પ્રવીણસિંહ ચાવડા/૯. મકાન વેચવાનું છે
અમેરિકાથી માણેકલાલનું આગમન થયું તે સવારે જ, અગાઉથી નક્કી થયેલી વ્યવસ્થા પ્રમાણે, લાલો એમની સેવામાં હાજર થઈ ગયો હતો. પાછા ઘેર આવીને એણે પહેલી મુલાકાતનું વર્ણન કર્યું તે દિલીપભાઈ પૂરી એકાગ્રતાથી સાંભળી રહ્યા. પછી બોલ્યા, ‘તો-તો અમેરિકાને સલામ કરવી પડે.’ માણેકલાલને હંમેશાં ધોતી-ઝભ્ભામાં જ જોયા હતા. વરના બાપ તરીકે જાન લઈને દિલીપભાઈને ઘેર આવ્યા ત્યારે પણ વેશ એ જ હતો : ધોતી, ઝભ્ભો, ટોપી અને પગમાં ઈંટ જેવી ખાદીભંડારની ચંપલ. વિમાનમાં બેસીને ઊડવાનું થયું તો વધારે બાંધછોડ ન કરી; ધોતિયું છોડ્યું અને લેંઘો બાંધ્યો એટલું જ. એ માણેકલાલનું અમેરિકાના માત્ર છ મહિનાના નિવાસને પરિણામે આટલું પરિવર્તન! સવારે સાડાઆઠે લાલો એમને ઘેર પહોંચ્યો ત્યારે બરમુડા અને પીળું ટીશર્ટ ઠઠાડી, ઓટલા ઉપર ઊભાઊભા કોઈની સાથે સ્ફૂર્તિથી રકઝક કરી રહ્યા હતા. ચડ્ડીનો ઉલ્લેખ થયો ત્યારે દિલીપભાઈ પુત્રને વઢ્યા, ‘તેં મોટી ભૂલ કરી લાલા. કૅમેરા લઈને ગયો હોત તો પાંચ-સાત અમર ફોટોગ્રાફ મળી ગયા હોત.’ ‘કૅમેરું ના ચાલે, પપ્પા, તમારે કાર્ટૂન દોરવાં પડશે.’ શોખ ખાતર અધ્યાપક ક્યારેક પીંછી ચલાવતા એ સાચું, પણ મોટા ભાગે એમણે ઉદાસ સુંદરીઓનાં જ ચિત્રો દોર્યા હતાં. આજે એનાથી તદ્દન વિરુદ્ધનો વિષય મળ્યો – આનંદી ડોસો – તેથી એ હરખાયા. ‘મને જોતાંવેંત ઊછળ્યા અને રકઝક પડતી મૂકી પગથિયાં સુધી ધસી આવ્યા. ચરણરજ લેવા નમ્યો તો ખેંચીને છાતીએ વળગાડ્યો – માય યંગ ફ્રેન્ડ! ગુડ મૉર્નિંગ, વેરી ગુડ મૉર્નિંગ!’ ‘સવારના પહોરમાં કોને પકડ્યો હતો?’ ‘છાપાનો ફેરિયો. અને આંતરીને ઘેર બોલાવ્યો અને પ્લાસ્ટિકની ત્રણ જૂની ખુરશીઓ ઉપાડી લાવ્યા. કહે આને વેચવાની છે.’ ‘સવારે સાડાત્રણે સ્વદેશાગમન, સાડા પાંચે ગૃહપ્રવેશ અને સાત વાગ્યે તો ગૃહત્યાગની તૈયારી. મકાન વેચવાનું મિશન લઈને આવ્યા છે એટલે શરૂઆત ભંગારથી કરી દીધી. આ એન.આર.આઈ. લોકોનું કેવું. લાલા, કે એ સાહેબો પાસે ટાઇમ ન હોય. આટલા મોટા પ્રોજેક્ટ માટે સમય ફાળવ્યો છે ઓન્લી થ્રી વીક્સ! આવ હૅવ નો ઠાઇમ, યૂ સી –’ પેલો બિચારો હાથ જોડીને કહે કે કાકા, હું છાપાનો ફેરિયો છું. ભંગારનો વેપારી નહીં. બહુ કરગર્યો ત્યારે જવા દીધો. પૂરી સ્ટાઈલથી, હોં પપ્પા! એની સાથે શેકહૅન્ડ કર્યા અને ગેટની બહાર વળાવી આવ્યા. પેલો દેખાતો બંધ થયો. ત્યાં સુધી હાથ હલાવ્યા કરે – બાય.’ ફરી એક વાર દિલીપભાઈએ એ વગોવાયેલા દેશને અંજિલ આપી, ‘ઇન્ડિયાની મહાન સંસ્કૃતિ સિત્તેર વર્ષમાં ન કરી શકી તે અમેરિકાએ છ મહિનામાં કર્યું. માણસને મશીનમાં નાખી, અંદર-બહારથી ધોઈ, નવોનકોર બનાવીને પાછો મોકલ્યો.’ ઉમેર્યું : ‘અહીંનો સરમુખત્યાર ત્યાં જઈને બની ગયો વિદૂષક.’ આ પદ્ધતિ છેવટ સુધી ચાલુ રહી. જે-તે દિવસના અનુભવોનો અહેવાલ લાલો પિતા સમક્ષ રજૂ કરે. પછી એનું નિરાંતે વિશ્લેષણ થાય. અણુઓ છૂટા પાડીને તપાસવામાં આવે. અંતે, હાસ્યરૂપી રસને જુદો તારવી લઈ બાકીનાં છોતરાં ફેંકી દેવામાં આવે. ત્યાં જીવન જિવાય. અહીં એનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ અભ્યાસ થાય. માણેકલાલ લીલા કરે, જીવનને કાચું ને કાચું હડફ કરીને ઉતારી જાય; વાગોળવાની ક્રિયા વેવાઈ દિલીપભાઈને ઘેર થાય.
ટિકિટ બુક કરાવી એનાથીયે પહેલાં, પુત્રી નિમિષાના વિનંતીભર્યા ફોન દિલીપભાઈ પર આવવા લાગ્યા હતા. ‘પપ્પા, બાપુજી આવે છે. અમે ઘણી ના પાડી પણ માનતા જ નથી. ભૂત સવાર થઈ ગયું છે કે બસ, કાઢી નાખવું છે. પંડે એકલા, અવાવરું પડેલું ઘર, પોતાનું કહી શકાય એવું કોઈ નહીં –’ પુત્રી બાપને શિખામણ આપતી, ‘એં પપ્પા, હશે! આપણે મોટું મન રાખવું જૂની વાતો ભૂલી જવી.’ ‘કઈ જૂની વાતો? મને તો કંઈ યાદ નથી.’ જૂની વાતો એટલે માણેકલાલનો વેવાઈ સાથેનો વ્યવહાર. છોકરીનો બાપ એટલે ઊતરતો; મોટો માણસ હોય તો એના ઘરનો, શટ અપ! યુ નૉનસેન્સ! ઇઝી ઇંગ્લિશ ટીચર’ અને ‘પાઠમાળા જેવી ચોપડીઓ વાંચીને થોડું અંગ્રેજી શીખ્યા હતા એનો એંઠવાડ એ અંગ્રેજીના અધ્યાપકના મોં ઉપર ચોપડતા. ઇન્ડિયાના સરમુખત્યાર તરીકેની માણેકલાલની કારકિર્દી કેટલાક સિદ્ધાંતો પર આધારિત હતી. નોકરીમાં તેમ સગાં-સંબંધીઓમાં, દુકાનદારોથી માંડી ને જતાં માણસો સુધી એમણે એક જ સોટી ચલાવી હતી – મારા સિદ્ધાંતો! માય પ્રિન્સિપલ્સ! સિદ્ધાંતો કયા તે કોઈ જાણી શક્યું નહોતું, પણ એની હાજરીનો અનુભવ સહુને થતો, કારણ કે એ પ્રાણીને એમણે પૂંછડેથી પકડ્યું હતું અને જોરજોરથી વીંઝતા – જેને વાગે એના ભોગ! મ્યુનિસિપાલિટીના એસ્ટેટ ખાતામાં નોકરી હતી, કાયમી અને પેન્શનપાત્ર; ત્યાં અધિકારીઓ સામે શિંગડાં માંડ્યાં અને અંતે રાજીનામું આપવું પડ્યું. છ-આઠ મહિના પછી કોઈની ભલામણથી એક ખાનગી સ્કૂલમાં કામ મળ્યું તો સત્વરે સંસ્થા વિરુદ્ધ ગવર્નર અને રાષ્ટ્રપતિને સુવાચ્ય અક્ષરે અરજીઓ કરવા માંડી. તે પછી ગાડું ગબડ્યું તે ટ્યૂશનના મડદાલ ટટ્ટુની મદદથી, છતાં મિજાજ એવો રહ્યો જાણે સૂર્યના અશ્વો ઉપર સવારી કરી હોય. સ્વાભાવિક રીતે, સિદ્ધાંતોનો મહત્તમ લાભ કુટુંબને મળ્યો. ઘરને પીઠ બતાવી એમણે હાથ ઊંચા કરી દીધા હતા. પુત્ર અનિકેત અને પુત્રી લીનાને કહી દીધું હતું : તમારો બાપ બીજાઓ જેઓ ચોર નથી, હરામના પૈસા ભેગા કર્યા નથી, લાખો અને કરોડો કમાઈ શકાય એવી પોસ્ટોની ઑફરો આવી એને ઠોેકરે મારી છે. ભણો, નોકરી કરો, રખડી ખાઓ, જે કરવું હોય તે કરો; તમે જાણો અને તમારું નસીબ જાણે. ઘરમાંથી એક પૈસોય મળે એવી આશા રાખશો નહીં. પત્ની કે સંતાનો સામો જવાબ આપી શકતાં નહીં કે જ્યાંથી જે કમાણી થાય છે તે ખૂણામાં સંતાઈને ગણ્યા કરો છો; બે ટ્યૂશનોની વચ્ચે સમય કાઢીને તમારી સાઇકલ શેરબજારમાં પહોંચી જાય છે – પાછળથી, સંજોગો બદલાયા ત્યારે, સંતાનોના ઘડતર માટે પોતે અપનાવેલા અભિગમની વિશદ છણાવટ કરતાં એ કહેતા : જુઓ ભાઈ, બાળકોને આપવા આપણી