ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૯. કદડો
સિમેન્ટના જંગલ વચ્ચે અજગરની જેમ પડેલો ડામરિયો રોડ હાંફે એવી ગરમી હતી. એક પા વૈશાખી લગ્નોએ નગરમાં ધૂમ મચાવી હતી તો બીજી પા લૂ માથે લઈને જેઠ હવે ઝળુંબવામાં હતો. સવારે નોકરીએ ચડેલા કણદાનું મગજ ફાટું ફાટું હતું પણ એમ ક્યાં નગરપાલિકા છોડે એમ હતી! હજુ એકતા નગરની સાઇટ બાકી હતી. ગયા અઠવાડિયે શારદી બીમાર પડેલી. ઝમકુએ રીતસર કાળી આંખે બોલવા માંડ્યું. પછી ચાલીનાં બધાં ભેગાં થવા જેવું લાગતાં કણદો રોકાઈ ગયેલો. કમળાથી પીડાતી શારદી હજુ દવાખાને છે. એક દિવસની ગેરહાજરીમાં કણદા ઉપર આભ તૂટી પડે એમ મુકાદમ, કારકુન અને સુપરવાઇઝર સુધ્ધાં તૂટી પડેલાં. ‘પગાર નહીં મળે... નોકરીમાંથી કાઢી મૂકીશું, શું સમજે છે તારી જાતને! હવે કંઈ તમારા વગર ઊભું નહીં રહે... ઘણાય છે... ગટર સાફ કરનારા...’
‘આજે મોટા સાયેબ તપાસી લે પછી રજા દેશે. તમે સીધા દવાખાને જ આવજો પાછા....’ ઝમકુના શબ્દો રોડ પર પથરાતા તડકામાં તડાક લઈને તૂટતા લાગ્યા. ટેન્કર ચાલકે ઝડપથી ટેન્કર હંકાર્યું. એકતા નગર ચાર રસ્તાની સાઇટ ગટરથી ઊભરાતી જાણે કે રાહ જોઈ રહી હતી.
મગન રણછા રાઠોડ જ્યારથી કણદા સાથે ગટર સાફ કરવા મુકાયો ત્યારથી કણદાની મૂંઝવણ વધી પડી હતી. એને લાગ્યું જાણે હાથે કરીને પગ પર કુહાડો મારવાનું કર્યું છે. મગન કણદાના બાજુની ચાલીમાં રહે છે. અને વતન બાજુનો છે. જ્યારે મળે ત્યારે કરગરતો રહેતો – ‘ભૈ સા’બ મે’રબાની કર કણદીયા હવે નથી જિવાય ઈમ... હાહરું ભૂસ્યાય ચેટલું રે’વું!’ ‘પણ મગનજી તમારાથી એવું કાંમ... કણદાએ કહેલું. ‘અરે માર ગોળી... મારે કરવું સેન... હવે ચ્યાં જાત પરમાંણે કાંમ રયુ સે...’ મગન કરગરતા સ્વરે બોલેલો. પછી કણદાએ કરગરીને મગનનું ઠેકાણું પાડ્યું. ને મગન મારો ઉસ્તાદ નીકળ્યો. બાર મહિનામાં એની માસીના દીકરાને ટેન્કર ચલાવવા ઘાલી દીધો. એ હવે કણદા પર ઓર્ડર કરતો થઈ ગયો છે. ‘કણદા હેંડ, ઉતા કર... રોટલા ટાઢા થાય સી...’ ચારે તરફ વાહનોની અવર-જવર, માણસોની ભીડ અને લારી ગલ્લાં પાથરણાં વાળાની પોતીકી સ્ટાઈલમાં ગ્રાહકોને આકર્ષવાની બૂમાબૂમ અને બકારી આવે એવી ઊભરાતી ગટરની દુર્ગંધ... મશીન ચાલું થયું. પંપથી ગટરનું મેલું પાણી ટેન્કરમાં ઠલવાતું હતું. મશીનની ઘરઘરાટી સાંભળીને કણદાના લમણા લબ લબ થતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી શરીર કાળું પડતું જતું હતું. ‘વસ્તીયે શી ખબર ચ્યાંથી ફૂટી નીકળી છે... ગામે ગામથી. કુણ શેઠ ને કુણ મજૂરીયા કોમ, ઊમટી જ પડ્યાં છે બઈસ... હાહરી ગટરોય ચેટચેટલી સાફ કરવી!’ વિચારતો કણદો – ‘કણદા... ગટરમાં ઊતરે જ છુટકો... હાહરું કદડો જામી ગ્યો લાગે છે.’ બોલવા ગયો ને શરીરે લખલખું ફરી વળ્યું. લાહ્ય ગરમીમાં તપેલી ખુલ્લી ગટરનું બાકોરું મોં ફાડીને પડ્યું હતું. બે દિવસ પહેલાં દવાખાને બતાવવા ગયેલો એ યાદ આવી ગયું. ‘દાક્તર સાયેબ... ખંજવાળ તો ઠીક જાણે પણ આ જુઓન આ ધોળાં ધોળાં ચાઠાં... ઈ કણે બળતરા...’ એનાથી મગન સામે જોવાઈ ગયું. ‘મગનજી, આજ તમે ઊતરીન ભૈસા’બ... મને શરીરે ઠીક નથી...’ એ હળવેથી બોલ્યો. ‘હેંડ હેંડ... એ મારું કામ સે કાંય? મારે તો મશીન ને આ પંપ ચલાવવાનો... જા, ઊતર માંય જલદી...’ ઊંચા અવાજે મગન પેલા ટેન્કર ચાલક જોડે ઊભો ઊભો બીડી ફૂંકવા માંડ્યો. મારું હાળું ઠાકેડું ભૂસે મરતું’તું ને કરગરતું’તું... હવે વાઘ થઈ જ્યું... હાહરો સુપરવીઝર ઈની ઓળનો આયો છે તાંણથી તો જાણે આ મગનીયો જ મારો સાયેબ હોય ઈમ હુકમ કરતો થઈ જ્યો છે...’ મનોમન બબડતાં કણદાએ કપડાં કાઢીને એક બાજુ મૂક્યાં. પછી કંઈક યાદ આવ્યું હશે તે ઝડપથી કપડાના ખિસ્સા ફંફોસવા માંડ્યો. હાથરૂમાલ ના મળ્યો. એને મુંબઈ નગરપાલિકામાં નોકરી કરતો ફોઈનો દીકરો યાદ આવી ગયો. એ કહેતો હતો, ભૈ અહીંયાંય બધી મોંકાણ છે... પણ હમણાંથી વળી છાપામાં કંઈક આવ્યું હશે તે મોઢા ઉપર ઢાંકવાનું કપડું આપતા થ્યા છે... વિદેશમાં તો ચેટલી ફેસીલીટી... કંઈ થાય તો તાત્કાલિક દવાખાનું અને વળતરમાં જીવ ભારોભાર રૂપિયા...’ કણદાને વહેલી સવારના સ્વપ્ન જેવી એ વાત પર થયેલું – ‘એ બધું અહીં ચ્યારે મલશે?’ ‘ચલ બે... જલદી કર... ફટાફટ... તમને લોકોને સાલાં ટ્રાફીકનો કંઈ ખ્યાલ છે કે નહીં?’ ખાખી વરદીવાળો માથેથી ટોપું આઘું પાછું કરતો બબડીને ડંડો પછાડતો પાછો ચાર રસ્તા વચ્ચે ઊભો ઊભો સીટી વગાડવા માંડ્યો. રોડ પરની ગરમી અને ટ્રાફીકના ઘોંઘાટ વચ્ચે કણદાએ દૂર સુધી ઘડીક જોયા કર્યું. પછી નાંભી સોતો ઉચ્છ્વાસ ફેંક્યો. પછી ‘મગનજી, જરીક બીડી આલજો ભૈ...’ કહી મગન સામે જોયું. ‘લે...’ કરતાં મગને બીડી માચીસ ફેંક્યાં. એણે ઝડપથી બીડી સળગાવી. ઊંડેથી કસ ખેંચતો ધુમાડો ઓકવા માંડ્યો. ધુમાડાની સાથે સાથે એનું મન જાણે ગોટાવા માંડ્યું.
ચાલ શારદીની મા આપણે ગામડે જતાં રીયે... ‘કેમ, ઈમ બોલો છો... રૂપાળી નોકરી મલી છે ન...’ બોલતી પત્ની સામે જોયા પછી એ સૂનમૂન થઈ ગયેલો... પછી નાહવા બેસતો ને પત્ની વાંસો કરતી ત્યારે, ‘શું કરીશું... મૂઈ મનસીપાલીટીની તે કાંય નોકરી છે...’ આ જુઓને ચેવાં ચાઠાં પડી જ્યાં છે... જાંણી કોઢ નેહર્યાં હોય ઈમ...’ બોલતી પત્નીના નિઃશ્વાસભર્યા શબ્દો રહી રહીને આરપાર થતા રહેતા. ગઈ દિવાળી પર વતનમાં ગયેલા. વતનમાં ઘર પડવાને વાંકે ઊભું હતું. ત્યાં હવે કણદાનાં મા-બાપ મરી પરવાર્યાં છે. કણદાનો કાકો આખો દિવસ ગામમાંથી વાળુ માગી ખાતો ને કૂતરાં બિલાડાં ખેંચીને જે મળે તેમાં સાંજ પડે દારૂ પીને ખાટલીમાં અમળાયા કરતો હતો. ગામમાં સૌ કોઈને આવતાં જતાં એક પા ઊભાં રહીને – ‘મા બાપ... સાયેબ... સલાંમ પાંકે...’ કહી બોલાવવામાં જ ભલીવાર હતો. નહીંતર, ‘એય... કુણ સે લ્યા... સાલું ઓરગણું થઈન હામું હેડ્યું આવે સે? સલામેય નથી ભરતું? બઉ ફાટ્યું તે કાંઈ...’
કણદાને બીડીના ધુમાડાની આરપાર બધું હાલક ડોલક થતું લાગ્યું. એક વાર બાપાની આંગળી પકડીને કણદો ચોરા સુધી ગયો હતો. બાપો એક પા ‘મા-બાપ....’ કરતા સલામ ભરતા ઊભા રહી ગયાને આંગળીની પક્કડ ઢીલી પડી ગયેલી ને કણદો બાજુની દુકાનના થડા ઉપર જઈ ચડેલો. પછી ‘તારી તે જાતના... ઊતર ... ઊતર...’ કરતો દુકાનદાર ધસી આવેલો. થડો ઊતરતાં ગડથોલું ખવાઈ ગયેલું. ઢીંચણ છોલાઈ ગયેલો. એનો બાપ દોડતો આવેલો. દુકાનદાર બરાબરનો તપી ગયો હતો. કણદાનો બાપ, મા-બાપ, સાયેબ... તમારી ગા સીએ... રખી સીએ માં બાપ... સોકરું સે. માફ કરો બાપલા... કરગરતો પગે નમેલો ને મૂછનો દોરો ફૂટે એ પહેલાં કણદો એના દૂરના સગા સાથે અહીં શહેરમાં આવતો રહેલો.
અહીં શાંતિ હતી. અહીં કોઈને ખાલી અમથું કરગરવું, કોઈને ચાલવા મારગ આપવા એક પા છેટે ઊભા રહેવું, ‘મા-બાપ’ કહેવું, સલામ ભરવી... કશી માથાકૂટ નહોતી. હા, નોકરી વખતે મુકાદમથી લઈને ઉપરી સાહેબોને સલામ ભરવી પડતી. ‘ચાલ, ચાલ હવે...ઊતર ગટરમાં... જે પેલા સુપરવીઝર આવતા લાગી સી...’ કહી મગન અને ટેન્કર ચાલક બંને કામ પર હોવાનો ડોળ કરતાં ગટરના ઢાંકણા પાસે આઘા પાછા થવા માંડ્યાં. માથે સૂરજ તપીને ત્રાંબાવર્ણો થઈ રહ્યો હતો. કણદાના શરીરે પડેલાં ચાઠામાં બળતરા ઊભરી રહી હતી. એણે ગટરમાં ઊતરવા પગ અંદર જવા દીધા. ગટરની વાસ અસહ્ય હતી. ‘મગનજી, રૂમાલ આલોન.’ કણદો બોલવા ગયો પણ અટકી ગયો. બે દિવસ પહેલાં – ‘શું બોલ્યો? શરમ નથી આવતી... ગમે ઈમ તોય મું ઠાકોર સું લ્યા... તને રૂમાલ આલીને મારે બીજો લેવાનો...? જા, ગટર સાફ કર... ગટર...’ મગને જાણે કે ઊધડો લઈ લીધો હોય એમ કણદાને બોલેલું. ‘અલ્યા... શું કરો છો તમે લોકો ક્યારયનાય? જોતા નથી અહીં ટ્રાફીકવાળા બૂમાબૂમ કરે છે એ... ચાલો જલદી કરી... નહીંતર આજનો પગાર કાપી નાખવો પડશે. સુપરવાઇઝર આવતાં જ તપવા માંડેલો મગન અને ટેન્કર ચાલક કણદાનું નામ ધરીને છૂટી પડ્યા. પછી કણદાનું તો બિચારાનું આવી જ બન્યું. ‘કામચોર છે સાલો... રિપોર્ટ કરવો પડશે... ઘેર બેસશે પછી ખબર પડશે...’ કણદાને સુપરવાઇઝરના શબ્દો વચાળે ઘર યાદ આવી ગયું. ‘શારદીને દવાખાનેથી રજા અપાવવાની છે. જલદી આવજો પાછા.’ પત્નીના શબ્દો એની આસપાસ ઘેરો ઘાલી ઊભા. ને એ કૂદકો મારતો હોય, એમ ઝડપથી ગટરમાં ઊતરી ગયો. ફાટું ફાટું થતાં માથાની પરવા કર્યા વગર એણે ગટરમાં વાંકા વળીને જોયું તો એકતાનગરની સાઇટના કનેક્શનમાં બરાબરનો કદડો જામી ગયો હતો. બહારની ગરમીમાં તપેલા કણદાને ગટરના મેલા પાણીમાંય ઘડીક રાહત જેવું – ઠંડક થઈ; પણ પછી તરત જ બફારો લાગવા માંડ્યો. સવારે પત્ની દવાખાને જવાની ઉતાવળમાં હતી. એક રકાબી ચા સિવાય કશું લીધું નહોતું. કણદાને બરાબરની ભૂખ લાગી હતી. આંતરડાં અમળાતાં લાગ્યાં. શરીર પર છૂટતો પરસેવો ગટરના પાણીમાં ટપટપ થતો રહ્યો ને ચાઠાં પર કીડીયારું ચટકવા જેવી વેદના ઊમટી. જામી ગયેલાં કીચડના ગઠ્ઠા જેવા કદડામાં સળિયો ખોસ્યો. બહારનો ઘોંઘાટ હવે સંભળાતો નહોતો તોય એને લાગ્યું કે સુપરવાઇઝર માથે પહેરેલી ટોપી ઊંચી નીચી કરતો, ‘કેટલી વાર થશે લ્યા અંદર...’ની બૂમ પાડી રહ્યો હતો. કણદાને થયું – ‘સાલું, મન દઈને ભણ્યા હોત તો અત્તારે આ દા’ડો ના આવત!’ એને ગામડાગામની શાળાના વર્ગમાં છેક છેવાડાની જગા યાદ આવી ગઈ. જ્યાં એને એકલાને અલગ બેસાડવામાં આવતો હતો. એનાથી સહેજ નજીક દલિતવાસનાં છોકરાં બેસતાં. એમાંથી કોઈ છોકરો પાણીના માટલે અડી ગયેલો તે હેડમાસ્તરે એવાં લોહીઝાણ ચીમટો ભરેલો તે છોકરો ચડ્ડીમાં જ પેશાબ કરી ગયેલો. પછી કણદો એવો બી ગયેલો કે, ‘સાલું... આ તે કાંઈ નેંહાળ સે કે ભણતર સે? આનાથી તો ગામનાં ઘેટા બકરાં ચારવા વગડે જવું સારું... ઈંકણ કોઈની હાડબારી તો નંઈ!’ જામી ગયેલા કદડામાં ખોસેલો સળિયો બળ કરીને ઊંચો કરવા ગયો ને સળિયો વળી ગયો. ઢીંચણ સુધીના ગંદા ગોબરાં પાણીમાં એના પગે કંઈક કેટલુંય આવી વળગતું હતું. વળી ગયેલો સળિયો એમ જ રહેવા દઈ એણે પાવડી હાથમાં લીધી. શરીર આખેઆખું પરસેવે લથબથ હતું. ગટરમાંથી ફેંકાતી ઝેરી વાસથી મગજ બહેર મારી જતું લાગ્યું. શ્વાસ ટૂંપાવા માંડ્યો. પેટમાં અમળાતાં આંતરડાં છેક ગળા સુધી આવે એવી બકારી ઊપડતી હતી. હતું એટલું જોર કરીને પાવડી ઠપકારી. કદડામાં ખૂંપી