યજ્ઞેશ દવેનાં કાવ્યો

From Ekatra Wiki
Revision as of 09:59, 15 March 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
5 Yagnesh Dave Kavya Title.jpg


યજ્ઞેશ દવેનાં કાવ્યો

સંપાદક: સંજુ વાળા




માચુ પિચુનાં ખંડેરોમાં

એ ગહન ગંભીર ઉપત્યકાઓમાં
જ્યાં વાદળો સરકે છે પાછલા પ્રહરના સ્વપ્નની જેમ,
જ્યાં એ વાદળોની ધૂસર જવનિકા પાછળ
પૂરો થયો છે એક કરુણ ખેલ
ઉપર ઓગણપચાસ મરુતો
જ્યાં ઝાંયઝાંય કરતા ફૂંકાય છે ઝંઝાના વેગથી
ને
નીચે કશુંક રહ્યું છે
સ્થિર, નિષ્કંપ.
કેડીઓ ને રસ્તાઓ
જ્યાં ઝરણાં બનીને દોડતાં ખોવાઈ જાય છે
ઘનપલ્લવ વનરાજીની ગંભીર છાતીમાં
જ્યાં ઉર્વર ઉદ્ભિજ સૃષ્ટિ હળવા-હળવા હાથથી
રૂઝવે છે ઘવાયેલા પથ્થરોના ઘાવ.
જ્યાં મૃત્યુ કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ
રહ્યું છે તેનો અસબાબ સાચવતું
એ માચુ પિચુનાં ખંડેરોમાં આમ કોણ બેઠું છે
પોતાના જ બે હાથ વચ્ચે માથું ટેકવી
આટલુ બધું એકાકી?
કોનો પડછાયો ભળી જાય છે
હરતી-ફરતી ભૂતાવળોની સાથે?
કોણ ચડે છે ને ઊતરે છે આ, સોપાનશ્રેણીઓ પર?
અલપઝલપ આંખો દેખાડી કોણ છુપાઈ જાય છે
આ શિલાઓ પાછળ?
કોણ આ કર્ણમૂળ સુધી ઝૂકીને
આછા નિઃશ્વાસ સાથે કહી જાય છે કશુંક
સાવ જનાન્તિક?
ક્યાં ગયા એ શ્રમિકોની સુડોળ કાયા પર ચળકતા સૂર્યો?
ક્યાં ગઈ એ રક્તવર્ણી ચળકતી પીઠો?
એ બલિષ્ઠ સ્નાયુઓની સુરેખ ચાપો?
એ કુંતલકેશરાજિમાં ભૂલી પડેલી બે સફેદ કોડી જેવી આંખો?

ધરબાયેલા કંકાલો
ધૂળ ખંખેરી ઊભા થાય ભૂમિમાંથી.
ચાંદની રાતે
નરકંકાલો સાથે નારીકંકાલોની ક્રીડા
અફળાતા અસ્થિઓના બોદા અવાજો, ભયાવહ ચિત્કારો
એક જડબાના પોલાણમાં ફસડાઈ પડેલી બીજા જડબાની ડાબલી.
ક્યાં ગયાં એ કામુક સ્તનો?
એક સ્તનની પરિક્રમા કરતાં-કરતાં જ
થાકીને સૂઈ ગયેલી આંગળીઓ
અગ્નિના બાણ જેવા હોઠો
જંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ.
સુવર્ણનાં કંકણથીય ઉજ્જ્વળ એ કમનીય હાથ,
કાનની બૂટમાં રતાશ બની ફરકી ગયેલો એ કંપ.
નરમ માંસની ઉષ્ણ ઘ્રાણ,
એકમેકની કામનાએ વણેલું એ નગ્નતાનું વસ્ત્ર
એક અસ્થિના પોલાણમાંથી
હૂહૂકાર કરી વિસ્તરતું જાય છે કશુંક
જ્યાં મરે છે બધું જ આ પૃથ્વી પરનું.
જ્યાં કોટાનકોટિ નિહારિકાઓ,
લક્ષલક્ષ નક્ષત્રો, તારાઓ મરે છે કોઈ જ અવાજ વગર.
જ્યાં મરે છે કાળ ધીમેધીમે
કોહવાતાં જતાં પાંદડાંની જેમ.

