડે ઝળાંઝળાં થઈ રહ્યું. રોજ સાંજે જમણ અપાયાં. ફરતાં પચીસ ગામોનાં ભાવિકો ઊમટી આવ્યાં. દેખાદેખીના નિયમ પ્રમાણે અન્ય પંથોએ પણ પોતાના પંથનો સવાયો તેજપુંજ પથરાય તે રીતના ઉત્સવો આદર્યા. ગામ ધર્મમય બની ગયું. પચાસ ગરીબોને ઘેર મહારાજશ્રીએ અક્કેક મણ દાણા નખાવ્યા. પોતાની પાંભરીના ટુકડા ફાડી ફાડીને મહારાજશ્રીએ ગરીબોનાં બચ્ચાંને ગળે બંધાવ્યા. મહારાજશ્રીના માણસોએ વાત ચલાવી કે, “આ પાંભરીનો એક ટુકડો ગુરુજીએ અગાઉ પોતાને પાંચ હજાર રૂપિયા ભેટ ધરનાર કિસનલાલ ક્રોડપતિને બક્ષ્યો હતો — બાકી કોઈને નથી આપ્યો. કેટલા કેટલા ધનિકો તેમજ પંડિતો એ પાંભરીનો સ્પર્શ લેવા સારુ પણ વ્યર્થ ઝૂર્યા હતા! પણ મહારાજને તો ગરીબ ભાવિકો બહુ વહાલા છે.” ગરીબોએ ખેતીના બળદો વેચી વેચી અને સ્ત્રીઓએ ચૂડલીની છેલ્લી ચીપો ઉતારી ઉતારીને મહારાજશ્રીને ચરણે ભેટ ધરી દીધી.

[૬]

તે દિવસ ફરીવાર એ ધર્માલયની દીવાલો ભાતભાતની જીવનચર્યા વડે ગુંજી ઊઠી. કોઈ શિષ્ય ચર્ચા કરતાં કરતાં ડોસ્ચોવોચાસ્કી નામના રશિયન તત્ત્વવેત્તાનાં અવતરણો ટાંકી રહ્યો છે: કોઈ વળી વૈકુંઠમાં એકલાં ઘોડાં છે કે ગધેડાં પણ છે તે પ્રશ્ન પર દલીલો ચલાવે છે. સાધુથી કપડું સવાત્રણ હાથનું પહેરાય કે સવાત્રણ ઉપર એક આની વધુ લેવાય, તેની મીમાંસાનો તલસ્પર્શ ચાલી રહ્યો છે. અને દસ જ દિવસ ઉપર પેલો સુમેરુ નામનો યુવાન શિષ્ય મુસાફરીમાં ગળાફાંસો ખાઈને મરી ગયો હતો તેની ગતિ કેવી થઈ હશે તે વિષે ચર્ચા જામી પડી છે. કોઈ સાધુ કહે કે સાધુ અવસ્થામાં ‘મા! મા!’ ને ‘બ્હેન! બ્હેન!’ ઝંખતો હતો માટે બકરીને પેટ ગયો હશે; તો કોઈ બીજાની દલીલ પ્રમાણે સુમેરુને શ્રી આચાર્યે છાણ ખાવાની સજા કરી હોવાથી એ છાણનો જીવ બન્યો હશે. કોઈના મત મુજબ સુમેરુનું ગાંડપણ બનાવટી હોવાથી એને પાંચ હજાર વર્ષ જળચર બનીને રહેવું પડશે... વગેરે વગેરે વાતો પરના બુદ્ધિ-ચમકારા જોઈ શિષ્ય-મંડલની તારીફ કરતા કરતા એ જ વૃદ્ધ વૈદરાજ ઓસડિયાંની પડીકીઓ વાળી પ્રત્યેકની ચિકિત્સા કરતા હતા. મોડી રાત સુધી ધર્મનું પ્રવચન સંભળાવીને લોકમેદનીને વિસર્જન કરી દીધા પછી મહારાજશ્રી ઓરડામાં ગયા ત્યારે આખા દિવસના દ્રવ્યોપાર્જનનો હિસાબ ચાલતો હતો. રૂપિયા, પૈસા અને સોનાની નોખી નોખી ઢગલીઓ થઈ ગઈ હતી. ક્યાં-ક્યાંથી શું શું નાણું ભેટ ધરાયું તેની નોંધ સાથે મહારાજશ્રી આ સિલક મેળવતા હતા. પરંતુ રૂપિયાના ખખણાટ વચ્ચે વચ્ચે અટકી જતા ત્યારે ધર્માલયની ખડકીનાં ઢીલાં કમાડ પવનને ધક્કે ધક્કે કડડ કડડ અવાજ કરતાં હતાં. આ અવાજ મહારાજશ્રીને કોણ જાણે શા કારણે ચીડવતો હતો. એ પૂછતા કે “આ શું કોઈ કૂતરો હાડકું કરડી રહ્યો છે?” “ના જી, એ તો ખડકીનાં કમાડ અવાજ કરે છે;” બારીમાંથી અનુચરે ખડકીનાં દ્વારની હિલચાલ બતાવી. ચંદ્રમાના પ્રકાશમાં મેડી પરથી ખડકી પર નજર ફેંકતાં મહારાજશ્રીને ભ્રાંતિ થવા લાગી કે કમાડની બેવડમાં જાણે કેટલીય કુમળી આંગળીઓ કોઈ ટોળું બહારથી સેરવી રહ્યું છે. મહારાજ બોલ્યા: “હજી શા સારુ લોકો ખડકીએ ઊભાં છે? અત્યારે અમે દર્શન નહિ દઈએ.” “ઠાકર લેખાં લેશે!” કોઈ ઝાડના એકલ ઠૂંઠા પર બેઠેલું ઘુવડ બોલતું હોય એવો