ગયેલો સળિયો નીકળે તો ઠીક નહીંતર પાવડીથી પાણી જાય એટલો કદડો હટાવી લઈને ઝટપટ બહાર નીકળવા એનો જીવ તળેઉપર થવા માંડ્યો. ગભરામણભર્યા જીવને શારદાની મા યાદ આવી. શારદી યાદ આવી. દવાખાનું યાદ આવ્યું. નગરપાલિકા ત્રણ ત્રણ મહિનાનો બાકી પગાર હવે અઠવાડિયામાં કરશેનો વાયદો યાદ આવ્યો, ને કાલે બપોરે છડા વેચવા નીકળેલી પત્ની ઝમકુના અડવા પગ... બધું એક સાથે ગટરના ગંદા ગોબરા મેલા પાણીના જીવજંતુની જેમ ઘેરી વળ્યું. પાવડીના ઘા કદડા પર ઝીંકાતા ગયા. કદડો બરાબરનો જામી ગયી હતો. એમાં ખૂંપેલા સળિયા સાથે અથડાઈને પાવડી પાછી પડતી હતી. ‘એંઠ્ય, તારી તો... આજ પેલી દવાખાને વાટ જોતી કંટાળી હશે ને આંય દિયોર આ ગઠ્ઠોય દશ્મન બનીને પડ્યો છે કાંય....’ બબડતા કણદાના હાથપગ ધ્રુજતા લાગ્યા. તોય એણે ઘડીક શ્વાસ ખેંચીને બરાબરનો જોરૂકો ઘા કર્યો. કદડો સહેજ હટે એવું લાગ્યું. ઉપરાછાપરી પાવડી ઠપકાર્યા પછી રેલમછેલ પરસેવામાં ચટકતાં ચાઠાં વચ્ચે એણે જોરથી કદડામાં ખૂંપેલો સળિયો ખેંચ્યો. જામી ગયેલા કદડા સમેત એકબાજુ બાકોરો પાડતો સળિયો છૂટો થયો. ‘હાશ!’ કરીને હળવા થવા મથતા કણદાની નસનસમાં બંધિયાર ગટરમાંથી વછૂટેલી તીવ્ર ઝેરીવાસ ફરી વળી. મગજનાં બે ફાડિયાં થતાં હોય એવી લમણામાં ઊપડેલી લબ લબ નસો વધુ ને વધુ તંગ થવા માંડી. ઉઘાડા શરીરે મોં આડું ઢાંકવા એણે ઝડપથી હથેળી દબાવી જોઈ. પણ ગંદા હાથમાં લપટાયેલી વાસથી તો ઊલટી બકારીઓ એકધારી ઊપડવા માંડી. ભૂખ્યા પેટે કશું નીકળે તોય શું નીકળે! આંખે લાલ લીલાં કુંડાળાં વળવા માંડ્યાં. હવે ઊભા રહી શકાય એટલી શક્તિ જ નહોતી. પડું પડું થતા કણદાએ ઉપર જોયું. ‘ઉપર ખુલ્લા ઢાંકણામાંથી અજવાળું ચ્યમ ભળાતું નથી? એણે ઝડપથી મેલા હાથે જ આંખો ચોળવા જેવું કર્યું. લાલ લીલા કુંડાળાં ગાયબ થઈ ગયાં ને આંખોમાં નર્યો અંધારપટ છવાઈ ગયો. કદડા સમેત પડેલો સળિયો ઊંચકીને બહાર ઇશારો કરવા પ્રયત્ન કર્યો. ગળામાં એક સામટો ડચૂરો જાણે કદડો બનીને ગંઠાઈ ગયો હતો. ક્યાં કશું બોલાતું જ હતું. બોલવાની મથામણ કરતો ને બકારીનું આધણ ખદખદ થતું ગળામાં આવી ભરાતું! ઊંચકેલો સળિયો હાથમાંથી છૂટી ગયો. અંધારા વચ્ચે ઝેરી ગૅસનો રાક્ષસી ભરડો હવે ગૂંગળાવી રહ્યો હતો. ગભરામણનું ઘોડાપૂર છાતીની ધમણમાં ભરાતું જ ગયું... બે હાથ ગળા ફરતે રાખીને એણે બૂમો પાડવા હવાતીયાં માર્યાં પણ કોઈ કારી ચાલી નહીં. પડું પડું થતો કણદો ઊંચો થઈને બે હાથે ગટરના ઉપલા ભાગને પકડવા સહેજ કૂદ્યો ને અટકી ગયેલો શ્વાસ ગટરમાં ગંઠાયેલા કદડાની જેમ ડોળા ફાડતોકને રૂંધાયેલા ગળામાં જ ‘શારદીની મા...’ કરતો બોકાહો દઈ ગયો.