જયદેવ શુક્લની કવિતા/અનોખા અંછાદસના કવિ
જયદેવ શુક્લ જ્યારે કાવ્યલેખનનો આરંભ કરે છે ત્યારે ગુજરાતી કવિતામાં આધુનિકતાનું વર્ચસ્વ હતું. આધુનિક ગુજરાતી કવિતાનાં ઘણાં મહત્ત્વનાં પરિમાણો પણ સિદ્ધ થઈ ચૂક્યાં હતાં. એટલે એ નવ કવિઓ સામે સર્જનાત્મક ઉન્મેષો દાખવવાના મોટા પડકારો હતા. જયદેવ શુક્લે આ પડકાર પોતાની રીતે ઝીલીને આધુનિકતાનો વિસ્તાર કર્યો. એ દૃષ્ટિએ ‘પ્રાથમ્ય’ની કવિતા ઘણી વિલક્ષણ એ વિશિષ્ટ પૂરવાર થઈ. ‘પ્રાથમ્ય’ ચાર જુદા જુદા કેન્દ્રોથી રચાતી કવિતાનો સંચય છે. પ્રકૃતિ માટેનું આકર્ષણ, તીવ્ર રતિઝંખના, લલિતકળાઓના સંદર્ભો અને સ્વ-ઇતિહાસ જેવાં ચાર મુખ્ય કેન્દ્રોની આસપાસ રચાતી ‘પ્રાથમ્ય’ની કવિતા તેમાંની સંવેદનશીલતા અને ઇન્દ્રિય સંતર્પકતાને લીધે પ્રભાવક બની છે. ‘પ્રાથમ્ય’નાં કેટલાંક કાવ્યોમાં રતિવિષયક સંવેદનાનું કાવ્યાત્મક નિરૂપણ થયું છે. જેમકે, ‘ભેજલ અંધકારમાં’ એ કાવ્યમાં રતિક્રીડાના વર્ણન માટે કવિએ શિવાલયના વાતાવરણને પ્રતીકાત્મક રીતે યોજી, લિંગપૂજા સાથે જોડાયેલા આદિમ સંકેતોનો લાભ લીધો છે. તો, ‘પરોઢ’માં રતિક્રીડાના આનંદને અપ્રસ્તુત રાખી, પરોઢના પ્રસ્તુત વર્ણનથી જ કાવ્યાર્થ પામી શકાય તેવી કાવ્યયોજના કરી છે. કાવ્યને અંતે : ‘રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી/ ભૈરવી-મઢ્યું પરોઢ/પાંખો ફફડાવતું ઊડ્યું!’ એવી પંક્તિઓ સાથે, સમગ્ર રાત્રિપર્યન્ત ચાલતી કામક્રીડા, સંગીતના જલસાની જેમ ભૈરવીના ઉલ્લેખથી કળાત્મક રીતે સમાપન સુધી પહોંચે છે. ‘જલસો’ નામના કાવ્યમાં પણ શરીર અને સંગીત-વાદ્યના સંસ્કારો ઓતપ્રોત બનીને વ્યક્ત થયા છે. મસ્તિષ્ક, શ્વાસ, હૃદય, નાભિ, ચરણ અને હાથ સાથે અનુક્રમે સંતુર, તાનપુરો, મૃદંગ, ષડ્જ, થાપ અને સિતાર જેવા સંગીતનાં ઉપાદાનોને કવિએ જે રીતે જોડ્યાં છે તેમાં જ ભારોભાર કાવ્યાત્મકતા છે. કાવ્યની યોજના માટે કવિએ અપનાવેલી સંસ્કૃતમય ‘ષડંગન્યાસ’ની રચનારીતિ પણ અપૂર્વ છે. સંગીતની જેમ ચિત્રકળાની પરિભાષાને લીધે જયદેવ શુક્લની કવિતાનું એક વધુ પરિમાણ ઊઘડે છે. ‘વૈશાખ’ કાવ્યમાં કવિએ ઉનાળાની રૂપલીલાનું આલેખન કરવા જે રીતે રંગલીલાનો આશ્રય લીધો છે તેમાં દૃશ્ય ઉપરાંત સ્વાદ, સ્પર્શ, ગંધ અને ધ્વનિના સાહચર્યો પણ ભળ્યાં છે. જયદેવ શુક્લના કવિકર્મની સૌથી મોટી પ્રયોગશીલતા ‘ગોદારને...’ કાવ્યમાં જોવા મળે છે. તેમાં સિનેમાકાળનું પરિમાણ ઉમેરાય છે. ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક જ્યાં લૂક ગોદારની ‘Week-end’ તથા ‘Breathless’ ફિલ્મો જોઈને કવિએ જે સંવેદન અનુભવ્યું તેનું નિરૂપણ આ કાવ્યમાં છે. સંવેદનની અભિવ્યક્તિ માટે કવિ ગોદારની ફિલ્મ જેવી રચનારીતિ પ્રયોજે છે. [એમાં, fade in કે dissolve જેવી, ગોદારની ફિલ્મમાં જોવા ન મળતી રચનારીતિનો ઉલ્લેખ ચૂક ગણાય.] ફિલ્મના ક્રેડિટ ટાઈટલ્સ જેમ કાવ્યમાં વચ્ચે વચ્ચે આવતાં, કાવ્યરચના વિશેના વિગતદર્શી ઉલ્લેખો, ઘણા નવીન છે. આ પ્રકારની કાવ્યસામગ્રી અને કાવ્યભાષા તથા રચનાપ્રયુક્તિની દૃષ્ટિએ ‘ગોદારને....’ એ ગુજરાતી કવિતામાં અજોડ કાવ્યપ્રયોગ છે. આવું જ બીજું સર્જનાત્મક સાહસ કવિ ‘તાલકાવ્યો’માં કરે છે. આ કાવ્યોમાં તાલની માત્રા સાથે કાવ્યપદાવલિનું અદ્વૈત રચાય છે તેથી અછાંદસ કવિતાનો વિશિષ્ટ લય સિદ્ધ થાય છે. ‘તાલકાવ્ય-૧’માં ‘દિવસે,/ અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને/ રાત્રિએ/ ઝપતાલના ઠાઠમાં/ મ્હેકતો પસાર થતો જોયો છે કદી?/ ધીંના ધીંધીંના તીંના ધીંધીંના./ વર્ષાની/ આછી ઝરમરમાં/ બન્ધ બાજના તિરકિટના ‘રેલા’/ સુણ્યા છે કદી?’ એવી બે પ્રશ્નોક્તિઓ દ્વારા કવિએ ગ્રીષ્મ અને વર્ષાનો તાલસંગીતમય અનુભવ ગુજરાતી ભાવકને પહેલીવાર કરાવ્યો છે. કાવ્યને અંતે આવતી સંગીતકલ્પનવાળી પંક્તિઓ [‘ક્યારેક વર્ષો પર્યન્ત/ સમ પર અવાતું જ નથી’ ...‘હું અદ્ધર શ્વાસે/ રૂપક તાલના ખાલી પર સમ જેવી/ કોઈ ઘટનાની/ પ્રતીક્ષા કરું છું....’] તો સઘન વ્યંજનાસભર છે. આમ, જયદેવ શુક્લની કવિતામાં આવતા ચિત્ર, સિનેમા કે સંગીતના સંદર્ભો કોઈ દેખાડારૂપ નથી, પરંતુ આ બધી કળાઓ સાથે કવિનો કેવો જીવંત સંબંધ છે તથા તેનો કાવ્યમાં વિનિયોગ કરવાની કેવી સર્જનાત્મક મથામણ છે તેનો પરિચય થાય છે. જોકે આ પ્રકારનાં કાવ્યોમાં જ પોતાની સર્જકતા સીમિત ન બની જાય તે પ્રત્યે આ કવિ સભાન છે અને એથી જ તેઓ ‘તાળું’, ‘કાંટો’, ‘પણ, આમ કેમ બનતું હશે?’ જેવી સામા છેડાની કાવ્યરચનાઓ તરફ વળે છે. ‘તાળું’માં આયુષ્યના છત્રીસ વરસો પછી પણ ન ખૂલેલાં તાળાં પાછળની અકબંધ મૂંઝવણોને કવિ હળવાશભરી નાટ્યાત્મક અભિવ્યક્તિ આપે છે. એમાં એકબાજુ પ્રાસજન્ય શબ્દરમતો દ્વારા તો બીજી બાજુ પ્રચલિત સુક્તિઓ દ્વારા જીવન વાસ્તવની વિડંબનાનું તીવ્ર આલેખન થયું છે. આ કાવ્યનું એક બીજું સ્તર ‘કાંટો’ રચનામાં ઊઘડે છે. ‘પણ, આમ કેમ બનતું હશે?’ એ કાવ્ય, ભલે રચનારીતિએ જૂદું લાગે તેમ છતાં આ કાવ્યને પણ ‘તાળું’ અને ‘કાંટો’ના અનુસંધાનમાં જ વાંચી શકાય. આ ત્રણે કાવ્યોમાં કાવ્યગત સંવેદન, કાવ્યભાષા, કાવ્યપ્રયુક્તિઓ વગેરે બદલાય છે ને એમ સર્જનાત્મકતાની નવી દિશાઓ તરફ કવિની ગતિ થાય છે. જયદેવ શુક્લના દીર્ઘકાવ્ય ‘વ્રેહસૂત્ર’નો કવિના અંગત સંસ્કાર અને જીવન ઘડતર સાથે ગાઢ સંબંધ છે. કવિના સાંસ્કારિક અને પારિવારિક સંદર્ભો બીજાં કાવ્યોના પણ નિમિત્ત બન્યાં છે, પરંતુ ‘વ્રેહસૂત્ર’માં એ બધાનો સરવાળો થયો છે. ‘વ્રેહસૂત્ર’માં સ્વ-ના કેન્દ્રથી પરંપરા અને ઇતિહાસ, નારીની ઝંખના અને શોધ, વિફળતા અને વેદના, એકલતા અને અંજપો – એ બધાનું પૌરાણિક સંદર્ભો અને ગતિશીલ કાવ્યભાષા દ્વારા આલેખન થયું છે. આમ, નવમા દાયકામાં પ્રગટ થયેલા ગુજરાતી કાવ્યસંગ્રહોમાં જયદેવ શુક્લનો ‘પ્રાથમ્ય’ સંગ્રહ ઘણી ઘણી રીતે નોખો તરી આવે તેવો છે. બહુ થોડા કવિઓ પોતાના પ્રથમ કાવ્યસંગ્રહમાં આટલી સમૃદ્ધિ લઈને આવતા હોય છે. ૦ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’નાં પચાસેક કાવ્યોમાં જયદેવ શુક્લની સર્જકતાનો નવો પરિચય મળે છે. ‘પ્રાથમ્ય’નાં કાવ્યોમાં કલ્પનશ્રેણીનું પ્રાધાન્ય હતું તે ઓછું. થાય છે. હવે વર્ણનાત્મક, કથનાત્મક ને ક્યારેક નાટ્યાત્મક રચાનારીતિ પ્રયોજનાનું કવિવલણ પ્રબળ બને છે. જનાન્તિકગુચ્છ અને નાયિકાગુચ્છનાં કાવ્યો ઉપરાંત રાજકીય-સામાજિક વાસ્તવ વિશેનાં થોડાંક કાવ્યો એ દૃષ્ટિએ નોંધપાત્ર છે. જનાન્તિકગુચ્છનાં કાવ્યોમાં પિતા-પુત્રનો ભાવસંબંધ કેન્દ્રમાં છે. એમાં આલેખિત ભાવસ્થિતિઓ કે આછી પાતળી ઘટનાઓને અંગત જીવનનો આધાર છે. કવિ એમાંથી તાટસ્થ્યપૂર્વક કાવ્ય સિદ્વ કરે છે ‘દરજીડો’ અને ‘અંધારું ધસી પડે છે’માં પિતા-પુત્રની નિકટતાનાં હૃદયસ્પર્શી ચિત્રો અંકાયાં છે, તો ‘પપ્પા, બોલો ને...’માં દૂરતાનો અનુભવ શબ્દબદ્ધ થયો છે. એમાં ટેલિફોન-ટોકની પ્રયુક્તિ કાવ્યોપકારક બની છે. જ્યારે ‘બિલાડી, બચ્ચું, લખોટી અને તું’માં બાળવાર્તાની કથનશૈલી, કાવ્યને અસરકારક બનાવે છે. જનાન્તિકગુચ્છનાં કાવ્યોનું વધુ એક ભાવપરિમાણ ‘રસ્તો ઓળંગતી વેળાએ....’