દલપત પઢિયારની કવિતા
કાગળના વિસ્તાર પર
ધણથી છૂટા પડેલા ઢોર જેવા
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
શબ્દની મૉરીએ કશુક ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું, રોજ.
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુધ્ધાં
હું વાંચી શક્યો નથી.
હતું કે :
કાગળ–કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે અની ખબર નહીં;
બાકી નળિયા આગળ જ નમી પડત.
હજુયે કૌછું કે
મોભારે ચડવાનું માંડી વાળો,
આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય!
બારે મેઘ ખાંગા ત્યાં
નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો’
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું!
મારો ભોંયબદલો
હું
આ નગરમાં ભૂલા પડેલો જણ છું.
કાચની બારીમાંથી
રોજ સાંજે વીખરાઈ પડતુ ધણ છું.
આ અગાસીઓનેે દસ દસ વર્ષથી
ધોતો આવ્યો છું.
વેલકૂંડાં ગોઠવી ગોઠવીને મેં
આંખો લીલી રાખી છે.
મને શું ખબર કે
હું અહીં સુગરીના માળામાં
સાઇઠ વૉલ્ટનો બલ્બ મૂકીશ તે ત્યાં
બધાં જનાવરોની પાંખો ફાટી જશે?
સડકો અહીં આખી રાત જાગે છે.
અમારે નાવું નગરમાં
તે નાચવું નવેરામાં
તે તો કેમ બનવાનું છે?
મહી નદી!
મારા સામું જોઈશ નહીં
હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી.
ઇન્જેક્શન લઈ લઈને
મેં તારું પાણી બદલી નાખ્યું છે.
વગડાનાં વૃક્ષો!
ખાતરી ન થતી હોય તો
આ કાંડું હાથમાં ઝાલી તપાસી લો
મારી નાડીઓમાં ટેબલનો ઉછેર
હવે તળિયું બાંધી રહ્યો છે.
હું કાલે ઊઠીને
ટાઈલ્સ જેવું એળખાવા લાગું તો
તમે જોજો આઘાંપાછાં થઈ જતાં!
તમારી પરકમ્મા કરતાં કેટલાંક પગલાં
હું ત્યાં જ ભૂલી આવ્યો છું.
મારો આ ભોંયબદલો
નહીં સાંખી લે એ!
આણ મૂકીને આંતરી લેજોે બધું.
અહીં મારા પગ ધૂળ વિનાના,
ચોખ્ખા રહે છે.
અને સ્વચ્છ, સુઘડ એવાં વિશેષણ આર્પું
તોપણ ચાલે!
અંગૂઠે આંખ માંડું
ને આખું ભાઠું પી શકું
એવું એકે અનુસંધાન મળતું નથી મને.
મારી આંખમાં ઊડાઊડ કરતા,
થોરિયાનાં પાનમાં તરતા,
દૂધે ધોયેલા મોર
ક્યાં ગયા, હેં?
—ક્યાં ગયા?
ચાલુ ચોમાસે
ચાલુ ચોમાસે
નવેરામાં
નવા આંબા ઊગ્યા હશે....
આ લ્યો!
ઊગેલા ગોટલાને ઘસી–ઘસી
પિપૂડી વગાડવાની ઉંમર તો
આખરે
થડિયું થઈને રહી ગઈ!
અમને ફૂટવાનો અનુભવ
ક્યારે થશે?
હું મને ક્યાં મૂકું?
મારે મારો મુકામ જોઈએ છે.
હું છેલ્લા કેટલાય વખતથી
મારાથી છૂટો પડી ગયો છું.
હું
નથી હસી શક્યો કે
નથી ક્યાંય વસી શક્યો.
લીમડાની સળીઓ ભેગી કરીને
માળો બાંધનાર હોલાએ
એની જગ્યા બદલી નથી,
ગળું ખોંખારી
આખો ઉનાળો ઘૂંટવામાં
એ આજે પણ એકતાર છે.
હું
એના જેવું ભેગું
કેમ રહી શક્યો નથી?
વેરણછેરણ થઈ ગયું છે બધું
થાય છે કે લાવ
પાછે પગલે જઈને કોઈ સ્થળે
અકબંધ રહેલા સમયની છાપ લઈ આવું,
પણ
બાંધ્યા કદનું પગલું
મારો પીછો કરે છે.
મારા પગ
કોઈ નિશ્ચિત આકારની મોજડીઓથી
સિવાઈ ગયા છે.
હું કયો છેડો ઝાલું?
ક્યાંથી ડગ ભરું?
કપડાં ભરવેલી વળગણી ઉપરથી તો
મારી આવ-જા
ક્યારનીય બંધ થઈ ગઈ છે.
બધું જ
બહારનું બની ગયું છે.
મને, મારે
ક્યાં અને ક્યારે મળવું એ જ મોટો સવાલ છે.
હું તમારી સન્મુખ
બેઠો બેઠો વાતો કરતો હોઉં
ત્યારે પણ
બીજે ઠેકાણે ગડીબદ્ધ પડ્યો હોઉં છું.
હું સૂતો હોઉં પથારીમાં
અને મારા શ્વાસ
વગડામાં ક્યાંક લીલા પાનનો રંગ
ધારણ કરતા હોય છે.
પડખું હું અહીં બદલું
ને પાળિયા બીજે રાતા થતા હોય છે.
નખ કાપતી વખતે
હું અનેક છેડેથી વધતો હોઉં છું.
મારી હથેળીની રેખાઓ
છાંયો શોધતી ફર્યા કરે છે
હાથની બહાર!
આ નજરમાં પણ
કેટલા બધાં પાંખિયાં પડી ગયાં છે?
આંખમાં આંખ પરોવીને
આરપાર થઈ શકાયું હોત તો?
તો
હું ખૂણાખૂણા થતો બચી શક્યો હોત.
ભરીભરી વસતિ વચ્ચે
હું વેરાતો જાઉં છું.
મારે ભાગી જવું છે...
એક દિવસ
મેં
મારા હોવા વિષેની
જરાક જગ્યા પડેલી જોઈ હતી
ને મેં,
મારા શ્વાસને
પીપળો થઈ જવાનું કહ્યું હતું!
પછી શું થયું જાણો છો?
બીજે દિવસે
આખા વગડા ઉપર ઉનાળો ત્રાટક્યો હતો!
મેં મારી લાગણીને
નદી થઈ જવાનું કહ્યું હતું
ને બીજે દિવસે
આખા દરિયાને એક વાવટો નડ્યો હતો!
કહો –
હું મને ક્યાં મૂકું?
પાંગથની ભાષા
મૂરતને ગણકાર્યા વગર
મંડપ છોડતો મરસિયો
ક્યાંથી પાછો ફરે છે
એની ખબર પડી નથી.
પણ
જ્યારે જ્યારે એ
ફેરીએ નીકળ્યો છે ત્યારે
અવાજ ઉપર છાંયે ફરી વળ્યો છે.
તમે ‘પવન’ એટલો શબ્દ પણ ન બેાલી રહો
તે પહેલાં
ચાદરમાંથી ગીધનાં પગલાં ખંખેરાવા માંડે
વિસામા!
તમે આટલેથી અટકો.
યાદ રહે તો
ઊછીના અજવાળે અક્ષર ઉકેલજો.
કયા અંગૂઠે દેવતા મૂકવાનો છે
એ તો ખોળી શકાશે
પણ કયા તરભેટે દીવો થિર થવાનો છે
એની ખબર નહીં પડે.
કોઈ પૂછશે તો
કહીશ કે
પાંગથની ભાષા તો હું પણ જાણતો નથી!
’લ્યા જીવ!
લ્યા જીવ!
હેંડ્ય તા,
જરા જોડામાં ચૈડ મેલાઈ જોેઈએ!
આટલું બધું ચાલ્યા
પણ કશો અમલ તો ચડ્યો નહીં.
લે,
બીડીના બેચાર હડાપા ખેંચી કાઢ
આમેય તે
આપણા આંટાફેરાનેા કશો અરથ નથી.
ગાફણના પથરા
પાછા ખેતરમાં જ પડતા હેાય છે
ચાડિયાને શું?
એને ચરવું નહીં કે ચાલવું નહીં!
–મેલ દેવતા!!