સૌરાષ્ટ્રની રસધાર-4/આહીર યુગલના કોલ

From Ekatra Wiki
Revision as of 12:27, 26 February 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમકથાઓ| <br>આહીર યુગલના કોલ|}} {{Poem2Open}} “આટલી બધી પ્રીત કેમ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમકથાઓ


આહીર યુગલના કોલ

“આટલી બધી પ્રીત કેમ સહેવાશે? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને?” “એવું અમંગળ શું કામ ભાખો છો?” “ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મૉત નીપજે તો?” “તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે?” “મરવું શું રેઢું પડ્યું છે? આ ભરપૂર જોબન, આ છલકાતાં રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવાં દોહ્યલાં છે, હો! એ તો મોંએ વાતો થાય.” “હશે, પુરુષજાતને મન પ્રાણ કાઢી આપવા વસમા હશે. પોતાની પરણેતરની વાંસે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે, આયર!” કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો. નામ ધમળો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણ્યાં હજુ ચારપાંચ મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી. ઉપરની વાતો કરનારાં ધણી-ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સૂવાના ઓરડામાં ઢોલિયા પર બેઠાં બેઠાં ચાતકની જોડલી સમાં આ અભણ સ્ત્રી-પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યાં હતાં. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટ્યે ફૂલ ચડી ગયેલ છે. નાગને મનમાં થાતું કે ‘ઓહો! શું આ સ્ત્રીનું મારા ઉપર હેત! મારી પાછળ આ બિચારી ઝૂરી-ઝૂરીને મરે, હો!’ રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ કે “હે આયર! હું મરું તો તમે શું કરો?” ગળગળો થઈને નાગ કહેતો કે “મારા સમ! એવું તું બોલ મા.” “ના, ના, પણ આમ જુઓ! આ મારા માથાની લટ ઊડી ઊડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે!” “હું તને કરગરીને કહું છું કે એવું બોલ્ય મા.” “એમાં શું? પુરુષને તો સ્ત્રી મરી ને ખાસડું ફાટ્યું એ બેય વાત બરાબર. હું મરું તો શું તમે બીજી નહિ પરણો?” આયરે નિસાસો નાખીને કહ્યું : “પ્રભુને ખબર!” “ત્યારે શું સતા થશો?” આવા મર્મપ્રહાર ક્યાં સુધી સહેવાય? ધ્રૂજતે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો કે “એક વાર મરી જુઓ, પછી જોઈ લેશું. મને નખરાં નથી આવડતાં.” પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાઝી પડી; ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. બેય જણાં પાછાં વિનોદમાં પડ્યાં. રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો. એ હતો નાગનો બાપ ધમળ પોતે. ખોરડું સાંકડું હોવાથી ધમળ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છ્યે પણ સંભળાઈ જાતી. સાંભળીને મનમાં મનમાં એ હસતો. એના અંતરમાં થતું કે ‘જોને આ જુવાનિયાં! તાજી પ્રીતમાં ગાંડાંતૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં!’ રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાંતી જોડી ખેતરે જાય, તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો, જેમ વાછરુ પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને સાંતીના ખડખડાટની વાટ જુએ. એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. કોસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે : અને માથે ઝાડની ઘટામાં કોયલ ટૌકે છે. મંડાણની ગરેડી જાણે કોઈ સજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આઘે આઘે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે. જોઈ જોઈને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે. :


સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ :
મરે પણ મેલે નહિ, જેને બાળપણાની બેલ્ય.
બાળપણાની બેલ્ય તે લાગે ગુગળી,
સોજાં સાજણ ને ઉત્તરની વીજળી.
ઘડતાળિયા જીવને થઈ મેંઘેલ્ય
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!

વેણે વેણે વાડી પડઘા પૂરે છે. મોરલાય સામા ચંદ્રાવળા ગાતા હોય તેવા, ડોકના ત્રણ-ત્રણ કટકા કરી ગળકે છે. અને વળી પાછો નાગ કોસ ખેંચતો લલકારે છે :


સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ,
દૂધમાં સાકર ભેળીએ, તે કેવોક લીએ મેળ :
કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ,
વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ.
ચંપે ને મરવે વીંટાણી નાગરવેલ!
ચુડ કે’ સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ.

એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઈને આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે :