સૌરાષ્ટ્રની રસધાર-4/હોથલ

Revision as of 16:00, 28 February 2022 by KhyatiJoshi (talk | contribs)


હોથલ

[પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમ-ત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખોમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં તેની કંઈક સબળ રેખાઓ અણદોરી રહી છે. હોથલનું એ વીસરાતું વીરાંગનાપદ પુનર્જીવન માગે છે — નાટકીય શૈલીએ નહિ, પણ શુદ્ધ સોરઠી ભાવાલેખન દ્વારા. વળી, એ પ્રેમવીરત્વની ગાથાના સંખ્યાબંધ દોહાઓ પણ સાંપડ્યા છે. એનો પરિચય પણ જીવતો કરવાનો ઉદ્દેશ છે. દુહાઓ મિશ્ર સોરઠી-કચ્છી વાણીના છે.]

કચ્છની ઠકરાત કિયોર કકડાણાને પાદર ત્રંબાળુ ઢોલ ધડૂકે છે. મીઠી જીભની શરણાઈઓ ગુંજી રહી છે. નોબત ગડેડે છે. માળિયે બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછે છે : “છોકરી, આ વાજાં શેનાં?” “બાઈ, જાણતાં નથી? બસો અસવારે ઓઢો જામ આજ આઠ મહિને ઘેર આવે છે. એની વધાઈનાં આ વાજાં. ઓઢો ભા — તમારા દેવર.” “એમાં આટલો બધો ઉછરંગ છે?” “બાઈ, ઓઢો તો કિયોર કકડાણાનો આતમરામ. ઓઢો તો શંકરનો ગણ કહેવાય. એની નાડી ધોયે આડાં ભાંગે. અને રૂપ તો જાણે અનિરુદ્ધનાં.” “ક્યાંથી નીકળશે?” “આખી અસવારી આપણા મો’લ નીચેથી નીકળશે.” “મને એમાંથી ઓઢો દેખાડજે.”

હૈડાં હલબલિયાં

અસવારી વાજતેગાજતે હાલી આવે છે. ડેલીએ ડેલીએ કિયોર કકડાણાની બે’ન‑દીકરીઓ કંકુ-ચોખા છાંટીને ઓઢા જામનાં ઓવારણાં લે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મીણલદે આઘેથી કેસરી સિંહ જેવી નિર્મળ આંખલડીઓવાળા દેવરને ભાળી ભાળીને શી ગતિ ભોગવી રહી છે!


ઓઢે બગતર ભીડિયાં, સોનાજી કડિયાં,
મીનળદે કે માયલાં, હૈડાં હલબલિયાં.

[હેમની કડીઓ ભીડેલા બખતરમાં શોભતો જુવાન જોદ્ધો ભાળીને ભોજાઈનાં હૈયાં હલી ગયાં.] ‘વાહ ઓઢો! વાહ ઓઢો! વાહ ઓઢો!’ એવાં વેણ એનાથી બોલાઈ ગયાં. સામૈયું ગઢમાં ગયું. પ્રભાતને પહોરે જદુવંશી જાડેજાઓનો દાયરો જામ્યો છે. સેંથા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે. કસુંબાની છાકમછોળ ઊડી રહી છે. ઓઢો જામ પોતાની મુસાફરીનાં વર્ણનો કરે છે. દેશદેશના નવા સમાચાર કહેવા-સાંભળવામાં ભાઈ ગરકાવ છે. પોતાનાં શૂરાતનની વાતો વર્ણવતા ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચૂમકીઓ લઈ રહી છે ત્યાં તો બાનડી આવી : “બાપુ, ઓઢા જામને મારાં બાઈ સંભારે છે.” “હા હા, ઓઢા, બાપ, જઈ આવ. તું ને તારી નવી ભોજાઈ તો હજુ મળ્યાંયે નથી.” એમ કહીને બુઢ્ઢા જામ હોથીએ ઓઢાને મીણલદેને ઓરડે મોકલ્યો. વાળે વાળે મોતી ઠાંસીને મીણલદે વાટ જુએ છે. આંખમાં કાજળ ચળકારા કરે છે. કાને, કંઠે, ભુજા ઉપર અને કાંડે આભરણ હીંડોળે છે. મોટા મહિપતિને મારવા જાણે કામદેવે સેના સજી છે.


ઓઢે કેસરિયાં પેરિયાં, આંગણ ઉજારો,
દીઠો દેરજો મોં તડે, સૂર થિયો કારો.

[કેસરિયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળાં છવાયાં. દેરનું મોઢું દેખાતાં સૂરજ ઝાંખો પડ્યો.]


ઓઢે કેસરિયા પેરિયાં, માથે બંધ્યો મોડ,
દેરભોજાઈ આપણે, મળિયું સરખી જોડ.

[આહાહા! વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સરજી. પણ મારાં માવતર ભૂલ્યાં.] “માતાજી! મારા જીવતરનાં જાનકીજી! તમે મારા મોટાભાઈના કુળઉજાળણ ભલે આવ્યાં,” એમ કહીને લખમણજતિ જેવા ઓઢાએ માથું નમાવ્યું. “હાં, હાં, હાં, ઓઢા જામ, રે’વા દો,” એમ કહી ભોજાઈ દોડી, હાથ ઝાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડી —


ઓઢા મ વે ઉબરે, હી પલંગ પિયો,
આધી રાતજી ઊઠિયાં, ઓઢો યાદ અયો.

[એ ઓઢા જામ, તું સાંભર્યો અને અધરાતની મારી નીંદર ઊડી ગઈ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ, પલંગે બેસ. બીજી વાત મેલી દે.] ઓઢો ભોજાઈની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને ઓઢો આઘો ઊભો રહ્યો. “અરે! અરે, ભાભી!”


હી પલંગ હોથી હીજો, હોથી મુંજો ભા,
તેંજી તું ઘરવારી થિયે, થિયે અસાંજી મા.

[તારા ભરથાર હોથીનો આ પલંગ છે. અને હોથી તો મારો ભાઈ, એની તું ઘરવાળી. અરે, ભાભી, તું તો મારે માતાના ઠેકાણે.]


ચૌદ વરસ ને ચાર, ઓઢા અસાં કે થિયાં,
નજર ખણી નિહાર, હૈડાં ન રયે હાકલ્યાં.

[ભાભી બોલી : મને અઢાર જ વર્ષ થયાં છે. નજર તો કર, મારું હૈયું હાકલ્યું રહેતું નથી.]


ગા ગોરણી ગોતરજ, ભાયાહંદી ભજ,
એતાં વાનાં તજ્જિએ, ખાધોમાંય અખજ.

[ઓઢે કહ્યું : એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી, એ ચારેય અખાજ કહેવાય.] ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઈ આડી ફરી. બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે —


ન હુવ રે ન થિયે, ન કઢ એડી ગાલ,
કચો લાગે કુલકે, કેડો મેડિયાં માલ.

[એ ભાભી, એ ન બને, એ વાત છોડી દે. કુળને ખોટ બેસે.] “ઓઢા, ઓઢા, રહેવા દે, માની જા, નીકર —


ઉઢા થીને દુ:ખિયો, ઝંઝો થીને દૂર,
છંડાઈસ કેરોકકડો, વેંદો પાણીજે પૂર.

[દુ:ખી થઈ જઈશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે.] બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઈ.

દેશવટો

“અરે રાણી! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘોર અંધારું કેમ? તમે ટૂટમૂટ ખાટલીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ?” આંસુડાં પાડીને રાણી બોલી : “તમારા ભાઈનાં પરાક્રમ!” “મારો લખમણજતિ! મારો ઓઢો?” “ઠાકોર, મને અફીણ મગાવી આપો. ઘોળીને પી જાઉં. તમારા લખમણજતિને જાળવજો ખુશીથી. તમારા રાજમહેલમાં રજપૂતાણી નહિ રહી શકે.” બુઢ્ઢો હોથી સ્ત્રીચરિત્રને વશ થઈ ગયો. સવાર પડ્યું ત્યાં કાળો જાંબુમોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે. દેશવટાની તૈયારી કરતાં ઓઢાને મીણલદેએ ફરી વાર કહેવરાવ્યું :


માને મુંજા વેણ, (તો) વે’તા લદા વારિયાં,
થિયે અસાંજા સેણ, તો તજ મથ્થે ઘોરિયાં.

[હજુ મારાં વેણ માન, તો તારા વહેતા ઉચાળાને પાછા વાળું. જો મારો પ્રિયતમ થા, તો તારા માથે હું ઘોળી જાઉં.]


મિયા ભરીને માલ, ઓઢે ઉચારા ભર્યા,
ખીરા, તોં જુવાર, સો સો સલામું સજણાં.

[ઊંટને માથે પોતાની ઘરવખરી નાખી, કાળો પોશાક પહેરી, કાળે ઘોડે સવાર થઈ, પોતાના બસો અસવારને લઈને ઓઢો દેશવટે ચાલી નીકળ્યો અને કિયોર કકડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતાં ઓઢાએ ઉચ્ચાર કર્યો કે, હે ભાઈ ખીરા, હે મારા સ્વજન, તને આજ સો સો સલામો કરું છું.]


