વિનોદ જોશીનાં કાવ્યો
કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
અખશરનાં અજવાળાં ઉપડાવજો;
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
લેખી જોખીને વળતર વાળજો;
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
પીળી પાંદડિયે અભરક ટાંકજો;
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
પરથમ પૂજ્યાની લાજું રાખજો.
સખી ! હું સોળ વરસની થઈ...
પોઢણ દીધાં મલમલનાં
ને નીંદર દીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;
અમથાં પીધાં ઝળઝળિયાં
ને નજરું પીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;
વાવડ લીધા પડખામાં
ને અટકળ લીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ...
સખી! મારો સાયબો...
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.
એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.
એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.
ને સાયબો આવ્યો નંઈ!
દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
સળિયું ભાંગીને રાત કાઢી,
ને સાયબો આવ્યો નંઈ!
સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
અને તોરણ બાંધું તો એને ટોડલા,
કાજળ આંજું તો થાય અંધારાંઘોર
અને વેણી ગૂંથું તો પડે ફોડલા;
દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
પાંપણ લૂછીને રાત કાઢી
ને સાયબો આવ્યો નંઈ!
ઓશીકે ઊતરીને આળોટી જાય
મારાં સૂનાં પારેવડાંની જોડલી,
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
તરે ઓશિયાળા આંસુની હોડલી;
દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
પાંગત છોડીને રાત કાઢી,
ને સાયબો આવ્યો નંઈ!