માં જોવા મળે છે. આ કાવ્યમાં ‘તે સાંજે’ અને ‘આજે ભૂખરી સાંજે’થી શરૂ થતા બે એકમો ભૂતકાળ અને વર્તમાનનો સંકેત કરે છે. રસ્તો ઓળંગવાની ઘટના વડે આ બંને કાળ જોડાય છે. કાવ્યને અંતે ‘બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે./ હું સામે પાર પહોંચી જાઉં છું’ એ પંક્તિઓની વ્યંજના સઘન વેદનાનો અનુભવ કરાવે છે. આ રીતે જનાન્તિકગુચ્છનાં કાવ્યોમાં કવિકર્મના અનેક વિશેષો આગળ તરી આવે છે. નાયિકાગુચ્છનાં કાવ્યો પણ સંવેદનની માર્મિક અભિવ્યક્તિની દૃષ્ટિએ રસપ્રદ છે. ‘આ રચનાઓમાં નાયિકાની અનુપસ્થિતિ, તેના પુનઃ આગમનની પ્રતીક્ષા, આગમનવેળાની રમણીય કલ્પના જેવી વિવિધ ભાવસ્થિતિઓ; ગૃહજીવનની રોજિંદી બાબતો અને ઘરગથ્થું સામગ્રીના ઉલ્લેખોથી તથા સ્મૃતિલીલા, સમયસંવેદના અને સૂઝપૂર્વકના ભાષાકર્મ દ્વારા કાવ્યરૂપ પામે છે. નાયિકાગુચ્છની કેટલીક રચનાઓમાં રતિભાવના આછાપાતળા સંકેતો પણ છે, જે ‘કેવેફી વાંચતાં જાગેલું સ્મરણનાં બે કાવ્યોમાં વિસ્તરે છે. આ કાવ્યોમાં તીવ્ર કામાવેગનું સાહસિક આલેખન પ્રતીકાત્મક રીતે થયું છે. બંને કાવ્યમાંથી એકેક ઉદાહરણ જોઈએ : ૧. સ્ટ્રોબેરી આઈસક્રીમના/ મરુન-લાલ ટુકડો/ મોંમાં રચે મેઘધનુષ. મન્દ મલકાટ ચૂમી લેવા/ પાસે સરું./ ચમચીમાંથી આઈસક્રીમ/ પેન્ટ પર, બધેબધ રેલાઈ ગયું,/ આજની જેમ જ.
૨. સન્તુલન જાળવવા/ જોરથી હેન્ડલ ભીંસ્યું... સાથે અંગૂઠો/ ઘંટડી પર પડતાં/ ટણણણન્... ટણનન્... નજર સામે/ ફુવારો/ આકાશ આંબતો હતો આ પ્રકારની નિરૂપણની પરાકાષ્ઠા ‘સ્તનસૂત્ર’નાં બાર લઘુકાવ્યોમાં આવે છે. આ કાવ્યોમાં સ્તનવિષયક અનુભૂતિ ક્યાંક સાદૃશ્યથી [ઃ કાયાનાં/ તંગ જળમાં/ ડોલે છે/ એ તો ફાટફાટ થતાં/ કમળો જ!]; તો ક્યાંક સાહચર્યથી [ઃ તે જાંબુકાળી સાંજે/ છકેલ ડીંટડીઓએ/ આખા શરીરે/ ત્રોફેલાં/ છૂંદણામાં/ ટહુક્યા કરે છે/ કોયલકાળો પંચમ!]. કોઈક લઘુકાવ્યમાં તો સંસ્કૃત શૃંગાર કવિતાની હરોળમાં મૂકી શકાય તેવી સર્જકતા છલકાય છે [ : ચૈત્રી ચાંદની./ અગાશીમાં/ બંધ આંખે/ સ્પર્શ્યા હતા હોઠ/ તે તો લૂમખાની/ રસદાર/ કાળી દ્રાક્ષ!]. લઘુ કદની રચનામાં પણ કેવો વ્યાપક અર્થવિસ્તાર સિદ્ધ થઈ શકે તે જાણવા ત્રણ પૃથ્વીકાવ્યોનું સઘન વાચન કરવું જોઈએ. આ ત્રણ લઘુકાવ્યોમાં પૃથ્વી માટે અનુક્રમે નાનો દાણો, લખોટી અને દડો જેવા લઘુ, પણ ક્રમશઃ વિસ્તરતા જતા સાદૃશ્યો પ્રયોજાયાં છે. આ સાદૃશ્યમૂલક ઉપાદાનમાં લખોટી-દડો છે એટલે જ પૃથ્વી સાથેની રમત શક્ય બની છે. આ રમતની વિલક્ષણતા એ છે કે તે માત્ર પૃથ્વી સુધી સીમિત રહેતી નથી; બીજા અને ત્રીજા લઘુકાવ્યમાં ચન્દ્ર અને સૂર્ય સુધી પણ વિસ્તરે છે. રમતના પરિણામની સંભાવના પણ દરેક કાવ્યને અંતે ‘તો?’ દ્વારા સૂચવાય છે. એમાં બાળસહજ વિસ્મયનો સંકેત પણ છે. પૃથ્વી પરનું જીવન જાણે બાળરમત હોય તેવી રમતિયાળ શૈલીથી લખાયેલાં આ લઘુકાવ્યોમાં કવિની સર્જકતા સઘનતાથી પ્રગટી છે. જયદેવ શુક્લના પૃથ્વીપ્રેમનો એક વધુ પરિચય ‘પૃથ્વીપુષ્પ’ કાવ્યમાં થાય છે. ‘જળ ઉપર/ બન્ધ આંખે/ ફૂલ બની તરતા હોઈએ’ એવા આરંભ અને ‘હાલક-ડોલક અરીસામાંથી/ ઊંચકાય/ પૃથ્વીપુષ્પ’ એવા અંત દ્વારા ક્ષીરસાગરમાં પોઢેલા વિષ્ણુની નાભિમાંથી ખીલેલાં કમળપુષ્પ અને સૃષ્ટિની ઉત્પત્તિનો સંકેત ‘પૃથ્વીપુષ્પ’માં સાથલગો પામી શકાય છે. આ પુષ્પવતી પૃથ્વીને કોઈ છેડે ઘર આવેલું છે. આ ઘર વિશે પણ જયદેવ શુક્લે ‘ઉનાળામાં ઘર’ અને ‘પ્રથમ વર્ષા – નવા ઘરમાંથી’ જેવાં શુદ્ધ કાવ્યો લખ્યાં છે. આ બંને કાવ્યોમાં ઘર વિશેની બે જુદી જુદી ઋતુકાલીન સંવેદના, અભિવ્યક્ત થઈ છે. ‘ઉનાળામાં ઘર’ એ કાવ્યમાં ‘કાંસાના/ધધખતા રસમાં/ બૂડતા ઘરનો/ બુડબુડાટ ને વરાળ ચારેકોર...’ એમ બૂડતા ને બાષ્પીભૂત થતા ઘરને સક્કરખોરની ઝીણી સિસોટી ઉગારી લે છે પછી ‘ચમકતા ઘેરા ભૂરા રંગથી છલોછલ’ બનેલું આખ્ખું ઘર, હવે બૂડવાને બદલે, સક્કરખોર સાથે ઊંચકાઈ ઊડે છે ને પતંગની ડોર પર ડોલતા ફાનસની જેમ ડોલતું ડોલતું’ સરગવાની ડાળ પર જઈ બેસે છે. આ કાવ્યમાં, ઉનાળામાં બૂડતા ઘરને સક્કરખોર બચાવે છે તો, ‘પ્રથમ વર્ષા – નવા ઘરમાંથી’ એ કાવ્યમાં દરજીડો, વર્ષામાં નવું ઘર સજાવે છે, આ રીતે : ‘દરજીડો ઝરમર લઈ સીવતો જાય માળો.’ ત્યારે ‘હવા કાળિયોકોશી બની હાંફે’ છે અને ‘ટપક ટીપાં ને ઝરમર ઝીલી ખૂણે સંતાય’ છે પૃથ્વી. આમ, આ બંને રચનાઓમાં કવિ, સંવેદનની ઝીણી ઝીણી નકશીઓથી ઓપતું કાવ્યશિલ્પ ઘડે છે. ઘરની જેમ ઘરના સ્વજનો વિશે પણ જયદેવ શુક્લે થોડાં કાવ્યો લખ્યાં છે, એમાંથી ‘મા’નાં કાવ્યો અહીં લીધાં છે. જે માને કારણે આ જગતમાં પોતાની ઉપસ્થિતિ છે તે મા-ની અનુપસ્થિતિને કારણે કવિ-કાવ્યનાયક કેવી અસહાય સ્થિતિમાં મૂકાય છે તેનું માર્મિક નિરૂપણ – (સહાય કરનારી) લાકડીના પ્રતીક વડે – આ ત્રણ કાવ્યોમાં છે. જયદવે શુક્લે છેલ્લા બે’ક દાયકા દરમ્યાન ઘટેલી આસમાની-સુલતાની ઘટનાઓ વિશે પણ ‘એક પીળું ફૂલ’, ‘માગશરની અમાવાસ્યા’, ‘ધુમાડો’, ‘૨૬મી જુલાઈ ૨૦૦૮’, અને ‘હા ભઈ હા, બધેબધ પડે જ છે’ જેવાં કાવ્યો લખ્યાં છે. ‘એક પીળું ફૂલ’માં કવિએ દિવાળીના