ઇન્કાના પથ્થરજડ્યા સર્પિલ રસ્તાઓ પરથી પડછાયો સંકોરી
કોઈ ઊતરી ગયું છે હળવે પગલે
એન્ડીઝની પેલી તરફ
પાસિફિકની પેલે પાર.
એક સમયે પૃથ્વીનાં હૂંફાળા ગર્ભાશય સમા આ ટીટીકાકા
સરોવરમાં
કારખાનાનાં ઓકેલાં પાણીથી
ટૂંપાઈ ગયો છે નીલ માછલીનો નરમ ગર્ભ.
પૂર્ણિમાની રાત્રે જળમાં રમવા ઊતરી આવેલ
આખા આકાશને વેતરતી ચાલે છે
સહેલાણી લૉન્ચોની ભખભખતી ચીસ.
કોઈ કાળે પૃથ્વીની નાભિસમ કુઝકો નગરીમાં
ઇન્ડિયનોની રક્તિમ નાભિ નીચે ધીમે ધીમે
ભળતું જાય છે રાખોડી લોહી.
શસ્ય ક્ષેત્રોનાં ધનધાન્યમાં
હવે નથી રહ્યો કોઈ દેવોનો કે રાજાનોય ભાગ
બધો ભાગ –
બધો ભાગ હવે મરણના મુખમાં.
સોનેરી કણસલાંઓની, ભરી ભરી ઊંબીઓની
પવન સાથે કાલીઘેલી વાતો હવે ભૂમિમાં.
સમર્થ નૃપતિઓય ચાલ્યા ગયા છે.
પૃથ્વીની હૂંફાળી શય્યા સેવવા.
ને,
એક જ લાકડીએ હાંકા કઢાયેલ દેવો છે
સાવ નિર્વાસિત – ચૂપ.
મધ્યાહ્નના નિશ્ચેષ્ટ પ્રહરમાં
મૃતનગર પર સૂર્ય પ્રજ્વળે છે
પ્રખર ક્રૂર બાજની જેમ
એક સાદ પાડું ને
હજાર-હજાર પડઘાઓ ગબડી પડે ખીણમાં.

લથડતા સમયને જ્યાં પસાર થતાં
પરસેવો વળે છે એ ખંડેરોમાંથી એક ટૂરિસ્ટ
દોડી જાય છે સડસડાટ
બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજ્ય.
કાળ જેવું વિકરાળ સ્વરૂપ છે
તે સમય તો
પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ
બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં.
રઝળતી ખોપરીઓના પાત્રમાં દારૂ પીને છાકટા થાય છે સ્પેનયાર્ડો.
સો-સો મણ સોનાના ભાર નીચે દબાય છે પેરુ.
છેલ્લો ઇન્કા બેસી પડે સૂર્યનો અસ્ત જોઈને.

પણ કોણ જાણે ક્યાંથી
આ અળવીતરો પવન આવીને પાનું ફેરવી જાય છે
ને
એન્ડીઝનાં તુષારમંડિત શિખરો ૫૨થી
સાંજના વિલાતા જતા પ્રકાશમાં
ફરી-ફરીને પાછો ફરું છું
મારી જ તૂટેલી ખુરશીના ખોળામાં.
સાંજ ઢળી ચૂકી છે
ઝાંખા પ્રકાશમાં રેખા ચિત્ર જેવી
લીમડાની ચમરી હળવા પવનમાં જરાક કંપે છે
સાંધ્ય આકાશમાં આર્દ્રાનો ગુલાબી તારો
મારાં આંસુમાં ચળકે છે.

  • માચુ પિચુ – દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલું ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ

મોતીસરીનું આ વન

દૂરદૂરથી ઊડેલો કલાન્ત પવન
તેનાં પીંછાં પસવારે રાયણના વૃક્ષ પર
ને
તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે
તેના ભ્રમણદેશોની ગંધ.
કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય – લાલ
આથમી જાય વનનાં વૃક્ષોમાં.
કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ–
જળનો કે આકાશનો?
ટિટોડીની પ્રગલ્ભ ચાલ,
વનમેનાની આંજીમાંજી આંખ,
હુદહુદના માથા પરનો કેસરી તાજ,
બધું જ ઘોળાતું ઘોળાતું ભળી જાય અંધકારમાં.
વૃક્ષો પણ હવે સંકેલી લે છાયાની માયા
ને
ધીમેધીમે ધૂસર થતું જાય
કબૂતરની લીલી ડોક જેવું ચળકતું
મોતીસરીનું આ વન.
પછી રહે
ધૂસર હવામાં ઝીણી-ઝીણી ઘંટડી જેવું
બંધાતું ધુમ્મસ,
દશરથિયાં, ચીબરી કે કોઈ રાત્રિપક્ષીનો રઝળતો અવાજ,
વટવાગોળની પાંખોનો અસ્પષ્ટ ફડફડાટ,
ને
કંસારીના ઝાંઝરનો રણકતો સૂર.
ગોરડ, બાવળ ને હરમાની વિકળ ગંધ
ઓગળતી-ઓગળતી ભળી જાય અંધકારમાં.
તળાવના તરલ અંધકારમાં
ઝબકોળાવા આવે
વનની, જળની રૂપસીઓ.
એકાએક પૂર્વજન્મની કરુણ સ્મૃતિ જેવો
બપૈયાનો આર્જવભર્યો ટહુકો
ઝાંખા ચન્દ્રની જેમ ઊગી શમી જાય અંધકારમાં.
નક્ષત્રોના ઝાંખા ઉજાસમાં
વનના ઉચ્છ્વાસ
ને
પૃથ્વીના આ ઝાંખા અંધકારનાય અંધકારમાં
સાવ ખુલ્લી આંખે
સ્વપ્ન જુવે
આ બે આંખ

મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનુંસરખું અભયારણ્ય છે.

વસ્તુઓ

દાદાની લાકડી, ચશ્માં, જૂનું મકાન,
ખુરશી, પલંગ ને પ્રાઇમસ,
રેશમની સાડી, ટેરીનનું શર્ટ, સુક્કાં ફૂલો
ને અત્તરની શીશી :
વસ્તુઓ ધારણ કરે છે આપણને
સાંખ્યયોગના અદ્ભુત તાટસ્થ્યથી.
આપણી લાખલાખ માયા છતાં
વસ્તુઓ અળગી રહે છે સતત
આપણા ભાવથી,
આપણી માયાથી,
આપણી છાયાથી.
વસ્તુઓ ધુમાય છે, ધરબાય છે,
કટાય છે ને કજળે છે –
કોઈ આપણી પહેલાં, કોઈ આપણી પછી
કોઈ આપણી બહાર
તો કોઈ આપણી જાણ બહાર.
આપણી સામે જ કરમાતાં જતાં ફૂલથી ધીમે,
લીમડાની ડાળડાળ ને પત્રપત્ર પર સરકતા જતા
ચન્દ્રથીય ધીમે,
આપણાં માથાંમાંથી ખરતા જતા
વાળથીય ધીમે
સાવ ધીમે-ધીમે
વસ્તુઓ પામે છે કોઈ બાળકના હાથનો મસૃણ સ્પર્શ
કે
કોઈ બરછટ હાથનો રૂક્ષ તિરસ્કાર.
વસ્તુઓ ચહાય છે ઉપેક્ષાય છે આપણાથી.
કોઈ વિશુદ્ધ આત્માના શાશ્વત તત્ત્વની જેમ જ
વસ્તુઓ દેહ દેહાંતરિત
રૂપ રૂપાંતરિત થઈને આવે છે આપણી સમક્ષ.
અને આપણે તો જાણતા નથી
સાવ સીધી સાદી વસ્તુ-પારના
વસ્તુનું સત્ય.

ઉકરડે ઊભરાતી એક પણ વસ્તુ
ક્યારેય જોતી નથી નરકની ખીણ કે દુરાત્માઓનો દેશ.
કશુંક બીજું જ શુભ
તેનાં બારણાં ખોલીને આમંત્રે છે,
પ્રકાશની છૉળછૉળમાં સત્કારે છે, સંસ્કારે છે, સંમાર્જે છે.
આપણી અવશિષ્ટ, ઉચ્છિષ્ટ
આપણી તિરસ્કૃત એકએક વસ્તુ
સડી ગળી
તપી તવાઈ
કટાઈ કોહવાઈને
ફરી પામે છે
કલિંગરનાં પીળાં ફૂલનાં ઝાકળમાં રમતા સૂર્યનું રહસ્ય.
કોઈ ધીરોદત્ત, ક્ષમાશીલ રાજવીની જેમ
સંગ્રહસ્થાનમાં સામસામે હાથ મિલાવતાં
ઊભાં રહે છે રોમન આયુધો ને કાર્થેજિયન શસ્ત્રો
મોગલ શિરત્રાણની હૂંકમાં જ ઢબુરાઈ બેસે છે મરાઠાઓની ઢાલ
ચન્દ્રખનીજની નજીક જ નદીના પાંચીકાની જેમ
રમ્યા કરે છે
કોઈ લુપ્ત સંસ્કૃતિનાં મૃત્તિકાપાત્રો.
કાળકાળના આઘાતોને સહે છે વસ્તુઓ,
– કોઈ પ્રગલ્ભ નારીની જેમ.
ઝાંખું થઈ ગયેલું કિનખાબ પરનું જરીકામ,
લીલા ડાઘાથી શિળિયાટું તામ્રપત્ર,
સૂર્ય, પવન ને કાળે વાંચી-વાંચી ઘસી નાખેલા શિલાલેખો,
થરથરતા ઊભા જીર્ણશીર્ણ સ્થંભો,
પોતાનાં વિવર્ણ અંગોને શોધતી
ખંડિત મૂર્તિઓ;
ધુમાઈ-ધુમાઈને ઊડી ગયેલાં
અક્ષરોવાળી ધૂસર હસ્તપ્રત,
અક્ષુણ્ણ પૃથ્વી પર પહેલીવહેલી
રમવા આવેલી વનસ્પતિઓના અશ્મિઓ,
સુવર્ણ-રૌપ્ય મુદ્રાઓ, ધાતુપાત્રો, ધૂપદાનો,
મૌક્તિક માલાઓ,
હજારો વરસો પહેલાંના ઘઉંના દાણાઓ,
જાણે હમણાં જ
રમતાં રમતાં તૂટી ગયેલાં રમકડાંઓ,
શિલાલેખો, શિલ્પો, નગરનગરના નકશાઓ
પિરામિડ કે પૉમ્પી બની ધરબાય છે ઊંડે
સૂર્યચંદ્રથી દૂર,
નક્ષત્રતેજથી દૂર,
વનસ્પતિના બુભુક્ષુ મૂળથીય દૂર,
પૃથ્વીના ઉષ્ણ ગર્ભમાં
મમી બની તેના કાળનો અસબાબ થઈ રહેવા.
ખન્ ન્ ન્
ઉત્ખનનમાં ફરી જુએ છે સૂર્યનું મોં
ફરી માનપાન પામે છે મ્યુઝિયમમાં.
શેરીઓ, શહેરો ને દુકાનો
રાજમાર્ગો, મહેલો ને ઉદ્યાનો
ફરી ફરી પામે છે
સાવ વળી કોઈ બીજું જ નામ,
ઓળખાય છે વળી કોઈ બીજા જ મહાનુભાવના નામથી.
અમારી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ પર રાતોરાત જ ચીપકી ગયેલું
નવું નામ
‘મહાત્મા ગાંધી હાઈસ્કૂલ’
પણ એક વાર મેં જોયું છે કે
એક બાળક રમે છે પીળી લખોટીઓથી,
સહજ પ્રેમપૂર્વક.
ક્યોટોની એક સન્નારી
વાંસની ફૂલદાની હાથમાં લઈને સહેજ ઝૂકી છે
જાણે તેની કૂખનું જ બાળક
એક શિલ્પી સ્પર્શે છે ગ્રેનાઇટના કાળમીંઢ પથ્થરને હળવેકથી
રખે તેનાં ટેરવાંનોય ઘસરકો પડી જાય.
શાકવાળો ફેરિયો
દૂધીની લીલી છાલને સ્પર્શે છે,
પ્રિયાની સુંવાળી જંઘા પર હાથ પસવારતા યક્ષની જેમ.
પેલી વૃદ્ધા
છીંકણીની ડાબલીને એક બાળકની જેમ જાળવીને મૂકી દે છે
તેના જર્જરિત ખિસ્સાના હૂંફાળા અંધકારમાં
વૈદૂર્યમણિના મમત્વથી.
પેલો મૂછાળો ચાઉસ
તેની બેનાળીને સાફ કરે છે કશુંક ગણગણતો-ગણગણતો
એક સલૂકાઈભરી માવજતથી.

પણ
આ પૃથ્વી પર વસ્તુઓ
આવું બહુ બધું પામતી નથી વારંવાર.
કોઈ હાથનો પ્રેમપૂર્વક સંસ્પર્શ,
રૂપસિદ્ધ વળાંક, હેત, હૂંફ,
પોતાના શ્વાસ જેવો જ અંગત અનુબંધ પામેલી વસ્તુઓ
એક હાથથી બીજે હાથ
ને બીજે હાથથી બાવીસ હજાર હાથે
કોઈ હબસી ગુલામથીય વધુ પાશવી રીતે
વેચાતી ફરે છે

કોઈ બાર વરસની બાળા પરના બળાત્કારથીય વધુ ક્રૂરતાથી
ઉપભોગાય છે,
અભડાય છે,
અબોટાય છે,
ને ઓછાય છે આપણાથી.

વસ્તુઓ જાણતી નથી કે
વસ્તુઓથી જ વિરોધાય છે વસ્તુઓ
ને વસ્તુઓથી જ અંકાય છે અવસ્તુતાનાં મૂલ.
વ્હાઇટ હાઉસ ક્યારેય હાંસી નથી ઉડાવતું
મારા આ પડુંપડું થતા ઘરની ને
આ ઇલેક્ટ્રૉનિક ટાઈમ વૉચ
ક્યારેય આગળ નીકળી જવા નથી માગતી
મારા દાદાના ગારલીંપ્યા ઓરડાની જૂની ડંકા ઘડિયાળથી.
ગુલાબ, પુસ્તક કે રૂમાલ
સંવહે છે આપણા પ્રેમને,
બને છે આપણી ઉષ્માનું આકાશ,
અને કદીક ક્યારેક તો
આપણાં પ્રિયજનોથીય વિશેષ
આપણે સચવાઈ રહીએ છીએ
વસ્તુઓના હૃદયમાં.

આપણા મરણોત્તર
વસ્તુઓ જાળવી રાખે છે આપણો સંબંધ,
સાચવી રાખે છે આપણી હૂંફ,
આપણા સ્પર્શની આપણા પ્રેમની.
તોપનું નાળચું બનાવવા માટે
ભઠ્ઠીમાં ભરખાઈ ગયેલી રમ્ય તામ્રમૂર્તિઓ,
ઇન્કાના પ્રાચીન ખંડેરોથી હિરોશીમાના ભગ્નાવશેષ
કોઈ પાગલના પ્રહારથી પાએટાની મૂર્તિના
હૃદય સુધી ઊંડી ઊતરેલી તિરાડો,
અજંતામાં શામળી રાજકુંવરીના ભીંતચિત્ર પર
કોઈના ઘાતકી ઉઝરડાથી ટશિયે-ટશિયે ઊભરાઈ આવેલ ચહેરો
હજાર હાથનો મેલ ખાધેલી
આપણા હાથના મેલ સમી રૂપિયાની નોટ,
ટેબલ પર આપણા ખૂની હાથોની સ્પષ્ટ છાપ,
હવામાં લટકતા રાંઢવાની ગૂંગળાવતી ગાંઠ,
આપણી પાશવી કામનાની સાક્ષી બનેલ
ચોળાયેલી ચાદર, ચૂંથાયેલું ઓશીકું :
વસ્તુઓ તો રહે છે
તટસ્થ, મૂક–
આપણા આતંકની,
આપણા અમાનુષી તાંડવની,
આપણી નિર્લજ્જતાની સાક્ષી બનીને.
ચન્દ્ર, મંગળ કે
કોઈ અક્ષુણ્ણ ગ્રહભૂમિ પર એ વસ્તુઓ જ
શ્વસે છે પૃથ્વીના પ્રાણમાં.
વસ્તુઓ જ હોય છે પૃથ્વીમંત્રથી દીક્ષિત.
દિક્કાળને ઉલ્લંઘીને દિગ્દિગંતમાં
એ વસ્તુઓ જ
ફેલાવે છે પૃથ્વીધર્મ.
તોય
વસ્તુઓના આ જગતમાં
વસ્તુઓ જ છે ચૂપ,
ઉપેક્ષિત.
‘વસ્તુમાત્ર વ્યયધર્મી છે
વસ્તુમાત્ર ક્ષયધર્મી છે.’
એ બુદ્ધમંત્ર જાણવા છતાંય
વસ્તુઓ અતિક્રમે છે વસ્તુત્વને,
વસ્તુઓ ઉલ્લંઘે છે આપણને,
આપણી સીમાને
આપણા મરણને,
અને
વસ્તુઓ જ રહે છે
તેમની હસ્તિમાં સ્થિત,
તેમના કાર્યમાં રત.

‘અશ્વત્થામા’

હા,
હું જ અશ્વત્થામા
જન્મોજન્મના ઝળહળતા મોતી વચ્ચે
એક અભિજ્ઞાન સૂત્ર.
યુગોયુગોના તળિયે જઈજઈને પણ
સાવ બોદા બુચની જેમ સપાટી પર તરતો
વહાણ પરથી ફેંકેલા કોલસાની જેમ જળજળમાં ઝબકોળાતો
તોય
તરડ બરડ તરતો
કેમેય ન મરતો.
ના,
ના, હું સહદેવ નથી.
એટલે જ તો જાણતો નથી
આવતી ક્ષણોનો ભીષણ ભાર,
પણ જાણું છું
કે
નવું શું છે?
વેદના પણ નહીં
કે નહીં
આ મુમૂર્ષા કે વિવક્ષા પણ.
તાર પરથી ટીપાં સરકે છે.
ટપ દઈને ટપકે છે.
અને એ પછી આવે છે બીજું ટીપું.
પણ એથીય કશુંક ભંગુર ક્ષણજીવી
આછા એવા થડકારથી રાઈ-રાઈ
થઈ વેરાઈ જાય છે
ને
આંગળીઓ વકાસીને હથેળી જોઈ રહે છે.

બોધિવૃક્ષની પૃથુલઘન છાયા એ મારું સૌભાગ્ય નથી
ને
હું જાતિસ્મર પણ નથી.
આ એક જન્મની ઑરમાં જ
વીંટળાઈ-વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો
ને જન્મે-જન્મે અનેક મૃત્યુ.
તે દિવસે ધર્મરાજા યુધિષ્ઠરે તો કહેલું
‘અશ્વત્થામા હતઃ’
પણ, સત્ય હોત જો એ મૃત્યુ!
ભાગ્યવાન છે,
મહાભાગ્યવાન છે એ હાથી
ને હું?
હું હતભાગ્ય.
મેં જાણે કે જોયું છે તોય જોયું નથી
વહેતા કેશની ધારા સાથે કોઈ લે જળસમાધિ,
તો કોઈને સ્વીકારે પૃથ્વી.
કોઈના છેલ્લા શ્વાસ પ્રિયજનના સાથમાં,
કોઈ ફૂલ કરમાઈ જાય કોઈના હાથમાં,
તો કોઈ ટહુકો ઝરી જાય સાવ એકાંતમાં.
લાખોની મેદનીમાં ટીટો નાસરની સ્મશાનયાત્રા
એકએકમાં મેં જોઈ છે મૃત્યુની કોઈ ને કોઈ માત્રા.
પણ
મસ્તકનો એ મરકતમણિ લઈ જાય
એ સાથે જ લઈ જાય બધું જ
ને રહે કેવળ
એક જ્વાળામુખીના કરાલ મુખ જેવું
રાતા ડંખની ઝૂલ લઈ બેઠેલી કીડીઓની કોરવાળું ઘારું
–અસ્થિઘન વેદના, નિશ્વાસોનું સંઘગાન.
યુદ્ધ પછી યુદ્ધના રક્તકર્દમને ખૂંદતો આવું છું વારંવાર
એ મહાકાલની એ રૂદ્ર ભૈરવીની મુંડમાલાને ગણ્યાં કરું છું
એક પછી એક,
ક્ષણ પછી ક્ષણને જોડ્યા કરું છું યુગોથી
મેં માપી છે મારા ચરા તળેની ધરતીને સહસ્ત્રવાર
ને જોયું છે,
ને જોયું છે કે
પૃથ્વી હ્રસ્વ થતી જાય છે
પ્રત્યેક પરિક્રમાએ પરિઘ ટૂંપાતો જાય છે
ધોળો ધૂપ થઈ ધુમાઈ-ધુમાઈને ધૂસર ધુમ્મસમાં
ચાલ્યું જાય છે બધું જ
એ શુકપ્રિયા,
એ શાલભંજિકા, એ કલભાષિણી
એ અરણ્યના દેવતાઓ,
મોતીના થાળમાં એ ઝગમગતું મુખ,
હણહણતી ઇચ્છાઓ,
એ થનગનતા અશ્વારોહીઓ,
ધનુષટંકારનો એ ગંભીર શબ્દ
એ તળાવડીમાં નહાવા પડેલો ચન્દ્રનો હંસ,
કાળા માથાના માનવીના લલાટ પર
લખેલો એ ગૌરવલેખ.
ચાલ્યું જાય છે બધું જ
બધું જ આ આકાશ નીચેનું આ આકાશની પેલે પાર
ને
જીભ પર રહી જાય છે
કેવળ પેલા ડોયેલા લોટનો સ્વાદ.

ક્ષણ બે ક્ષણ
વચ્ચેના અંતરાલમાં એક જરીક ઝોકું
ને ઝબકીને જાગું તો
ઠણણ...
ત્રિકમ અફળાય છે મારા નલાસ્થિ સાથે
ચારે તરફ ચશ્માંના કાચમાંથી તાકતા ચહેરાઓ
શ્રમિકોની સુડોળ કાયા પર સ્વેદલેપનું આછું આવરણ,
ખૂલતા નકશાઓ, જીપમાં અફસરોની દોડધામ.
વધુ ખોદકામનું બજેટ નથી
પણ
આત્મખનન,
વારંવાર આત્મખનન,
ફરી ફરી એ જ આત્મખનન.
ને અંતે
ઠાલી ઠીબડીમાં ઠન ઠન,
હા,
મિ. ઢાંકી,
હું જ અશ્વત્થામાં.
જુઓ,
બધું કેવું સંગ્રહસ્થાનમાં શોભે તેવું થઈ ગયું છે નહીં?
હું તો તમને કહું છું કે હમણાં
મ્યુઝિયમની નવી ગૅલેરી બાંધવાનું રહેવા દો.
આમેય,
ચીનની દીવાલ બાંધવી હવે સહેલી નથી.
હવે તો શું મ્યુઝિયમની અંદર ને શું બહાર
એવા ક્યાં કશાય રહ્યા છે ભેદ?
અને તેનોય કોનો રહ્યો છે ખેદ?
જવા દો, તમે તારે જવા દો,
મને જંપવા દો ઘડી બે ઘડી
તમારા માણસોને કહી દો કે મને ધૂળ ન ઉડાડે.

