સૌરાષ્ટ્રની રસધાર/ભાઈ-બહેન

From Ekatra Wiki
Revision as of 15:29, 23 February 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


ભાઈ-બહેન

ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજું કેડમાં તેડેલું. બીજો પાળિયો એક ઘોડેસવારનો છે. કેટલાં વરસ પહેલાંની આ વાત હશે તે તો કોણ જાણે! કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી. સાથે એનાં બે છોકરાં હતાં. ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી. વાટમાં ખાવાનું નહોતું મળ્યું. કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટિંગાતું બાળક, ભેંસનું પળી-બે-પળી દૂધ મળતું તે ઉપર નભ્યે આવતું હતું. ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી. ચારણીને માથે ધાબળી પડી હતી. અંગે કાળી લાયનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યાં હતાં. ડોકમાં શૂરાપૂરાનું પતરું, હાથમાં રૂપાના સરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો. એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે : તેમાંયે આ બાઈને તો સંસારનાં વસમાં વીતકોએ વધુ ઉદાસ કરી મૂકી હતી. બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી. તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામો મળ્યો. બાઈને કાંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું : “ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહિ?” “કેવાં છો તમે, બાઈ?” “અમે ચારણ છયેં, બાપ!” “ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી?” “બાપ, બહુ વહેલા વહેલાનો મેં એને વીર કીધો છે. પંદર વરસ થયાં અમે એક-બીજાંને મળ્યાં નથી. ઓણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભર્યું કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઊતરી જવાય. બાપુ, પાણીયે મોંમાં નથી નાખ્યું. હશે, હવે ફકર નહિ. ભગવાને ભાઈ ભેળાં કરી દીધાં.” પોતે ઘોડિયે સૂતી હતી તે દિવસે પોતાનાં માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો, માવતર પેટનાં છોરુંને રઝળતાં મેલી પોતાનો બચાવ ગોતતાં ભમતાં હતાં. માયા-મમતાની અણછૂટ ગાંઠો પણ છૂટી પડતી — એવા કાળા દુકાળને ટાણે ચારણ્યનાં માબાપે આ છોકરાને તેડી લીધું હતું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછોડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો-પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખાં પડ્યાં તે દિવસ કહીને ગયેલો કે ‘બોન! વપત પડે તે દિવસે હાલી આવજે!’ આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે. ઘોડેસવાર વિચારમાં પડી ગયો. એને સાંભરી આવ્યું. એ બોલી ઊઠ્યો : “અરે બોન, રેશમિયો તો પાછો થયો!” પોતે જ રેશમિયો ભેડો હતો, પણ પેટમાં પાપ પેસી ગયું. “રેશમિયો પાછો થયો?” બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું. “હા, બાઈ, પાછો થયો — આઠ દિવસ થયા.” “ભાઈ પાછો થયો? ના, ના, થાય નહિ.” બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા મંડી. ‘હેં, પાછો થયો?’ ‘પાછો થયો?’ ‘થાય કાંઈ?’ એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે ‘વીર મારો પાછો થયો?’ ઘોડેસવારને થર થર કંપ વછૂટ્યો. ઘણુંય મન થયું કે નાસી છૂટું; પણ ઘોડાની લગામ હલાવી-ચલાવીયે ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતાં પાડતાં મરશિયા ઉપાડ્યા :


ભલકિયું ભેડા, કણસિયું કાળજ માંય,
રગું રેશમિયા, (મારીયું) વીંધીયું, વાગડના ધણી!

[હે ભેડા, તેં તો મારા કાળજામાં ભાલાં ભોંક્યાં. હે વાગડિયા શાખાના આયર, મારી નસો તેં વીંધી નાખી.]


ઘોડો મૂવો ઘર ગિયાં, મેલ્યાં મેવલીએ,
રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.

[ઘોડા જેવો મારો ધણી મર્યો. મારાં ઘર ભાંગી ગયાં. વરસાદે પણ રઝળાવ્યાં. રખડી રખડીને હેરાન થઈ ગયાં. ત્યાં જેની છેલ્લી આશા હતી તે રેશમિયે પણ રોળી દીધાં.]


કૈંક કઢારા કાઢિયા, (હવે) છોરું બાંન પિયાં,
રેશમિયો ભેડો જાતે, માથે દાણિંગર રિયાં.

[મારે માથે કરજ હતું, તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે.]


ભેડો અમણો ભા, (જાણ્યો) વાંઢ્યાને વરતાવશે,
(ત્યાં તો) વાટે વિસામા રોળ્યા, રેશમિયા!