સોરઠી બહારવટીયા - 2/૨.

From Ekatra Wiki
Revision as of 12:15, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨|}} {{Poem2Open}} માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરૂષો પાક્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરૂષો પાક્યા. એણે વાઘેરોની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી કેવી એની વાતો થાય છે: સોરઠ ધરામાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણીઆણી ઉતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેશુડા સરીખો બેટડો રમી રહ્યો છે. ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો “કેર માડુ આય?” “સમૈયા માણેક! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુ જે તો સો નારીએર સમૈયા માણેકજે કપારમે ઝોરણાં!” [એક ઓરત આવી છે, ને એ તો એમ કહેછે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એકસો નાળીએર ફોડવાં છે.] પરદેશણ બાઈએ કહેવરાવ્યું : “બાપા! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો'તો થાતો, તે માનતા કરી કે જો શામળાજી દીકરો દેશે તે દ્વારકાના દેવરાજા સમૈયાને કપાળે હું એક સો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું તું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળીઓ પૂજાતો હશે!" “નાર સમૈયા! તોજી માનતા! ફોડ હણેં મથ્યો! દેવજા ડીકરા!” એમ કહી કહી દાયરે દરબારની ઠેકડી આદરી. સમૈયાએ દાતણની ચીરો નીચે નાખી, મોઢું ધેાઈ, દ્વારકાધીશની સામે હાથ જોડ્યા. ને પછી બાઈને કહેવરાવ્યું: “હલી અચ! મંઝી ધી! હલી અચ! તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડીઆંસી! [હાલી આવ.. મારી દીકરી! હાલી આવ. ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે.”] એક સો શ્રીફળનો હંબાડ કરીને બાઈ ઉભી રહી. દીકરાને સરૈયાના પગમાં રમતો મૂકયો. પહેલું શ્રીફળ ઉપાડ્યું. માણસ જેવા માણસના કૂણા માથાને પત્થર માનીને શ્રીફળ પછાડવા જાતાં એનો હાથ આંચકા લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી: “અરે મંઝી ધી! અરે બેટડી! હી મથ્થો પત્થર જેડો તો આય! હીન મથથેજી દયા મ રખ. ઝોર બરાબર.” બાઈએ શ્રીફળ પછાડ્યું. માથાને અડ્યા પહેલાં અદ્ધરથી જ ફટાકો બોલ્યો. શ્રીફળનાં બે કાચલાં જમીન ઉપર જઈ પડ્યાં. એક સો શ્રીફળ એ જ રીતે અદ્ધરથી જ ફુટ્યાં. માનતાવાળી બાઈ “બાપા! બાપા!” કરતી સમૈયાના ચરણોમાં ઢળી પડી. “બાઈ! મઝી મા! આંઉ ડેવ નાઈઆં. હી તો તોજે ધરમસેં થીયો આય. [બાઈ! મારી મા! હું કાંઈ દેવ નથી. આ તો તારા પોતાના જ ધર્મથી થયું છે.] એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ. + સમૈયાનો કુંવર મુળુ માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઈંદરજી ભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઈંદરજી ડગુ મગુ પગલે કચેરીમાં ગયો. શેઠને ભાળતાં જ સમૈયાએ દોટ દીધી : “ઓહો કાકા! આજે અચણો ખપ્યો? [આપને આવવું પડયું?]” “હા સમૈયા! બીયો ઈલાજ ન વો. [બીજો ઈલાજ નહોતો.]” “કાકા! ચ્યો, ફરમાવો.” “સમૈયા! હાથી હરાડો થીયો!” “કાકા, આંઉ બંધીનાસી.” [હું બાંધી લઉં છું.] હાથી હરાયો થયો છે, તો એને હું બાંધી લઈશ: એટલી જ સમશ્યા થઇ. ઈંદરજી શેઠ દુકાન પર ગયા. ને દરબાર ન્હાઈને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યા : “હે ધજાવારા! તુંમે જો સાચ વે, તે મુંજો પૂતર ત્રે ડિમેં મરે, નકાં આંઉ મરાં!” [હે ધજાવાળા! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં મરે, નહિતર હું મરૂં!] ત્રીજે જ દિવસે એ જુવાન દીકરા મૂળને જમનાં તેડાં આવેલાં.