ઋણાનુબંધ/૭. અશોક વિદ્વાંસ — એક બીજા સવાયા ગુજરાતી

From Ekatra Wiki
Revision as of 13:02, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. અશોક વિદ્વાંસ — એક બીજા સવાયા ગુજરાતી|}} {{Poem2Open}} આપણે ગુજરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭. અશોક વિદ્વાંસ — એક બીજા સવાયા ગુજરાતી


આપણે ગુજરાતીઓ ભારે પ્રૅક્ટિકલ લોકો છીએ! ગમે ત્યાં ફિટ થઈ જઈએ અને ગમે તેને આપણી વચ્ચે ફિટ કરી દઈએ! દેશને ખૂણે ખૂણે તો ખરા જ, પણ દુનિયામાં કેટકેટલી જગ્યાએ આપણે વસેલા છીએ! એવી જ રીતે અન્ય પ્રાન્તના કે વિદેશના લોકો આપણે ત્યાં આવે તો તરત જ એમને આપણા કરી દઈએ છીએ.

ગાંધીજીને કારણે દેશ અને દુનિયામાંથી ઘણા લોકો આપણે ત્યાં આવ્યા અને વસ્યા. એવી જ રીતે મહારાજા સયાજીરાવને કારણે પણ વડોદરામાં ઘણા મરાઠીઓ આવીને વસ્યા. એ બધાને આપણે સ્વીકાર્યા, એટલું જ નહીં પણ એમને કુટુંબીજનો બનાવી દીધા! દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને આપણે વહાલથી કાકા કાલેલકરને નામે ઓળખીએ છીએ તો ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકરને મામા વરેરકર તરીકે.

મરાઠીઓની બાબતમાં આપણે ખૂબ ભાગ્યશાળી નીવડ્યા છીએ, ખાસ કરીને સાહિત્યમાં. કાકાસાહેબે જો ગુજરાતી સાહિત્યને એમનાં પ્રવાસવર્ણનો અને અન્ય નિબંધોથી સમૃદ્ધ કર્યું છે તો અશોક વિદ્વાંસના પિતાશ્રી ગોપાળરાવે આપણને ૭૫ જેટલાં ઉત્તમ પુસ્તકોના અનુવાદ કરીને મરાઠી સાહિત્યનો ગાઢો પરિચય કરાવ્યો. એમને કારણે તો ગુજરાત વિષ્ણુ સખારામ ખાંડેકર અને સાને ગુરુજી જેવા સાહિત્યકારોને ઓળખતું થયું. ઉમાશંકર જોશીએ લખ્યું છે,

“ખાંડેકરનાં અને ગુજરાતનાં સદ્‍ભાગ્ય કે એમને ગોપાળરાવ જેવા સિદ્ધહસ્ત અનુવાદક મળ્યા. એમણે આજન્મ, નિષ્ઠાપૂર્વક મરાઠી ભાષાનું અમૃત આપણને ધર્યું.”

વિદ્વાંસ કુટુંબની આ સાહિત્યપ્રીતિ અશોક વિદ્વાંસે બરાબર જાળવી છે અને આજે એમની પાસેથી એમની અનેકવિધ કૃતિઓનો એક સંગ્રહ મળે છે. આ સંગ્રહ અશોક વિદ્વાંસના આજીવન વાંચનનું નિષ્કર્ષ સર્જન છે. એ લખે છે:

“છેલ્લાં પચીસેક વર્ષથી ગંભીર પ્રકારનું વાચન; એમ સમય પ્રમાણે વાચનના પ્રકાર બદલાતા ગયા. પણ વાચન એક શોખ અને પ્રવૃત્તિ રૂપે કાયમ મને વળગેલું રહ્યું છે. આ વળગાડના અનેક લાભ થયા. એમાં સહુથી મોટો લાભ એ થયો કે સારું લખાણ એટલે શું? એ અંગે મનમાં ઘણી સ્પષ્ટતા થતી રહી અને મારા લખાણમાં જો કાંઈ ગુણવત્તા હોય તો એ આ વાચનનું પરિણામ છે.”

અને એમનું વાચન પણ કેવું વિવિધ છે! ૧૯૯૫ની આસપાસ થોડા મિત્રો સાથે શરૂ કરેલી દર અઠવાડિયે મળતી બૂક ક્લબમાં એમણે જે પુસ્તકોનું વાંચન, વિવેચન અને મનન કર્યું છે તેનાં શીર્ષક જોતાં જ એનાં વૈવિધ્ય અને વિચારગહનતાની ખબર પડે: End of Poverty by Jeffrey Sacks, The World is Flat by Tom Freedman, Coming Apart by Charles Murray, Poverty and Famines by Amartya Sen, Bottom of Pyramid by C. K. Prahalad, Small is Beautiful by E. F. Schumacher, The Worldly Philosophers by Robert L. Heilbroner, युगांतर by राजीव साने, संस्कृति के चार अध्याय by रामधारीसिंह चौधरी, વગેરે.