પાસે બીજું કંઈ નહોતું. થોડી મૂડી હતી તે ચારિત્ર્યની, હા, એટલું કર્યું કે નાનપણથી એમને આત્મનિર્ભરતાના પાઠ ભણાવ્યા, પોતાના પગ ઉપર ઊભા રહેવાનું શીખવ્યું. પરિણામે આજે આટલો પ્રોગ્રેસ કરી શક્યાં. દુનિયામાં કોઈ પણ જગ્યાએ નાખો, મારો અનિકેત મારી લીના પાછાં પડે નહીં. આઈ એમ પ્રાઉડ ઑફ માય ચિલ્ડ્રન! મુશ્કેલી એટલી હતી કે સંતાનો વિશે ગર્વ લેવામાં એ થોડા મોડા પડ્યા હતા. કૉલેજના પહેલા વર્ષમાં હતી ત્યારથી લીનાને એક છોકરા સાથે સારી મૈત્રી હતી. ભણવાનું પૂરું થયું, ફિઝિક્સમાં પીએચ.ડી. કર્યું એ પછી એણે પિતા સમક્ષ લગ્નની વાત કરી. છોકરો જ્ઞાતિનો હતો, સંસ્કારી અને હોશિયાર; કુટુંબ સામે પણ વાંધો લઈ શકાય એવું નહોતું, પણ છોકરી પોતાનું પાત્ર પોતે પસંદ કરી લે એવી ધૃષ્ટતા માણેકલાલ શાના ચલાવી લે? તાળું મારીને રૂમમાં પૂરી રાખી તે મોડી રાત્રે બારીમાંથી કૂદીને ભાગી. એનું સાહસ સફળ થયું અને પરણીને બાર મહિના પછી એ અમેરિકા ગઈ. નાના ભાઈ અનિકેતને ભાગવા માટે બારી નહોતી એની એને ખબર હતી તેથી, યોગ્ય સમયે એને પણ સજોડે પોતાની પાસે ખેંચી લીધો. જે થવું હોય તે થાય, જેને જે કરવું હોય તે કરે, માણેકલાલની ધજા ફરકતી રહી. મને કોઈની પડી નથી! અમેરિકા! વૉટ ઑફ ધૅટ નોનસેન્સ! એક બનાવ બન્યો – પત્નીનું મૃત્યુ – તે પછી બધું ઊલટસૂલટ થઈ ગયું. માણેકલાલના વિચારો ધૂંધળા બની ગયા. બેસણા વખતે એમનો મનોરંજક વાણીપ્રવાહ સતત ચાલુ રહ્યો : ભાઈ, હું તો હંમેશાં કહેતો આવ્યો છું કે બાળકના સંસ્કાર એ જ આપણી મૂડી. તમે જ કહો, આજના જમાનામાં આવાં છોકરાં ક્યાંય જોયાં? સમાચાર મળ્યા એવાં બધું કામ પડતું મૂકીને હાજર થઈ ગયાં. બાકી, અમારી લીના તો યુનિવર્સિટી પ્રૉફેસર. ઋષભકુમારને પોતાનો બિઝનેસ. અનિકેતને લિકર સ્ટોર. જેમની પ્રશંસા થતી હતી એ સૌએ આ બધું દાર્શનિકની તટસ્થતાથી જોયું, સાંભળ્યું, માથું અને પિંડદાન કરી સંપૂર્ણ મુક્તિના ભાવ સાથે ઊડી ગયાં; રહી એકલી નિમિષા. એણે કોઈનું માન્યું નહીં; નણંદ લીનાબહેનનું નહીં, પતિનું નહીં. સંબંધીઓ અને કુટુંબના મિત્રોનો મત એવો હતો કે બાવળ, બોરડી કે કંથેર જેવા વૃક્ષ સાથે, બુદ્ધિગમ્ય નહીં એવાં કારણોસર, લાગણીનો સંબંધ હોય તોપણ એમાં હાથ નંખાય નહીં. પાણી રેડવું હોય કે ખાતર નાખવું હોય, ફરજ સમજીને, તો તે છેટેથી કરી શકાય. છતાં નિમિષાએ એક જ વાત પકડી રાખી : બાપુજી એટલે બાપુજી. આ ઉંમરે હવે એમને એકલા મુકાય નહીં. દિલીપભાઈએ એને ટેકો આપ્યો : તું મારી દીકરી સાચી! મહિનો રોકાઈ અને બધું આટોપી, સસરાને તેડીને ગઈ.
તંત્ર ઝડપથી ગોઠવાવા લાગ્યું. બીજા દિવસે મળવા ગયા ત્યારે દિલીપભાઈએ જોયું કે પોતે જે ભૂલી ગયા હતા તે માણેકલાલે પણ યાદ રાખ્યું નહોતું. શેકહૅન્ડ કર્યા, વાંસો થાબડ્યો અને મદદ માટેની બધી દરખાસ્તોને હસીને ઉડાવી દીધી, ‘ચા-પાણી, ભોજન, બધી વ્યવસ્થા થઈ જશે. તમે ચિંતા ન કરો. તમારી વાત કરી. રીડિંગ કેવું ચાલે છે? નવા કંઈ આર્ટિકલ પબ્લિશ કર્યા?’ એમણે એક જ માગણી કરી, ‘અનુકૂળ હોય તો ભાઈ હર્ષવર્ધન બે-ચાર દિવસે આંટો મારી જાય, આઈ લાઇક ધેટ યંગ મૅન, બટ વિથ ધ કન્ડિશન ધેટ એનું ભણવાનું બગડવું જોઈએ નહીં.’ હર્ષવર્ધન તે લાલો. કોઈ પરિબળ એનું ભણવાનું બગાડી શકે એમ નહોતું. કૉલેજમાં માત્ર નામ લખાવ્યું હતું; આખું વરસ ભાઈબંધો સાથે રખડતો અને છેલ્લેછેલ્લે ગાઇડો વાંચીને પરીક્ષામાં ફર્સ્ટક્લાસ લાવતો. વળી, અમેરિકાથી એની દીદીએ ફોન કરીને અંગત ધોરણે એને ખાસ જવાબદારી સોંપી હતી. તેથી એ રોજ સવારે સ્કૂટર લઈને પહોંચી જતો. ‘કંઈ કામ હોય તો કહો, દાદા.’ ‘કામ તો ઘણાં છે, ભાઈ.’ એક વાર એને અંદરના રૂમમાં લઈ ગયા, ‘તારા હિસાબે આના કેટલા પૈસા આવે?’ લાકડાનો પાટીવાળો ખાટલો, ઈસ અને પાયા જુદા કરી, કફનમાં વીંટી, છટકીને નાસી ન જાય તે માટે જાડા દોરડાથી મુશ્કેટાટ બાંધીને માળિયે ચડાવેલો હતો. ‘ઈન સિક્સ્ટ ટુ, વ્હેન આઈ વૉઝ ઈન વિરમગામ, ત્યારે આખા સોળ રૂપિયામાં તૈયાર થયેલો. અસલ સાગ. આજે સોળસોમાં ન મળે. કોઈ ઘરાક શોધી લાવ ને, ભાઈ હર્ષવર્ધન. આપણે બારસોમાં કાઢી નાખવો છે, અને તું લઈ જતો હોય તો તારે માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ; બસો ઓછા. ઉઠાવ!’ જૂના ખાટલા લેવા-વેચવાના વિષયમાં પોતે અનુભવ ધરાવતો નહોતો એમ લાલો કહી શક્યો નહીં. મકાનનો સોદો તો થાય ત્યારે, માણેકલાલે એના અવયવોનું વેચાણ શરૂ કરી દીધું. લાલા સમક્ષ વધાઈ ખાધી કે ફ્રિજ માટે એક પાર્ટી મળી હતી. ‘પાર્ટી?’ ‘ધનજી, અમારો પટાવાળો.’ ‘તમારો –?’ ‘ભઈ, હું ટીચિંગ કરતો હતો એ સ્કૂલનો પટાવાળો.’ ‘તે દાદા, તમે આ ધનજીભાઈને ક્યાંથી શોધી કાઢ્યા?’ ‘રસ્તામાં મળી ગયો. એને કહ્યું, લઈ જા, બે હજાર આપજે, પણ શરત એટલી કે ડિલિવરી છેલ્લે મળશે; હું જાઉં એ દિવસે.’ પતરાની ડોલો, તિરાડવાળાં કપ-૨કાબી, પાટલા, ગાદલાં, ડબ્બા – દરેકની કિંમત અંતઃપ્રેરણાથી નક્કી કરી ચૉક વડે લખી રાખી હતી, જેને એ અફર માનતા. પરિણામે, ભંગારવાળા આવતા પણ વાટાઘાટો સફળ થતી નહીં અને એ બબડતા ચાલ્યા જતા
ઇન્ડિયા મસ્ત હતું તો એને પક્ષે અમેરિકા પણ સાવ હાથ જોડીને બેસી રહ્યું નહોતું; ઓછામાં ઓછાં એના બે કેન્દ્રો ઠીકઠીક સક્રિય હતાં. પુત્રી નિમિષા દિલીપભાઈને લગભગ દરરોજ ફોન કરતી, ‘બાપુજીને સાચવજો.’ ‘લે, પહેલાં લાલાને સાંભળ; પછી ભલામણ કરવા જેવું લાગે તો કરજે.’ લાલો માણેકલાલના વિશ્વરૂપનું વર્ણન કરે તે સાંભળીને નિમિષાથી હસી પડાતું, પરંતુ તરત જ સાવધાન બની એ સસરાની વકીલાત કરવા બેસી જતી, ‘ત્યાં ખુલ્લી હવા મળી ને? અહીં બિચારા ઘરમાં પુરાઈ રહેતા હતા. હું જૉબ પરથી આવીને સારું વેધર હોય તો ચાલવા લઈ જાઉં, શનિ-રવિએ મંદિરે લઈ જાઉં, બાકી આખો દિવસ ઉપર એમની રૂમમાં. અનિકેતનો નેચર તો તમે જાણો છો. અને આ દેશનાં છોકરાં તો, ભાઈસા’બ! અમેરિકાથી આવતા બીજા સ્વરમાં વેદના હતી. બોસ્ટનથી લીના ફોન કરતી અને હળવેથી દિલીપભાઈને પૂછતી, ‘કેમનું ચાલે છે?’ ‘લહેર ચાલે છે.’ ‘શું કરે છે... અમારા... પ્રાતઃસ્મરણીય?’ અટકી-અટકીને પુછાતો પ્રશ્ન. વચ્ચે ખાલી જગ્યાઓ. અઘરી ગણાય એવી એ જગ્યાઓને સહજતાથી વટાવી જઈ દિલીપભાઈ કહેતા, ‘મકાનનું લંબાયે જાય છે એટલું; બાકી મજામાં.’ ‘એ તો મજામાં જ હોય; તમારી શી દશા છે એ કહો કેવાં અને કેટલાં અપમાનો થયાં?’ ‘એવું નથી–’ ટેલિફોન પર દીર્ઘ નિસાસા સાંભળવા મળતા, ‘હી ઇઝ સચ એ બોર! મારે ઘેર રહેવા લાવી હતી પણ બે વીકમાં તો ત્રાસ થઈ ગયો. કોઈના ઘેર લઈ જવાય નહીં. સ્થળ કયું, પ્રસંગ શું છે એનો વિચાર કર્યા વગર સાચાખોટા તેમાં અંગ્રેજીમાં ઇન્ડિયન કલ્ચર વાટવા બેસી જાય. વેદાઝ, ઉપનિષદ્ઝ! જુવાન છોકરીઓના હાથ પકડીને રેખાઓ વાંચવા મંડી પડે. સો એમ્બેરેસિંગ!’ છેલ્લે પ્રમાણપત્ર આપતી, ‘આ મહાપુણ્યને તમારી નિમિષા જ સાચવી શકે.’
