સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ફટફટિયું
પોતાના આઠમા માળના ફ્લૅટની બાલ્કનીમાંથી પ્રવીણે ત્રીજી વાર નીચે જોયું. હા, ત્રીજી વાર.
આજે પ્રવીણે પાર્ટી રાખી છે, રાતે બધાં આવવાનાં છે. પાર્ટીનું કારણ કશું નહીં, કારણ વગરની પાર્ટી. સવારથી રમા પાર્ટીની તૈયારીમાં ગૂંચવાઈ છે. પ્રવીણ પણ નાનીમોટી સાફસૂફીમાં પડ્યો છે, જોકે સાફસૂફી દરમ્યાન વારે વારે હૉલમાંથી બેડમાં થઈ બાલ્કનીમાં જાય છે, ઊભો રહી જરી નીચે ડોકિયું કરી લે છે.
અત્યાર સુધીમાં એણે એવું ત્રણ વાર તો કર્યું છે.
એટલે બધે ઊંચેથી નીચે જોવાની એને કે રમાને આદત નથી –કેમકે બંને પાસે એવો સમય નથી.
પાર્ટી ન રાખી હોત તો થોડું જુદું પણ બનત:
હમણાં થોડા દિવસ પર ખરીદેલા પીસીમાં, પર્સનલ કમ્પ્યૂટરમાં, રમા ખોવાઈ જાત –એને એમાં બહુ જ રસ પડી રહ્યો છે. પોતાના સૅકન્ડ સૅટર્–ડેઝ ને સન્ડેઝ એ એ રીતે વાપરે છે.
લગ્ન પછી પ્રવીણે પણ એક નવો જ હૉબી ડૅવલપ કર્યો છે: સવાર–સવારથી જ નીકળી પડ્યો હોય સી–શોર પર. બીચ પર ક્યાંક સ્કૂટર પાર્ક કરે ને પછી સાગરને કિનારે કિનારે ચાલવા માંડે, દૂર સુધી ચાલ્યા કરે, કોઈ વાર જૉગિન્ગ જેવું ધીમું દોડે પણ ખરો. પણ મોટે ભાગે ચાલતો રહે –હાથ એના ત્યારે ઘણો બધો વખત પૅન્ટના ખિસ્સામાં હોય, કંટાળતાં ક્યારેક માથા પાછળ લઈ જાય –દસે ય આંગળાંની ગ્રિપના ઝૂલામાં ઝિલાયેલું મસ્તક કોઈ વાર પ્રવીણને ફૂટબોલ જેવું ફીલ થાય, તો ક્યારેક મોટા સૂરજમુખી જેવું… નજર ત્યારે ભૂરા આકાશનાં સફેદ વાદળાંના ગોટેગોટમાં ઘોંચાતી રહે. પગલાં ભરાય મોટે ભાગે ભીની પોચી રેતીમાં, તો ક્યારેક સાગરે પટ પર મોકલેલાં પાણીની ફીણ–પરપોટાભરી ઝૂલ પર. પ્રવીણને ખબર હોય રેતીમાં પોતાનાં પગલાંની છાપો ખાસ્સી ઊંડી ઊઠે છે –જોકે દરિયાનાં પાણી સતત એને ભરી-ડૂબવીને ભૂંસી પણ નાખે છે. ઘણી વાર પ્રવીણ દૂર દૂરના અન્તરાલોમાં ય પ્હૉંચી જાય છે.
પ્રવીણ નીચે ડોકિયું કરે એટલે એને એવું થાય જાણે પોતે કોઈને શોધે છે, નીચેથી પ્રવીણને કોઈ જુએ તો જોનારને એવું થાય જાણે પ્રવીણ તેને ઉપર બોલાવે છે. એમ તો થવાનું જ –આટલે ઊંચે રહીએ એટલે–! પ્રવીણને થાય છે….
પછી બાલ્કનીમાંથી બેડમાં થઈ પ્રવીણ હૉલમાં આવે છે. પોતે બાલ્કનીમાં –છેલ્લે– એટલે કે ત્રીજી વેળાએ કેવી પદ્ધતિએ ગયેલો તે એને સૂઝેલું નહીં – પણ પહેલી વાર એને થયેલું, એ કશા હરણના બચ્ચાની જેમ ગયેલો: ધીમું દોડતો, પણ ક્યાંક અચાનક અટકી પડતો —જોકે યાદ આવતાં, પાછો ધીમું દોડવાની ઉતાવળ કરતો. બીજી વાર એ કશા નર–કબૂતરની જેમ ગયેલો, એને લાગેલું પોતે મસ્તકને કબૂતરની જેમ ગર્વીલું રાખીને, ઠેકતો–ઠેકતો, પણ વચમાં આજુમાં તો જરા બાજુમાં, જોતો–જોતો ગયેલો.
બહુ વિચાર્યું તો ય પ્રવીણને સૂઝ્યું નહીં કે પોતે ત્રીજી વાર ગયો તે કોની જેમ ગયેલો. એટલે પ્રવીણે નક્કી કર્યું બાલ્કનીમાં પોતે ચૉથી વાર જશે જ નહીં.
રાતે સુરેશ–નીતા આવશે, નરેન્દ્ર આવશે મેઘના જોડે, મોહિત–પરમિન્દરે ય આવશે, નિનાદ–બકુલા આવશે, શ્યામલ, ગૌરાંગ, કપૂર–કપલ –બધાં– પણ મહેશ આવશે? મહેશ–શોભા–? બેબી મીતાને લઈ? પ્રવીણને થાય છે મહેશ નહીં જ આવે, ને તેથી શોભા–મીતા પણ…, નહીં જ આવી શકે. હા પાડી છે મહેશે, પણ ના જેવી. વર્ષો વીતી ગયાં તે… એટલે પછી ઘરે આવવું ભારે પડશે, ખાસ તો મહેશને, કદાચ શોભાને પણ. બેબી મીતાને નિરાંતે મળવાની તક –? ચાલી જશે કદાચ. કદાચ. એટલા માટે કે હા પાડી છે, ને તેથી, આવે પણ ખરાં…
મહેશ–શોભા પ્રવીણનાં જૂનાં દોસ્ત હતાં, હવે નથી –એટલે કે, દુશ્મન નહીં, પણ દોસ્ત છે એવું યે નહીં. પ્રવીણે તે છતાં પાર્ટીમાં એમને બોલાવ્યાં છે એ વાતે રમા લગીર ખિન્ન છે. ત્યારે તો રમા પણ ન્હૉતી, અરે, એ પહેલાં તો મહેશ પણ ક્યાં હતો? હતો માત્ર પ્રવીણ ને હતી માત્ર શોભા –ક્હો કે, હતાં બસ પ્રવીણ–શોભા.
પ્રવીણે ચૉથી વાર નીચે જોયું. પોતાના આઠમા માળના ફ્લૅટની બાલ્કનીમાંથી, નીચે ન જોવું એમ હમણાં જ નક્કી કરેલું, છતાં જોયું.
પ્રવીણની નજર આ વખતે જેવી નીચે પડી, પ્રસરી, કે તરત ફોકસ થઈ: જણાયું કે ગેટ પાસે કોઈ એક માણસ છે, અટવાયેલો, લાગે છે કે આંટા મારે છે. પ્રવીણ એની એવી હિલચાલ જોઈ રહ્યો: મનમાં થયું એને, બાલ્કનીમાં પોતે ચૉથી વાર કોની જેમ આવેલો? જવાબ મળ્યો કોઈની જૅમ નહીં, પોતાની જેમ, પોતાની રીતે, પ્રવીણની રીતે…
પણ ગેટ પાસે આ આંટા મારતો માણસ? પ્રવીણને લાગ્યું આંટા મારતો માણસ ભૂલા પડેલા સાપ જેવો છે; તેવો, બ્હાવરો છે…
પછી માણસે ઊંચે પણ જોયું, જાણે એને પ્રવીણને જોવો હોય, એ પછી તો દરેક આંટે ડોક એની ઊંચે થતી’તી –જાણે એ ક્હૅતો ન હોય કે પ્રવીણ એને ઉપર બોલાવે. નાક એનું ગેટની ગ્રીલને અડકતું, પછી તો, ઘસાતું લાગતું’તું –જાણે એને ગેટને સૂંઘવો હોય, જોકે દાંતથી બચકાં ભરી તોડવો હોય..
પ્રવીણે નોંધ્યું કે પેલો પોતાના બંને હાથ વતી ગેટની ગ્રીલમાં હવે પોતાનું મસ્તક ફસાવવા મથી રહ્યો છે –ફાવતો નથી કે ત્યાં તો પ્રવીણે જોયું કે પેલો ગેટના સળિયા પકડી જોરથી હચમચાવવા લાગ્યો છે. કશું ન કલ્પી શકાય એવું એનાં બાવડાંમાં જોર જણાય છે. કોઈ પણ હિસાબે એને ઘૂસવું છે અંદર –બહુ બીધેલો લાગે છે કશાથી. કોઈ એની પાછળ પડ્યું હશે? જોકે અહીં ઉપર મારી સામે શેનો ડોકું કરે છે? મારા પર કેમ તકાય છે ઍની આંખો –?…
પ્રવીણને ઝબક્યું, ક્યારેક સી–શોર પર પોતે ચાલતો હોય ત્યારે કદીક સાગર આખો જાણે એના પર ચૉમેરથી ચડી બેસવા ઘૂઘવતો હોય છે –સામે, ખાતરી કરવા, જો જુએ, તો પ્રવીણને થાય, ઘૂરક છે…
ધડામ ગેટ ખૂલી ગયો.
એટલે, કે ગમે તે કોઈ કારણે, પ્રવીણ લિફ્ટમાં ઝટાઝટ નીચે ગયો –બાલ્કનીમાંથી બેડમાં થઈ હૉલમાં ને પછી લિફ્ટમાં એ જાણે ઊડેલો —પણ એને લાગેલું લિફ્ટને આઠ માળ કાપતાં બહુ જોર પડે છે– એટલી ઘડી લિફ્ટ એને પાંજરા–જેવી લાગેલી.
પ્રવીણે જોયું તો પેલો કમ્પાઉણ્ડ વટાવી ચૂકેલો ને વૉક–વૅમાં થઈ લિફ્ટ શરૂ થવાના કૉમન–પૅસેજમાં દાખલ થઇ ચૂકેલો —તલપાપડ હતો ઉપર પહોંચવા.
એએએય! કોણ છો તમે? ગેટ આ રીતે જાતે કેમ ખોલ્યો?
પ્રવીણ માણસને છાતીએ ધક્કા મારી બ્હાર કાઢવા મંડ્યો’તો –સાથે, બોલવાનું એનું ચાલુ હતું.
શું કામે આવ્યા છો અહીં? કોને ત્યાં? આવી રીતે કેમ? વોચમૅઍન!
