સોરઠને તીરે તીરે/૧૨. વિદાય
ટપ, ટપ, ટપ, ટપ, થાળીમાં દાણા ચણતાં પક્ષીઓની માફક ટીપણીઓ દીવાલને ટીપી રહી છે: શોકાકુલ વાતાવરણ છે: માર્ગે નીકળતાં મહુવાવાસીઓ પ્રથમ આ તમાશાથી વિસ્મય પામીને પછી નિઃસ્તબ્ધ પગે થોભે છે: કતપરની ખારવણો માવા જેસા નામના બે જુવાન ખારવાઓની જળસમાધિ ગાય છે: માવા, ગાયું ચરે ને વાછરું ટળવળે; માવા, જાતાં ચરે લીલો ઝીંઝવો; માવા, વળતાં ચરે નાગરવેલ્ય રે; માવો ને જેસો નહિ મળે.
માવા, ચોરે કસુંબા ઘોળાવિયા; માવા, ભાયબંધને પ્યાલા પાતા જાવ રે; માવો ને જેસો નહિ મળે.
માવા, સૂડી સોપારી બેવડ વાંકડી; માવા, કચેરીમાં કટકા દેતા જાવ રે; માવો ને જેસો નહિ મળે.
માવા, પોટલિયામાં પાણી લેજો પોંચતાં; માવા, ભાતાં લેજો ભરપૂર રે; માવો ને જેસો નહિ મળે.
માવા, લેજો ખેલણ રૂડા ઘોડલા; માવા, લેજો લોડણ ઘેલી સાંઢ્ય રે; માવો ને જેસો નહિ મળે.
પછી માવો ને જેસો બન્ને નાવિકો ક્યાં ગયા? વહાણે ચડ્યા? ગાનારી બહેનો એ ભાગ નથી ગાતી, પણ મારી કને વહેલાંનું એક ગીત આવ્યું છે (તે પણ ખંડિત હતું) તે અને આ બન્નેની કડીઓ મેળવતાં આખી કથા સંકળાય છે:
માવા, હોડ કરીને બા'ર નીસર્યા; માવા, ચાલ્ય છે નકળંક ગામ રે; માવો ને જેસો નહિ મળે. બન્ને ભાઈબંધો દરિયામાં નકળંક મહાદેવનું થાનક છે, તેને મેળે જવા નીકળ્યા. હોડ બાંધી બેઉએ, કે આ વેળા તો ભાઈ, નકળંક મહાદેવનાં નારિયેળ ને સોપારી આપણે લઈ લેવાં છે: માવા, નકળંક જઈને વિચાર કર્યો; માવા, લેવું છે લીલું નારિયેળ રે; માવો ને જેસો નહિ મળે. નકળંક મહાદેવનો વાર્ષિક મેળો ભરાય છે. મહાદેવનું લિંગ સમુદ્રની અંદર છે. હોડ એવી રીતની રમાય છે કે ભરતીનાં પાણી જ્યારે મહાદેવના થાનક ઉપર ફરી વળ્યાં હોય છે તે વેળા ત્યાં જઈને મહાદેવની પાસે પડેલ શ્રીફળ-સોપારી જે હાથ કરી આવે તે સાચો મર્દ. આ મર્દાઈની સરતમાં માવો ને જેસો બેઉ ઊતર્યા: માવા, વેળિયું કાઢીને બેનને આપિયું; બેનને નયણે વછૂટ્યાં છે નીર રે; માવો ને જેસો નહિ મળે.
માવા, વિચાર કરી બોકાનાં ભીડિયાં; પડિયા રતનાગર સાગર મોજાર રે; માવો ને જેસો નહિ મળે. કદાચ ડૂબીય જવાય એ ધારણાથી પોતાના કાનનું ઘરેણું વેળિયું કાઢીને માવાએ ત્યાં ઊભેલી બહેનને આપ્યું. બેહેનની આંખમાં આંસુ આવ્યાં. માવો ને જેસો નકળંકને થાનકે પહોંચ્યા. સોપારી શ્રીફળ હાથ કર્યાં. ત્યાં તો - માવા, પાણી સમદરનું વળી ગિયું; માવા, લેવાણા લોઢુની માંય રે; માવો ને જેસો નહિ મળે. ઓટ આવી જવાથી સમુદ્રનાં જળ પાછાં વળી ગયાં તેના જોશમાં સપડાઈને એ સાહસિકો ઘસડાઈ ગયા:
વીરની બેન્યું તે વાટું જોઈ રહી, ક્યારે આવે માડીજાયો વીર રે; માવો ને જેસો નહિ મળે.
માવા, દીવિયું કરીને દરિયા જોઈ વળ્યા; માવા, જોયા રતનાગર લોઢ રે; માવો ને જેસો નહિ મળે. રાત પડી ગઈ. અંધકારમાં મશાલો પેટાવીને દરિયો તપાસ્યો પણ માવો ને જેસો હાથ ન આવ્યા. પછી તો - માવા, તારી માએ લીધાં જંતર તૂંબડાં; માવા, તારી બેને લીધો ભગવો ભેખ રે; માવો ને જેસો નહિ મળે. આમ વાતાવરણમાં કરુણતા વધુ ને વધુ ઘૂંટાતી જ ગઈ. પીઠ ફેરવીને બેઠેલી એ સ્ત્રીઓનાં મોં પર ભાવ નહોતા કળાતા. પણ સૂનકાર પથરાયો હતો. ગીતના ઉદ્ગારો પણ સ્વયમેવ શોકાકુલ નીકળતા હતા (ભલે એમાં વૈવિધ્ય નહોતું) અને શિષ્ટ કે દુષ્ટ એવા કોઈ પણ બનાવટી ભેદની રેખા વિનાનો શુદ્ધ સંસ્કાર આ બહેનોના કંઠમાંથી ટપકતો હતો: સાયબા, દેશ આવોની! ઘણાં થૈ ગિયાં રે! તારા ચોકમાં ઢળાવું બાજઠિયાં રે, તારાં ચોળીને નવરાવું શરીર; કાગળ લખો પ્યારીના રે!
મારે નૈ રે પાંખું ઊડી કેમ આવું રે, તારાં ભૂલાં રે પડી ગ્યાં ભવન; કાગળ લખો પ્યારીના રે! કોઈ ત્રુટેલ નાવનાં વેરણછેરણ પાટિયાં જેવાં ખંડિત આવાં ગીતો ખંડિત છતાં પણ ગાનારીઓની અંતરતમ ઊર્મિઓની ઊંચી કક્ષા સૂચવતાં હતાં. અને પછી તો - તારી સીસીમાં ભરિયલ તેલ, તેલ સિયા કામનાં રે! તેલનો નાખનારો પરદેશ, તેલ સિયા કામનાં રે. તારી સીસીમાં ભરિયલ અંતર, અંતર નથી કામનાં રે; અંતરનો છાંટનારો પરદેશ, અંતર નથી કામનાં રે! તારી છાબમાં ભરિયેલ ફૂલ રે, સેજડિયેં સુકાઈ ગિયાં રે! સેજનો પોઢનારો પરદેશ, સેજલડી સૂની પડી રે. મારી લાલ રે પાડોશણ બાઈ; તમને કાંઈ કી ગિયાં રે? મારે કાગળ નાવેલા કોય, હરિવરના હાથના રે. સખી, નાખી રે દીધાં રે નિરાધાર રે, પિયુડે અમને પરહર્યાં રે; આવ્યાં પીંપેર નવેલાં પાંદ, નગણગારો નાવિયો રે. મારી સગી રે નણંદડીના વીર રે, ઓરડીએ છઈં એકલાં રે; એવી જમરા અંધારી રાત, નીંદર ના'વે એકલાં રે. મારા હાથનો કરી લ્યું કાગળીયો, આંગળની લેખણ કરું રે; આરાં આંસુડાંની કરી લિયું શાઈ, લખીને કાગળ મોકલું રે. સખી, નાયા રે ધોયા વન્યા નારી રે, અંબોડો નવ વાળીએં રે; એવિયું લાંઘણ્યું પડે નવ લાખ, માણસ કીંમ મેલીએં રે. સખી, પાકી રે આંબા કેરી સાખ રે, ઉપર સૂડા આટકે રે; એવી સવ રે ઘોળે આંબા સાખ, અમે તો ઘોળીએં વખડાં રે. જીના પિયુડા વસે પરદેશ રે, નવીન ચીજ નવ ચાખીએં રેં; ઈનાં નેણલાંમાં વરસે નીર, કાજળ નવ સારીએં રે. સખી, સરવે માણસ સાથે પ્રીત્યું રે, પાળે તો લઈ પાળીએં રે; એવાં નૂગરાં માણસ સાથે નેહ, ટાળે તો લઈ ટાળી દઈએં રે. એ લાંબુ ગીત પૂરું કરીને જ્યારે બાઈઓ સન્મુખ થઈ, ત્યારે તેઓની આંખો ભીની હતી, તેઓનાં મોં ઉપર દરિયાનાં મોજાં પરી વળ્યાં હોય એવી ઝાંખપ હતી. ગીતો શોધવાની ઊલટમાં બીજું બધું ભાન ગુમાવીને મેં તો નવી ઉઘરાણી કરવા માંડી. મને એ બહેનોએ જવાબ દીધો: "ભાઈ, અમે આ ગીતો મહા મુશ્કેલીથી ગાઈએ છીએ." "કેમ!" "અમુંથી ગાઈ શકાતાં નથી. આ અમે સાત જણીયું બેઠી છંઈ તેમાંથી કોઈનો બાપ, કોઈનો બેટો, કોઈનો ધણી અને કોઈના ઘરમાંથી એક સામટા છ-સાત જણ દરિયે ડૂબીને મૂઆ છે; એ બધાની વેદના અમને આ ગીતો ગાતાં ગાતાં તાજી થાય છે. અમારાં ગળાં રૂંધાઈ રહેલ છે, ભાઈ! આ તો તમે ગીતો માંડી લેવા આવેલ છો એટલે અમારે હૈડાં કઠણ કરી કરીને ગાવાં પડે છે, પણ અમે અંદરથી વલોવાઈ રહ્યાં છીએ." આ શબ્દોએ મને શરમિંદો કરી મૂક્યો. શ્રી રામનારાયણ વિ. પાઠકનું એક વાક્ય મને સાંભરી આવ્યું. અમદાવાદમાં એક વાર મારા લોકગીતોના સંગ્રહકાર્ય સારુ એમણે પોતાના ચોગાનમાં ઠાકરડા કોમની બહેનોને નોતરી હતી. એ બહેનો પોતાના કોઈ ઉત્સવ કે તહેવારની સ્વયંસ્ફુરણાથી નહિ પણ એક-બે સાહિત્યિકોને સંભળાવવાની સભાન મહેનતથી ગીતો સંભારીને ગાતી હતી. "કોઈ સ્ત્રીની કનેથી આમ ગીતો કઢાવવાં!" પાઠકભાઈએ કહ્યું: "ઈઝ ઈટ નૉટ સમથિંગ લાઈક ડ્રૉઈંગ હર નેકેડ?" એ વાક્ય મારી છાતીએ ચોંટી ગયું છે: કલાકાર કુદરતી માનવ-સૌંદર્યને ચીતરવા માટે પોતાની સામે કોઈ જીવતી સ્ત્રીને નગ્નાવસ્થામાં ઊભી રાખે, એના જેવું જ શું હું નહોતો કરી રહ્યો? મારે જોઈતાં હતાં ગીતો: મારે આલેખવી હતી શબ્દ-છબી: તે સારુ. મારી કલાસિદ્ધિને સારુ, આ નાવિક-પત્નીઓનાં હૈયાંઓને હું ખુલ્લાં કરી રહ્યો હતો! તેઓનાં એ આંસુમાં મારાં પણ બે આંસુ મિલાવીને મેં નવાં બે-ત્રણ ગીતો કઢાવવાનો હક રજૂ કર્યો: વિરહની વેદનાનું, પણ હળવું હળવું નૃત્યગીત ચાલ્યું: કે દારૂડો ને પીધા હોય તો મનો માણારાજ! કાલ્ય અતારે ઉતારા ને કરતાં માણારાજ! આજ અતારે ઓટા ઓસરી સૂની મારી રાધાનાર! ઓહો ગોરી! મરઘાનેણી! દારૂડો ને પીધા હોય તો માનો માણારાજ!
કાલ્ય અતારે દાતણિયા ને કરતાં માણારાજ! આજ અતારે કણેરી કાંબ સૂની મોરી રાધાનાર! ઓહો ગોરી! મરઘાનેણી! - દારૂડો૦ કાલ્ય અતારે અંઘોળ્યું ને કરતાં માણા રાજ! આજ અતારે ત્રાંબાકૂંડિયું સૂની મોરી રાધાનાર! ઓહો ગોરી! મરઘાનેણી! - દારૂડો૦ એ રીતે ભોજનિયાં, મુખવાસિયાં ને પોઢણિયાં ગવાયાં. ગઈ કાલ્યનું મિલનમુખ અને આજની શૂન્યતા, બન્ને લાગણીઓ ઘૂંટાતી હતી. દારૂએ વાળેલ નખોદના સૂર પણ નીકળતા હતા: ૧૫ અરધાનો સીસો આણ્યો છે, ને મધરો દારૂ મારો છે. ઈ ને લાણે લાણે પાયો છે ને મધરો દારૂ મારો છે. મારા પગ કેરી કાંબિયું છે. - ને મધરો૦ ઈ દારૂડામાં ડૂલિયું છે. - ને મધરો૦ મારી કેડ્ય કેરો ઘાઘરો છે. - ને મધરો૦ ઈ દારૂડામાં ડૂલ્યો છે. - ને મધરો૦ એમ દારૂ પાછળ આખા અંગ ઉપરનાં ઘરાણાં-લૂગડાં ફના થયાનું ગાયું, અને થોડા વર્ષો પર એક રાત્રિએ માલણ નદીના જળપ્રલયમાં મહુવાની હોનારત થઈ હતી તેની પણ નવી રચના સંભળાવી: ૧૬ એવી વે'તી ગોઝારણ આવી રે, નીંદરા શીની આવે! આવી ભાદ્રોડને ઝાંપે ભરાણી રે. નીંદરા શીની આવે! ઓલ્યા ભાટિયાનાં બકાલાં તણાણાં રે. - નીંદરા૦ ઓલ્યા ધોતા ધોબીડા તણાણાં રે. - નીંદરા૦ ઈનાં છોકરાં ચીસું નાખે રે. - નીંદરા૦ આવી ખારને દરવાજે ભરાણી રે. - નીંદરા૦ ઓલ્યા [૧]ભુલાભાઈનો ઘાણો તણાણો રે. - નીંદરા૦ ઈના ડબા તળાવમાં બૂડ્યા રે. - નીંદરા૦ ઓલ્યા [૨]ખરકનાં ખોરડાં તણાણાં રે. - નીંદરા૦ એનાં છોકરાં હાયું નાખે રે. - નીંદરા૦ આવી કતપરને ખાળે ભરાણી રે. - નીંદરા૦ ઓલ્યા [૩]ગુલાભાઈનાં વાણો તણાણાં રે. - નીંદરા૦ ઈનો માલ તે [૪]વામી નાખ્યો રે. - નીંદરા૦ ઈનો માલ તે [૫]સોંથે લાગ્યો રે. - નીંદરા૦ મકાન ચણાવનાર ઘરધણીએ ભલાઈ કરીને આ બહેનોને મારા ગીત-સંઘરા સારુ રાતપાળી રોકી લીધી હતી. પણ એનો અર્થ એ થયો કે તેઓ રાતભર પેટ્રોમેક્સને અજવાળે ગળાં ખેંચીને પછી વળતો આખો દહાડો ત્યાં ને ત્યાં મજૂરી કરે, ને સાંજરે કુલ ૩૬ કલાકે પાછી ઘર ભેળી થાય. ‘ઈઝ ઈટ નૉટ લાઈક ડ્રૉઈંગ હર નેકેડ?' - એ શ્રી પાઠકનો ઉદ્ગાર મારા મનને આઘાત કરતો હતો. "ના, ના, ના." મારાથી ન રહેવાયું: "તમારાં બાળકોથી મારે તમને વિછોડી નથી રાખવાં." "પણ ભાઈ," એ બહેનો બોલી ઊઠી: "અમમાંથી કોઈને નાનું ધાવણું છોકરું છે જ નહિ, ને અમે તો આમ ઘણી વાર રાતપાળી કામે રોકાઈએ છીએ. તમ ફકર કરો મા." એક જણી દોડીને બીજા કારખાનાની બાઈઓ સાથે સાતેયને ઘેર સંદેશો મોકલી આવી. પોતાની ઝંખનાઓનો ઝીલનાર એક માનવી સામે બેઠો છે, અને આજ પહેલી જ વાર પોતાનાં અસ્પૃશ્ય ગીતો એક ભણેલા મુસાફરની ધોળી ધોળી નોટ-બુકમાં આસન પામી રહેલ છે, એ કૌતુક, એ માન, એ મહત્તા આ સાત બાઈઓના પ્રાણમાં કોઈ અપૂર્વતાની લાગણી રોપી રહી હતી - ને તેઓએ છેલ્લું ગાયું આખા દિવસની આહ ઉપર શાંતિના શીતળ લેપ કરતું એક ધીરગંભીર માતૃબોલ સરખું ભજન: દોરંગાં સાથે નવ બેસનાં એ જી! એ જી! પત્ય પોતાની જાય રે મન...લો! - દોરંગાં૦