ફ્લૅટ નાનો, પણ ભોંયતળિયે હતો તેથી માણેકલાલે એને બંગલાનું સ્વરૂપ આપ્યું હતું; આગળપાછળ ખુલ્લી જગ્યામાં આડેધડ દીવાલો ચણી ડાઇનિંગ, સ્ટોર, રીડિંગરૂપ એવાં બૉક્સ ઊભાં કરી દીધાં હતાં. બંગલો વેચવાનો છે. એવા સમાચાર ચારે બાજુ વહેતા મૂક્યા હતા તેથી દરરોજ કોઈ ને કોઈ જોવા આવતું. દલાલોની અવરજવર ચાલુ હતી. દરેકને ચપટી વગાડીને ચેતવણી આપતા, ‘જલદી નિર્ણય કરો, ભાઈ, આપણી પાસે ટાઇમ નથી. એક બાજુ પૈસા અને બીજી બાજુ ચાવી. એમ ન સમજતા કે મારે વેચવાની ગરજ છે. છોકરા ઢગલા ડૉલર કમાય છે, પણ આ તો શું કે –’ મૂળ એંશી હજારના ફ્લૅટની કિંમત ચોવીસ લાખ મૂકી હતી. કોઈકોઈ ગ્રાહક એકવીસ-બાવીસ સુધી આવ્યા. ‘નો વે!’ છેવટે એક દલાલ ખેંચાઈને એમની ઊંચાઈ સુધી પહોંચ્યો. એણે કહ્યું, ‘ચોવીસ નહીં, અંકલ, ચોવીસના કાકા. બોલો, આજે રાત્રે પાર્ટીને પકડી લાવું?’ માણેકલાલને વાતમાં રસ પડ્યો. પગ ઊંચા લઈને પલાંઠી મારી અને મલકાવા લાગ્યા, ‘ભાઈ, સાચું કહેજે, આજે નહીં તો કાલે, પ્રૉપર્ટીના ભાવ તો ઊંચકાશે ને?’ લાલો સામે બેસીને આ જોતો હતો. એ બબડ્યો, ‘બધું ઊંચકાવાનું માણેકલાલ, તમે અને હું પણ.’ ‘આપણું તો પ્રાઇમ લોકેશન ગણાય ને?’ ‘તમારી જ્યાં પધરામણી હોય એ જગ્યા આપોઆપ પ્રાઇમ લોકેશન.’ આવજો-જજો પણ કર્યા વગર દલાલ નાસી ગયો. ‘ચોર છે સાલા. બધાને એમ છે કે એન.આર.આઈ., હાથમાં આવ્યો છે. તો લૂંટો ભેગા થઈને.’ લાલો આંગળીના વેઢા ઉપર ગણતરી કરતો હતો. અઢારમી નવેમ્બરે આગમન. એમાં ત્રણ વીક ઉમેરીએ તો – ‘દાદા, આપણી તારીખ તો આવી ગઈ.’ ‘શાની તારીખ?’ ‘જવાની રિટર્ન ડેટ.’ વિષય અઘરો હોય, ક્લિષ્ટ અને અગમ્ય, એમ માણેકલાલ સમજવા માટે થોડી વાર મથામણ કર્યે ગયા પછી બોલ્યા, ‘એ ને? એ તો એક્સ્ટૅન્ડ કરાવી દીધી.’ ‘કેટલી?’ ‘ટુ વીક્સ મોર.’ ટુ વીક્સ પછી વળી મુદત પડી. બીજો એક મહિનો. શિયાળો જામ્યો હતો. રંગરંગીન જૅકેટ, કેપ, પુલઓવર્સ ચડાવી માણેકલાલ અમદાવાદને એડી નીચે ચગદી રહ્યા હતા. ક્યારેક કોટ-ટાઈ લગાવતા સતત વ્યસ્ત, આય હેવ નો ઠાઈમ, પણ લાલાને જુએ ત્યારે નવરા બની જતા અને કલાકો એની સાથે વાતો કરતા. લાલાનાં મમ્મીએ વેવાઈ માટે મેથીના લાડુ અને અડદિયા મોકલ્યા હતા. કઈ વસ્તુની એમના કયા ભાગ ઉપર શી અસર થાય તે અંગે કોઈ નિયમો નહોતા. તેથી ખાતાંખાતાં એ બીજા કોઈને યાદ કરતા. ‘લાલા, આ લાડુ, નૉટ બૅડ, યોર મધર ઈઝ એ ગ્રેટ કૂક, પણ મારી બા મેથીના લાડુ જે બનાવતી, ઓ હો હો!’ તાત્વિક ચર્ચાઓ પણ થતી. ‘એક રીતે જોવા જઈએ, ભાઈ હર્ષવર્ધન, તો અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ ગણાય. અમને નિશાળમાં ગવડાવતા કે સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોઈતું નવ સંઘરવું વગેરે, કુલ મળીને એવાં અગિયાર મહાવ્રત મનાતાં. હવે, હું એમ કહું છું કે પૂર્વગ્રહ છોડી દઈએ. આપણે જ મહાન એવા ખ્યાલમાંથી બહાર નીકળી તટસ્થતાથી વિચારીએ, તો સ્વીકારવું જ પડે કે આપણે તો માત્ર રાગડા જ તાણ્યા, ડંફાશો મારી અને સામી બાજુ મારા બેટા ધોળિયાઓએ એ બધાં જ વ્રત આચરણમાં ઉતાર્યા. ઠીક છે, એકાદ-બે મુદ્દાઓમાં એ લોકો થોડા ઊણા ઊતરે એમ માનીએ, પણ અમુક વિષયો એવા ગૂઢ હોય છે. એનું રહસ્ય એવું સૂક્ષ્મ હોય છે કે – વક્તાએ અહીં છાસિયું કર્યું, ‘અને આપણેય બ્રહ્મચર્ય કે અહિંસાનું પાલન કરીને શું એવા મોટા ઊંધા પડી ગયા છીએ!’ આ વાર્તિકનો અહેવાલ આપ્યા પછી લાલાએ કહ્યું, ‘આજે અમેરિકાના આટલાં વખાણ કર્યા, પણ બે દિવસ પહેલાં શું કહેતા હતા એ ખબર છે, પપ્પા?’ ‘શું કહેતા હતા?’ ‘અમેરિકા જેવો બોગસ કન્ટ્રી મેં બીજો જોયો નથી!’ ‘આનું નામ બૅલેન્સ.’ વૈવિધ્ય ખૂબ હતું. નવી દિશાઓ ઊઘડતી હતી. – ‘વિન્દા મળી, વિન્દા પાટણકર. નહેરુનગર સર્કલ પાસેથી મારી ધૂનમાં ચાલ્યો જતો હતો તે જોઈ ગઈ હશે; ગાડી જેમતેમ પાર્ક કરીને ટ્રાફિક વચ્ચે દોડતી આવી કે સર, આપ યહાં? વિન્ડા પાટણકર, મૅરેજ પછી બની ગઈ છે વિન્દા સૂદ! આવી હતી, નાઈન્થમાં ભણતી, ત્યારે હું ટ્યૂશન આપવા જતો. મેં ઘણી ના પાડી પણ હાથ પકડીને ગાડીમાં બેસાડ્યો અને - ઓ હો હો! શું આલીશાન બંગલો છે! સાસુ-સસરા સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યો. એનો મિસ્ટર તો ઑફિસે ગયો હતો, બટ હર ફાધર-ઇન-લૉ ઇઝ સચ એ નાઇસ મૅન! સેશન્સ જજ હતા લુધિયાણા ડિસ્ટ્રિક્ટમાં, જસ્ટિસ સૂદ. હું એકલો છું એ જાણ્યું પછી તો બધાં વળગ્યાં કે બસ, બે ટાઇમ ભોજન કે લિયે હમારે ઘર હી આના પડેગા. બિચારી વિન્દાની આંખોમાં પાણી આવી ગયાં. કહે કે સર, હમ આજ જો ભી કુછ હૈ, આપ કી ક્રિપા સે હૈ.’ – ‘આજે વહેલી સવારે શું થયું, ખબર છે, લાલા? ચાંપાનેરિયાનો ફોન આવ્યો. મારો ખાસ ફ્રેન્ડ, મહુવા રહે છે. સુરતવાળું મહુવા. મંડી જ પડ્યો કે બસ, તું રહેવા માટે અહીં આવી જા. ઘરની પાછળ નદી છે; સવાર-સાંજ ધુબાકા મારીશું, ધરમપુરનાં જંગલોમાં રખડવા જઈશું, આવી જા ની!’ – ‘એક આઇડિયા એવો આવે છે, હર્ષવર્ધન, કે આ બધી દીવાલો કાઢી નાખી સળંગ એક હૉલ જેવું બનાવી નાખીએ, એ.સી. ફિટ કરાવીએ અપ-ટુ-ડેટ અને એમાં યોગા-સેન્ટર ખોલીએ. તારી શી સલાહ છે?’ – ‘અહીં ટેકરા ઉપર યોગાના ક્લાસ ચાલે છે. એમાં ડિપ્લોમા કરી નાખું તો કેવું?’ – ‘આ બુક જો. તારી ઉંમર નથી. તને કદાચ રસ નહીં પડે, પણ ખાલી એક નજર નાખ. ગિરનારના યોગીઓ. હું એમ પૂછું છું કે આ મહાત્માઓ પોતાના અનુભવની વાતો લખે તે સાચી કે તમારું વિજ્ઞાન સાચું?’ – ‘ગિરનારમાં તો એવા એવા યોગીઓ પડ્યા છે કે બૉડીને ગુફામાં છોડી દઈ પોતે ગુરુ પાસે હિમાલય પહોંચી જાય.’ દિલીપભાઈ કાન માંડીને આ સાંભળતા હતા. એ બિચારા અંગ્રેજી ભણાવી જાણે, ગૂઢ વિષયોમાં એમની ચાંચ ડૂબે નહીં તેથી એમણે ભોળાભાવે પૂછ્યું, ‘એવું કેમ કરતા હશે, લાલા?’ ‘કોણ?’ ‘ગિરનારવાળા?’ ‘એકલાએકલા બોર થાય તે ગુરુ-ચેલો ભેગા થઈ ગપાટા મારતા હશે. યોગીઓને પણ કંપની જોઈએ ને?’ ‘આપણા ગામગપાટા તો એ લોકોના બ્રહ્માંડ-ગપાટા.’ ‘બીજું શું?’ દિલીપભાઈને ચિંતા થઈ, માણેકલાલ એવી કોઈ ગુફામાં પેસી જશે અને પછી બહાર આવવાનો રસ્તો નહીં જડે તો આપણે નિમિષાને શું જવાબ આપીશું?’
