સોરઠ, તારાં વહેતાં પાણી/૧૨. દૂધપાક બગડ્યો

From Ekatra Wiki
Revision as of 05:43, 22 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. દૂધપાક બગડ્યો|}} {{Poem2Open}} ઓફિસે જતાં જ ત્યાં ઘોડી ઝાલીને ઊભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨. દૂધપાક બગડ્યો

ઓફિસે જતાં જ ત્યાં ઘોડી ઝાલીને ઊભેલા એક માણસે અવાજ દીધો: “સાહેબ મે’રબાન... હેં-હેં.” ‘હ’ અને ‘સ’ એ બે અક્ષરની વચ્ચે અણલખાયો ને અણપકડાયેલો એ ‘હેં હેં’ ઉચ્ચાર મહીપતરામને કાને પડતાં જ બોલનાર આદમી પણ અંધારેથી પકડાયો. નરકમાંથી પણ પરખાય તેવો એ ઉચ્ચાર હતો. “કોણ — મોડભા દરબાર?” “હેં-હેં... હા, મે’રબાન.” “તમે અત્યારે?” “હેં-હેં... હા જી; ગાલોળેથી.” “કેમ?” “આપને મોઢે જરીક...” “બોલો.” “હેં-હેં...આ રામલા કોળીએ અફીણ ખાધું ને!” “તે તમારે શું છે?” “હેં-હેં... છે તો એવું કાંઈ નહિ... પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધુંચતું... ભરાવી જાય... તો એ બચાડાની બાયડી હેરાન થાશે... એટલા માટે...” મોડભા દરબારે અંધારામાં અમલદારના હાથમાં એક કોથળી મૂકી. કોથળી નાની હતી, પણ વજનદાર હતી. અંદર પાંચસો જેટલા રૂપિયા હતા. “ઠીક, ઠીક, મોડભા દરબાર,” અમલદારે જરા ધીમાશથી કહ્યું: “તમે એ બોજને ઘોડીએ નાખીને પાછો જ લઈ જાવ, ને ઝટ ગાલોળે પહોંચી જાવ.” “હેં-હેં... કાં મે’રબાન?” “ઉપાડવાનું મારું ગજું નથી.” “આ તો હું એક મહોબત દાખલ...” “હા, હા, દરબાર! હું મહોબત કરી જાણું છું ને રુશવત પણ લઈ જાણું છું. હું સિદ્ધની પૂંછડી નથી. મારે રૂપિયા ખંખેરવા હોય છે ને, ત્યારે નિર્દોષમાં નિર્દોષને પણ અડબોત મારીને ખંખેરું છું. પણ, મોડભા દરબાર, આ ખપે તો તો મારે ગાનું રગત ખપે: સમજ્યા? ને ઝટ પાછા ફરો.” “પણ-પણ—” “ગેં-ગેં, ફેં-ફેં કરો મા, દરબાર; હું જાણું છું. ઘરની ગરાસણીનાં દેવતાઈ રૂપ રગદોળી નાખીને તમે બધા આ ડાકણ જેવી કોળણો પાછળ હડકાયા થયા છો — એમાં જ આ કોળીને અફીણ ઘોળવું પડ્યું ને! એવાં તમારાં કામાં છુપાવવાની કિંમત આપો છો તમે મને બ્રાહ્મણને?” મોડભા દાજી ચૂપ રહ્યા. “જાવ, દરબાર; મને મારું પેટ નહિ ભરાય તે દા’ડે વટલોઈ લઈ ઈડરની બજારમાં ફરતાં આવડશે; જાઓ, નીકર નાહક થાણામાં ગોકીરો કરાવશો.” મોડજી ગયા. થાણાના ચોગાનમાં ગાડું ઊભું હતું તેમાં સૂતેલા શબની સફેદ પછેડી અંધારામાં કાળ-રાત્રિના એક દાંત જેવી દેખાતી હતી. ઓફિસમાં રિપોર્ટો, પંચનામું, દાક્તર પરની યાદી વગેરેની ધમાલ મચી ગઈ, ને સવારે પાંચ વાગતાં જમાદારે કારકુનને કહ્યું કે “ધકેલ આ યાદી ને આ લાશ દાક્તર પાસે. ભલે ચૂંથે, ને રળી ખાય બાપડો એ ભૂખ્યો વાઘ! હાલ્ય, ઊઠ; દે હાફિસને તાળું. ને ઝટ નોતરાં દઈ આવ સૌને.” પ્રભાતે ખબર પડી કે ગામમાં શાક કશું જ નથી મળતું. ગામમાં કોઈ શાકભાજીની વાડીઓ કરતા નહિ. સરકારી થાણાં જીવતાં હિમ જેવાં હતાં. એ હિમ જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં શાકપાંદડું ઊગે નહિ. ભાણિયા વાઘરીએ પાંચ વર્ષ ઉપર નદીના પટમાં સાકરટેટીનો વાડો કરેલો. જમાદાર-થાણદારનાં નામ લઈને સિપાઈઓ-પટાવાળાઓ એની ટેટીઓ વીણી ગયા; ને પછી વેપારીને કરજ ચૂકવવા માટે ભાણિયાને પોતાની બાયડી વેચી નાખવી પડી હતી. થાણાં હોય ત્યાં મોચી, સુતાર, કુંભાર વગેરે કારીગર વર્ગ પણ ન જામે. એને વેઠ્યમાંથી જ નવરાશ ન મળે. “આ ચંડાળને પ્રતાપે શાક પણ સળગી ગયાં!” કહી મહીપતરામે થાણદારના જ શિર પર બધો દોષ ઢોળ્યો. “પણ મારે તો એ ડફોળને બતાવી દેવું છે આજ!” એવા ઉમંગથી એણે બે ગાઉ પર તાબાના ગામે ઘોડેસવારને શાક લેવા મોકલ્યો. ડોક્ટરે કશીક વિધિનો દોષ કાઢી શબ પાછું કાઢ્યું. એ ઊણપ ઉપર ડોક્ટર—જમાદાર વચ્ચે લડાઈ લાગી પડી; ને છેવટે, સાંજ સુધી રઝળતી લાશના ઓછાયા નીચે જ જમણવાર ઊજવવો પડ્યો. થાણદાર સાહેબને સંભળાય તે રીતે મહીપતરામ પોતાના માણસોને ઉલટાવીઉલટાવી જુદીજુદી ચાલાકીથી કહેતા હતા: “એલા, ચાળીસ પાટલા ઢાળ્યા છે કે? જોજો હો, વધુ પાંચ ઢાળી મૂકજો. વખત છે, ભાઈ, કોઈક મહેમાન આવી ચડે. આવે, કેમ ન આવે? ચાળીસ માણસને રસોડે પાંચ વધુ જમી જાય એમાં શી નવાઈ?” જમણ પોણા ભાગનું પૂરું થવા આવ્યું ત્યારે કોઈકે ધ્યાન ખેંચ્યું કે “ભાણાભાઈનો દૂધપાકનો વાટકો તો હજુ ભર્યો ને ભર્યો પડેલો છે.” “કેમ ભાણા! ત્રીજો વાટકો કે?” પીરસનારે કહ્યું: “ના, જી; પે’લો જ વાટકો છે.” “એમ કેમ?” “અડ્યા જ નથી.” “કેમ, ભાણા?” “મને ભૂખ નથી.” “જૂઠું. બોલ — શું છે?’ “પછી કહીશ.” “પછી શીદ? આંહીં કોની શરમ છે? મારી તો સરકારી ટપાલોય ઉઘાડેછોગ ફૂટે છે, તો તારે વળી ખાનગી શું છે — સરકારથીય વધારે!” “મારું મન નથી.” “કાં?” “પેલાએ કહ્યું’તું ને?” “કોણે? ક્યારે? શું?” “કાલ રાતે દૂધ લઈને આવેલા તે કહેતા’તા કે નાનાં છોકરાંને પાવા માટે પણ રાખ્યા વિના બધું દૂધ અહીં લઈ આવ્યા છે.” એટલું કહીને ભાણાનો ચહેરો ઉનાળાના મધ્યાહ્નના બાફમાં બફાઈ વરાળો કાઢતા ચીભડાની ફાડ જેવો ગરમ, લાલ ને પીળો બની ગયો. જમનારા સહુ થોડી પળ સુધી ચૂપ રહ્યા. મહીપતરામના એક થોભિયાવાળા મિત્રે કહ્યું: “અરે ગાંડિયા! એ મારા બેટાઓને પસાયતાઓને તું ઓળખતો નથી. એ તો પાજી છે — પાજી!” “હવે કંઈ નહિ; બાજી બગડી ગઈ.” થાણદારે લાગ સાધીને ઠંડો છમકો ચોડ્યો. પછી તો આખા જમણના કળશરૂપ જે કઢી પીરસાઈ તે કઢીનો સ્વાદ બરાબર જામ્યો નહિ. મહીપતરામનું મોં ઉજ્જડ વગડા જેવું બન્યું.