સોરઠી બહારવટીયા - 2/૧.

From Ekatra Wiki
Revision as of 12:13, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧.|}} {{Poem2Open}} પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા માર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧.

પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે. પણ પનીઆરીના માથા પરનું બેડું જરીકે ડગમગતું કે છલકાતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડી રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકારો નથી. નિરખીને અજાણ્યે અસવાર તો આઘેરો ઉભો જ થઈ રહ્યો. આ ભીનલાવરણી પનીઆરીનાં કાંડાંનું કૌવત નિરખીને એ રાજપૂત જુવાનનો શ્વાસ હેઠો બેસી ગયો. પડખે ચાલતા આદમી પાસેથી પોતે જાણી લીધું કે આ ગામનું નામ હમોસર : માછીમારની દીકરી : બાપનું નામ મલણ કાળો : હજી બાળ કુંવારડી જ છે.*[૧] “ઓહોહો! આના પેટમાં પાકે એ કેવા થાય! મનધાર્યા મલક જીતી આપે!”

  • કર્નલ વૉટસન પોતાના 'કાઠીઆવાડ સંગ્રહ'માં લખે છે તે પ્રમાણેતો આ કન્યા મલણકાળાની પોતાની નહિ પણ દત્તક દીકરી હતી.એટલે કે ઓખામંડળની અંદર હેરોળો નામની જે રાજપૂત જાતિનીચાવડા રાજપૂતોએ કતલ કરી નાખી, તે હરોળોના સરદારની આ પુત્રીને મલણે શરણે લીધી હતી. (જુઓ કા. સ. પાનું ૩૧૦ )

એવા વિચાર કરતો ઘોડેસ્વાર ઘોડો ફેરવ્યા વગર, પાછા વળીને પોતાની ફુઇના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી : “ફુઈ, પરણું તો એક એને જ.” રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શે સંખાય? કુળનાં અભિમાન કરતી એ બોલી : “અરે બાપ! ઈ તો કાબા : ગોપીયુનાં વસ્તર લૂંટનારા ; "પણ ફુઈ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડિવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા!” “પણ વીરા! એના તો માછલાં મારવાના ધંધા : કાળાં વહરાં એનાં રૂપ : અને તું તો કચ્છ ભુજનો ફટાયો : જદુવંશીનું ખોરડું : આપણને ઈ ખપે?" “ખપે તો ઈ એક જ ખપે ફુઈ! જગતમાં બાકીની બધી નાની એટલી બેન્યું, ને મોટી એટલી માતાજીયું!” આરંભડાના રાઠોડોને ઘેર રીસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હમૂસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં, 'વાઘેર' એની જાત કહેવાણી. કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસ ગામ પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મ્હોંમાંથી નીકળી ગયું કે “ઓહોહો ભા! હી તે માણેક મોતી જેડો! લાલમલાલ માણેક!” તે દિવસથી 'માણેક' નામની અટક પડી. વાઘેરની તમામ કળીઓમાં 'માણેક' શાખાની કળી ઉંચી લેખાણી. ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડાં અને ઉંડા વખંભર ખડા. વળી કાબાકુળનો તો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વ્હાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓ લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા, તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાવેરો ઠરાવી જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.