સૌરાષ્ટ્રની રસધાર-4/દેહના ચૂરા
નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં : અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ : એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ થાય છે. અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીનાં પડો નીચે સમાતો, ક્યાંક થોડો બહાર દેખાતો, ને ક્યાંક આકાશની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો એ ડુંગરો લોંચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો, રાજુલાનો ડુંગર, સોમનાથનો ડુંગર, કાતરધાર અને ધુંવાસનો ડુંગર, એવાં એવાં નામ ધારણ કરતો ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે. ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીંટળાઈ વળે છે. એ આખીય શિખરમાળાએ મોટાં ફળ-ઝાડ કે બહોળી નદીઓનાં નીર નિપજાવ્યાં નથી. માત્ર બાવળ અને કેરડાની ઝાડીમાં થોડો ગુંદર ને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે. છતાં એણે જોગીદાસ બહારવટિયાને ઓથ દીધી છે અને ચારણો, આહીરોની ગાયો-ભેંસોને અખૂટ ઘાસનું અક્ષયપાત્ર દીધું છે. એ આખી ડુંગરમાળનો સાણા નામે ઓળખાતો છેલ્લો ડુંગર આશરે એંસી વીઘાની જમીન પર પલોંઠી વાળીને બેઠો છે. આખોય ડુંગર ‘પોલો’ કહેવાય છે, કેમ કે એની અંદર અનેક ભોંયરાં છે. અંધારા, સાંકડાં, હિંસક પ્રાણીઓને છુપાવવાનાં ભોંયરાં નહિ, પણ સરખેસરખા કંડારેલા ઓરડાઓ, જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈ જઈને ઉતારા કરે છે. એક પણ ગુફા અણસરખી કે અણઘડ રીતે કોરેલી નથી. તમામને કોઈ પ્રવીણ કારીગરે શોભીતા, પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે. ફક્ત બારણાં જ ચડાવવાં બાકી હોય એવાં સરખાં તો પથ્થરનાં બારસાખ છે. ત્રણ–ત્રણ ઓરડે અક્કેક મીઠા પાણીનું ટાંકું છે. એ ટાંકાં કેટલાં ઊંડાં છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી. ગુફાએ ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે. એ બધુંયે પથ્થરોમાંથી કંડારી લીધેલું છે. કહે છે કે આંહીં પાંડવો વસતા. સાચેસાચ તો એ પુરાતન બૌદ્ધ સાધુનો વિહાર છે. પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી. આપણે તો દોઢસો-બસો વરસ પૂર્વેની એક પ્રેમકથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભારીએ છીએ. આપણને નથી માલૂમ કે અક્ષર ન લખી જાણનારી એ કોટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીંતો ઉપર એકાંતે બેઠાં બેઠાં પોતાના પ્રેમીજન રાણા રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલાઘેલા લીટા કર્યા હશે! ચભાડ આહીરની એ જુવાન દીકરી કુંવર એક દિવસ મોટે પરોડિયે ભરનીંદરમાંથી જાગીને કાન માંડી સાંભળી રહી છે. ધુંવાસના ડુંગર ઉપરથી ટાઢે પહોરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે. ગીતનાં વેણ તો હો....હે....હૂ...હે.... સિવાય બીજાં કોઈ સમજાતાં નથી, પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઊઠે છે. એકાંતે વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સૂરો કાઢી અડખે-પડખેની ચારેય દિશાના સીમાડાને ભીંજાવી નાખે છે. એક માનવી ગાય, અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય, એવી સરજુઓ ગવાય છે. ચાંદરડાં હજુ આથમ્યાં નથી. નવરંગી ઝગારા કરતાં નક્ષત્રો પણ નૃત્ય કરતાં કરતાં ધરતીની સરજુ સાંભળે છે. સાંભળતી સાંભળતી આહીર-કન્યા કુંવર કાગાનીંદરમાં ઢળે છે. ઊઠવાનું મન થાય છે, પણ ઉઠાતું નથી. સરજુના સૂર હવામાં તરે એવાં હળવાં છતાં કુંવરનાં પોપચાં ઉપર ચડીને સીસા જેવા વજનદાર લાગે છે. આંખડીઓ ઊઘડી ઊઘડીને ઘેરાય છે. આભમાંથી બે તારલા તૂટીને નીચે પડ્યા હોય એવી આંખો દીસે છે. પ્રભાતે ટાંકાને કાંઠે પાણી ભરતી પનિયારીઓની વચ્ચે વાતો થતી હતી, તે કુંવર મૂંગી મૂંગી સાંભળે છે : “આટલું બધું વહેલું ઈ કોણ આરડે છે?” “ઓલ્યો વાંગરનો રબારડો રાણો : આંહીં ધુંવાસને ડુંગરે ભેંસું લઈને આવ્યો છે.” “અધરાતુંનો ઊંઘવા જ દેતો નથી.” “અને દીએ જોયો હોય તોય બી મરીએ એવો છે. વરોળ ભેંસ માથે બેસીને નીકળે છે ત્યારે બરાબર જમરાજા જોઈ લ્યો!” સરજુઓ સાંભળવાનું તો કુંવરને વ્યસન વળગ્યું. રોજ ભાંગતી રાતે એની નીંદર ઊડી જાય છે. અને ધુંવાસના શિખર ઉપર લાકડીનો ટેકો લઈને છત્રપતિ જેવો ઊભેલો એક શ્યામવરણો જુવાન રબારી હીરે મઢેલા આભ સામે નજર રાખી ફુલાવેલી છાતીએ માતાનાં અકળ અગમ ભજનો ગાતો હોય, એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય છે. સરજુના સૂર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે. પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સૂરથી બંધાઈ. પછી એક દિવસ કુંવરે એ સરજુ ગાનાર રબારીને નજરોનજર જોયો. પોતાના ભાઈ‑બાપ પણ ખાડું ઘોળીને સાણાના ડુંગરમાં ધુંવાસ તરફ ચારવા ગયા. ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો થયો. સહુની ભેંસો ભેળી થઈને ચરે છે. માંદણાં ખૂંદે છે, મૂંગી મૂંગી જાણે રાણા-કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે. નાનાં ઝાડવાંની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ-બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે. રાણો રબારી પણ પોતાની ફાંટેથી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે. ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો, પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ. રબારીના મોંની કાળપ એના ગળાના ગાનની મીઠપમાં બૂડી ગઈ. કાળો મેહુલો, કાળી કોયલ, ધોળાં અમૃત દેનાર કાળી ભેંસો, કાળો વાસુકિ નાગ, કાળો ભમરો એવી એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ. એમાં શ્યામસુંદર રબારી રાણો પણ મળી ગયો. કુંવરને જોઈ ત્યારથી રોજરોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાનાં ખાડુંને મોખરે ચાલ્યો આવે છે. અને રોજ ભાત આવવાનો વખત થતાં તો ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે. આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને, એટલી નજર કરીને દુહા રેલાવ્યે જાય છે :
રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં,
આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં.
[આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.]
કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય,
(એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય.
[કાળી નાગણી જેવું એનું રૂપ-ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહિ, એને વશ થઈ જાય, એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે.]
બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે,
હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી.
[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.]
બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા,
ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને.
[આગ ઊઠજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવાં જીંથરકાં (નાના) હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ! કેવો રૂપાળો ચોટલો કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે!]
બાળે બીજાંની આંખ્ય, ચૂંચિયું ને બૂચિયું,
મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની.
બાળે બીજાનાં ઉર, હાલે ને હચમચે,
છાતી ચાકમચૂર, હોય કોટાળી કુંવરની.
[બળજો બીજી સ્ત્રીઓનાં સ્તન કે જે ઢીલાંપોચાં પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે.] એવી કુંવરની કાયાનાં રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશિષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઊતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે. એ માયામમતા બાંધતાં બાંધતાં અબુધ પ્રેમીઓને એટલું પણ ભાન ન રહ્યું કે બન્નેની જાતો જુદી છે : એક રબારી, ને બીજી છે ચભાડ આહીરની દીકરી : મીટેમીટ મિલાવી બેય જણાંએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં જ છેદાઈ ગયા. રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે-લૂગડે સજ્જ થઈને ભાત દેવા આવે છે. પોતાને રીઝવવા માટે જ જાણે કેમ કુંવરે અંગ શણગાર્યું હોય એવી ભ્રાંતિમાં પડેલ રાણાએ તે દિવસ ત્રણ રોટલા ચડાવ્યા, તોય જાણે ભૂખ રહી ગઈ. ઝરણાને કાંઠે જઈને કુંવર તાંસળીઓ ઊટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો. પાણીનો ખોબો ભરતાં ભરતાં રાણાએ પૂછ્યું : “આજ જનમગાંઠ લાગે છે, કુંવર!” નીચાં નેણ ઢાળીને કુંવરે કહી દીધું કે “હવેથી મને બોલાવીશ મા, રાણા! કાંઈક રીત રાખતો જા.” “કાં?” “મારું સગપણ થયું છે.” એમ કહીને એણે અરધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું. “ઠીક, જીતવા!” એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. બેય જણાં એકબીજાનો પડછાયો પણ લોપતાં નથી. થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો!
રાણા, રાતે ફૂલડે, ખાખર નીંઘલિયાં,
સાજણ ઘેરે સામટે, આણાત ઊઘલિયાં.
[જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ રૂડાં કેશૂડાંને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યાં? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે.] ભલે જાય! ભલે જાય! ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય! એ પરાઈ બને તોય શું? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય — આપણે ઘેર કે બીજાને ઘેર — એને ઈશ્વર સુખી જ કરજો!
બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ,
કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં સેણ.
[અરેરે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય; તોય એને કાળો નાગ કરડજો.] પણ —
થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ,
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.
[ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર-નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું.] અને વળી —
કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ,
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં સેણ.
પણ —
હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ,
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.
હસતાં મોંવાળી, હેતભરી અને અમૃત-ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય, તો પણ એને કદી કાંટોય ન વાગજો!