ખીરાં, તોં જુવાર, સો સો સલામું સપરી,
તું નવલખો હાર, ઓઢાને વિસારિયો.

વીસળદેવને ઘેર

પોતાના મશિયાઈ વીસળદેવ વાઘેલાની રાજધાની પીરાણા પાટણ (ધોળકા)ની અંદર આવીને ઓઢે આશરો લીધો છે. એક દિવસ બન્ને ભાઈઓ ખાવા બેઠા છે. ભોજનની થાળી આવીને બટકું ભાંગીને વીસળદેવે નિસાસો મેલ્યો.


ખાવા બેઠો ખેણ, વીસળે નિસાસો વયો,
વડો મથ્થે વેણ, બિયો બાંભણિયા તણો

“અરે હે ભાઈ વીસળદેવ! અન્નદેવતાને માથે બેસીને ઊંડો નિસાસો કાં નાખ્યો? એવડાં બધાં તે શાં ગુપ્ત દુ:ખ છે તારે, બેલી?” ઓઢાએ ભાઈને પૂછ્યું. વીસળદેવે જવાબ દીધો કે “હે બેલી, બાંભણિયા બાદશાહનાં મે’ણાં મારે માથે રાત--દિવસ ખટક્યા કરે છે. નગરસમોઈની સાત વીસું સાંઢ્યો જ્યાં સુધી હું ન કાઢી આવું, ત્યાં સુધી હું અનાજ નથી ખાતો, ધૂળ ફાકું છું.” “બાંભણિયાની સાંઢ્યું? ઓહો, પારકરની ધરતી તો મારા પગ તળે ઘસાઈ ગઈ. પલકારામાં સાંઢ્યું વાળીને હાજર કરું છું. મારા બસો જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે. એને હક કરી આવું,” એમ કહીને કટક લઈને ઊપડ્યો.


ઓઢે સરવર પાર, નજર ખણી નિયારિયું,
એક આવે અસવાર, નીલો નેજો ફરુકિયો.

એક તળાવડીને આરે ઓઢો જામ તડકા ગાળવા બેઠેલ છે. વાયરામાં લૂ વરસે છે. હરણાંનાં માથાં ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે. એમાં આંખો માંડીને ઓઢે જોયું તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે. આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે. લીલી ધજા ફરકે છે. અસવારના અંગ ઉપરનું કસેલું બખતર ઝળકારા કરતું આવે છે. કૂકડાની ગરદન જેવું ઘોડાનું કાંધ, માથે બેઠેલ અસવાર, અને ઘોડાના પૂંછડાનો ઊડતો ઝંડો, એમ એક અસવાર, ત્રણ-ત્રણ અસવારો દેખાડતો આવે છે. સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઊગ્યો! ઓઢાના અસવાર માંહોમાંહી વહેંચણ કરવા મંડ્યા : “ભાઈ, ઈ મુસાફરનો ઘોડો મારો!” — “ઘોડાનો ચારજામો મારો!” — “અસવારનું બખતર મારું!” — “આદમીનો પોશાક મારો!” સામી પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાતો કાનોકાન સાંભળી રહ્યો છે. મરક મરક હસે છે. જરાક પરચો તો દેખાડું, એમ વિચારીને એણે ઘોડાનો તંગ તાણ્યો. એવો તંગ તાણ્યો કે —


તેજી તોળ્યો ત્રાજવે, જેમ બજારે બકાલ,
માર્યો કેનો નૈ મરે, ગાંડી મ કૂજ્યો ગાલ.