અવાજ આવ્યો. “આ કોણ છે વળી?” મહારાજે પૂછતાં પૂછતાં કંઠે કંઈક ઘૂંટડો ઉતારવા યત્ન કર્યો. મંદિરના અનુચરે ઉત્તર આપ્યો: “જી મહારાજ, એ તો એક આંધળી છોકરી છે. રોજ રાતે મંદિરને ઓટે બેસી લવ્યા કરે છે કે — ઠાકર લેખાં લેશે.” “કોની છોકરી?” મહારાજ ગરદન પરથી પસીનો લૂછતા હતા. “પાંચેક વરસ પર આંહીં એક પદમો કણબી રે’તો’તો, એની આંધળી છોડી છે. એની માને ડિલે કંઈક રોગ ફૂટી નીકળ્યો’તો. લોકોએ પદમાને ભંભેર્યો કે વહુ ગેરચાલ્યની છે. કોઈકે વળી પદમા કને આપણા મંદિરના સાધુઓનાંય નામ લીધાં. પદમો હતો જરા વધુ પડતો વહેમી તે ગળાટૂંપો ખાઈને મૂવો. વહુ વિસ્ફોટકમાં સડીને મૂઈ; ખાટલે પડી પડી લાવ્યા કરતી કે ‘ઠાકર લેખાં લેશે’. તે દીના આ આંધળી છોકરીનેય હેવા પડી ગયા છે બોલવાના કે ‘ઠાકર લેખાં લેશે’.” “પણ એમાં નવું શું કહી નાખ્યું એણે?” મહારાજશ્રી કડકડતી ટાઢમાં ઠંડે પાણીએ નાહતા નાહતા બોલતા હોય એવો એમનો અવાજ ધ્રૂજ્યો. સહુ સૂતા પછી મહારાજ અનિચ્છાએ પણ ખડકી તરફ ખેંચાયા. ખડકીની દોઢ્યની આરપાર પેલી આંધળી છોકરીને બેઠેલી દીઠી. કોઈ અમંગલ ભેરવ પક્ષીના જેવા અવાજ કરતી એ છોકરી કેવળ આદતને જ વશ બની જઈને બોલ્યે જતી હતી કે — “ઠાકર લેખાં લેશે.... ઠાકર લેખાં લેશે.” દેહમાં સહજ થરથરાટી અનુભવીને મહારાજે ખડકીનાં દ્વાર સજ્જડ કર્યાં. પાછા વળે ત્યાં જાણે કોઈક એમના ધોતિયાનો છેડો ઝાલી ખેંચી રહ્યું છે એવું લાગ્યું. એના ધ્રુજારીભર્યા શરીરમાંથી એક ઝીણી હાય નીકળી પડી. પણ વળતી જ પળે પોતે હસી પડ્યા: પોતાનું ધોતિયું પેલાં ખડકીનાં કમાડોની દોઢ્યમાં લગાર દબાઈ ગયું હતું — બીજું કશુંય નહોતું! ‘મનની શી નબળાઈ!’ મહારાજશ્રી ચાખડીઓના તાલબદ્ધ ઠમકારાથી રાત્રીની એકાંતને વિદારતા પાછા વળ્યા: ‘સુમેરુના ગળાફાંસાનો આખો પ્રસંગ હસીને જ પતાવી દેનારો હું આજ કેવો પામર બની ગયો! હા...હા...હા...હા! ઠાકર લેખાં લેશે: કેવી ભ્રમણા છે મનુષ્યોની!’ આટલું થયું ત્યાં તો શયનખંડમાં પોતે આવીને ઘસઘસાટ સૂતા. પ્રભાત થયું ત્યારે એમને પોતાની આગલી રાતની હૃદય-દુર્બલતા રજેરજ સાંભરી આવી — ને પોતે અત્યંત શરમિંદા બન્યા. ‘ઠાકર લેખાં લેશે’ એ વાક્ય ઉપર તો ફરી ફરીને એટલું હસ્યા કે ઓરડો જાણે એ હાસ્ય-ધ્વનિના ભારે ભાંગી પડશે! લગભગ પાંચેક હજાર રૂપિયાની ધર્મભેટ લઈને મહારાજશ્રી પાછા ગાદીની જગ્યાએ ગયા ત્યારે ભાણાને ને પશવા વગેરેને ભેળા લેતા ગયા. વીજળીની રોશની આજુબાજુના પાંચ-પાંચ ગાઉના ઘેરાવામાં ચાંદનીનું લેપન કર્યા કરતી. નીરખી નીરખીને ગામેગામનાં લોકો હાથ જોડી દર્શન કરતાં હતાં: “વાહ મારો વાલોજી, વાહ! શી કરામત છે ગાદીપતિની!” મંદિરમાં ગ્રામોફોન અને રેડિયો નવાં વસાવવામાં આવેલ: પશવાએ ને ભાણાએ આ બધી ગુરુજીની જ વિદ્યા માની. જગ્યામાં સવાર-સાંજ નૃત્ય કરવા એક વારાંગના વસાવી હતી: પશવા-ભાણાને થયું કે વૃંદાવન આંહીં જ વસ્યું છે ને શું! મોડી રાતે પશવો ભાણો વગેરે સૂઈ ગયા ત્યારે — મહારાજની મેડી ઉપર ચાર લક્ષપતિઓની જોડે મહારાજશ્રી પેલા પાંચ હજારની વહેંચણ કરતા હતા. ને મધરાત્રીએ એકલા પડેલા મહારાજ હસતા હતા: “હા...હા...હા... ઠાકર લેખાં લેશે!!!”