દિવસો દરમ્યાન ઓરિસ્સામાં આવેલા વિનાશક પૂર અને વાવાઝોડાને તથા ગુજરાતના દિવાળી ઉત્સવને સામસામે મૂકી એક સંવેદનશીલ માનવી તરીકેની પ્રતિક્રિયા રજૂ કરી છે. જ્યારે ‘માગશરની અમાવાસ્યા’માં રમખાણોની હિંસક અસર, અમાસના સાહચર્યે છેક આકાશ સુધી ફેલાતી દર્શાવી છે. જોકે આ બંને કાવ્યોમાં ઘણુંબધું અધ્યાહાર રહેતું હોઈ, એમાંના ઘટનાસંદર્ભો પકડવા અઘરા બને છે. કાવ્યસંક્રમણની આવી કોઈ મુશ્કેલી ‘ધુમાડો’ અને ‘૨૬મી જુલાઈ ૨૦૦૮’માં નડતી નથી. ‘૨૬મી જુલાઈ ૨૦૦૮’ના રોજ ટી.વી. પર બોમ્બ બ્લાસ્ટનું દૃશ્ય જોતાં કાવ્યનાયકની માનવીય સંવેદના અને લાચારી જે રીતે આ કાવ્યમાં પ્રગટ થઈ છે તેમાં કવિની નિસ્બતનો એક જુદો જ અર્થ ઉઘડે છે. ‘હા, ભઈ હા, બધેબધ પડે જ છે.’ એ કાવ્યમાં પણ સાંપ્રત વિશેની પ્રતિક્રિયા નિરાળા સ્વરભાર સાથે વ્યક્ત થઈ છે. આ કાવ્યમાં કવિએ બસ, ટ્રેન, ઑફિસ કે પાર્કમાં સામાન્ય નાગરિકો વચ્ચે થતી વાતચીતની શૈલી પ્રયોજીને વર્તમાન સાંસ્કૃતિક કટોકટીના ઘણા સંકેતો કર્યા છે. કાવ્યપદાવલિ તથા કાવ્યપ્રયુક્તિની દૃષ્ટિએ આ કાવ્ય જયદેવ શુક્લની કવિતામાં ઘણું નોખું તરી આવે છે. આવું જ બીજું વિલક્ષણ કાવ્ય ‘ગબડાવી દે, ફંગોળી દે...’ છે. આ કાવ્યમાં પરંપરાગ્રસ્ત બ્રાહ્મણસંસ્કારો સામે ઘણા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. ‘ગાય માટે કાઢેલું ભૂંડને ખાતાં જોઈ/ ઉગામેલો હાથ/ અચાનક/ હવામાં સ્થિર.’ એવા આરંભ પછી, ભૂંડ તરફનો તિરસ્કાર ક્રમશઃ સ્વીકારમાં પલટાતો જાય છે તેનું અસરકારક નિરૂપણ આ કાવ્યમાં થયું છે. આ કાવ્ય આપણી સામાજિક વ્યવસ્થાના પુનર્વિચાર માટે તાકીદ કરે છે. આમ, આધુનિકતાના બીજા તબક્કામાં અને આધુનિકોત્તર કાળમાં કવિ જયદેવ શુક્લ કશાયથી અંજાયા વિના કે કોઈનું ય અનુકરણ કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાવ્યસર્જન કરતા રહ્યા છે. કવિતા વિશેના ઉચ્ચ આગ્રહો અને કાવ્યસિદ્ધિ માટેની અત્યંત સભાનતાને કારણે એમણે ઘણું ઓછું લખ્યું છે. જોકે એમના જેવા કવિએ જેવું લખવું જોઈએ તેવું લખ્યું છે. ઘૂંટીઘૂંટીને લખ્યું છે. આવા ગુજરાતી કવિ જયદેવ શુક્લની કવિતા ગુજરાતી ભાવક પાસે વિશેષ સજ્જતાની અપેક્ષા રાખે તેવી છે. આપણી ભાષાના ભાવકો પોતાની રુચિ બરાબર કેળવીને કવિ સાથે સંવાદ કરે તો એમને અન્યાય ન થાય. ભાવકોની પરંપરાગત રુચિને પડકારતા આવા કવિઓ વિના કોઈ પણ ભાષાને ચાલે નહીં.