જેમ વેપારી ત્રાજવું ઊંચું કરે તેમ ઘોડાને તોળી લીધો! એ જોઈને ઓઢો બોલ્યો, “એ રજપૂતો! ચીંથરાં ફાડો મા; આમ તો જુઓ! ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગમાં ઊંચો ઉપાડી લીધો, એવો જોરાવર આદમી કોઈનો માર્યો મરે નહિ. અને જોરાવર ન હોત તો એકલવાયો નીકળત નહિ. એને લૂંટવાની ગાંડી વાતો છોડી દ્યો!” ત્યાં તો અસવાર લગોલગ આવી પહોંચ્યો. મોઢે મોસરિયું બાંધ્યું છે, મૂછનો દોરોય હજુ ફૂટ્યો નથી, ઘૂમતા પારેવાના જેવી રાતી આંખ ઝગે છે, ભમ્મરની કમાનો ખેંચાઈને ભેળી થઈ ગઈ છે, મોં ઉપર મીટ મંડાય નહિ એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઊભો. અહાહાહા! ઓઢા જામના અંતરમાં ટાઢો શેરડો પડી ગયો. સાહેબધણીએ સંસારમાં શું રૂપ સરજ્યું છે! ને આવડી અવસ્થાએ અને આવે વેશે આ વીર પુરુષ બીજે ક્યાં જાય? કોઈક ગઢને ગોખે વાટ જોતી મૃગનેનીને મળવા જાતો હોય, ને કાં મળીને પાછો વળતો હોય, એવા દીદાર છે. સગો ભાઈ હોય, બાળપણનો ભેરુબંધ હોય, એવું હેત મારા કલેજામાં આજ કાં ઊગે? “કાં રજપૂતો!” સવારે પડકાર દીધો : “મને લૂંટવો છે ને તમારે? શૂરવીરો, એમાં કાં ભોંઠા પડો? ઊઠો. કાં અક્કેક જણ આવી જાઓ, ને કાં સહુ સાથે ઊતરો; જોર હોય તો મારાં લૂગડાંઘરેણાં આંચકી લ્યો.” રજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા. હસીને ઓઢો બોલ્યો : “માફ કરો, મારા ભાઈ, મનમાં કાંઈ આણશો મા. મારા રજપૂતોએ ભૂલ કરી. ઊતરો, બા, કસુંબો લેવા તો ઊતરો.” “ના, ના, એમ મારાથી ન ઊતરાય. તમ સરખા શૂરવીરના દાયરામાં હું કેમ શોભું? અરે દાયરાના ભાઈઓ, આમ જુઓ. આ ખીજડાનું ઝાડ જોયું? એના થડમાં હું તીર નાખું. તમે એને ખેંચી કાઢો એટલે બસ. બાકીનું બધું તમારું!” એમ કહી અસવારે ખભેથી ધનુષ્યની કમાન ઉતારી. ત્રણસો ને સાઠ તીરનો ભાથો ભર્યો છે એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ચડાવ્યું. ઘોડાના પેંગડા ઉપર ઊભો થઈ ગયો. કાન સુધી પણછ ખેંચીને તીર છોડ્યું. હવામાં ગાજતું જતું તીર આંખના પલકારા ભેગું તો ખીજડાના થડમાં ખૂંતી ગયું. ફક્ત તીરની લાકડી ચાર આંગળ બહાર રહી. રજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા. ઓઢો જામ અસવારના મોં સામે જોઈને ફૂલેલ છાતીએ બોલી ઊઠ્યો : “વાહ બાણાવળી! વાહ ધનુર્ધારી! વાહ રે તારી જનેતા! ધન્યભાગ્ય તારાં વારણાં લેનારી રજપૂતાણીનાં! વાહ રજપૂતડા!”


ઝાડે ઘાવ ન ઝીલિયો, ધરતી ન ઝીલે ભાર,
નૈ કાળા મથ્થાજો માનવી, અંદરજો અવતાર.

[આ ઝાડે પણ જેનો ઘા ન ઝીલ્યો અને ધરતી જેનો ભાર ન ઝીલ્યાથી પગ નીચે કડાકા કરે છે, એ પુરુષ કાળા માથાનો માનવી નહિ, પણ સાચોસાચ ઈન્દ્રનો અવતાર દીસે છે.] અસવારે હાકલ દીધી. : “ઠાકોરો! ઊઠો, કોઈક જઈને એ તીર ખેંચી લાવો તો પણ હું સરસામાન સોંપી દઉં.” રજપૂતો ઊઠ્યા, ચાર આંગળની લાકડી ખેંચવા મંડ્યા પણ તીર ચસ દેતું નથી. “જુવાનો, ઉતાવળા થાઓ મા. ફરીને બળ વાપરો.” પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો. જઈને તીર તાણ્યું. જેમ માખણનાં પિંડામાંથી મોવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેંચાઈ આવ્યું. અજાણ્યા પરદેશીનાં એક પછી એક શૂરાતન જોઈ જોઈને ઓઢાને લોહી ચડતું જાય છે. પોતાનો નાનેરો ભાઈ પરાક્રમ દાખવતો હોય તેમ ઓઢો ઓછો ઓછો થઈ રહ્યો છે. ઓઢો ઊઠ્યો. બાવડું ઝાલીને અસવારને ઘોડેથી ઉતારી લીધો. ઘોડાના ઘાસિયા પાથર્યા હતા, તેની ઉપર બેસાડીને પ્રેમભીની નજરે ઓઢાએ પૂછ્યું :


ઓઢો મુખથી આખવે, જાણાં તોજી જાત,
નામ તો હોથી નગામરો, સાંગણ મુંજો તાત.