પેલો કંઈ બોલે, કે વૉચમૅન આવી પ્હૉંચે, એ પહેલાં, પ્રવીણને લાગ્યું વૉચમૅન તો જાણે પોતે જ છે! એવું જ કર્યું. ધક્કા માર્યા. પ્રવીણ હથેળીઓ ખંખેરવા લાગ્યો.
ધક્કાથી પેલો ડઘાઈ ગયેલો, એનું મૉં પડી ગયેલું. ઢીલો ને શરમિંદો. એને એવો મહાત્ ભાળીને પ્રવીણને થયું પોતે બહુ મોટેથી બોલ્યો છે –બુમાટા જેવું, ચીડભર્યું –ધુત્કાર નર્યો. કોઈ અજાણ્યા પર આ રીતે હુમલો કરવો ઠીક નહીં –જાતે-જાતે જ પ્રવીણ છોભીલો પડી ગયો, નરમ.
ક્યાંથી આવો છો? –એણે ધીમેથી પૂછ્યું.
પણ માણસ કંઈ બોલ્યો નહીં.
પ્રવીણે જોયું કે માણસ લૅંઘા–ઝભ્ભામાં છે. ઝભ્ભો ઝાંખો કેસરી છે. પગમાં એના પીળી મૅલી પટ્ટીની સ્લિપરો છે.. પ્રવીણે જોયું પોતે ય સ્લિપરમાં છે…માણસના વાળ ભૂરિયા છે. મૅંદી કરેલા. પણ ચૉંટીને જાડી લટો બની ગયા છે. લબડતી એ લટોની ગૂંચાળી ભાત. પ્રવીણને થયું સાલો ગોબરો છે. શૅમ્પૂને તો જાણતો પણ નહીં હોય. નજરથી, પેલાની લટોના વાળને મૅલથી છૂટી પાડતો પ્રવીણ બોલ્યો:
તમારે મિસ્ટર જવું છે કોને ત્યાં? નમ્બર?
નમ્બર ખબર નથી –
પેલો પછી અટકી ગયો લાગ્યો, પણ પ્રવીણની આંખોમાં જોતો જરા વારમાં જ બોલ્યો:
પ્રવીણભાઇને ત્યાં.
કયા —? હું પ્રવીણભાઈ છું.
તમે? ના, તમે નહીં.
પેલો પ્રવીણને જોતો રહ્યો ને બોલતો રહ્યો:
બીજા.
પ્રવીણે જોયું કે આંખો એની માંજરી છે ને નીચલા હોઠ પાસે લાળ જમા થઈ છે. જરાક વધારે લબડતો છે એ હોઠ.
બીજા કયા? કોણ? સરનેમ?
ખબર નથી.
માણસ પાછો અટકી ગયો ને પ્રવીણને તાકતો રહ્યો. પ્રવીણે જોયું એની માંજરી આંખોમાં, પણ કશું સ્પષ્ટ પ્રતિબિમ્બ જણાયું નહીં.
કંઈ ક્હૅશો? કંઈ બીજું?
ના –!
કહીને માણસ પૂંઠ ફરી ગયો. પ્રવીણને એ વાનરની હોય એવી રૂંછાળી લાગી, પણ ત્યાં તો પેલાએ ડોલતું–વાંકું ધીમું પણ ચૉક્કસ એવું —દડબડવું શરૂ કર્યું. પ્રવીણ એનો પીછો શરૂ પણ કરે એ પહેલાં તો માણસે મૂઠીઓ વાળીને દોડવા માંડ્યું રીતસર ગેટ બહાર રોડ પર…પ્રવીણ જોતો રહી ગયો, અટકેલો. કેમકે પેલાની દોડ વધારે ને વધારે ઝડપી બનતી’તી –કોઈ દોડવીર જેવી– એકવાર એણે પાછું જોયું ખરું… છેલ્લે પ્રવીણે નોંધ્યું કે ક્રૉસ રોડની પેલી તરફ રખાયેલી કોઈ બ્લૅક મોટર–બાઇક કાઢી પેલાએ, ને તે પર ચડી, ધમધમાટ ભાગી ગયો શ્હૅરની ઊભી-આડી વાંકી–ચૂકી આંટીઘૂંટીમાં…
હતાશ પ્રવીણ હથેળીઓ ખરેખર ચોળતો પાછો ફરતો’તો ત્યાં એને વૉચમૅન મળ્યો.
ભઇ કાં રખડ્યા કરો છો? જરા ધ્યાન રાખો ધ્યાન! કેવા–કેવા ઘૂસી આવે છે! કાં હતા તમે?
ઉં તો સાએબ –
શું સાએબ–સાએબ કરો છો? ડ્યુટીમાં સમજો છો કંઈ? કોણ હતો એ?
કોણ? આ તમે કોઈ ઘૂહી આયલો ક્હૉ છો એ?
હા.
એની તો મને કાંથી ખબર સાએબ? પણ ઉં જુદું કઉં છું.
શું?
વાત એવી છે કે કોઈ ભાઈ તમને મળવા આયા છે, તે પડખેની આ બીજી લિફ્ટમાં થૈ એમને હમણાં જ મેકી આયો તમારા ફ્લૅટ પર –તમારા જ માળે ગયેલો સાએબ, બ્હૅને બૅહાડ્યા છે એ ભઇને. ભઇનું આ પડ્યું ફટફટિયું!
પ્રવીણ ભારે અચરજમાં મૂકાઈ ગયો. ફટફટિયું – જોયું કે એ પણ બ્લૅક કલરની મોટર-બાઇક જ હતી – ભાગી ગયેલા પેલાની હતી એવી જ! મળવા કોણ આવ્યું હશે? મહેશ? બની શકે છે. રાતે પાર્ટીમાં ન આવે, હમણાં મળી લે! પઅઅણ, શોભા? મીતા?
ઝાઝું ન સમજાતાં, પ્રવીણ બીજી લિફૂટમાં ઝટ દાખલ થયો ને ધડાક્ બંધ કરી બટન દાબી પ્હૉંચ્યો આઠમે માળ. એને આ વખતે ય લાગ્યું, લિફ્ટને ઉપર જતાં જોર પડે છે.
પોતાના ફ્લૅટનું મેઇન–ડોર લલાભટ ઉઘાડું જોયું. જોયું કે, પહેલી લિફ્ટ હતી નહીં. નીચે હતી. ઘરમાં ઝડપથી દાખલ થઈ પ્રવીણે જોયું, હૉલમાં કોઈ ન્હૉતું! સૅન્ટ્રલ ટિપોઇ પર નાની ટ્રેમાં પાણીનો ગ્લાસ હતો – અરધો. આવેલો માણસ ક્યાં છે–નો પ્રશ્ન વધારે સતાવે એ પહેલાં રમા –! રમા–? ક્યાં છે તું? કરતો પ્રવીણ મોટી મોટી ફલાંગોમાં, બેડરૂમો પર આડી નજરના ઝડપી ઘસરકા કરતો, કિચનમાં ગયો. રમા હતી. પ્લૅટફૉર્મ પર શરબતનો ગ્લાસ હતો ને તેનો બાટલો ૨મા ફ્રિજમાં મૂકતી’તી, પ્રવીણે જોયું કે ઑરેન્જનું શરબત ગ્લાસના આઇસ-ક્યુબ્સને હજી ઑગાળતું’તું. એને થયું, એટલે જ કદાચ ચૉમેર ઉભરાતા પોતાના મઘમઘાટ પર શરબતનો કશો કાબૂ નથી…
ક્યાં છે? કોણ આવ્યું છે?
બહાર છે ને –તું મળ્યો કે નહીં?
ના… હૉલમાં કોઈ નથી!
હતા ને, ભાઈ બેઠા’તા ને…!…
રમા–પ્રવીણ ભેગાં બહાર આવ્યાં. હૉલ એવો જ હતો, હતો તેવો, સૂમસામ. એટલે, બાલ્કનીઓ જોઈ લીધી. કોઈ ન્હૉતું. પ્રવીણે, વળી દરેક બાલ્કનીમાં જઈ, પીઠ, બહારની તરફ ઝુકાવી–ઝુકાવીને નવમા માળે ય જેટલું જોવાય એટલું જોઈ લીધું! જાણે પેલો ત્યાં ચડી ગયો હોય! દરમ્યાન રમાએ બધા વૉર્ડરૉબ કબાટો તિજોરી બધું ખોલ–બંધ કરીને ચૅક કરી લીધું –દરેક વસ્તુ બરાબર હતી –લૉક્ડ– કશી ચોરી–ફોરી ન્હૉતી થઈ.
તો ગયો ક્યાં એ માણસ –?: રમા–પ્રવીણ બંને સાથે બોલ્યાં, બંને એ જ પ્રમાણે એકમેકને તાકતાં રહ્યાં.
રમા, તેં પૂછ્યું નહીં એ ભાઈને, કે ક્યાંથી આવો છો.
પૂછ્યું’તું, ક્હૅ કે આટલામાંથી.
રમા, એ મહેશ તો ન્હૉતો ને?
ના, મહેશ ન્હૉતો. કેવી વાત કરે છૅ!? મહેશભાઈને શું હું ઓળખતી નથી!? પ્રવીણ, વળી પાછું તને એ બધું થવા લાગ્યું છે. મૅં તને ઘસીને ના પાડેલી કે પાર્ટીમાં મહેશ–શોભા તો, નહીં ને નહીં – તે છતાં બોલાવ્યાં છે!
રમાને થયું પોતાનો અવાજ મોટો થવા લાગ્યો છે, ને એમાં રોષની રેખા પ્રસરતી થવા લાગી છે. એટલે શાન્ત થઈ, ને નીચું જોઈ રહી.
એ કેવો લાગતો’તો?
કેવો–? બસ, માણસ જેવો, અજાણ્યો કોઈ હોય, એવો. કદાચ જીન્સ પ્હૅરેલું, ને ઉપર, સફેદ ખમીસ – ખોસેલું ન્હૉતું –
તે તું એને શરબત આપતી’તી?
ના ભઇ ના! શરબત તો મૅં મારે માટે બનાવેલું – થાકી’તી હેરાફેરાથી. પીઉં-કરું એ પહેલાં એ ભાઈ આવ્યા, તારું નામ પૂછતા –જોકે, જોડે હતો વૉચમૅન. એટલે પછી બેસવા કહ્યું, ને પાણી આપ્યું. શરબત પીવું ભૂલી ગઈ એ બધામાં. પણ, મારી આમ તું ઊલટતપાસ શેનો કરે છે? પૂછવાનું તો મારે તને છે પ્રવીણ, કે તું ક્યાં હતો –? મને એમ કે આપશ્રીમાન બાથરૂમમાં હશો, ટેવ મુજબ, સ્વસ્થતાને સારું – પેલાને એટલે તો બેસવા કહેલું!