કૂડાં રે કપટી ને લોભી લાલચુ રે જી! એ જી! પારકે દુઃખે ન દુભાય રે મન...લો! - દોરંગાં૦
ઘડીક રંગ ચડે ઘડીક ઊતરે એ જી! એ જી! ઘડીક વેરાગી બની જાય રે મન...લો! - દોરંગાં૦
ઘડીક ગરુ ને ઘડીક ચેલકા રે જી! એ જી! ઘડીક પીર થૈ પૂંજાય રે મન...લો! - દોરંગાં૦
મીણાંબાઈ ભજે રે ગિરધરલાલને જી! એ જી! દેજો સાધુચરણે વાસ રે મન...લો! - દોરંગા સાથે નવ બેસનાં રે જી! કતપરની ખાડીના કાદવમાંથી આવાં સુવાસિત પુષ્પો જડવાની આશા રાખી નહોતી. ‘મન...લો! દોરંગા સાથે નવ બેસનાં રે જી!' એ શબ્દો દોરંગાઈના તાજેતરના અનુભવી હૈયાફૂટાને કાને માતાના મૂક બોલ જેવા મીઠપભર્યા છંટાતા હતા. પરંતુ રાત્રિના દસ બજ્યાની એ વિદાય-ઘડીમાં એક વેદનાનું ટીપું પડી ગયું. ગાનારી બાઈઓ પરસ્પર ઝીણી પૂછપરછ કરવા લાગી. એ વાતો પોતાનાં ઘેર રહેલાં બાળકો વિષેની હતી: "તેં બરાબર કહેવરાવ્યું છે ને મારી માને, કે છોકરાંને રાતમાં સરખું ઓઢાડે?"
મેં પૂછ્યું: "તમે તો કહેતી હતી ને, બાઈઓ, કે તમારે છોકરાં નથી!"
"પણ ભાઈ, આ તો મોટાં છોકરાં છે, ને એને સાચવનાર અમારી મા, સાસુ, સંધાય છે ઘેરે." આ ખુલાસો મન પર પડેલા ઓછાયાને દૂર ન કરી શક્યો. વાળુ કરવા ગયા પછી મારાથી પાછા ન વળાયું. થાકેલું મન ધર્મશાળાની પથારી પર અંધારે પડ્યું પડ્યું ડાહ્યા મિત્રનો એ જ મુખોચ્ચાર સંભારતું હતું: ‘ઈઝ ઈટ નૉટ લાઈક ડ્રૉઈંગ હર નેકેડ?' એ ગાનારીઓનાં હૃદય ત્યાં દોડી રહ્યાં છે - કતપર ગામના કૂબામાં, ઉઘાડાં ને અધભૂખ્યાં સૂતેલ બાળકોની પાસે; ને હું એનાં જીવનની રેખાઓ દોરવા માટે એનાં કલેજાં પરનાં વિસ્મૃતિ-ઢાંકણો ખેંચી ખેંચી નગ્ન વેદના-દેહ નિહાળતો હતો! રાતના સાડા ત્રણ વાગ્યે જ્યારે સ્ટેશન પર જતો હતો ત્યારે નવી ચણાયેલ એ દુકાનોમાં પેટ્રોમેક્સ બળતી હતી: સાથીએ કહ્યું: "ભાઈ, ગાનારીઓ આંહીં સૂતી હશે - ફાટલ-તૂટલ ગૂણપાટમાં ટૂંટિયાં વાળીને." અંતર્યામીએ ઉમેર્યું: ‘ - ને એ સાતેય કલેવરોનાં અંતઃકરણો દોડી રહ્યાં હશે અત્યારે કૂબાઓની અંદર: ઉઘાડાં છૈયાંને ઢાંકવા સારુ.' ૧ વેપારીનું નામ ૨ ખરક જાતના ખેડૂતો ૩ વેપારીનું નામ ૪ વહાણમાંથી કાઢી નાખ્યો ૫ તણાઈને કિનારે નીકળી ગયો