દશેય દિશાઓ પૂછે છે,
ચોસઠેય જોગણીઓની શ્રેણી પૂછે છે,
પૂછે છે વિવર્ણ દેવો,
કજળેલા ગોખમાંથી કંટાળીને ગણપતિ પૂછે છે,
ખાંગા ગવાક્ષમાં બેઠેલી પેલી અપ્સરા પૂછે છે,
ગઢની રાંગ પરનું મરેલું ઘાસ પૂછે છે,
નિર્જન અરણ્યમાં જીર્ણ શિવાલયનું અપૂજ લિંગ પૂછે છે,
અંધારી વાવનાં અવાવરુ પગથિયાં પૂછે છે,
પૂછે છે,
ને શોધે છે;
રામ શોધે હનુમાનને,
ને હનુમાન શોધે સંજીવની;
ને
સંજીવની શોધે છે માણસને.
મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને.
ને હું શોધું છું મૃત્યુને.
અર્જુન શોધે ગાંડીવ.
ક્યાં છે અલી લક્ષ્મી તારો વરદ હસ્ત?
ક્યાં છે પિનાકપાણિ તારું પિનાક?
ને
ક્યાં છે વાગીશ્વરી તારી વીણા?
મૂકોને પંચાત.
હવે
જુઓ.
બોસ્ટનમાં એક સ્કાયસ્ક્રેપરના ૭૮મા માળે
પાણીની ટાંકીમાં એક મચ્છરે મૂકેલાં ૩૭ ઈંડાં,
મુસોલિનીના શબ પર શિષ્ટ ઘરની સન્નારીઓએ
બીભત્સ ચાળા સાથે કરેલો પેશાબ,
સંગ્રહસ્થાનમાં બુદ્ધના દાંતને સ્થાને આબેહૂબ
ગોઠવાઈ ગયેલો એક વૃદ્ધનો દાંત,
એક ખટારો ઊથલી પડતાં ચાર મજૂરોનાં મરણ
ને
અંગોલામાં બળવો.
ચાર વરસનું એક કરચલિયાળું બાળક
લુખ્ખા આકાશ સામે જોઈને
એક ઉબાયેલું બગાસું ખાય છે.
અને માઉન્ટ રશમોરના પૂતળાંઓ
જોઈ રહે છે આકાશ ફાકતા.
એક પક્ષી ઊડી જાય છે
તેની છાતીમાં આકાશનો સ્નેહ લઈને,
એક પીળું અજાણ ફૂલ ખીલીને
કરમાઈ જાય છે પૃથ્વીની માયા લઈને.
હર્યાભર્યા આંગણાના તુલસીને
મેં ડાલડાના કટાયેલા ડબામાં ફ્લૅટને ત્રેવીસમે માળે ચડી
કરમાતા જોયા છે.
તૂતનખામનના શબને મેં ભારે
દબદબા સાથે લઈ જવાતું જોયેલું.
પિરામિડોના પ્રલંબ પડછાયામાં
મેં મિસરને ધરબાતું જોયું છે.
ને નાઈલ તો વહી જાય છે શાંત નિર્મમ.
મેં જોયું છે કે ઑલિમ્પસના દેવોનો
દરબાર ઉચાળો ભરે છે અહીંથી.
લૂઈ સોળમાના લોહીથી શણગારેલી તલવાર મેં જોઈ છે.
ઇન્કાના સમર્થ દેવ કરગરીને રહેવા માટે માગે છે ટેકરી પર
એક નાનું અમથું થાનક;
શું મળશે?
આ બજાર વચ્ચે કોની શબવાહિની
રસ્તો ચીરતી ચાલી જાય છે?
બસ ડ્રાઇવર સબૂર કર.
એય સાઇકલસવાર સાઇકલ પરથી ઊતરી જા, તું.
માથા પર રૂમાલ મૂક, હાથ જોડ,
ખંભો દે, જોયું ને?
ભરબજારે અદબભેર જુઓને બધાં કેવું જાળવે છે
પામર તુચ્છ માનવના ઉદ્દંડ મૃત્યુનું માન!
કોફિનની કાળાશ સહુના મુખ પર
પછી
અંધકારના ચૈત્યમાં
ભેજ અને જંતુ કોરે છે ઝીણું નકશીકામ.
