સંજુ વાળાનાં કાવ્યો

From Ekatra Wiki
Revision as of 09:55, 26 March 2022 by KhyatiJoshi (talk | contribs) ()
Jump to navigation Jump to search


સંજુ વાળાનાં કાવ્યો

સંપાદક: મિલિન્દ ગઢવી




ગીતઃ ‘રાગાધીનમ’

અણીએ ઊભા

ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!

મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!

થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊંચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!

અનભે ગતિ

પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

પહેલું જ્યાં આકાશ વળોટ્યું
ખરવા લાગ્યો ભાર,
પિચ્છ ખર્યાં ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર.

ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

કેટલી વખત? ભેદવાં હજુ
કેટલાં દિગ્દિગંત?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાંય ઠેલાતો અંત.

ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

નિમ્નસ્તર વાત

વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી

આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી

પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી

કંઈ

જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,
જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

ઘરમાં

બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
ઘરમાં તો એવું પણ હોય.

મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :

ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.

ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ

ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
ઘરમાં તો એવું પણ હોય.

આપણે

એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે....

ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે

થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે

તું નહીં તો

તું નહીં તો શું? તું નહીં તો શું?
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.

માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે
         નીકળું હું છાંયડાની શોધમાં.
પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ
         કહેતી કે જીવતર અવરોધમાં.

સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.
તું નહીં તો શું? તું નહીં તો શું?

છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
         ભીંસે આ પહાડોનો ડૂમો.
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ
         સામટી સુક્કાઈ જતી બૂમો
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું

આજીજી

અરજ વિનવણી આજીજી
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?

તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું,
મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.
તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?

ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
હરખે હરખે હારું રે ભવબાજી જી,
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?

આંબલો


ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ...

અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ
સવળે પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ
એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?

ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
એને આકરો ધીખે છે વૈશાખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ છે...

હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ
ને કમખો વણીને કાંઈ પહેરીએ.
માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ
ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ

મોભ રે મૂકીને ઊડ્યો મોરલો
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે....

પડછાયા ઓઢીએ

લીલી લીંબુડી ઝીણી પાંદડી રે
પાંદડીના પડછાયા ઓઢીએ.
સખીરી, અમે પાંદડીના પડછાયા ઓઢીએ.
સાળુ ખેંચીને કહે વગડાઉ હાથ
સ્હેજ પડખામાં આવીને પોઢીએ.
સખીરી, કહે પડખામાં આવીને પોઢીએ.

પડતર પરસાળમાં ઊગે અસુખ
સાવ ખુલ્લું તડાક મારું છાપરું.
હળવી બોલાશ કોઈ સાંભળે, ન સાંભળે
ત્યાં, ચૌટે વેરાઈ જતી આબરૂ
સૌંસરવી રાત ઝીલું અંધારાં
તોય રહું ખાલીની ખાલી પરોઢિયે.
સખીરી રહું ખાલીની ખાલી પરોઢિયે.

ઓચિંતા ઉભારે ચડતાં ખેંચાણ
જાય વીખરાતી ચારેકોર જાત,
એક એક અંગતતા એકઠી કરું
ને વળી માંડું હું ઓટલે ખેરાત.
અખ્ખાયે ગામના ઉતાર જેવા રસ્તાઓ
ડોકાતા છેક મારી ડોઢીએ.
સખીરી, રહે ડોકાતા છેક મારી ડોઢીએ.

અડધાં કમાડ

અડધાં કમાડ અમે વાખ્યાં
ઉંબરથી મોભ લગી અડવડતાં અંધારાં
ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં...

તાંબાની તાસકમાં ઠાર્યો કંસાર
રાત ઠારી કેમેય નથી ઠરતી,
આઠે પહોર જેના ઊડતી વરાળ
એવી હું કહેતાં ધગધગતી ધરતી.

કારણમાં એવાયે દિવસો પણ હોય
જેને સોણલે સાજણ નથી રાખ્યા..
અડધાં કમાડ અમે વાખ્યાં

હું રે ચબૂતરાની ઝીણેરી જાર્ય
કોઈ પારેવું આવે નહિ ચણવા
મુઠ્ઠીયે હોઉં અને માણુયે હોઉં
કોણ બેઠું છે દાણાઓ ગણવા.

સવળાં બોલાવીએ તો અવળાં સમજાય
એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં?
અડધાં કમાડ અમે વાખ્યાં

ઘાસની સળી

ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી
સખીરી, કોઈ પવનના સુસવાટામાં
ફંગોળાતી સુક્કા ઘાસની સળી.

મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતાં પાણી થઈ રહી જાતું,
અમે જનમથી અંધમતિ કે, પરપોટાને માની બેઠા ધાતુ
સખીરી, પજવે અપરંપાર મને
ફળિયામાં ફળતી દાડમડી.
ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી.

ડહોળાતા દિવસોને વળગી પડું ઘડીમાં ટશિયે ટશિયે તૂટું,
કહો, કહો જી કેમ કરીને લોહીવગી આ લેણદેણથી છૂટું?
સખીરી, આંસુથી ઉજાળ્યા માજમ ઓરડા
ઓસિરયું ઉજાળતાં ના આવડી
ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી

મરણોન્મુખ

કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
ઓલવાતાં અંગોને જાળવવા ઝૂઝે રે
ઝાકળના ખેતરે રખોપિયો...

ચોપનમા વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
કુંડળીમાં પાડ્યું તેં વાંકડું
વાત-વાતે નડતાં કમૂરતાં ને પંચક તે
ગાડે ઘલાય નહીં લાકડું
કહ્યામાં રહ્યા નહીં એક્કે ઇશારા
‘ને હોઠ પર થીજી સિસોટિયો...
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

મુઠ્ઠી તણખલાંની કાયાને ચરી જાય
વગડાઉં લ્હેરખીનું ટોળું,
આથમતી વેળાએ ઝાંખુ ઝબૂકે તું
ફૂટેલા ભાગ્યનું કચોળું.

અડધેરું વય વહ્યું પાણીને મૂલ
અને અડધાનું ગવડાવે જિયો.. જિયો..
કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...

હજુ

હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સૂરીલા.
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં..ચીં..
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા
હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા
હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.

હજુ નદીના કાંઠે કોઈ કૂબામાં ગાતી મુનિયા.
હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.
હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

એક ઝાલું ત્યાં

એક ઝાલું ત્યાં તેર વછૂટે......
અણધાર્યું કોઈ ગીત વીંધીને
લોહી વીંધીને જાય ઘસાતું પગ અંગૂઠે

રાસબરીના નીતર્યા છાંયે
બેસતાં લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર—જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી
જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે

ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગરાગિણી થઈને લીલી નદીઓ વહે
રાગ લપેટું – રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચઢાવું, સદીઓ વહે
કેટલી ઝીણું ઝીંક! ઝિલ્લારે
આંખ સલામત રહી જતી ને દેખવું ફૂટે

પ્રથમ વરસાદ

સખિયન ! મેઘાડમ્બર
સખિયન ! રે નિલામ્બર

સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંતઃકરણથી ધોધ વછૂટે
સખિયન ! થડકારા ઝિલાય વખમ્ભર

સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવત હય ગજરાજ અઠિંગો
સખિયન ! અરવ અંકોડે ઝળક ઝળક ઝળકાતાં ઝુમ્મર

સખિયન ! કંઠ કૂંપળવત્ ઝિલમિલ છેડત મધ્ધિમ સ્વરમાં રાગ કેદારો
સખિયન ! તળાવ તિરાડો હરખદૂડી ધિનધિન નાચત હઈ ઓવારો
સખિયન ! મુઠ્ઠીભર મન પર પથરાતી (લ્હેર લ્હેર લહેરાતી) મર્મર

છેલબટાઉ કુંજમનનું ગીત

         કુંજડીની આંખોમાં ફૂટી રે પાંખો કે
ઝીણું ઝબ્બાક કાંઈક જોયુંં...
         જોયું રે... જોયું રે... એવું તે જોયું કે
આખ્ખુંયે આભ એણે ખોયું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

સાવ ઉજ્જડ ડાંગરનાં ખેતરમાં ખડકાતા પિચ્છાંનો ગઢ
હે...ઈ પિચ્છાંનો ખડકાતો ગઢ
ગેરુડી માટીમાં બર્ફિલી પાંખોના ફગફગતા સઢ
હે...ઈ ફગફગતા પાંખોના સઢ
માંડ માંડ ઉકલતા ચીંથરાંના ચાડિયામાં
છેલ્લબટાઉ કુંજમન મોહ્યું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

છોળ છોળ છલકાતો શેઢાના મહુડાનો ખટમીઠ્ઠો કેફ
હે...ઈ ખટમીઠ્ઠો મહુડાનો કેફ
ટહુકાના હેલ્લારે ઊછળતો આવી ચડે પાદરમાં છેક
હે...ઈ પાદરમાં આવી ચડે છેક
લૂંબ—ઝૂંબ કેફખોર મહુડાનાં પાન ચાખી
ઉડાડી કલરવની છોળ્યું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...

મિલમજૂરોનું સહગાન

હો... રે હેતાળ હાથ ઓળઘોળ વાણામાં
તાણામાં સાટકા–સબાકા....ઓ...હો...રે
કાંજીમાં રેબઝેબ નીતરવું ગૂંથીને
બંધાવ્યા મલમલના તાકા...ઓ....હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે

જીવતર ઝરડાતું રે સાંચાના તાલમાં
વાંચીએ તો વંચાતા વામણા...જર્રાક જટ્
ઉકેલો જેમ, એમ ગૂંચવાતું જાય જાણે
કાચા સૂતરના હો તાંતણા...તડાક તટ્
રેશમિયા ધુમ્મસમાં કેમ કરી ઢંકાશે
ઉઘાડે છોગના ઈલાકા..ઓ...હો...રે
હો...રે...હો તાણામાં સાટકા...સબાકા...ઓ...હો...૨ે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે

ટપકી પડે રે ઝાંખ સોંસરવું દેખવું
‘ને તાર સાથે સંધાતી સૂરતા...સટ્ટાક સટ્
વ્હીસલમાં કેદ રહે ઝાંખું પરોઢિયું ’ને
ભણકારે આંચકા વછૂટતા...ફટ્ટાક ફટ્
રજમાં રજોટાઈ રહેવું વેંઢારીને
જીવમાં પડ્યા છે હવે આંકા...ઓ...હો..રે
હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે

સખીરી-૭

આપું ઋત દિશા ’ને નક્ષત્રોનાં નામ.......
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ

મેં કહ્યું : તું આરસ અથવા
ઝીણી જળવત્ ઘટનાઓની છબી
તેં પવનમાં આળેખીને
ચીંધી પળવત ઘટનાઓની છબી
સખીરી, ભૂરા—તૂરા—આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ

ચાર પ્રહરનું જળ ડ્હોળીને
નીલમિણ શી આંખ બની ગઈ કોડી
અલ્લપ ઝલ્લપ અણસારાવત્
તેજ લકીરે અધમણ મૂર્છા તોડી
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ
આપું ઋત દિશાને નક્ષત્રોનાં નામ.......

મિરાત...

વૃક્ષની મિરાત એના છાંયડા હો...જી....રે...
મનની મિરાત મનસૂબા રે...
આંખની મિરાત ઊંડાં દેખવાં હો...જી...રે...
તે વિના તો ખાલીખમ કૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

રાઈના દાણેથી રંગ કથ્થાઈ ઊડે તે
કોઈ કામિનીમાં દૃષ્ટિ થઈને ઠરે
એમાં સ્હેજ પીળાંનો સ્વભાવ ભળે
તોએ વળી અડાબીડ અંધકાર ચરે
અહો! રૂડાંરૂપ! રૂડી રમણા હો...જી...રે...
એકમાં અનેકના અજૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

આભને મેદાન રમે ખોબોએક તેજ
એનું વહાલ આખી અવનિમાં ઊગે
અદેહી આસવ કોઈ ઝીલે, કોઈ ઘૂંટ ભરી
પીવે, કોઈ ટીપેટીપે ચૂગે
કોઈ ઊંચા હાથ કરી ચીખતા હો...જી... રે...
આકંઠ મેં તો ડૂબા-ડૂબા રે...
મનની મિરાત મનસૂબા રે...

સંકેલી લીધા

જળ જીવાડયાં, પરપોટા સંકેલી લીધા
નર્યાં સાચની પડખે બેઠા
ને ફોટા સંકેલી લીધા

આંખોમાંથી કરડાકી નિતારી લીધી
કર્યો મૂછનો રુવાબ નીચો
ભદ્દી ભડકાબોળ વિફરતી વૃતિ માથે
ધરપતનો ફેરવીએ પીંછો
સ્મિતવતીના સ્મિતે એવું મોહ્યા કે
સૌ હાંકોટા સંકેલી લીધા
જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા

ક્લિનશેવથી સૌમ્યરંગ ચીપકાવ્યા ચહેરે
ભાલે તાણ્યાં કુમકુમ તિલ્લક
વાત વિગતે બહુ વિવેકી, વાણી જાણે
મધરાતે ગાતું હો પીળક
લય લ્હેરખડી વહો હવે લ્યો! લીટા...
લચકા....લિસોટા સંકેલી લીધા
જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા

બીજ ગીતો

કવિ!

કવિ!
તમે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ

કાગળ જેનું સ્થાપન એને અક્ષર સ્વયં દીવો
અનુભૂતિનું ભાથું બાંધી લાવે, એ મરજીવો
એના તાપે જાય આથમી કૃતક કોટિક રવિ
હોય થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ

નર્યા તેલનું ટીપું નહિ પણ સૂતર બળતું સાથે
પડે પરખ એ પ્રમાણ દેવા ચડે ગંધના પાથે
વિકલ્પ તારી સામે ઊભો હવન થવું કે હવિ?
ભલે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ?

અજવાળાં આરાધે એને કઈ ખોટ શું તમા?
શું અદકેરું એનાથી જ્યાં આભૂષણ હો ક્ષમા?
બસ એજ સધિયારો જેનું હૃદય રહેતું દ્રવિ
અરે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ

સાધો!

સાધો!
ખેસખલીતા લપછપ છોડી અજવાળાં આરાધો!
ચાર પરોવી ચોકી બાંધી આપોઆપ સમાણી ચાર
નવમી નિજમાં બીજ સ્વરૂપા દસમી તું દાખ્યાથી બ્હાર
કસ્તુરી પેટાવી કેડા આળેખો.. ને વાંધો
સાધો, અજવાળાં આરાધો!

હું-માંથી હડસેલ્યો હું-ને તું માંથી-કાંઈ તાણ્યો હ્રસ્વ ઉ
એકમના થઈ આસન વાળ્યાં જેમ જ્યોતમાં પલટાયા રૂ
ભાવ કર્યો ત્યાં ભળ્યા ધુમાડે સંચિત સૌ અપરાધો
સાધો અજવાળાં આરાધો!

ઝળમળતા અંજવાસે બેઠા રવિ-ભાણ નિજારી શૂરા
તાર મેળવી જીવણ બોલ્યા સંભાળો ધખના’ળી ધૂરા
રસ વાણીમાં તમને લાધ્યો, એવો સૌને લાધો
સાધો, અજવાળાં આરાધો!

વ્હાલાપંચક

....મ્હેણું !

વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
મને કહે : તું ખમતીધર હું તારા પગની રેણું

ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણું!

અદેખાઈથી બળી-ઝળીને થઈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણું

જી

કડવી કાચી લીંબોળી,
તીખાશ રાઈના દાણે જી!
મધનું ટીપું મળે જીભને
એમ મને તું જાણે જી!

ઝાકળવરણા દિ’ ઊગતા
ને મહેકવરણી રાતો જી!
હડી કાઢવા હોઠ વચાળે
હરફ વિહવળ થાતો જી!
આલિંગે તે અનહદપદનાં
મૂલ અમૂલા નાણે જી
મધનું ટીપું મળે જીભને
એમ મને તું જાણે જી!

ફૂલકજર કાયામાં મબલખ
મ્હોર્યા મોઘમ મરવા જી
મચી મહેકની હેલીમાં કાંઈ
આભ ઊતરતા તરવા જી!
અમે જ અમને ઉકેલવાને
દોડ્યા પગ અડવાણે જી
કડવી કાચી લીંબોળી,
તીખાશ રાઈના દાણે જી!

ઘા

બહુ ગમતા આ ઘા!
તમે કહ્યું : કાજળમાં અગણિત
રંગ ભાળ અથવા તો ઊઠી જા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!

હતું નઝરથી નજીક એને વનવગડે જઈ શોધ્યું
નાહકનું નતમસ્તક થઈને અધકચરાને પોષ્યું
કયા કારણસર નર્યા બતાલા
સામે હો કરવાનું તા થૈ તા
બાવાજી, અમને બહુ ગમતાં આ ઘા!

ભળી કુતૂહલ ભેળી ભ્રમણાના ભાળે કે ચોખ્ખું
જ્ઞાનગૂંચના આટે-પાટેતળ ઉલેચ્યાં, લોચ્યું
ઊંડળમાં લીધા અડસટ્ટા
જેમ ફૂંકાતા વેરાનોમાં વા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!

નીંદરનાં સૌ પડળ ખોલવા કરી વિનવણી એવી
નરી ફૂંકથી કરી ઇશારો વાત કરી નહીં જેવી
શું કરવું, ક્યાં જઇ નાખવી?
અડાબીડમાં સમજણ નામે ઘા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!