વિનોદ જોશીનાં કાવ્યો

From Ekatra Wiki
Revision as of 12:46, 11 March 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
3 Vinod Joshi Kavya Title.jpg


વિનોદ જોશીનાં કાવ્યો

સંપાદક: ઉત્પલ પટેલ




કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના

વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
                  કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
                  વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
                  અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
                  અખશરનાં અજવાળાં ઉપડાવજો;

પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
                  ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
                  લેખી જોખીને વળતર વાળજો;

એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
                  પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
                  પીળી પાંદડિયે અભરક ટાંકજો;

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
                  અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
                  પરથમ પૂજ્યાની લાજું રાખજો.

સખી ! હું સોળ વરસની થઈ...

પોઢણ દીધાં મલમલનાં
         ને નીંદર દીધી નંઈ,
                  સખી! હું સોળ વરસની થઈ...

કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર,
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨;

અમથાં પીધાં ઝળઝળિયાં
         ને નજરું પીધી નંઈ,
                  સખી! હું સોળ વરસની થઈ...

શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ,
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ;

વાવડ લીધા પડખામાં
         ને અટકળ લીધી નંઈ,
                  સખી! હું સોળ વરસની થઈ...

સખી! મારો સાયબો...

સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
         હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં.

એક તો માઝમ રાતની રજાઈ
         ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
         પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
         હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં.

એમ તો સરોવરમાં બોળી ચાંચ
         ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
         એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
         હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં.

ને સાયબો આવ્યો નંઈ!

દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
         સળિયું ભાંગીને રાત કાઢી,
                  ને સાયબો આવ્યો નંઈ!

સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
         અને તોરણ બાંધું તો એને ટોડલા,
કાજળ આંજું તો થાય અંધારાંઘોર
         અને વેણી ગૂંથું તો પડે ફોડલા;

દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
         પાંપણ લૂછીને રાત કાઢી
                  ને સાયબો આવ્યો નંઈ!

ઓશીકે ઊતરીને આળોટી જાય
         મારાં સૂનાં પારેવડાંની જોડલી,
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
         તરે ઓશિયાળા આંસુની હોડલી;

દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
         પાંગત છોડીને રાત કાઢી,
                  ને સાયબો આવ્યો નંઈ!

તું જરાક જો તો, અલી!

તું જરાક જો તો, અલી!
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી

ઘસઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;

હું હવા વગર હલબલી!

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;

હું મટી ગઈ મખમલી!

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;

હું તળિયામાં છલછલી!

આ રીતે મળવાનું નંઈ!

જો, આ રીતે મળવાનું નંઈ!
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
                  આ રીતે ભળવાનું નંઈ!

પાંદડી ગણીને તને અડક્યો, ને
         મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
         એક એક રૂંવાડે પાડે તું ધાડ;

છીંડું તો હોય, તેની ઊભી બજારેથી
          આ રીતે વળવાનું નંઈ!

એમ કાંઈ એવું કહેવાય નહીં,
કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
જેમ કે અનેક વાર તારામાં
ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;

જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને
                  આ રીતે દળવાનું નંઈ!

પરપોટો ઊંચકીને

         પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ,
                   હવે દરિયો લાવું તો કેમ લાવું?

વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં
         ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડ્યમાં
         તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો;

વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
         હવે અમથી આવું તો કેમ આવું?

નખની નમણાશ મારી એવી કે
         પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય
         પછી એનાંથી હું જ ઓલવાતી;

ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
         હવે સૂરજ વાવું તો કેમ વાવું?

કૂંચી આપો, બાઈજી!

કૂંચી આપો બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી?

કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી?

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી?

ખડકી ઉઘાડી હું તો

         ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
         મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
         આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
         લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
         સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
         દઈ પડછાયે ટેકો સૂનકારમાં..

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
         નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
         સાવ નોંધારી થઈને ભણકારમાં...

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
         રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
         હવે અમથી ઊભી’તી એંકારમાં
         હજી અડધે ઊભી’તી એંકારમાં...
         મુંને ઉંબર લઈ ચાલ્યો...

ઝાલર વાગે જૂઠડી

         ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી.
         ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.

         આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
         હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.

         નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
         આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.

         ધીમે ધમે રે નખ ઑગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
         ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.

એણે કાંટો કાઢીને

એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
         હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...

પછી ઢોલિયે જરાક પડી આડી તો
         અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
         ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
         મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
         હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
         પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
         કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ...

થાંભલીનો ટેકો

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે..