ઝીણાં જંતુઓની જીભ માંજી માંજીને વીંછળે છે અસ્થિને
આકાશના ઘવાયેલા ધુમ્મટ નીચે
કે પછી અગ્નિમાં.
ઉચ્છિષ્ટ અસ્થિ શાંતિ પામે
માટીના ગર્ભમાં
કે
જળના તળિયે.
નરકંકાલ મળે જિબ્રાલ્ટરમાં
કે
પેકિંગમાં :
ર્હોડેશિયામાં મળે તેનાં પગલાં
ને
ન્યૂયૉર્કમાં મળી આવે તેની બખોલો.
પછી ચાલે વિવાદ મનુષ્યની ઉત્પત્તિનો.
ઉત્ખનન ચાલે એક ટીંબાનું
ને
મળી આવે એક આખું જીવતુંજાગતું નગર.
કોટિ કોટિ યુગલોનો કેલિકલહ
રાજવીઓના કૃપાકોપ વ્યથા માયા સંઘર્ષ.
નગર નગર ને શહેર શહેર આ મરેલ માટીના ટીંબા
કાળે કોઈ હોથલ
ને પછી લોથલ.
કઈ અસંયત ક્ષણે બ્રહ્મશીરાસ્ત્ર સનનન
વછૂટે છે ભાથામાંથી
ને
હજાર-હજાર ઉત્તરાના ભૃણમાં મૃત્યુ પ્રવેશે છે.
પણ અસ્ત્ર કયા ગર્ભને મારશે
ને
કૃષ્ણ કયા ગર્ભને તારશે?
કલ્પનાઓ કાળી ભઠ્ઠ પડી જાય છે.
હૃદય ચાલ્યું જાય છે ઊંડું,
કાન ચાલ્યા જાય છે કોલાહલના કળણમાં.
ઇન્દ્રિયો છપાક દઈને લપાઈ જાય કાયાના કૂવામાં.
નગરનગર ને શહેરશહેરની
શેરીએ શેરીએ ભટકું છું,
જ્યાં એકએક વન છે ખાંડવ,
એકએક ઘર લાક્ષાગૃહ
ને
એકએક નગર એક ટીંબો.
પણ
ધાવતાં-ધાવતાં જ મોંમાં નરમ ડીંટડીનું શ્યામ ફૂલ લઈ
ઊંઘી ગયેલા પેલા બાળકને ખબર નથી
કે બોખા-બોખા મોંમાં
હજીય શેરડીનો સ્વાદ વાગોળતી પેલી
વૃદ્ધાને તેની કશી જાણ નથી.
સ્ટેડિયમના મહેરામણ વચ્ચે બેઠેલા
હિપ હિપ હૂ...રેના છાકે ચડેલ
અપાણિપાદ ટોળાને ખબર નથી
ખબર નથી થિયેટરોના કુત્સિત અંધકારમાં
વંદાની જેમ ઊછરતી જતી પેઢીઓને
કે
લોકલ ટ્રેનોમાં ભરાઈ ભરાઈને ઠલવાતી જતી ગિરદીને
કે
શું રઝળે છે આ રખડુ હવામાં,
શું ગંધાયા કરે છે આ અવાવરુ લોહીમાં,
શું આ જ હથેળીએ ઝાલ્યું હતું કમળફૂલ?
ઝીલ્યું હતું જળનું હેત?
ભિખ્ખુ આનંદની પ્રવ્રજ્યા તો પૂરી થાય
તેના મરણે
પણ હું?
હું અશ્વત્થામા
હજાર હજાર અશ્વોના બળનું સિંચન કરી
હવે વકરેલા વરાહની જેમ રઝળતો
મરણવર વંચિત, શાપિત શાશ્વતતાનો
ઘેરઘેર બણબણતા ઘારાને લઈ ફરતો
ધખધખતા દાહને શામવા મુંડપાત્રમાં ઘીનો પિંડ માગતો ફરું છું.
હું અશ્વત્થામા
દૂઝતા વ્રણના મેરુદંડ પર ઊભેલો
આત્મનિર્ભર્ત્સનાની ગર્તામાં સરતો
ઉચ્છુંખલ છોકરાઓના કાંકરી ચાળાથી ઉપહાસપાત્ર બનતો
રઝળતો ફરું છું,
કોઈ એકલદોકલને ભડકાવું છું.
મારી વેદનાના સ્તુપની ગરિમા સાથે
પૃથ્વીપટે અહરહ હું ભટક્યા કરું છું નિરૂદ્દેશ;
અને કહો,
હવે મરણનોય
શો રહ્યો છે ઉદ્દેશ?