ઋણાનુબંધ/બહિષ્કાર

From Ekatra Wiki
Revision as of 11:12, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બહિષ્કાર|}} <poem> એની કવિતાએ સ્ત્રીઓને બહેકાવી છે. એની કવિતાએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બહિષ્કાર


એની કવિતાએ
સ્ત્રીઓને બહેકાવી છે.
એની કવિતાએ
સ્ત્રીઓને
પોતાની સુષુપ્ત સંવેદનાને
ઢંઢોળવાનું કહ્યું છે

એની કવિતાએ
સ્ત્રીઓને
પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં
પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી
એ બેડીઓને
ફગાવી દેવા કહ્યું છે
એની કવિતાએ
સ્ત્રીઓને
પતિના અવસાન પછી
મૂરઝાયેલા ફૂલ જેમ
બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને
તિરસ્કૃત કરવા કહ્યું છે

એની કવિતાએ
સ્ત્રીઓને
છોકરીઓની સદાયે અવગણના કરતા
આપણા દંભી હિંદુ સમાજને
વખોડવા કહ્યું છે

એની કવિતાએ
સ્ત્રીઓને
‘કયો પગ ઉકળતા પાણીમાં મૂકવો
અને કયો પગ બરફની લાદી પર મૂકવો’
એવા સ્ત્રીસ્વાતંત્ર્યના નિર્ણય કરવા
પુરુષે આપેલા બેહુદા અધિકારને
ખૂલ્લેઆમ વખોડવા
સ્ત્રીઓને પૂરેપૂરી સજ્જ કરી છે

એની કવિતાએ
સ્ત્રીઓને
‘પુરુષની બુદ્ધિના પાંજરામાં
લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું
મંજૂર નથી’
એવો છડેચોક
પડકાર કરવાનું કહ્યું છે
એની કવિતાએ
હિંદુ લગ્નજીવનની કઠોર વિષમતાને
કોઈ છોછ વિના
નિર્ભિક રીતે રજૂ કરી
બીજી સ્ત્રીઓને
બોલવાનું કહ્યું છે

આવો,
આપણે પુરુષો ભેગા થઈ
એનો
અને
એની કવિતાનો બહિષ્કાર કરીએ!