ખેંચતાણ ચાલતી હતી. અમેરિકાસ્થિત બે શક્તિઓ સામસામી દિશામાં કામ કરી રહી હતી. દિવસે દિવસે નિમિષાનો સ્વર વધારે ઋજુ બની રહ્યો હતો. એ પૂછતી : શું છે આ બધું? ત્યાં શું ચાલી રહ્યું છે? હું ફોન કરું છું તો એ શું બોલે છે એની ખબર જ નથી પડતી. ક્યાંયની વાતો કરે છે. ફલાણાનંદજી અને ઢીંકણેશ્વરજી. મકાન પડ્યું ખાડામાં. અહીં કોઈને એમના પૈસા નથી જોઈતા. તમે એમને મોકલી આપો જલદી. ન માને તો હાથ પકડીને પ્લેનમાં બેસાડી દો. લીનાની લાગણી જુદી હતી. એ દિલીપભાઈને ભલામણ કરતી કે અંકલ, કોઈ ઉતાવળ નથી. તમતમારે રાખો થોડા મહિના, મજા કરો. આવો લાભ ફરીથી નહીં મળે. આ બે દરખાસ્તોને ત્રાજવે તોળાતાં દિલીપભાઈએ કહ્યું, ‘શું અદ્ભુુત બૅલેન્સ થયું છે! એક યોગિની પોતાના તપોબળની મદદથી માણેકલાલને અમેરિકા ખેંચી જવા માગે છે, તો બીજી એમને અહીં જ રોકી રાખવા માગે છે.’ ‘બરોબરની જામી!’ ‘ધાર કે બહેન નિમિષાબહેનની વાત માનીને આપણે એમને પ્લેનમાં બેસાડી દઈએ, તો શું થાય?’ ‘શું થાય?’ અમેરિકા અને ઇન્ડિયાની બરોબર વચ્ચે, અવકાશના કોઈ બિંદુ પર પ્લેન લટકતું રહે અનંત કાળ સુધી.’
એક દિવસ માણેકલાલ ખરેખર ઊપડી ગયા. સોફા, ડાઇનિંગ ટેબલ, ગૅસની સગડી, પસ્તી, વાડકા, તપેલી, ચમચીઓ સસ્તામાં પડાવી લેવાનાં કાવતરાં કરી રહેલા ધુતારા હાથ ઘસતા રહી ગયા. ગિરનાર અને હિમાલય જેવા પર્વતોનું પણ કંઈ ન ચાલ્યું. વિન્દા સૂદ ભાણું પીરસીને પ્રતીક્ષા કરતી બેસી રહી; એનાં રાંધ્યાં ધાન રખડ્યાં. ત્યાં મહુવામાં ચાંપાનેરિયો સ્વિમિંગ સૂટમાં સજ્જ એવી એક સુકલકડી આકૃતિની રાહ જોતો જળ અને સ્થળની વચ્ચે ટળવળતો રહ્યો. પોતાનું કહી શકાય એવું કોઈ હતું નહીં; જે ગણો તે દિલીપભાઈનું કુટુંબ અને થોડા પડોશીઓ. વિન્દા અને ચાંપાનેરિયા જેવાં પાત્રોની જે સૃષ્ટિ ઊભી થઈ હતી એમાંથી કોઈનાં સરનામાં કે ટેલિફોન નંબર હતા નહીં તેથી એમનો સંપર્ક થઈ શક્યો નહીં. બોસ્ટન અને ઍટલાન્ટા સમાચાર આપ્યા પણ એ લોકો બિચારા ગમે તેટલી ઉતાવળ કરે તોપણ આવતાં બે-ત્રણ દિવસ તો લાગે જ. ત્યાં સુધી પકડીને ઓછું જ બેસી રહેવાય? નજીકમાં નજીકનો સ્વજન લાલો, છેલ્લા દિવસોનો એમનો અંતેવાસી. એ ખાટી ગયો. ક્યારેય નહીં કલ્પેલો એવો અધિકાર એને મળ્યો : સગા પુત્રની અનુપસ્થિતિમાં પુત્ર બની દોણી એણે પકડી. ખૂબ જલસા કર્યા હતા, ઘણું હસ્યો હતો, એનું સાટું વળી ગયું. માથું ઢાંકીને આગળઆગળ ચાલતો હતો ત્યારે એના પગ લથડતા હતા. આંખોમાંથી પાણી નીતરતાં હતાં તે છાણાંના ધુમાડાને આભારી નહોતાં.