સંજુ વાળાનાં કાવ્યો
ગીતઃ
‘રાગાધીનમ’
અણીએ ઊભા
ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!
મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!
થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊંચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!
અનભે ગતિ
પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
પહેલું જ્યાં આકાશ વળોટ્યું
ખરવા લાગ્યો ભાર,
પિચ્છ ખર્યાં ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર.
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
કેટલી વખત? ભેદવાં હજુ
કેટલાં દિગ્દિગંત?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાંય ઠેલાતો અંત.
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
નિમ્નસ્તર વાત
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
કંઈ
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.
વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
ઘરમાં
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
ઘરમાં તો એવું પણ હોય.
મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :
ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ
ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
આપણે
એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે....
ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
તું નહીં તો
તું નહીં તો શું? તું નહીં તો શું?
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.
માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે
નીકળું હું છાંયડાની શોધમાં.
પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ
કહેતી કે જીવતર અવરોધમાં.
સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.
તું નહીં તો શું? તું નહીં તો શું?
છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
ભીંસે આ પહાડોનો ડૂમો.
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ
સામટી સુક્કાઈ જતી બૂમો
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું
આજીજી
અરજ વિનવણી આજીજી
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું,
મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.
તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
હરખે હરખે હારું રે ભવબાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?
આંબલો
ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ...
અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ
સવળે પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ
એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?
ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
એને આકરો ધીખે છે વૈશાખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ છે...
હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ
ને કમખો વણીને કાંઈ પહેરીએ.
માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ
ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે....