સોરઠ, તારાં વહેતાં પાણી/૪૦. લશ્કરી ભરતી

From Ekatra Wiki
Revision as of 10:51, 22 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading||}} {{Poem2Open}} “હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો.” “પણ, દી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
'

“હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો.” “પણ, દીકરી, તું રાજરાણી છો. તારે એવું કર્યે જ સારાવાટ છે.” “શી સારાવાટ?” “ગાંડી, છોકરો હશે તો ચાર ગામનાં ઝાળાં પણ મળશે. નીકર તને એકલીને સુખનો રોટલોય ખાવા નૈ દીયે. જાણછ?” “નહિ ખાવા દીયે? શું બોલો છો આ?” “સાચું બોલું છું. તને કલંક લગાડીને કાઢી મેલશે.” “એવી ગાંડી વાતો કરો મા. મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું! મને, ભલા થઈને, આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહિ ચાલુ રહી શકે. ને પ્રભુએ મને દીકરો દેવાનું સરજ્યું હોત તો તો દીધો જ ન હોત?” એવું કહેતી એ જુવાન રજપૂતાણી દાંત કચરડીને રોતી હતી. એ વિક્રમપુરની માનેતી વિધવા રાણી દેવુબા હતી. એની આંખો પોતાના ઓરડાની ભીંતો પર ઠાંસોઠાંસ ભરેલી તસવીરોમાં રસ્તો કરતી હતી. પોતાની ને પોતાના મરહૂમ ખાવિંદની એ તરેહતરેહ ભાતની તસવીરો હતી: ઠાકોર સાહેબને ચાનો પ્યાલો પીરસતી દેવુબા: દારૂની પ્યાલી પાતી દેવુબા: ડગલાનાં બટનો બીડી દેતી દેવુબા: ચોપાટે રમતી દેવુબા: દેવુબાના નામની ગૌશાળા ઊઘડે છે: ‘દેવુબા સેનેટોરિયમ’ની ઉદ્ઘાટનક્રિયા થાય છે: દેવેશ્વર મહાદેવના મંદિરનું ખાતા મુહૂર્ત ચાલે છે: રત્નાકરને પૂજતી દેવુબા: કન્યાઓને ઈનામો વહેંચતી દેવુબા પુરુષવેશે શિકારમાં — અપરંપાર છબીઓ: દેખી દેખીને દેવુબાએ છાતી ધડૂસી, માથાં પટક્યાં, કપાળ કૂટ્યું. ‘વહાલાજી મારા! ઠાકોર સાહેબ!’ને યાદ કરતી એ ઝૂરવા લાગી. એની મા એને બનાવટી દીકરો ધારણ કરાવવા આવી છે. અઢાર-વીસ વર્ષની દેવુબાને એ પ્રપંચજાળ જાળવી રાખતાં આવડવાનું નથી. પણ એનાં સગાં, એના પાસવાનો, એના ખવાસો, એના કામદારો અને રાજ્યના કૈક મુત્સદ્દીઓ-મહેતાઓ દેવુબાને પોતાની સોગઠી સમજી બેઠા હતા. તેઓની મતલબ દેવુબાને હાથે આ નાટક કરાવવાની હતી. એ નાટક ભજવવાનું જોમ દેવુબામાં રહ્યું નહોતું. “મને રોઈ લેવાનો તો વખત આપો! મને ચુડેલો વીંટળી વળી હોય તેમ કાં વીંટી છે તમે?” એવા ધગધગતા બોલ બોલતી એ બાળા એકાન્તનો વિસામો માગતી હતી. પણ રાજમહેલમાં એકાન્ત નથી હોતી. દેવુબાની મેડી દિવસરાત ભરપૂર રહેતી. અંગ્રેજ ઓફિસરના ફરમાનથી છેક એની દેવડી સુધી પહેરેગીરો બેઠા હતા. શોક કરવા આવનાર માણસોમાંથી પણ કોણ હેતુ છે ને કોણ શત્રુ છે તે કળાતું નહોતું. રાણી સાહેબનાં જવાહિર અને દાગીના પણ જ્યારે ગોરા હાકેમના હુકમથી ચૂંથાવા લાગ્યાં ત્યારે દેવુબાને ભાગી જવાનું દિલ થયું. ભાગતું ભાગતું એનું હૈયાહરણું સીમાડા ઓળંગતું હતું. ઝાંઝવાનાં જળ સોંસરું ધીખતી બાફમાં બફાતું જતું હતું. એની પાછળ જાણે કે ગોરો હાકેમ શિકારી કુત્તાઓનું અને શિકારગંધીલા માણસોનું જૂથ લઈને પગેરું લેતો આવતો હતો. બોરડીનાં જાળાં અને થૂંબડા થોરની લાંબી કતાર એક પછી એક એના હૃદયવેગને રોધતી હતી. જો પોતે ગરીબ ઘરની કોઈ બ્રાહ્મણી હોત તો રંડાપો પાળવામાં પણ એને એક જાતનું સુખ સાંપડત. ભરીભરી દુનિયાના ખોળામાં એ બેસી શકત, સીમમાં જઈ ખડની ભારી લઈ આવત, છાણાંની ગાંસડી વીણી આવત, આંગણે ગાયનો ખીલો પાળત ને તુલસીનો ક્યારો રોપત, આડોશીપાડોશીનાં બાળકો રમાડીને મન ખીલે બાંધત. પણ આ તો રાજ-રંડાપો! એના છેડા સંકોડીને હું શી રીતે બેસીશ? હું હવે કોઈની રાણી નથી, કોઈની માતા નથી, કોઈની પુત્રી કે બહેન નથી: હું તો સર્વની શકદાર છું, કેદી છું, ખટપટનું કેન્દ્ર છું, ચુગલીખોરનું રમકડું છું. મારા પ્રત્યેક હલનચલનમાં કોઈક કારસ્તાનનો વહેમ પોતાના ઓળા પાડશે. મારે ઘેર કોઈ રાજકુટુંબી જન ભાણું નહિ માંડે, કેમકે એને ઝેરની બીક લાગશે. હું વ્રતપૂજા કરીશ તો કોઈ કામણટૂમણ કરતી મનાઈશ. મારું આંખ-માથું દુ:ખશે તો કોઈ ગુપ્ત રોગનો સંશય ફેલાશે. ક્યાં જાઉં? કોને ત્યાં જાઉં? દેવુબા બહુ મૂંઝાઈ. એને પણ પિનાકી યાદ આવ્યો. બાળપણાનો એ ભાંડુ મને રાજપ્રપંચની જાળમાંથી નહિ છોડાવે? કેમ કરીને છોડાવી શકે? એની હજુ ઉમર શી? એને ગતાગમ કેટલી? ક્યાં લઈ જઈને એ મને સંઘરે? ઢળતી પાંપણોનાં અધબીડ્યાં બારણાંની વચ્ચે પોતાનાં ને પિનાકીનાં અનેક સોણાં જોતીજોતી દેવુબાને દીવાલને ટેકે ઝોલું આવી ગયું. આઠ જ દિવસમાં તો ગોરા હાકેમે વસ્તીનાં હૈયાં વશ કરી લીધાં. રાજના અધિકારીઓને પણ ગોરો પ્રિય થઈ પડ્યો. મરહૂમ ઠાકોર સાહેબના ધર્માદાઓ તમામ એણે ચાલુ રાખ્યા, નવા વધારી દીધા. નહાવાનો ઘાટ બંધાવ્યો, ઠાકોર સાહેબના નામ પર નવું સમાધિ-મંદિર બંધાવ્યું, બુલંદ કારજ કર્યું, નોકરોને રજા-પગારનાં ધોરણ કરી આપ્યાં, પોલીસની અને કારકુનોની લાઈનો બંધાવવા હુકમ કર્યો. અને એ લોકપ્રેમના પાયા ઉપર ગોરાએ યુરોપના મહાયુદ્ધમાં મોકલવા માટે રંગરૂટો ભરતી કરવાની એક ઓફિસ ઉઘાડી. રાજના લગભગ તમામ અધિકારીઓને એણે ‘રિક્રૂટિંગ’ અફસરો બનાવી પગાર વધારી આપ્યા ને નવા વર્ષના ચાંદ-ખિતાબોની લહાણીની લાલચો આપી. એક મહિનાની અંદર તો રાજના બેકાર પડેલા કાંટિયા વર્ણના જુવાનો, માથામાંથી ટોલા પકડાય તેમ, હાજર થવા લાગ્યા ને દેશી અમલદારો પોતાની મીઠી જબાનથી એમનાં કલેજાંને વેતરવા લાગ્યા. “જો, સાંભળ, ઓઢા ખુમા, દેવરાજીઆ, પીથલ, હોથી, વીરમ — તમે સૌ સાંભળો. તમતમારે બેફિકર રે’જો. ઉવાં તમને કાંઈ લડવા લઈ જાવાના નથી. લડે છે તો ગોરી જ પલટણો. તમારે તો એ...