જોકે બહુશ્રુત અશોક વિદ્વાંસ કવિ પણ છે. એમની કવિતાઓમાં તેમજ અનુવાદોમાં એમની કાવ્યવિભાવના સરસ સ્પષ્ટ થાય છે. જેમ કે ૯/૧૧ની કરુણ ઘટના પછી લખાયેલું “ધુમ્મ્સ તળે ઢંકાયેલું ન્યૂયૉર્ક શહેર.” આ કાવ્ય વાંચતાં મને વર્ડ્ઝવર્થના બહુ જાણીતા સૉનેટ Composed upon Westminster Bridge, September 3, 1802માં જે લંડનનું વર્ણન થયું છે તે યાદ આવી ગયું! જુઓ આપણા કવિ ન્યૂયોર્કને કેવી કેવી રીતે જુએ છે:

અહીંયા, આ ધુમ્મસની નીચે એક અજાયબ શહેર સૂતું. ઉત્તર દક્ષિણ આડો વ્યાપ્યો બ્રૉડવે, જાણે જબરું થીએટર. રેડિઓ સીટી મ્યુઝિક હૉલમાં નિત નવાં નાટક ને ચેટક. અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું રંગીલું શહેર સૂતું.

વૉલ સ્ટ્રીટના વાયદા ઉપર, દુનિયા થાતી નીચે ઉપર, જગ આખાના સોદા થાતા, ઊભા જ્યાં બે ઊંચા ટાવર. અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું અવ્વલ શહેર સૂતું.

બેતાળીસમી શેરી કેવી? રાત-દિવસ ના સૂવે એવી; હિમ ભરી ઠંડીમાં પણ જ્યાં માનવદેહ મળે બીન-વસ્તર. અહીંયા, આ ધુમ્મસની નીચે આવું અગોચર શહેર સૂતું.

બેઘરના ઘરબાર સમાં જ્યાં, ‘પેન’ અને ‘ગ્રાંડ સેન્ટ્રલ’ સ્ટેશન, કુબેરના ભંડારની સંગે ભૂખ્યા ભિખારીની ભૂતાવળ. અહીંયાં, આ ધુમ્મસની નીચે આવું અભાગી શહેર સૂતું.

અને હવે જુઓ વર્ડઝવર્થનું Composed upon Westminster Bridge, September 3, 1802

Earth has not anything to show more fair: Dull would he be of soul who could pass by A sight so touching in its majesty: This City now doth, like a garment, wear The beauty of the morning; silent, bare, Ships, towers, domes, theatres, and temples lie Open unto the fields, and to the sky; All bright and glittering in the smokeless air. Never did sun more beautifully steep In his first splendour, valley, rock, or hill; Ne’er saw I, never felt, a calm so deep! The river glideth at his own sweet will: Dear God! the very houses seem asleep; And all that mighty heart is lying still!

આ બે નગરકાવ્યો જુદી જુદી પ્રતિભાના બે કવિઓએ, લગભગ બે સદીના અંતરે, બે મહાન નગર વિશે જુદી જુદી મનોભાવનાથી અને ભિન્ન ભિન્ન કાવ્યવિભાવનાથી લખેલાં છે. છતાં બન્ને કવિઓએ પોતપોતાના શહેરને — લંડન અને ન્યૂયૉર્કને — કેવાં આત્મસાત્ કર્યાં છે તે જાણવા મળે છે.

કંઈક ઑફિસના કામે કવિ પ્લેનમાં બહારગામ જાય છે. પણ આપણો મુસાફર તો કવિ છે. એ પ્લેનમાં બેસીને મૅગેઝિનનાં પાનાંઓ ફેરવતો નથી, કે બાજુના પેસેન્જર સાથે સ્ટોકબજાર કે ફૂટબૉલની આડીઅવળી વાતો કરીને સમય પસાર કરતો નથી. એ તો બારી પાસે બેસીને આકાશગંગામાં વિહરે છે! અહીં જુઓ અશોક વિદ્વાંસનું વિચારસંક્રમણ:

“ન્યૂયૉર્ક શહેર અને ન્યુ જર્સીની દીપમાળનો ઉજાસ પાછળ મૂકી અમારું વિમાન હરણ ફાળ ભરી પશ્ચિમ તરફ ધસવા લાગ્યું. ડાબી બાજુની બારીમાંથી દેખાતા દક્ષિણ દિશાના સ્પષ્ટ આકાશ તરફ મેં મીટ માંડી…અમાસની રાત હતી એટલે ચંદ્રનું અજવાળું પણ આકાશ-દર્શનમાં વિઘ્ન નાખે એવી કોઈ શક્યતા ન હતી. મારા હાથમાં સુરા હતી. સાથે સુંદરી ભલે ન હોય, પણ રઢિયાળી રાત હતી. ધીમે ધીમે મેં થોડા પરિચિત તારા અને નક્ષત્રની ઓળખ એક વાર ફરીથી તાજી કરવાનું શરૂ કર્યું. વીંછુડો – વૃશ્ચિક નક્ષત્ર – તરત જ ધ્યાનમાં આવ્યો… કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ અને સિંહ જેવા મધ્યાકાશના; અને સપ્તર્ષિ, ધ્રુવ, સ્વાતિ જેવા ઉત્તર-આકાશના તારા અને નક્ષત્ર મને ત્યારે દેખાવાની શક્યતા ન હતી… પણ આંખ સામે દેખાતા વીંછુડાને ફરી ધ્યાનથી નિહાળ્યો. એની ફેણમાં નાનપણની કેટલી સુખદ સ્મૃતિઓ સુરક્ષિત રહી હતી એ વિચાર રોમાંચક લાગ્યો… નજર ક્ષિતિજ પરના વીંછુડાથી જરાક ઉપર ઊંચકી ત્યાં તો વળી એનાથી અનેકગણી વિશાળ, અનેકગણી પુરાતન, અને અનેકગણી ભવ્ય હકીકત નજરે પડી… પણ, ઘણી વાર સુધી, એ પટલ જ્યારે વિમાનની બારી બહાર એક જ જગ્યાએ સ્થિર દેખાયા કર્યો ત્યારે ખાતરી થઈ કે એ કોઈ વાદળ-વાદળીનો સમૂહ નથી. એ તો આકાશગંગા છે… આ આકાશગંગા વિશ્વમાં હું ક્યાં? અને હું કોણ? જેવા પ્રશ્નો મગજને પડકારી ગયા. આખરે, બધા વિચાર બાજુએ ધકેલી, બ્રહ્માંડની અગાધતાને હું મન મૂકીને નીરખતો રહ્યો. અધીરાઈથી અને અ-ધરાઈને નીરખતો રહ્યો.”

રોજબરોજના બનાવોમાં પણ અશોક વિદ્વાંસ માનવસંબંધોનું કેવું અનુસંધાન કરે છે તેનો એક ઉત્તમ દાખલો “રાજલક્ષ્મી”માં મળે છે. જુઓ:

“પાર્કની બહાર નીકળી હું ઘરના રસ્તે પડ્યો. થોડે આગળ વધ્યો ને ધીમી ચાલે ચાલતાં પેલાં બહેન દેખાયાં. મારી ઝડપે ચાલતો હું એમની બાજુથી પસાર થઈ આગળ થયો. પણ પાછળથી મને અવાજ સંભળાયો, “આપને મુઝે પેહેચાના નહીં, મૈં રાજલક્ષ્મી!” “આપને અભી ભી મુઝે નહીં પેહેચાના. શૈલા કૈસી હૈ?” આટલું ‘વૉલ્ટેજ’ મારી બુઝાતી જતી ટ્યૂબલાઇટને સચેત કરવા પર્યાપ્ત હતું. હવે મેં એમને ઓળખ્યા. એ જ જાજરમાન વ્યક્તિત્વ, બોલતી વખતે પહેલા શબ્દ પર મુકાતો એ જ પરિચિત ઘાત, અને એ જ જરા લહેકા સાથે ઉચ્ચારાયેલ છેલ્લો શબ્દ! … હું અટક્યો. કોણ જાણે શાથી પણ હું એમની સાથે વાતો કરતો-કરતો એમની ઝડપે ચાલવા માંડ્યો. …વાતોમાં એમના દીકરાના ઘરની સ્ટ્રીટ આવી અને એમને વળવાનું આવ્યું. છૂટા પડતાં એ બોલ્યા, “સર, યહાં સબકુછ હૈ, લેકિન અપને સાથ બાત કરનેવાલા લોગ નહીં મિલતા હૈ.” અને ચૂપચાપ ચાલતા થયા. હું પણ એકલો-એકલો અમારા ઘર તરફ ચાલવા માંડ્યો, ને અચાનક મને એક જૂના હિંદી સિનેમાના ગીતના બોલ યાદ આવ્યા.

“कोई तो मुझसे दो बात करता, कोई तो कहता हलो! घर ना बुलाता, पर ये तो कहता “कुछ दूर मेरे संग चलो!”

