ઋણાનુબંધ/બાપાજી

From Ekatra Wiki
Revision as of 11:29, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાપાજી|}} <poem> સવારે ને સાંજે નિત દિન અમે પાય પડતા, ‘સુખી થાજો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાપાજી


સવારે ને સાંજે નિત દિન અમે પાય પડતા,
‘સુખી થાજો બેટા,’ દીકરી વહુ ને પુત્ર સહુને
ક્હી ધબ્બો મારો, પીઠ પર મીઠો, વ્હાલ કરીને.
તમારે મુખેથી નથી જ નીકળ્યો શબ્દ અવળો,
અને બોલ્યા જ્યારે કટુ વચન કો સત્ય સમજી
તમે, તો બેસીને નજીક સમજાવી વિગતથી.

હજી આંખો સામે સતત તરતો સૌમ્ય, ગરવો
તમારો ચ્હેરો, ને ધવલ ગલ શો શુભ્ર ડગલો,
શિરે ગાંધી ટોપી, મરક મુખ તૈયાર થઈને
સવારે ચા પીતા, હળુ હળુ પગે ઠેક દઈને
હલાવી હીંડોળો, જગ સકળની ગોષ્ઠી કરતાં
તમે બા સાથે તે હજી પણ સ્મરું સ્પષ્ટ, થતું કે
હું યે એવી રીતે પરમ વર સાથે જીવનમાં
કરું વાતો ક્યારે તન, મન, ઉરે એક થઈને?