ય ને લીલાલે’ર કરવાની છે.” જુવાન વીરમે માથું ઊંચું કરીને આ ભાષણ કરનાર અમલદારની સામે સંદેહભરી મીટ માંડી. બીજા બધા શૂન્યમાં જોતા બેઠા હતા. “ઉવાં તમારે બીડિયું, સોપારિયું, સિગરેટું, ખાવાનાં, પીવાનાં, ને વળી દારૂના પણ ટેસ. તે ઉપરાંત—” ઓફિસરે આમતેમ જોઈને આંખ ફાંગી કરી. પછી વીરમની પીઠ થાબડતે-થાબડતે ધીમેથી કહ્યું: “તમને ઘર સાંભરે ઈ શું સરકાર નથી સમજતી? આ લાખમલાખ ગોરા જુવાનો શું ઠાલા મફતના લડવા આવે છે? શું સમજ્યા? સમજ્યો મારું કહેવું? સૌ સમજ્યા?” સૌએ ઊંચે જોયું. અમલદારે સ્પષ્ટ કરીને કહ્યું: “આરબોની ને યહૂદીઓની છોકરીઓ દીઠી છે કોઈ દી જનમ ધરીને?” બધા રીક્રૂટોએ ડોકાં ધુણાવ્યાં. “તયેં પછી ઈષ્ટદેવનું નામ લઈને ઝટ ચડી જાવ આગબોટમાં. આંહીં શીદ અવતાર ધૂળ મેળવો છો?” “તયેં તુંય હાલ ને, સા’બ, અમ ભેળો!” પેથાએ રમૂજ કરી. “અરે ગાંડિયા! મને વાણિયાને જો ભરતીમાં લેતા હોત તો હું શું તારા કે’વાની વાટ જોઈ બેસત! હું તો ઘરનાં માણસોને ખબરેય ન પડવા દેત, ભૂત!” લશ્કરી લોહીના બનેલા આ સોરઠી જુવાનોનાં મન સૂનાં હતાં. બિનરોજગારી તેમને દિવસરાત ખાઈ જતી હતી. વિક્રમપુરનો દરિયાકાંઠો જેઓની આજ સુધીની જીવનસૃષ્ટિનો છેડો હતો, તેમની સામે આગબોટ, દરિયાની અનંત છાતી પર પ્રયાણ, બગદાદ-બસરાના અદીઠ પ્રદેશો અને પેલેસ્ટાઈનની ગોરી લલનાઓ તરવરી ઊઠ્યાં. વશીકરણ પ્રબલ બન્યું. તેમાં અમલદારે છેલ્લો મંત્ર મૂક્યો. “આ લ્યો!” કહીને પોતાની ગાદી ઉપર એણે રૂપિયા બસો-બસોની ઢગલી કરી. “આ તમારાં બાળબચ્ચાંનો પ્રથમથી જ બંદોબસ્ત. લ્યો, હવે છે કાંઈ?” રૂપિયાની ઢગલી દેખ્યા પછી આ સોરઠી સિપાઈગીર જુવાનોનાં મનને આંચકા મારતી જે છેલ્લી વાત હતી તે પતી ગઈ. પોતાની પછવાડે બાલબચ્ચાંની શી વલે થાય! એ એમની છેલ્લી વળગણ હતી. સાવજ જેવા પણ એ બાળબચ્ચાંની ફિકર સામે બકરા બની જતા. “કે’દી ઊપડવાનું, સા’બ?” રણવીરે પૂછ્યું. “પરમ દિવસ.” “ઠેક.” કહીને તેઓ ઊઠ્યા. “ને આ લ્યો.” અધિકારીએ બીડીઓનાં મોટાં બંડલો તેમની સામે ફગાવ્યાં. “ઉપાડો જોઈએ તેટલી.” સોરઠી જુવાનોનાં દિલ ભરચક બન્યાં. તેમને લાગ્યું કે કોઈક વાલેશ્રી અમારા ઉપર અથાક વહાલપ ઠાલવી રહેલ છે. સામે તેઓ કહેવા લાગ્યા: “હાંઉ હાંઉ; હવે બસ, સા’બ! ઢગ્ય થઈ ગઈ!” “લઈ જાઓ. લઈ જાઓ ઘેર. સૌને પીવા દેજો.” એમ આગ્રહ કરી કરીને અધિકારીઓએ બીડીઓ બંધાવી. ત્રીજા દિવસે બસરાની આગબોટમાં પહોંચવા માટે જ્યારે જાલીબોટ ઊપડી ગઈ ત્યારે પચાસેક ઓરતો અને પચીસ-ત્રીસ બાળકોનું જૂથ સમુદ્રના હૈયા પર પડતા જતા રૂપાવરણા પટા પર પોતાની આંખોને દોડાવતું મૂંગું મૂંગું ઊભું હતું.