અમેરિકામાં રહેતા ભારતીયો દેશમાંથી જે કલ્ચરલ બૅગેજ લઈને નીકળ્યા છે તેને એમણે હજી કેવો જકડી રાખ્યો છે તે અને ભારતીય સંસ્કૃતિથી સાવ વિરોધાભાસી આપણા રોજબરોજના વર્તનમાં એ કેવો વણાઈ ગયો છે તે, અશોક વિદ્વાંસને “રૂઢિઓનાં બંધન”માં દેખાય છે. એક લગ્નપ્રસંગે પોતે હાજરી જરૂર આપે છે પણ એમની ચકોર નજરમાંથી કંઈ છટકતું નથી. જુઓ:

“લગ્નની વિધિ એક સુંદર હોટેલના પ્રશસ્ત, વાતાનુકૂલિત ખંડમાં થઈ રહી હતી. વિધિની શરૂઆતમાં વરરાજાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું. ‘અણવર’ જેવો ભાગ ભજવતા વરરાજાના એક યુવાન મિત્રે આ પ્રસંગે એમના માથા પર છત્રી ધરી. જે જમાનામાં આ વિધિ ભારતમાં, ઉનાળાની બપોરે થતી હશે ત્યારે તડકાના ત્રાસથી બચવા વરરાજાના માથે આમ છત્રી ધરવાનું યોગ્ય હતું. પણ હોટેલના ખંડની અંદર પણ આ રિવાજનું પાલન બિલકુલ બીનજરૂરી અને તેથી જ અજુગતું લાગ્યું. એ પછીની વિધિમાં કન્યાના પિતાએ વરરાજાના પગ ધોયા. આ વિધિ તો લગ્નમાં કન્યાપક્ષ હીણો કે ઊતરતી કક્ષાનો છે અને વરપક્ષ ઉપરી છે એવું દેખાડવા માટે જ થતો હતો. મધ્યયુગના પુરુષપ્રધાન સમાજમાં પણ આ રસમ અસ્વીકાર્ય હોવી જોઈતી હતી. ત્યારે આજે એકવીસમી સદીમાં આપણે શા માટે એ નિભાવી રહ્યા છીએ! વિધિ દરમિયાન વારંવાર ઉચ્ચારાયેલ ‘કન્યાદાન’ શબ્દ એ ત્રીજી ખૂંચનારી વાત હતી. આજે જ્યારે સામાજિક અને આર્થિક રીતે સમાજમાં સ્ત્રીઓ પગભર અને સ્વતંત્ર થઈ છે ત્યારે કન્યાને કોઈ સંપત્તિ – મિલકત… સમજી એનું ‘દાન’ કરવું એ વિચાર યોગ્ય છે ખરો? ઘડીભર પ્રશ્ન થાય કે જે સંસ્કૃતિએ ‘यत्र नार्यस्तु पूज्यते, रमन्ते तत्र देवता.’ જેવું સુંદર સૂત્ર આપ્યું એ જ સંસ્કૃતિએ ‘કન્યાદાન’ શબ્દ શી રીતે પ્રચલિત કર્યો હશે?”

આ સંગ્રહમાં કેટલાં બધાં રમ્ય અને હૃદયસ્પર્શી રેખાચિત્રો છે! એ બધામાં અશોક વિદ્વાંસની સૂક્ષ્મ દૃષ્ટિ અને કુશળ આલેખનકલા દેખાય છે. અહીં જુઓ એમના પિતાશ્રીનું પ્રેમનીતરતું રેખાચિત્ર, “સવ્યસાચી ભાષાંતરકાર — ગોપાળરાવ વિદ્વાંસ.” એ સંનિષ્ઠ અનુવાદકની મૂળ કથાને વફાદાર રહેવાની ધગશ અને વૃત્તિ કેવી આબાદ રીતે વ્યક્ત થાય છે:

“અનુવાદિત કથા મૂળ કથાને પૂર્ણતઃ વફાદાર રહે એ રીતે એનું ભાષાંતર કરવાની વિદ્યા જાણે ભાઉને ગળથૂથીમાંજ મળી હતી. યોગ્ય જગ્યાએ બરાબર અર્થસૂચક શબ્દ જ વાપરવા માટે ભાઉ કાયમ દક્ષ રહેતા. અનેક વાર મરાઠી શબ્દકોશનું જાડું થોથું હાથમાં રાખીને લાંબો સમય સુધી વિચારમગ્ન ઊભેલા ભાઉને મેં જોયા છે. પછી જ્યારે બરાબર શબ્દ મળે ત્યારે એમના મોં પર જે સંતોષની રેખાઓ ઊમટતી, એ આજે વર્ષો પછી પણ મને યાદ છે.

આ અને આવાં રેખાચિત્રો, લેખો, કાવ્યો, વાર્તાઓ અને પ્રમાણભૂત અનુવાદોથી છલકાતા આ પુસ્તક ‘નાનાં નાનાં સુખ અને બીજી વાતો’ને આવકારતા મને આનંદ અને ‘મોટું સુખ’ થાય છે. અને એમ પણ કહેવાનું મન થાય છે કે લેખક તરત જ આવું બીજું પુસ્તક આપણને આપવાની તૈયારી કરે!