હું નીચે ગયો’તો રમા, કમ્પાઉણ્ડમાં.
શું કરવા? કહીને ન જવાય?
ઉતાવળ હતી. કોઈ માણસ નીચે ગેટ પાસે આંટા મારતો’તો, પછી ધરાર અંદર પેઠેલો, કોઈ પ્રવીણભાઇને ત્યાં જવું’તું એને…તને એટલે તો પૂછ્યું, કેવો લાગતો’તો…
પ્રવીણ, કોઈ પ્રવીણભાઇ તે કોણ? છે કોઇ બીજા–?
મને ખબર ક્યાં છે? પેલો તો ભાગી ગયો ગભરાઈને. એ જુદો હતો, આ જુદો હતો –બે–બે હતા…
બે–બે હતા તો બે–બે હતા! છે શું એનું? ને એમાં, મહેશ શી રીતે આવે છે?
આવે છે, મહેશ આવે છે…તને નહીં સમજાય…બંને સાલા આવીને ભાગી કેમ ગયા…?
જો પ્રવીણ, વળી પાછું તારું મગજ ભમવા લાગ્યું છે.
એમ?
હા, તને ખબર નથી, રાતે, કદાચ મળસ્કે, ઊંઘમાં તું શું બબડેલો?
શું બબડેલો?
તું બબડેલો -મને મારી સારંગી પાછી આપી દે મહેશ–
સારંગી!? વ્હૉટ નૉન્સૅન્સ! શેની સારંગી? – બોલતાં–બોલતાં જ પ્રવીણથી હસી પડાયું, વળી, એ બહુ વ્હાલથી બોલ્યો :
મને તો તારું જ ભમતું લાગે છે રમા!
ભલે એમ. સારંગી જવા દે, પણ એમાં મહેશ શી રીતે?
એને રાતની પાર્ટીમાં બોલાવ્યો છે એટલે થયું હશે, ઊંઘમાં થઈ જાય એવું કોઈ વાર.
પ્રવીણ, તને હજાર વાર ના પાડી છે કે મહેશનું નામ ન લે, ભૂલી જા. જેવો એને તું તારાં એ જૂનાં વર્ષોની ગોઝારમાંથી તાણી લાવે છે, કે તરત, એ, ને એનાં બધાં ભૂતો સવાર થઈ જાય છે તારી પર.
પણ રમા, આ તો જીવતો–જાગતો માણસ હતો, તેનું શું? છેલ્લે તો મૅં મારી નરી આંખે જોયો બાઇક પર ચડી શ્હૅરમાં ધસમસાટ ટ્રાફિકમાં ભળી જતો! વેઇટ –રમા, તેં જેને રીસિવ કર્યો, પાણીનો આ જેને ગ્લાસ આપ્યો, જીન્સમાં હતો જે —એ શું ભૂત હતો?
ના –તો પેલો ય એમ જ હતો! ભૂત ન્હૉતો –
પછી પ્રવીણને કશું જાણે યાદ આવ્યું.
વેઇટ રમા, સૉરી, આ અહીં જે આવેલો –ગયો ક્યાં? રમા, મારે એનો પીછો કરવો જ પડે, આવું છું, ના ચાલે, આયેમ જસ્ટ કમિન્ગ, નીચે સાલાનું ફટફટિયું તો મૅં હમણાં જ જોયું છે…
વગેરે ઉતાવળે ઉતાવળે બોલતો પ્રવીણ વળી પાછો લિફ્ટમાં થઈ નીચે ગયો. ઊતરીને તરત એણે બાજુની લિફ્ટ જોઈ, ખુલ્લી હતી. પ્રવીણને થયું કદાચ એ એમાં થઈ ઊતર્યો હશે, ને ભાગ્યો હશે. પણ પ્રવીણે જોયું કે ફટફટિયું, હતું ત્યાં–ને–ત્યાં હતું!
વૉચમૅઍન –
પ્રવીણે જોયું કે વૉચમૅન એની જગ્યાએ હતો. બીડી પીતો’તો. તરત ઓલવી નાખી.
પેલા ભાઈ ક્યાં ગયા?
કયા?
તું જેમને મારે ત્યાં મૂકી આવેલો –
તે ના મલ્યા તાં? અંઇ તો નથી, કાં ગ્યા?ફટફટિયું તો, છે, એમનું જ છે –
ખાતરી છે તને? કમ્પાઉણ્ડમાં થઈ કોઈ બીજા ફ્લૅટમાં તો નથી ગયા ને?
જી, ના, નથી ગ્યા.
ફટફટિયું મૂકીને છાનોમાનો ગેટ બહાર તો નથી નીકળી ગયો ને?
એ તો સાએબ સી રીતે કઉ? વાહન–વારા, ને વગરના, આવનાર–જનાર બધાનું તો મગજમાં ચેટલ્યું ર્હૅ સાએબ–? તમારો પરૉબ્લેમ હ્ઉં છે? અવડાં કે’તા’તા કે કોઈ ઘૂહી ગયેલો, ને આનું પૂછો છો, ગ્યો ચ્યૉં!
પ્રવીણને થયું વૉચમૅન જોડે પૂછાપૂછી કરવાનો કોઈ અર્થ નથી. એટલે માત્ર –કંઈ નહીં– બોલીને એ ફટફટિયા પાસે ગયો.
જોયું તો, પ્રવીણના આશ્ચર્ય વચ્ચે ફટફટિયાની કી ફટફટિયામાં ખોસેલી હતી –મતલબ કે આ મૉટર–બાઇક લૉક્ડ નથી…!… પ્રવીણને એકાએક એમ બેસવા માંડ્યું, કે આ ફટફટિયું જરૂર મહેશનું હોવું જોઈએ –જોકે પાંચ–પાંચ વર્ષ થઇ ગયાં– પણ મહેશની જ છે આ બાઇક, આ જ હતી, આ જ કમ્પનીની, આવી જ, બ્લૅક. એ, આવીને ચૉક્કસ જતો રહ્યો છે. પણ, જોકે, રમા એને ના ઓળખે? કદાચ ના ઓળખે…એને ક્યાં વધારે જોવા–મળવાનું થયું જ છે તે…! કદાચ મહેશ ઓળખાય એવો ન યે રહ્યો હોય. એવું પણ બને કે એને કદાચ ઓળખાવું જ ન હોય.. જોકે, આવ્યો હોય તો આમ જતો રહે શું કરવા? નહીં આવ્યો હોય…?… કોણ જાણે…
પ્રવીણને કશી વધારે સમજ પડી નહીં. વિચારો જેમ જેમ ચાલ્યા તેમ તેમ એ વધારે ગૂંચવાયો. એને થયું પેલો ભાગી ગયો તે કોણ? ને આ ઘરના હૉલ લગી આવીને ચાલી ગયો એ કોણ? ગ્લાસનું પાણી અરધું તો એણે પીધું પણ છે. પણ પછી રોકાયો નથી તે એવું કેમ? ભાગી જ ગયો એની યે બાઇક આ ફટફટિયા જેવી જ હતી, આ પણ એવી જ છે…
પ્રવીણે ફટફટિયાની ટૅન્ક પર હાથ મૂક્યો, ને પછી હળવેથી એની લિસ્સી સપાટી તપાસતો રહ્યો. એને થયું, એ ઊભાં–ઊભાં ઊંઘતા કોઈ ઘોડાને પસવારે છે. સવારે સાફસૂફી વખતે ત્રીજી વાર બાલ્કનીમાં ગયો ત્યારે સૂઝેલું નહીં કે પોતે કોની જેમ ગયેલો, પણ અત્યારે સૂઝ્યું ઘોડાની જેમ. પોતે ઘોડાના જેવી રવાલ ચાલે ગયેલો…એને થયું ફટફટિયામાં ચાવી –કી– મને લલચાવવાને રખાઇ છે –હું એ બાઇકને જોતરાઉં, અથવા બાઇક મને જોતરાય… મતલબ કે હું પાછળ પડું મહેશની. કી મને એમ ક્હૅ છે કે મહેશ મને એને ત્યાં બોલાવે છે…
મહેશ–શોભાને એમનાં લગ્ન પછી બે–એક વાર મળવાનું થયેલું —પણ અકસ્માતે. એક વાર ટાઉનહૉલમાં –બેબી મીતાને પોતે ત્યાં પહેલી વાર જોયેલી. મહેશને એણે પોતાનું ઍડ્રેસ આપેલું. બીજી વાર ઍક્સ્પોમાં ત્યારે રમા ય હતી, ત્રણેય ઘરે આવો એમ કહેલું તે રમાએ કહેલું. એમને ઘેર અમે કદી ગયાં નથી, મનોમન હું ગયો છું કોઈ કોઈ વાર, પણ આમ તો નહીં. શોભાને મહેશની ગૃહિણી રૂપે એના જ ઘરમાં રૂ–બ–રૂ જોવાનું મારે કદી બન્યું નથી. ઘરમાં મીતા તો હશે જ —એનો જુદો બેબીરૂમ હશે…જવું જોઈએ…
આ ખુલ્લી બાઇક પણ એમ જ ક્હૅ છે: તું જા મારા પર પ્રવીણ, શોભાને ત્યાં –જવું જોઈએ.
પ્રવીણે ફટફટિયું સ્ટૅન્ડમાંથી કાઢ્યું ને જોત–જોતામાં તો એ એ પર સવાર થઈ ગયો, સ્ટાર્ટ કરવા કી ફેરવી કિક લગાવી –બાઇક ધધણી ઊઠી.
વૉચમૅન, આ લઈને જરા આંટો લગાવી પાછો આવું છું, એવિયો આવે તો ક્હૅજો –
કોન્ એવિયો?
આ ફટફટિયાવાળો. બહેનને પણ ક્હૅજો – તને જો નીચે પૂછવા આવે તો.
જી.
વૉચમૅન પોતાને સમજી શક્યો નથી એથી વધારે એના ચ્હૅરા પર કશું જ વંચાતું નથી –પ્રવીણને થયું.
પ્રવીણને વૉચમૅન કશું માણસ–સિવાયનું પ્રાણી જણાય છે. પ્રવીણને પોતાને પોતે પણ ઘણી વાર એમ જ જણાયો છે: ત્યારે ત્યારે જોકે પ્રાણી કયું તે સૂઝ્યું છે, પણ, આ, અત્યારે કયું છે તે પ્રવીણને સૂઝતું નથી.
પ્રવીણે ધીમેશથી બાઇકને ગેટ બહાર કાઢી વિચાર્યું —આમથી જઉં, કે આમથી? પછી ગયો, પેલો જે ભાગી ગયેલો એ દિશામાં…બાઇક રોડ પર હતી, ક્રમે ક્રમે આગળ વધતા, ગીયરમાં…ક્રૉસ રોડ પછી તો ઠીક ઠીક સ્પીડમાં…બંને તરફ જોતો રહેતો પ્રવીણ, પહેલો મળી આવે તો પહેલાને, ને બીજો મળી આવે તો બીજાને શોધતો’તો, પઅઅણ –
પ્રવીણ એકદમ ખંચકાયો.
એને ફાળ પડી —કેમકે બાઇકને બ્રેક ન્હૉતી લાગતી, બ્રેક લાગતી જ ન્હૉતી, ફેઇલ હતી બ્રૅક.
તરત પ્રવીણે સ્લિપર સાથેનો પોતાનો ડાબો પગ રોડને ઘસાતો કર્યો: સ્પીડ ઘટી, તરત નિર્ણય કરી પ્રવીણે ફ્લૅટ પર પાછા ફરવા બાઇકને બૅકમાં ઘુમાવી, ને પછી પગ ટેકવી–ટેકવી ચલાવી —એવી ઓછી સ્પીડે કે કળાએ કળાએ કરીને પરત હેમખેમ પ્હૉંચી રહેવાય…
વૉચમૅન, આ ફટફટિયું અહીં ભલે પડ્યું –બ્રેક ફેઇલ છએ એની. પેલો જો આવે તો કહેવું પડશે એને. ચાવી મારી પાસે રાખું છું.
ભલે–ભલે, હારું થ્યું કે ખબર્ય પડી જી તંમને… ઍક્સિડંન થૈ જાત…
કેમ વાર થઈ આટલી?
બસ એમ જ —કહીને પ્રવીણે સ્લિપર પગ પછાડીને કાઢ્યાં ને હડસેલી ફૅંક્યાં –સીધો ગયો બેડરૂમમાં– પડ્યો બેડમાં– પહેલાં ઊંધો– ને પછી ચત્તોપાટ સૂતેલો– બંને હાથ બાજુએ પ્હૉળા – ફેલાવેલા– છતને તાકી રહ્યો– ને બોલ્યો પછી —ઓ ભગવાન, શું થવા બેઠું છે આજે…
હાંફળાફાંફળમાં એની પાછળ–પાછળ દોરવાયેલી ગભરાયેલી રમા ઝટ બેડમાં બેઠી, ને પ્રવીણને માથે હથેળી ફેરવતાં બોલી:
પણ વાત શી છે પ્રવીણ? મને કંઈ કહીશ, કે પછી–
નીચે એ રાસ્કલ છે તો ક્યાંય નહીં, ને વધારામાં બાઇકને એની બ્રેક નથી! ફટફટિયું બ્રેક વગરનું છે!… આખું કાવતરું છે રમા, કાવતરું…મને પતાવી દેવા માટેનું –
કોનું?
મહેશનું!
મહેશ તને શું કામ પતાવી દે?
એ તો એ જાણે.
જો પ્રવીણ, મસ્તકને આમ ડ્હૉળી નાખવું ઠીક નથી. તને પછી એ ડ્હૉળમાંથી સાફ બહાર આવતાં બહુ ભારે પડે છે. ખબર છે ને તને?
તો શું કરું?
કંઈ નહીં–! કાવતરું, ને મહેશે કર્યું વગેરે બધો તારો પાયા વગરનો ભ્રમ છે.
ભ્રમ છે તો ભ્રમ છે; પણ છે, કરું શું?
આમાં કરવાનું શું છે, ક્યાંયે? તેં ઉપરથી બાલ્કનીમાંથી જોયેલો માણસ તું જ ક્હૅ છે એમ પોતાની બાઇક પર ભાગી ગયો છે. આ બીજો, પોતાની બાઇક નીચે મૂકીને ક્યાંક ચાલી ગયો છે. બીજો આપણા સોફા સુધી પ્હૉંચ્યો ને થોડું પાણી પી ગયો એ ખરું, પણ એથી શું? હશે, કંઈ પણ હશે, કોઈ પણ હશે એ –એ બે જણા, આપણે શું? આવશે, પાછા આવશે, જો તારું એમને કંઈ કામ હશે તો. આમાં કાવતરું શું છે?
બંનેને મહેશે મોકલ્યા છે –
મોકલી શકે છે, પણ અત્યારે નથી મોકલ્યા. તું બધું વગર કારણે જોડે છે.
શું જોડું છું?
બધાં સાથે, ને છેવટે, કે મૂળ, મહેશ સાથે. જો પ્રવીણ, પેલો માણસ ‘કોઈ’ પ્રવીણભાઈને શોધતો આવેલો, પણ એનો અર્થ એ નહીં કે, ‘તું’! બીજાને વૉચમૅન અહીં લગી દોરી લાવ્યો એ ખરું, પણ એ ય ભૂલ હોઈ શકે છે. સોફામાં બેસતાં, ને પાણી પીતાં, માણસને એવું પણ થયું હોય ને કે પોતે કશી સરતચૂકથી ખોટા નમ્બરના ફ્લૅટમાં આવ્યો છે? તે, પછી નીકળી ગયો હોય; અબુધ હોય! સૉરી-ફૉરીની આપણે લોકો કરીએ એવી ફૉર્માલિટી કરવા ન રોકાયો હોય…કોઇ, પ્રવીણ, એવું ય હોય…
પણ એનું બ્રેક વગરનું ફટફટિયું? –બાઇક એની? આ રહી એની ચાવી!
એ બાઇક એની જ છે ને બીજાની નથી એમ શી રીતે ક્હૅવાય? તને તો વૉચમૅને જ બતાવી છે –એથી મોટો આધાર તારી પાસે નથી– પ્રવીણ, એ ચાવી તારે અહીં ન્હૉતી લાવવી જોઈતી, બાઇકમાં જ ર્હેવા દેવાની’તી. બને કે બાઇક ચોરીની હોય –
એટલે એ ચોર તો, ખરો ને?
ખરો પણ ખરો, ને નહીં પણ ખરો. ચોરી હોય કોઈએ બીજાએ, ને એને મળી હોય. કે પછી ચોરી હોય એણે, ને પોતે અહીં મૂકી ગયો હોય, ગભરાઇને; અથવા, બ્રેક ફેઇલ લાગતાં. બને કે બ્રેક ફેઇલ તો પહેલેથી જ હોય –મૂળ માલિકને ત્યાંથી. ચાવી હવે પાછી મૂકવા ન જતો, રાખી મૂક તારી પાસે. શોધતું આવશે જે આવવાનું હશે તે –
ઓહ ગૉડ! કેવું તો છે આ બખડજંતર.
શ્હૅર છએ પ્રવીણ, એમ જ હોય –ગમ્મે તે બને, ગમ્મે ત્યારે –ગમે તે રીતે બને.
પણ તો પછી મારે અત્યારે શું કરવું?
ક–શું–જ–ન–હીં. ઊઠ, તારે ને મારે અત્યારે જમી લેવું જોઈએ. ને પછી પ્રવીણ, એક કામ્પોઝ લઈને તું ઊંઘી જા, આમે ય પાર્ટીને લીધે રાતે મૉડે લગી જાગવાનું તો થવાનું જ છે. ફ્રેશ થઈ જઈશ.
તું નહીં ઊંધે?
ના, મારે તો આજે કામોનો પાર નથી. હજી તો કૅટરિન્ગવાળા જોડે પાર્ટીની બધી વાનગીઓનું રી–કન્ફર્મે ય કરવાનું છે, કેટલા વાગે ઍક્ઝેક્ટલી બધું એ લોકો મૂકી જશે …વગેરે ચિન્તાઓ જાતજાતની છે.
આ, તેં સૂચવ્યું રમા, એ પરથી મને અબ્બી હાલ સૂઝે છે: એમ, કે હું મજાની એક ઊંઘ તો લઉં જ, પણ પછી સી–શોરે ય જઈ આવું –પાંચ–છના અરસામાં, આવ્યા પછી નિરાંતનું લાંબું –તારો શબ્દ વાપરું તો, સસ્ટેઇન્ડ્, એક સરસ મજાનું, ટબમાં સ્નાન પણ કરું.
જેવી મરજી. મારે, હજી ફ્લાવર્સ ને મુખવાસ ને એવું બધું ય બાકી છે. નોકર –આપણો બાલિયો– આવશે, એટલે પછી એને લઈને બહાર જઈશ. થશે એવું કે આપણે ત્રણેય પાછાં ફરશું ત્યારે પાર્ટીનો ટાઇમ લગભગ તો થઈ ગયો હશે. બધું એકદમ ટાઇમસરનું જ થશે.
ઓકે.
પછી પ્રવીણ–રમા જમી રહ્યાં’તાં. કામ્પોઝ લઈ પ્રવીણ બેડરૂમમાં સૂવા જતો’તો –પણ ત્યાં જ ફોન રણક્યો. ફોન પ્રવીણે લીધો.
હૅલો.
. . . .
ઓહ મહેશ–! રીસિવર બીજી હથેળીથી દાબી, હોલ્ડ કરી, પ્રવીણે રમાને કહ્યું, મહેશ છે મહેશ. પછી મહેશને કહ્યું :
હાં બોલ, શું ક્હૅ છે?
. . . .
ઓઓકે… ઓકે, પણ બહુ મૉડું ન કરતો.
. . . .
હા–હા એમ જ. ઍમજી રોડ પછી લૅફ્ટમાં, પછી સ્ટ્રેઇટ; હા, ક્યાંય વળવાનું નહીં, હા; બકુલ પાન–પાર્લર યાદ રાખજે, પછી, લૅફ્ટમાં..
. . . .
ઓકે બાય – રાહ જોઈશું.
ફોન પૂરો થતાં પ્રવીણે બોલવા માંડ્યું. જોડે આંટા ય મારતો’તો:
મહેશનો હતો. મહેશ–શોભા આવે છે, સાથે મીતા પણ હશે, બધાં આવે છે, ડાયરેક્શન કન્ફર્મ કરવા કરેલો; ચલો સરસ, મહેશ આવે છે એટલે સરસ, આનન્દ, મને એમ કે ન યે આવે, પણ આવે છે –
પ્રવીણ કેટલુંક પોતાના માટે, કેટલુંક રમા માટે, બસ બોલી ગયો.
સારી વાત છે, સામેથી જણાવ્યું એટલે ખાતરી થઈ –મહેશભાઈ વર્ષો પછી આવે છે ને પહેલી વાર આવે છે, તારી ઇચ્છા ફળી ખરી; પણ–
રમા ય કેટલુંક પોતા માટે, તો કેટલુંક પ્રવીણ માટે બોલેલી –જોકે, ‘પણ’ પાસે અટકી.
પણ શું, રમા?
એ જ કે, તું સાચવજે. મહેશને જોતાં મગજ તારું ઠેકાણેથી ખસી ના જાય, રમણ–ભ્રમણે ના ચડે તે જોજે.
ભલે ભલે કરી પ્રવીણ હસ્યો, પછી એણે કામ્પોઝ લીધી, ને રમાને સૂઈ જઉં છું કહી બેડરૂમનું બારણું એણે બંધ કર્યું.
સારી ઊંઘ માટે રોજની ટેવ યાદ કરીને પ્રવીણ જમણે પડખે થઈ બરાબર ગોઠવાઈને સૂતેલો. થોડી વાર ઊંઘ એને આવેલી ય ખરી, પણ પછી ઊંઘ એને જાણે દમવા માંડી —પ્રવીણ પોપચાં જોરથી બીડી રાખે, પણ ઊંઘ પોપચાં ખોલી નાખે. છેલ્લે પ્રવીણ હાર્યો, એને થયું ઊંઘ ભાગવા કરે છે –આવવા નથી જ ઇચ્છતી…તો પછી જેને આવવું હોય એ ભલે આવે…
થયું, આ એ જ બેડરૂમ છે જેમાં થઈ સવારે પોતે ચાર–ચાર વાર બાલ્કનીમાં ગયેલો…શું કામ?…પોતે મહેશની ત્યારથી જ રાહ જોતો નહીં થયેલો? —કોને ખબર, મને સવારથી જ ઍના ભણકારા થવા લાગ્યા’તા– ઊંડે કશી બીક ઊંચી-નીચી થતી’તી ક્યાંય કશું ખોટું થવાનું છે— બને કે પાર્ટી પાર્ટીને ઠેકાણે રહી જાય ને હું ઝઘડી પડું…કે પછી, એ જ શરૂ થઈ જાય…બેબી મીતા…ને કેવું લાગશે…? શોભાને…?
પ્રવીણ આમ સૂવા પડ્યો ત્યાંથી માંડીને આજની સવાર સુધીનું બધું એની સામે રિવાઇન્ડ થયું, ને તરત પછી સવારથી માંડીને ફરીથી પ્લે થયું. સઘળું પ્રવીણને બનતું દેખાયું. પણ અચાનક અટકીને, મહેશનો ફોન આવેલો એ સમય પર પ્રવીણ પાછો ગયો –કેમકે પાર્ટીમાં મહેશ આવે છે તે વાતનો એનો એ વેળાનો ઉત્સાહ ચિત્તમાં એને અત્યારે શોધ્યો જડતો નહોતો…!
પ્રવીણને થતું’તું મહેશ પોતાને બનાવે છે – ડાયરેક્શનનું તો બહાનું છે– આવશે એમ નક્કી જણાવીને એ મને હેરાન કરવા ચાહે છે. એને ખબર છે મારાથી નહીં સ્હૅવાય એનું રૂબરૂ થવું…એનું બધાની વચ્ચે ખુશહાલ હરવું-ફરવું હું વેઠી શકું નહીં…રમાને નથી ખબર કે હું પહેલેથી રમણભ્રમણે ચડેલો છું. એને નથી ખબર કે મહેશ મારામાં કેટલો ઊંડે છે ને રંજાડ એનો મને કેટલો ભેદી–છેદી નાખનારો છે…
રમાને એટલી જ ખબર છે કે મહેશ–શોભા મારાં બચપણથી દોસ્ત છે ને કોઈ કારણે અમારે હવે અણબનાવ છે. મીતા વિશે એ કશું જ જાણતી નથી. એને નથી ખબર કે મહેશ કેટલો દુષ્ટ છે…મને હજી યે વિન્ કરવા ચાહે છે…રમા અસલ વાતથી અજાણ છે, મૂળનું કશું જ જાણતી નથી. મૅં એને અમારાં લગ્નને ત્રણ–ત્રણ વર્ષ થઈ ગયાં તો ય એમાંનું કશું ક્યાં કહ્યું જ છે? –
એને નથી ખબર, કે ઇન્ ફૅક્ટ, મીતા, મારી દીકરી છે. શોભા સાથેના મારા પ્રીમૅરિટલ અફેરનું ફળ. શોભા સાથેનાં મસ્તીભર્યાં અડપલાં ને એના નાસમજ આગ્રહોનું પરિણામ. મહેશ તો, પછીથી પરણ્યો’તો – મારા વડે ઑલરેડી પ્રૅગનન્ટ શોભાને. જાણીને પરણ્યો’તો. કેમકે એનો ક્લેઇમ મોટો હતો, હજી પણ હશે. ક્લેઇમ એવો કે શોભાનો ખરો ચાહક પોતે છે. ઠસાવી શક્યો’તો શોભાને એ, પોતાનો એવો સંતાડી રાખેલો ટ્રુ લવ. પરણીને એ પોતાની જાતને, શોભાને અને ખાસ તો મને વિન્ કરવા માગતો’તો…
ને સાચે જ કરી શકેલો. એના એવા વટ આગળ મારું કંઈ ઊપજ્યું ન્હૉતું. હું મને બહુ નમાલો, નાલાયક લાગેલો, મહેશ ગ્રેટ લાગેલો. જોકે શોભાને અને થનારા મારા સન્તાનને –બંનેને– હંમેશ માટે ગુમાવવાનું મારું દુ:ખ મને સતાવતું’તું. જોકે એટલું જ, શાતા આપતું’તું –એમ, કે ભલે…ભલે મારું બધું લૂંટાઇ ગયું…હું એટલો તો, એટલે કે મીતા જેટલો તો, હોઈશ એમની વચ્ચે…! નથી ખબર રમાને આ બધા અંદરના બખડજંતરની…
પાર્ટી રાખવાનું ખરું કારણ, છે, નથી એમ નથી. રમાને એની પણ ક્યાં ખબર છે? બહુ નાનું, પણ કારણ, જરૂર છે: કારણ, મીતા જેટલું નાનું છે, પણ છે: મારે એને ઊંચકી લઈને ચૂમવી છે, મારે ફીલ કરવી છે મારી દીકરીને…
જોકે, એ વખતે બધાં હશે. પાર્ટીનો ઝાકઝમાળ પણ ઝમૂતો હશે, રમા હશે, મહેશ–શોભા હશે… બધાં જોશે મને એમ કરતાં, પણ મહેશ–શોભા જુદી નજરે જોશે, એ બંને મનથી મને હલકો જોશે, ખાસ તો મહેશ…મને એ દયાથી જોશે…
મને અત્યારે પણ લાગે છે, હું નહીં, મહેશ ગ્રેટ છે. ત્યારે પણ એમ જ લાગશે…
જોઈ શકું તો, મીતા, હકીકતે મારી કેટલી છે… એ એમની પણ છે… વધારે છે…
ન જોઇએ મારે એ કોઇ – મારા આટલા સીધા, સરસ દામ્પત્યમાં, મારે ન જોઈએ શોભા, મીતા કે મહેશ…
નકામાં એમને બોલાવ્યાં, નકામી રાખી પાર્ટી…
ખરેખર તો મને એવું ય ખરું કે જરા બોલાવી જોઉં, ક્યાં આવવાનાં છે–? કેમકે મહેશ શોભાને પરણ્યા પછી મારાથી, જોવા જઈએ તો, સંતાતો ફરે છે, રૂબરૂ થવાનો ચાન્સ ટાળે છે, મારાથી ભાગતો ર્હૅ છે. મીતાના જન્મ પછી શોભા ને મહેશ દૂર ને દૂર સરતાં રહ્યાં છે. મહેશ કદાચ મીતાને જીરવી શક્યો નથી. લાગે છે કે ધીમે ધીમે એને એ, એની નહીં, મારી લાગવા માંડી હોય. એમ જ છે. એને પોતાના ચળકીલા વિન્ પાછળનું બધું અન–વિન્ દેખાવા લાગ્યું છે. માની બૅઠો’તો જીત પણ પરખાઈ રહી છે હાર. એટલે કે હિણપત. નાનમ. બધું એનું હીરોઇઝમ પત્તાના ઘરની જેમ તૂટી પડ્યું છે…
હવે તો જાતને એણે બચી છએ એટલી ઇન્ટૅક્ટ રાખવાની છે, કાં તો મારાથી ભાગીને –
પ્રવીણને સવારે પેલો બ્લૅક મોટર–બાઇક પર ભાગી ગયો તે દેખાયો…
–કે પછી મને ભેરવીને –
પ્રવીણને પેલું ફટફટિયું, બ્રેક–ફેઇલ્ડ્ બાઇક, દેખાઇ, જેની ચાવી પોતાની પાસે છે…
પ્રવીણને થયું ચાવીથી બાઇક નહીં, પણ પોતે બંધાયો છે. રમાની વાત સાચી છે. ચાવી મારે ન્હૉતી લાવવી જોઈતી… તો શું કરું? ફૅંકી દઉં? ના… ફૅંકવી હોય તો આખી–ને–આખી બાઇક ફૅંકી દે સી–શોરના દૂરના અવાવરુ દરિયામાં…
પછી પ્રવીણે જમણે પડખેથી ડાબે પડખે ને વળી જમણે એમ ઊંઘવાની એક–બે પ્રામાણિક ગડમથલો કરી જોઈ, પણ ફાવ્યો નહીં. એટલે, ઊઠીને એ બાજુના ટેબલ પાસે ગયો –જ્યાં રમાએ પોતાનું કમ્પ્યૂટર ટૅમ્પરરિલી મૂક્યું છે. પ્રવીણે એના પુશ–બટનને દબાવી સ્ટાર્ટ સ્વિચ ક્લિક્ કરી ને કોઈ બે–ચાર કી દબાવી. એટલે સ્ક્રીન પર કંઈ શબ્દો અને કંઈ આંકડાની ટપ ટપ આડી વિસ્તરતી ને વન–બાય–વન ખડકાતી લાઇનો સડસડ સડસડ આવવા લાગી. પ્રવીણે બીજીવાર ક્લિક કર્યું, કી દબાવી. કેમકે એને પહેલાં ખબર ન્હૉતી, પોતે શેની કી દબાવેલી. થોડીવારે એમાંથી ગ્રાફ બનતા દેખાયા. પ્રવીણને કંઈ કરતાં કંઈ સમજાયું નહીં. એટલે એણે વારંવાર ક્લિક કરીને મન ફાવે એમ એક પછી એક કી પર બંને હાથનાં આંગળાં દબાવ્યે રાખ્યાં. કેટલુંક બદલાયું, કેટલુંક ન બદલાયું –પણ કશું જ સમજાયું નહીં. એટલે પ્રવીણ મૂંઝાતો રહ્યો. કમ્પ્યૂટરનો સ્ક્રીન એના રાખોડી–નીલા ઉજાશથી છલકાતો રહ્યો. પ્રવીણને થયું આ તો એ જ છે સી–શોર પરનો એનો, એનો પોતાનો, રાખોડી-નીલો સાગર. એને થયું અહીંથી એ એને ત્યાં બોલાવે છે. એટલે પછી પ્રવીણે બધું ઑફ્ફ કર્યું ને ત્વરાથી બેડરૂમ છોડી બહાર પડ્યો રમા સામે.
રમા, હું જઉં છું સી–શોર પર –ઊંઘ–બૂંગ આવી નહીં, કામ્પોઝમાં તારી, કંઈ દમ નથી. બાય ધ વે, તને પૂછું રમા, કે બ્રેક–ફેઇલ્ડ બાઇકને મારા સ્કૂટરે બાંધી પધરાવતો આવું દરિયામાં? કેમ લાગે છે? બલા ટળે, બાકી પોલીસનું લફરું તો થવાનું જ છે –
ના–ના, એવું ન કરાય –આફ્ટર–ઑલ એ કોઈની પ્રોપર્ટી છે: વળી પ્રવીણ, બાઇક તું બાંધે ખરો, પણ એ ઉપર બેસનાર એક બીજો તારે જોઇએ –! એ ક્યાંથી લાવવાનો’તો?
તો?
એવું કર, કમ્પાઉણ્ડમાંથી રોડ પર મૂકી દે – ચાવી સાથે રોડની સામી સાઇડે. ચોરીના માલને અડાયું હોય તો સજ્જનો હમેશાં એને અધવચાળે જ છોડી દે છે –
એવું જ હોય તો તો, પોલીસને આપણે જ રીપોર્ટ કરીએ એ કામ કેવું? સજ્જનોને શોભે એવું નહીં રમા?
હા અને ના. કેમકે બીજું તો કંઈ નહીં, એને લફરાનો શુભારમ્ભ કર્યો ક્હૅવાશે અને જાતે કર્યો ક્હૅવાશે. બાઇક રોડ–સાઇડે મૂકવા તું ન જતો, વૉચમૅનને ક્હૅજે –તને, એણે બતાડી છે.
હા, ખરી વાત છે તારી, એને જ ક્હૅવું જોઈએ – ખરો ગુનેગાર સાલો એ છે –એ જ પેલાને આઠમા માળ લગી આપણા ઘર સુધી દોરી લાવેલો –એનું જ ક્હૅવું છે કે ફટફટિયું પેલાનું છે. મને તો અત્યારે એક સાવ નવો વિચાર ઝબકે છે —ફટફટિયું વૉચમૅને જ ન મૂક્યું હોય ત્યાં..? એ જ ન હોય એનો ચોર? તારી વાત સાચી છે, મને લાગે છે, હી ઇઝ રીયલ કલ્પ્રિટ… હું પોલીસ–ઇન્સ્પૅક્ટર પાસે એને ખડો કરી દઈશ, કેસ થશે તો; ને કહીશ: વૉચમૅન ઇઝ રીયલ કલ્પ્રિટ, હું નહીં…નથી જો પેલો, તો ન જોઈએ એનું ફટફટિયું –! મૂકી આવે કમ્પાઉણ્ડ બહાર…! કમ્પાઉણ્ડ મારે ક્લીયર જોઈએ –!
ચાવી લઈ પ્રવીણ નીચે ગયો, સાથે પોતાના સ્કૂટરનું કી–ચેઇન પણ લીધું –કેમકે– ખાસ તો, સી–શોર જવાનું’તું…
સી–શોર કે જ્યાં ક્યારેક મન પોતાનું હરણના બચ્ચાની જેમ ધીમું દોડતું, વચ્ચે–વચ્ચે બાઘાની જેમ અટકતું, ને વળી દોડતું, મોકળાશે રમે છે. આ તરફ, દરિયો આગળ ને આગળ, ને આ તરફ, આછરતો જતો સંસાર. પોતે ખૂબ ખૅંચાય એ અંદર ને અંદર દોરી જતા કિનારાથી…પછી શરૂ થાય લીલી વનરાજી – પેશું એમાં, ખાબકું જાણે…
સી–શોર કે જ્યાં ક્યારેક તન પોતાનું નર–કબૂતર પેઠે ગર્વીલું–ગર્વીલું ઘૂરે, ને ઠેકતું–ઠેકતું ચાલે. રમા સાથેની ભરી–ભરી રાતનો એમાં કૅફ હોય –શરીર આખામાં મજાનો ઠાર લસલસે…
પછી આવે છે અન્તરાલો –ઘણી વાર ગયો છું એ લગી, ખોવાતો–ખોવાતો, છેક નારિયેળીની એકમેકને છેદતી વીથિકાઓ સુધી ચાલ્યો છું વીથિકામાં, હર વખતે નવી વીથીકામાં, રવાલ ચાલે, કશા ઘોડાની જેમ નર્તન્તો ઝમૂતો. સૂર્યાસ્ત જોતો ઊભો રહી ગયો છું કોઈ નારિયેળીની ઝૂંડ–છાયામાં –આંખો મીંચી જરી જપી ગયો છું. ઊભાં–ઊભાં ઊંધી ગયો છું સ્હૅજ, ડૂબતા સૂરજની સામે.
રમાને ખબર છએ આ બધાંની. પોતે કહ્યું છે રમાને સી–શોર પરનું પોતાનું આવું બધું. એથી ભૂલાઇ ગયો છે પ્રવીણથી પોતાનો વરવો ભૂતકાળ. સી–શોરની ભરતી–ભારે ફીણભીની જળ–થાપટોથી પ્રવીણના પગ જ નહીં, પણ રમા જીવનમાં પ્રવેશી એ પછીનાં ત્રણ–ત્રણ વર્ષ નીરખતાં રહ્યાં છે –પોતે જોઈ છે પાછી ફરતી એ થાપટોને કચરો બધો સાથે લઈ જતી…સી–શોર પરથી પ્રવીણ ઘેર પ્હૉંચવાને અધીરો થઈ ગયો હોય, કેમકે રમાને વળગી–ચૂમીને કે સોડમાં લઈને બધું એને ક્હૅવું હોય. ઉતાવળમાં ને ઉતાવળમાં એક વાર તો પ્રવીણ સી–શોર પર પાર્ક કરેલું પોતાનું સ્કૂટર લેવાનું જ ભૂલી ગયેલો! છેક અરધે રસ્તે યાદ આવેલું…
વૉચમૅન, આ ફટફટિયું કમ્પાઉણ્ડની બહાર મૂકી દે –સામી સાઇડે. ચોરીનો માલ છે. ચોર પોતે, કે પોલીસ, લઈ જશે.
સાએબ, કોઇ જુદો જ માણસ લઇ જશે તો?
લઈ જવા દે: તું કશું જાણતો નથી: લે આ ચાવી.
ઠીક સાએબ –કહી વૉચમૅને ચાવી નાખી, બાઇક, સ્ટૅન્ડમાંથી કાઢી, ને બહાર લઈ જવા દોરવા માંડ્યો.
તાં સામે પેલા રૂખડા નૅચે મૂકી દઉં?
– એટલે?
રૂખડાના ઝાડ નૅચે.
ઓકે, વાંધો નહીં, પણ યાદ રાખજે તું, કે હું, કશું જાણતા નથી –ને તેં મૂક્યું જ નથી.
બરાબર બરાબર કરતો વોચમૅન કહ્યા મુજબ બાઇક રોડની સામી સાઇડે રૂખડા નીચે મૂકી આવ્યો.
ચાવી અંદર જ છે સાએબ, ફટફટિયાના મૉંથામૉં.
બરાબર, અંદર જ રાખવાની છે.
પછી પોતાના સ્કૂટર પર પ્રવીણ ધસમસાટ નીકળી પડ્યો સી–શોર જવા.
સી–શોર પર આજે પ્રવીણ ઘણે દૂર ગયો – અન્તરાલોની યે પેલે પાર– જ્યાં બે–ચાર છાપરાં હતાં – નાનું શું કશું ગામ જેવું…
ત્યાંથી પછી પ્રવીણ પાછો ફર્યો’તો. વચમાં એણે જોશમાં દોડી નાખવાની ઇચ્છા થયેલી, તે દોડ્યો’તો.
પછી ચાલતો’તો, પણ ચાલતો પ્રવીણ અચાનક ઊભો રહી ગયો.
દરિયો જોતો, કેડે હાથ રાખી ઊભેલો પ્રવીણ ખરેખર તો મનમાંથી ડોકાતા એક વિચારને પકડી બહાર લાવવા કરતો’તો…
એને થયું વૉચમૅન પેલો નથી, પોતે છે. ગુનેગાર પેલો નથી, પોતે છે: પેલા અજાણ્યાને હડધૂત કર્યો – શકમંદ ગણ્યો, બીજા અજાણ્યાનો પીછો કરવા નીકળ્યો –ફટફટિયું ફેરવ્યું– ચાવી કબજે રાખી– બધું શું કરવા? કયું કારણ?
કારણ શોધતો પ્રવીણ, મનથી, ક્રમે ક્રમે, મહેશ લગી પ્હૉંચી ગયો. એને થયું ગુનેગાર પોતે નથી, મહેશ છે –કેમકે એ જ તો છે વોચમૅન!– મારા–શોભાના અફેરને ત્યારે છાનોછાનો વૉચ કરતો’તો, હવે મારી–અમારી મીતાને સાચવતો જીવે છે – બચારો…નાનો…નમાલો…
કે પછી હું જ છું વૉચમૅન –? – પ્રવીણ દરિયાનાં પાણીની સાવ નજીક ગયો, પટ પરના કશા ઊંચા પથરા પર બેઠો –પગ પાણી તરફ રાખીને. ઘૂઘવતા સાગરનો ઘોર એના હૃદયના ય ઊંડા તળ લગી અડતો ત્યાં ય ધીમું ઘૂઘવતો’તો. દૂર રહ્યો–રહ્યો હું શું કરવા વૉચ કરું છું જિન્દગી –મહેશની, શોભાની, મીતાની–? શું છે હવે મારે એમની જોડે…? …
પ્રવીણ માથું આડુંઆડું પણ ત્વરાથી જોરથી હલાવવા લાગ્યો –જાણે કશું એને એમાંથી ઝટકાવીને બહાર ફંગોળી દેવું હોય.
પછી પ્રવીણે છાલકો ભરીને મૉં ધોયું. લૂછ્યું હૅન્ડ્કર્ચિફથી.
પછી પાછળ મસ્તકને દસેય આંગળાંની ગ્રિપના ઝૂલામાં પડવા દીધું. ને જોઈ રહ્યો પશ્ચિમ તરફ. સૂરજને એણે ક્રમે ક્રમે ક્ષિતિજમાં સરતો જોયો. સૂરજ હવે જેમ જેટલો ઊતરતો’તો તેમ તેટલો વધુ ને વધુ લાલ થતો’તો…
પછી ધીમેથી પશ્ચિમમાં કાળાશ ધીમું છવાવા લાગી.
પ્રવીણ ઊઠ્યો, એને થયું મૉડા ન પડાય –એટલે ઝડપથી ચાલવા લાગ્યો. સાગર અને પટને એ પાછળ ને પાછળ મૂકતો’તો, પણ એ બંને જાણે જરાય ખૂટતા ન્હૉતા. એને થયું, સારું થયું પોતે આજે કાંઠે બેઠો, સારું થયું સૂર્યાસ્તમાં જરા પરોવાયો –ખાસ તો એને એમ થયું, એની આંખોને આજે સારું આંજણ મળ્યું – કેમકે નજર એને અંધારું છતાં વેધક લાગવા લાગેલી…દૂર દેખાતી નાની ઝાંખી હોડી, સ્થિર, ખોડાયેલી દીસતી’તી, પણ પ્રવીણને થયું ના, એ ધીમે ધીમે, પણ જરૂર સરે છે.
પછી એ સ્કૂટર પર હતો. એને થતું’તું પોતે મજામાં છે, પોતાને ધીરે ધીરે વધારે ને વધારે સારું લાગી રહ્યું છે. કશા ક્લેશ પછી બધું શમે–આછરે, એવું થઈ રહ્યું છે –ખારાશ કશો અવાજ કર્યા વિના કપાઇ રહી છે…સ્કૂટર પર લટો એની, આવી રહેલી દરિયાઇ રાતના નવા પવનોથી ક્યાંય લગી ફરફર્યા કરી. પ્રવીણને થયું ક્યાંથી આવે છે આ પવનો, ને ક્યાં ક્યાં જવાના છે…
પ્રવીણે નક્કી કર્યું કે પોતાને સારું લાગી રહ્યું છે તે સવારવાળા પેલા બે-ને આભારી છે. હવે તો પાર્ટી પણ મજાની ર્હૅશે –મહેશ આવે તો ય શું, ન આવે તો ય શું? સવારે–સવારે એ બંને જણા પોતાની તરફ આવી પ્હૉંચ્યા ન હોત, તો, પ્રવીણને થયું, કશું આમાંનું થાત જ નહીં: આમ તો કેવા શંકાસ્પદ, ચોર જેવા, પણ આમ સરળ, અબુધ. મને એમને જ કારણે બધું હળવું–હળવું લાગે છે, આઇ મસ્ટ બી બૅન્કફુલ ટુ ધેમ. જોકે ક્યારેય મને, ક્યારેય, એમાંનો એકે ય મળશે ખરો? મને ખબર નથી. કેવું ક્હૅવાય? ખરેખર આવેલા ખરેખરા માણસો વિશે હું કશું જ જાણતો નથી –સિવાય કે, એ ખરેખર આવેલા…!
પ્રવીણ ઘેર પહોંચ્યો ત્યાં લગીમાં તો રાત બરાબર ઊતરી ચૂકી’તી. એણે જોયું કે ઘરમાં બધે પાર્ટી–પાર્ટી થઈ ગયું’તું –રોજિંદા દીવા ઉપરાન્ત રમાએ બીજા પણ લૅમ્પ કરી દીધેલા. વાનગીઓનું ટેબલ સરસ સજાવ્યું’તું –રમા ક્હેતી’તી, કૅટરિન્ગવાળાઓની મદદથી પોતાને વધારે ફાવ્યું. વાનગીઓ ફરતે ક્રૉકરી ગોઠવાઇ ગયેલી. બાલિયાએ કહ્યું, કુગ્ગા અને મોગરા–ગુલાબની સૅરોનાં તોરણ પોતે કર્યાં છે – ટેબલ આસપાસની દીવાલો ને છતો પર. પ્રવીણે જોયું કે મોટા–મોટા ફુગ્ગાનાં બે-એક ઝૂમખાં–ઝુમ્મર લગીર લગીર હાલતાં–ઊડતાં’તાં. રમા કશું બતાવી રહી: એ પાર્ટીમાં માથે મૂકવાની ચળકતા કાગળની કોનકૅપ્સ હતી –ક્હે કે બાલિયાના ક્હૅવાથી લીધી– એ વિના પાર્ટી જામે નહીં. હસતાં, પ્રવીણે એક કૅપ, ઘડીક, રમાને માથે મૂકી. પછી રમા બધે ઍર–ફ્રૅશનરથી સ્પ્રે કરવા માંડી: ઘરમાં સુગન્ધ સુગન્ધ, અને બધો ઝગમગાટ –બધું એકમેકમાં ઑગળતું દેખાતું’તું – પ્રવીણને થયું –બધું, રમાના કારણે…
ત્યાં, બધાંના ફોનો આવવા શરૂ થયા: અમે નીકળીએ છીએ; પ્હૉંચી રહીશું; ના, ટ્રાફિક નહીં નડે; હું એકલો જ આવું છું –ઍનાથી નથી અવાય એવું – થોડી શરદી; તૈયારી કેવી છે –હમણાં જ પ્હૉંચ્યાં…!
ફોનોને કારણે એકદમ જ જાણે પાર્ટી શરૂ થઈ ગઈ હોય એવો ભાસ થઈ રહ્યો –એ જ જાણીતો શોર, પાર્ટી વખતે હોય એવો જ કલશોર –ચીલાચાલુ– પણ ચૉક્કસ —રમાને પ્રેરતો, વધુ ને વધુ પ્રેરતો, પોરસાવતો –પ્રવીણને સભર સભર કરતો…
પછી પ્રવીણે રમાસ્ટાઇલનો સસ્ટેઇન્ડ બાથ લીધો.
બાથરૂમમાંથી ટુવાલભેર નીકળ્યો ને અન્ડરવૅર ચડાવતાં ચાવતાં જ એણે રમાને પૂછ્યું:
રમા, સવારવાળું તારું પેલું ઑરેન્જનું શરબત –
હું તો, પછી ય ભૂલી જ ગયેલી! ઊનું થઈ ગયેલું – મૂકી રાખ્યું છે ફ્રીજમાં, –પીવું છે તારે?
હા, મારાથી એની ચૉમેર ઉભરાયેલી સુગન્ધ ભુલાઇ નથી.
પણ અત્યાર લગી કંઇ, રહી નહીં હોય, જમવાનું બગડશે પાછું –
હા પણ મારે પીવું છે.
તું ખરે જ વિચિત્ર છો –
એવું તો ખરું જ –કહી પ્રવીણે ફ્રીજ ખોલી શરબતનો ગ્લાસ જાતે જ શોધી લીધો, ને એક્કી ઘૂંટડે પી ગયો.. રમા એને જોતી રહી ગઈ…
પાર્ટી એટલે શરૂ થઈ, કે એક પછી એક બધાં આવવા માંડ્યાં: નક્કી સમય લગીમાં તો, લગભગ બધાં જ આવી ગયાં: સૌ પહેલાં મોહિત–પરમિન્દર, પછી નિનાદ–બકુલા, પ્રવીણનાં ખાસ ઑફિસ–મેટ્સ. પછી ગૌરાંગ આવ્યો, નરેન્દ્ર–મેઘના તરત ઉમેરાયાં, ત્રણેય રમાનાં ઑફિસ–મેટ્સ. સુરેશ–નીતામાંથી માત્ર સુરેશ આવ્યો, નીતાને શરદી વધી હતી -બંને પ્રવીણનાં સગાં, પણ પાર્ટીમાં ચાલી શકે, તેટલાં યન્ગસ્ટર્સ. રમાએ જોયું, હજી શ્યામલ બાકી છે; પ્રવીણે કહ્યું, હજી કપૂરકપલ બાકી છે –જોકે ત્રણેય જણાં તરત આવી ગયાં. બધાંને જોતાં, ને સાંભળતાં, પ્રવીણને બિલકુલ જ યાદ હતું કે હજી મહેશ–શોભા–મીતા તો? –કંઇ ભળાતાં જ નથી. પ્રવીણને ઉદ્વેગ થતો’તો, પણ રમા સિવાય કોઈને કશી જ જાણ નથી એ વાતે એ સ્વસ્થ પણ હતો –એ જાણે, કશુંક સફળતાથી સંતાડી રાખવાની, થોડાક ઘમંડથી મજા લેતો’તો.
પ્રવીણને થયું પાર્ટી પાર્ટી જેવી જ છે, ને એમ જ ચાલી રહી છે —એને ખબર હતી કે પેલી કોન–કૅપ્સ ત્યાંની ત્યાં છે –એણે કે રમાએ પ્હૅરી નથી. એણે વિચાર્યું, કોઈ પ્હૅરવા ક્હૅશે તો ઠીક છે. શરૂમાં ચાલ્યાં —હલો, હાય, હાવાર્યુ, કેમ છો, તબિયત કેમ છે-ના લ્હૅકા; કપડાં, જ્વેલરી ને સ્ટાઇલોનાં વખાણ. દરેક પોતાના હું-ને બીજાના હું-ની સપાટીએ લસરાવતું’તું. તમને કયું શૅમ્પૂ ફાવે છે–? તારે કેબલ નથી? અમારે તો ઝી સિનેમા ય આવે છે, બિલકુલ ક્લીયર. પછી રમાએ જમવાનું શરૂ કરવા કહેલું, બધાં બૂફેની ડિશોમાં બધું ભરી ફાવે ત્યાં બેસવા માંડેલાં: પ્રવીણને થયું, બધા ખૂણે છે એક એક જમનારું… સારી વાત છે. ત્યાં કોઈ બે જણાં ઊંચા સાદે ચર્ચાએ ચડતાં’તાં – હું–થી હું ટકરાય તે પહેલાં, તેમની વાતમાં, જોકે, રિપેરિન્ગ પણ શરૂ થઇ ગયેલું. બાલિયો હર કોઈને મદદ કરવા આમથી તેમ ને તેમથી આમ લગભગ દોડતો’તો… પ્રવીણને પાર્ટીથી કંઈક બેચૅની જેવું થવા લાગેલું, ખાસ તો એને સી–શોર પરની સાંજ ચ્હૅરાઇ જવાનો ડર થતો’તો ને તેથી, બોલ–બોલ કરતી રમાથી સાવ ઊંધું કરતો’તો –જરૂર વિનાનું ખાસ કંઈ બોલતો જ નહોતો…! છેલ્લે તો, એને એકાદ ઊંડું બગાસું ય આવેલું. થાક, બાથ અને એ પછીના ભોજનને લીધે બગાસું આવવું એને બરાબર લાગેલું… એને થયું, કામ્પોઝે હવે અસર શરૂ કરી છે.
એ પછી બધાં, થોડા થોડા અંતરે નીકળી ગયાં: આવજો, બાય, ટાટા, ફરી મળીશું –પ્રવીણભાઇને ઊંઘ આવે છે તે શું કરીએ- વગેરે હસતાં હસતાં ક્હૅતાં–કરતાં બધાં ગયાં.
મજા–મશ્કરીઓ ને મસ્તીનો પ્રવીણના ઘરમાંથી ધીરે ધીરે ટુકડે ટુકડે લોપ થયો…
એ પછી તો બાલિયો પણ ગયો. છેલ્લે પ્રવીણ–રમા એકલાં રહ્યાં.
જોયું રમા, મહેશ ન આવ્યો તે ન જ આવ્યો!
જે થતું હશે તે સારા માટે.
ઘરમાં થોડીક જ વાર પહેલાં રંગો, સુગન્ધો, શબ્દો વગેરેનાં જે ઝૂમખાં બંધાયેલાં તે બધાં આસપાસ લસરતાં–ભમતાં, ઑસરતાં’તાં. પ્રવીણે વધારાની લાઇટો ટપોટપ ઓલવી નાખી, ને રમાના હાથ હાથમાં લઇ બોલ્યો:
સૂઇ જઈએ રમા –? સવારથી બહુ થાક્યો છું, તું ય થાકી છે –
જોકે પાર્ટી સારી રહી, બધાંને બધું બહુ ગમ્યું –ઇન અ વે, ઇટ વૉઝ અ સક્સેસ; તને કેમ લાગ્યું? બોલતો કેમ નથી?
સરસ, સરસ લાગ્યું, પાર્ટી સારી જ હતી. બધાંએ તારી મૅનેજમેન્ટ વખાણી એ ગમ્યું મને –હું પણ તને કૉન્ગ્રેચ્યુલેશન કહું છું –
પ્રવીણ આગળ કંઈ બોલે ત્યાં ફોન રણક્યો.
મૉડી રાતે ફોન અચાનકની ધમકી જેમ રણક્યો હતો, તેથી કદાચ પ્રવીણ-રમા જરા ભડકીને, સાથે બોલ્યાં -કોણ હશે? મહેશ હોવો જોઈએ. ફોન પ્રવીણે લીધો.
એમ જ હતું. ફોન મહેશનો હતો –એણે સૉરી ક્હૅવા કરેલો. એણે એમ જણાવ્યું કે પાર્ટીમાં આવવા એ ત્રણે જણાં તૈયાર થઈ નીકળેલાં ઘર–બ્હાર, પણ, જોયું તો, આંગણામાં મહેશની મોટર–બાઇક જ નહોતી…! અહીં–તહીં પણ જણાયેલી નહીં. કેમકે હતી જ નહીં! ધ્રાસ્કો પડેલો, કેમકે, આજકાલ એમની બાજુએ વાહનોની ચોરીઓ બહુ થાય છે. આમતેમ જઈ પૂછ્યું ઘણાને, પણ વ્યર્થ. નક્કી એ થયું કે બાઇકની ચોરી જ થઇ છે –એટલે કેવી રીતે નીકળાય? સૉરી, શું કરીએ? –
પોલીસચૉકીએ જઈ ફરિયાદ લખાવી કે નહીં?
લખાવી ને. એટલે તો મૉડું થયું. રાતની ડ્યુટીવાળો આવીને ક્યાંક નીકળી ગયેલો, તે કલાકે આવ્યો. પછી થઈ બધી લખાપટ્ટી.
પ્રવીણને સમજાયું નહીં કે ફોનમાં આગળ શું બોલવું. ઊલટું એને એમ લાગ્યું કે પોતાથી કંઈ બોલાતું જ નથી. કશી ખાલી સ્થિતિ. શું ને શા માટે ક્હૅવું જોઇએ…? –પ્રકારની, આમ તો આછોતરી, પણ નક્કી ચમકતી ધારોવાળી મનોદશા. પ્રવીણને થયું આવા માઠા સમાચાર પછી મહેશને ‘ઓકે’ થોડું ક્હૅવાય? એટલે, એણે ‘વૅરી સૅડ’ કહ્યું. ને પછી વિવેક ખાતર કહ્યું –ખૅર, ડઝન્ટ મૅટર, કંઈ જરૂર હોય તો જણાવજે, મળશું કોઈ બીજી વાર.
પછી પ્રવીણથી ઉમેરાઈ ગયું કે ક્હૅજે શોભા–મીતાને: પણ ક્હૅજે શું? –તે પ્રવીણ કહી શક્યો નહીં. યાદ –કે એવું જ કશું. ન કહી શક્યો, માત્ર બોલ્યો બાઆય -ને ફોન એણે મૂકી દીધો.
પ્રવીણે નીચે રોડ પર મૂકાવેલા ફટફટિયા વિશે, એ બ્રેક–ફેઇલ્ડ્ મોટર–બાઇક વિશે, મહેશને કંઈ કરતાં કંઈ કહ્યું જ નહીં એથી વિમાસણમાં પડી ગયેલી રમા બોલી:
પ્રવીણ, તેં મહેશભાઇને કહ્યું કેમ નહીં કે તારે ત્યાં સવારથી કોઈ કશી એવી જ બાઇક મૂકી ગયું છે?
હું મૂરખ નથી એ બાઇક આપણે ત્યાં સવારથી છે. મહેશની ખોવાઈ, તે પહેલાંથી છે. એ બંનેને, કશો સમ્બન્ધ નથી. રમા, તને ખરી વાત કહું? બંને બાઇકો પોત–પોતાની જગ્યાઓએ જેમ છે તેમ છે. પેલી પેલાની ત્રીજી પણ –ભાગી ગયો તેની ય– જ્યાં છે ત્યાં છે. બધી બાઇકો જ્યાં છે ત્યાં છે. એથી વધારે હું કશું જાણતો નથી, જાણવાની ઇચ્છા ય નથી. સવારે તેં કહ્યું પછી મારે હંમેશ યાદ રાખવાનું છે, કે બધું બધે હું જોડતો તો નથી ને?
સારી વાત ક્હૅવાશે.
તો –?
ચાલો, સૂઈ જઈએ: પ્રવીણ–રમા સાથે બોલ્યાં.
સૂઈ–જવા જોડે જોડાઈ જઈએ: પ્રવીણ બોલ્યો…
પ્રવીણ–રમાની બીજા દિવસની સવાર છે, સન્ડેની.
રમા પોતાના કમ્પ્યૂટરમાં અટવાઈ છે. પ્રવીણ બાલ્કનીમાં ઊભો છે.
રમાને પ્રવીણ એકાએક બહાર બોલાવે છે.
શું છે –? શું છે પાછું સવાર–સવારમાં? – કરતી રમા આવે છે.
એને આંગળી ચીંધી પ્રવીણ નીચે બતાવે છે ત્યાં જો રમા, ત્યાં –
શું?
મોટર–બાઇક, એટલે કે ફટફટિયું. તારી સૂચના મુજબ મૂકાઇ ગયું છે –પેલા ઝાડ નીચે, રૂખડાનું, હા, રૂખડાનું ઝાડ. ધ્યાનથી જો, કેવું લાગે છે?
. . . .
દેખાયું કે નહીં?
દેખાયું, સારું લાગે છે, ફટફટિયું ક્હીએ તે સારું લાગે છે. સવાલ એ છે કે થશે છું શું એનું?
કોણ જાણે, નધણિયાતી ચીજોનું એમ જ હોય છે.
એને જોતાં રમા, મને એમે ય થાય છે કે મહેશનું શું થશે. આઇ મીન, એની ચોરાયેલી બાઇકનું. ખરું થયું બિચારાને…વગર વાંકે…
મળી જાય તો સારું. કંઈ ક્હૅવાય નહીં.
મને એક ખાતરી છે રમા, કે પેલો આને તો ક્યારેક ને ક્યારેક જરૂર લઇ જશે –જોજે. નહીં હોય એક દિવસ.
કદાચ જુદું પણ બને ફટફટિયું કાયમ થઈ જાય રૂખડા નીચે –કેમકે કોઈ એને લઈ જાય જ નહીં. પણ પ્રવીણ, તું બીજી ખાતરી રાખ; અંકે કર, કે પેલો જે ભાગી ગયો એ આ બાજુ હવે કદી ફરકવાનો નથી –
એમ–? એટલું ચૉક્કસ શી રીતે ક્હૅ છે?
ઍમ જ.
ભલે… …
શું વિચાર્યા કરે છે પ્રવીણ?
તું ક્હૅ છે તે, જુદું. એમ, કે આને કોઈ નહીં લઈ જાય. મને એ વધારે સાચું લાગે છે: ફટફટિયું ધીમે ધીમે નીચે બેસશે અને રૂખડાની જમીનમાં ખૂંપશે. ટાયરોમાંથી હવા ઓછી થવાનું તો હમેશાં ચાલુ હોય છે, કોઇ પણ વાહનમાં. એટલે, એ પછી એ પર ધરતીનાં ધૂળમાટી જામશે, પડો ચડશે, ઘાસ–તરણાં એને છાવરવાનું શરૂ કરશે. પવનોથી, તાપ ટાઢ ને વરસાદથી ખવાવા માંડશે ફટફટિયું. અંદર લોઢું એનું ક્ષારો ખાશે, કાટ એનો પીશે જમીનનાં રસકસ, બ્રેક–ફેઇલ્ડ્ મોટર–બાઇક એક દિવસ હશે જ નહીં – ભળીને ધરતીમાં અલોપ થઈ ગઈ હશે.
તારી બધી કલ્પનાઓ –
ના–ના, ખરું કહું છું, આ જે જ્યાં છે તે ત્યાં નહીં હોય. એ જ સાચું છે. ધરતીમાં ઑગળીને પ્રસરી ગયેલું એ, બને કે એક દિવસ રૂખડામાંથી અંદરથી બહાર આવે –એની કશી ડાળ રૂપે. કલ્પના નથી રમા, મને અંદરથી થાય છે કે એમ બની શકે એમ છે.
હા, બની શકે. પણ, ન પણ બની શકે કેમકે એને લઈ જનારું કોઈ તો નીકળશે, ને લઈ જશે.
હા, એમ પણ બની શકે છે, પણ, ન પણ બને કેમકે હું બહુ ઊંડેથી ઇચ્છું છું, ઝંખું છું રાધર કે –કે એને કોઈ કરતાં કોઈ કદીયે જરા જેટલું ય ન લઈ જાય.
ડાળ બની એ મારા ભણી ઝૂલી ર્હે એની હું રાહ જોઇશ –
જોઇ શકે છે. મને મારા કમ્પ્યૂટરમાં જવા દે –
જઇ શકે છે.
પછી રમા ગઈ, પણ પ્રવીણ બાલ્કનીમાંથી નીચે જોતો ક્યાંય લગી ત્યાં જ રહ્યો…
(‘ખેવના’માં ૧૯૯૭)