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા;
કાળજડું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે.

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી;
ઊગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે.

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી;
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે.

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ,
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?

ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં,
પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા?

છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

હો...પિયુજી!

વાંકી રે કેડી ને વાંકી મોજડી
વાંકી રે પગલાંની આ વણઝાર, હો...પિયુજી!

અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે,
સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે;

કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા
કાંઠે રે એકલડી હું ભેંકાર, હો...પિયુજી!
વાંકી રે કેડી ને...

બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે,
અણસમજુ આંગળિયે આવે અવાવરું પરપોટા રે;

સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં
સૂનાં રે કાંઈ જીત્યાના ભણકાર, હો...પિયુજી!
વાંકી રે કેડી ને...

અટકળનાં ઝળઝળિયાં ઝીલી ભર્યા નજરના કૂપા રે,
ઘરવખરીમાં પડતર પીંછું પવન કદરૂપા રે;

ઊંચા રે અવસર ને ઊંચા ઓરતા
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી!
વાંકી રે કેડી ને...

પ્રોષિતભર્તૃકા

આછાં આછાં રે તળાવ,
રે એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ...

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ...

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...

કારેલું... કારેલું

કારેલું... કારેલું... મોતીડે વઘારેલું
સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...

આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું;

વારેલું વારેલું...હૈયું છેવટ હારેલું,
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...

સૈયર સોનાવાટકીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;

સારેલું...સારેલું...આંસુ મેં શણગારેલું,
કારેલું..કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...

આંધણ ઓરું અવળાંસવળાં બળતણમાં ઝળઝળિયાં,
અડખેપડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;

ભારેલું... ભારેલું... ભીતરમાં ભંડારેલું,
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું,
સૈયર મોરી મેં ભોળીએ...

તો અમે આવીએ

આપી આપીને તમે પીછું આપો,
સજન! પાંખો આપો તો અમે આવીએ...

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
          ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
          અમે ઉંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો,
સજન! નાતો આપો તો અમે આવીએ...

કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
          અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
          અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો,
સજન! આંખો આપો તો અમે આવીએ...

કાચી સોપારીનો કટ્ટકો

એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે...તમે લાવજો રે...મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો...

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
          કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી કે બાવરી
          લિખિતંગ કોનાં છે નામ?

એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે...તમે ઝીલજો રે...એનાં મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો...

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
          નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
          આંગણમાં રોપાતી કેળ!

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન
એક કાચી સોપારીનો...

સૂડી વચ્ચે સોપારી

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
         કબણી દે ધતૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને...

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
         પાલવમાં ઢબૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને..
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
         ચડ્યો રે ડટૂરો.
         સૂડી વચ્ચે સોપારી ને...

વચળી ફળીમાં

વચલી ફળીમાં એક ખોરડું જી રે
પાછલી પછીત બારોબાર માણારાજ...

ઈ રે પછીતે એક જાળિયું રે
જાળિયાની પછવાડે,
હેઈ... જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે
એનઘેનમાં રે! જેમ લીંબુડી ઝૂલે;

જાડી ડાળી ને ઝીણી તીરખી જી રે
કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ...

લીલા તે સાગનો ઢોલિયો રે
ઢોલિયાની પાંગતમાં,
હેઈ... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે
રંગમોરલો રે! રંગ ધોધમાર ચૂવે;

ઊંડો કૂવો ને પાણી છીછરાં જી રે
ધોરિયામાં છલકાતી ધાર માણારાજ....


સાત હાથ સીંચણ

સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો
પાણિયારાં પડ્યાં ખાલી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી
ભાદરવે ભમરાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
આવી આવીને ખરે પાંપણથી ડૂમો
કંમખામાં ઢેલ પાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
પડખે ચડીને એક પરદેશી ઊભો
ઓશિયાળી મુંને ભાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
હાં હાં ગોરી હું તો સુરતનો સૂબો
કેમ જાવા દઉં ઠાલી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
ઊડઊડ અચકન ને અત્તરનો ફાયો
હું નકરી નખરાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
ફોડ્યાં પાતાળ એણે ફોડ્યાં અંધારાં
અંજવાળે ભરી થાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
મોતી વીણીને મને સાગમટે દીધાં
આંખડી એવી ઉલાળી રે
          બેડાં લઈને હું તો હાલી રે...
પાછી વળીને પછી આડબીડ ઊપડી
જાણતલનો હાથ ઝાલી રે
          બેડાં લઈને હું તો હાલી રે...