“બેલીડા! તમારું નામ, ઠામ, ઠેકાણું તો કહો.” “મારું નામ હોથી નગામરો. સાંગણ નગામરો મારો બાપ થાય. મારું હુલામણું નામ એકલમલ્લ.” “એકલમલ્લ!” નામ લેતાં તો ઓઢાનાં ગલોફાં જાણે ભરાઈ ગયાં : “મીઠું નામ! ભારી મીઠું નામ! શોભીતું નામ!” “અને તમારું નામ, બેલી?” એકલમલ્લે પૂછ્યું. “મને ઓઢો જામ કહે છે.” “આ હા હા હા! ઓઢો જામ તમે પોતે? ઓઢો કિયોરનો કહેવાય છે એ પંડે? ભાભીએ દેશવટો દેવાર્યો એ કચ્છમાં અમે જાણ્યું હતું. પણ કારણ શું બન્યું’તું, ઓઢા જામ?” “કાંઈ નહિ, બેલી! એ વાત કહેવરાવો મા. હોય, માટીના માનવી છીએ, ભૂલ્યાં હશું.” “ના, ના, ઓઢા જામ! હનુમાનજતિ જેવો ઓઢો એવું ગોથું ખાય નહિ. કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહિ.” “બેલી! આપણે પરદેશી પંખીડાં કહેવાઈએ. કરમસંજોગે ભેળાં મળ્યાં. હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય. બે ઘડીની લેણાદેણી લૂંટી લઈએ, જુદાઈની ઘડી માથે ઊભી છે. કલેજાં ઉઘાડીને વાતો કરવા જેટલો વખત નથી. માટે મેલો એ વાતને. આવો, કસુંબા પિયે.” ઓઢાએ ને એકલમલ્લે સામસામી અંજલિ ભરી. એકબીજાને ગળાના સોગંદ આપીને અમલ પિવરાવ્યાં. પીતાં પીતાં થાકતા નથી. હાથ ઠેલતાં જીવ હાલતો નથી. કસુંબાની અંજલિઓમાં એક બીજાનાં અંતર રેડાઈ ગયાં છે. અમલ આજ અમૃતના ઘૂંટડા જેવું લાગે છે. જેમ —


મૂંમન લાગી તુંમનાં, તુંમનાં લાગી મૂં,
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.

જાણે લૂણ-પાણી ઓગળીને એકરસ થઈ જાય તેવાં સામસામાં અંતર પણ એકાકાર થઈ ગયાં. મુખે ઝાઝું બોલાતું નથી. ઓઢો વિચાર કરે છે કે ‘હે કિસ્મત! આ બસોને બદલે એકલો એકલમલ્લ જ મારી સંગાથે ચડ્યો હોય, તો આભજમીનના કડાં એક કરી નાખતાં શી વાર?’ એકલમલ્લે પૂછ્યું : “ઓઢા જામ, કેણી કોર જાશો?” “ભાઈ, નગરસમોઈનાં બાંભણિયા બાદશાહની સાંઢ્યું કાઢવા. કેમ કે, એ કારણે પીરાણા પાટણનો ધણી મારો મશિયાઈ વીસળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને ધાન ખાય છે. પણ તમે ક્યાં પધારો છો?” એકલમલ્લે મોઢું મલકાવ્યું : “બેલી, એક જ પંથે — એક જ કામે.” “ઓહોહો! ભારે મજાનો જોગ; પણ તમે કોની સારુ ચડ્યા છો?” “ઓઢા જામ! કનરા ડુંગરની ગુંજમાં અમારાં રહેઠાણ છે. બાપુ મૉતની સજાઈમાં પડ્યા. છેલ્લી ઘડીએ જીવ નીકળતો નહોતો. એને માથેય બાંભણિયાના વેર હતાં. બાંભણિયાની સાંઢ્યો લાવવાની પ્રતિજ્ઞા અધૂરી રહેતી હતી, એટલે બાપુનો જીવ ટૂંપાતો હતો. મેં પાણી મેલ્યું અને બાપુને સદ્ગતિ દીધી.” “એકલમલ્લ ભાઈ! આપણે બેય સાથે ચડીએ તો?” “ઓઢા જામ; સાથે ચડીએ, પણ મારો કરાર જાણો છો? મહેનત અને કમાણી, બેયમાં સરખો ભાગ : અરધમાં તમે બધા અને અરધમાં હું એકલો : છે કબૂલ?” ઓઢો કબૂલ થયો. પણ ઓઢાના રજપૂતો રાઈતું મેળવવા મંડ્યા.