સુમન શાહની વાર્તાસૃષ્ટિ/કાગારોળ અન્લિમિટેડ

From Ekatra Wiki
Revision as of 11:10, 21 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાગારોળ અન્લિમિટેડ


રવજી ભાભો પોપટ વેચે. જંગલમાં જાય, રખડે, સરખી જગા જડે ત્યાં જાળ પાથરે, દાણા ભેગાં લીલાં મરચાં નાખે, ને પોપટ પકડે. કોઈ કોઈ વાર એમાં નાનાં ખિસ્કોલાં ય ફસાઈ જાય. રવજી ચિડાય, ઉછાળીને ફૅંકી દે. કસ્બામાં લીમડાવાળો ઓટલો એની દુકાન. ત્યાં પોપટ–પાંજરાં ગોઠવે, વચમાં પોતે ગોઠવાય. બેઠો હોય ટાંટિયા નચવતો.

ગયા વરસે સોમા શેઠની પોલ્ટ્રી ફાર્મનાં ઇંડાં વેચતો’તો. અગાઉના વરસે મુસલમાનવગામાં જઈ મરઘાં વેચતો’તો. જોકે તો ય એને સોમા શેઠનું દેવું તો ઊભું જ રહ્યું: કેટલા છે સેઠ? : તૅંતાલી હજાર: એટલા બધા? : તારો વારંવારનો ઉપાડ; એનું વ્યાજ, ને વ્યાજનું વ્યાજ! : હા સેઠ: જો ભાભા, હિસાબ–કિતાબમાં તને કશી હૂજ નથી, હપતા ભરવામાં થાગડથીગડ કરે છે, તે થયો આટલો મોટો ઢેબો; એમાં મારો કોઈ વાંક? : ના સેઠ:  જો ભઇ, તારું ખાતું રાતોરાત નથી પતવાનું, ઉકેડાની માફક છે, વધ્યા જ કરવાનું : એવું તો ખરું: ખોયડું લખ્યા’પ:  હા, પન પછી ર્હૅવાનું? –ઍની વહુ ભીખીએ પૂછેલું : અંગૂઠો પડે, પછી વિચારશું: ઠી…ક, થોડો ટૅમ આલો: આવતે મહિને દસરા આવે છે તે દા’ડે તૈયાર રૅજો : જી સેઠ, રૈસું સેઠ.

રવજીએ રઝળપાટ વધારી દીધો. મગજમાં તૅંતાલી હજારનો આંકડો કાનખજૂરાની જેમ ભમતો થયો છે, એને થાય, જાણે ખોયડું ખાલી કરવું પડ્યું છે –હાથમાં પતરાની પેટી –બગલમાં લોચા–લબાચા –ને બાયણાએ જાણે મોઢાને અડફટમાં લીધું છે, એને થાય. જોકે બન્યું સાવ વિચિત્ર; બીજા જ દિવસથી એના કરમની કઠણાઈ શરૂ થઈ ગઈ –જેવી જાળ દેખાય, પંખી આઘે આઘેથી જ ઊડી જાય!: અરે! મારા વ્હાલા પોપટને આટલે મ્હીને સૉ ભમ્મરિયો ઊડ્યો? હમ્જી ગ્યા લાગે છે; પન ઊડનાર એકેય ના ફરકે? હંધાં હમ્જી ગ્યાં? કોકના નિહાકા પડ્યા –રવજીને થતું. આવું રોજ્જે બનવા લાગ્યું. મૂંઝાયેલો–ગૂંચવાયેલો સાંજે પાછો ફરે. એને એવો જોઈ ભીખી નિરાશ તો થાય પણ ધણીને હિમ્મત આપે: તમારથી હારી છૂટાય નૈં, પંખી બચારૉં કાયમ તો ભોળવાય છૅ, આવસે પાછાં, લગાર ધીરજ ધરો; દાના વના કોને ચાલ્યું છૅ…

એટલે પછી વહુની શીખ માથે ચડાવી જાળનો ગોટો ખભે ઝુલાવતો રવજી સવાર સવારથી નીકળી પડે છે. ચાલતાં–ચાલતાં બબડતો હોય : સાલું ખરું થયું છે…કૉન જાને…ભૂલ તો કસી થૈ નથી. જોડે, સોમા શેઠનો ટાઇમ ગણે. સરાધિયાં ગયાં…નવરાતર બેઠાં…બધું કેમનું થસે.

આજે એકદમનો ચમક્યો : અરે, આજે છઠ! કાલે હાતેમ! આઠેમ નોમ ને દહરા! ઓ રામ, સું કરસું : ત્યાં તરત પાછી એક નવાઈ થઈ. નવાઈ એવી કે જાળમાં પોપટ–ખિસ્કોલાં તો નહીં જ નહીં, પણ તાજાતમતમતા બે કાગડા સપડાયા! ધારીને જોવા અધૂકડે બેઠેલો રવજી ખુશ તો થયો પણ વિમાસણમાં પડી ગયો: માળું કૈં નૈ કૈં નૈ ને કાગડા! કાગડા કૉન્ લેવાનું: ઉતાવળે ઘેર ગયો. ભીખી પૂછે : આટલા વ્હેલા..?: ત્યાં, બીજી નવાઈ થઈ. બન્ને કાગડા માણસની ભાષા બોલવા લાગ્યા!

થોડો ગોરો, એટલે કે ઓછો કાળો હતો એ ક્હૅ  —હું આનન્દી કાગડો છું  રવજીએ બીજા ભણી જોયું. બીજો તરત તો ના બોલ્યો; થોડી વારે ક્હૅ  —હું નાનન્દી કાગડો છું. રવજી માથું ખજવાળવા લાગ્યો  નાનન્દી? એ સું?: જે ઓય, ભીખી રવજીના કાનમાં બોલી, બન્ને વેચાઈ જાય એટલે સોમ ન્હાયાં!  અલી પન કાગડા લૅ કૉણ? : જુઓ તો ખરા, મલસે કોઈ બોલતા કાગડાનો સોખીન, મલી આવસે કોઈ હરિનો લાલ; નીકળો તમતમારે : ના, અત્તારે નથી જતો. હાંજે ખૈ–કરીને ઊંઘી જઈએ, કાલે વાત: રવજીએ બન્નેને જુદે જુદે પાંજરે પૂર્યા ને રાતે વર–વહુ સૉડ તાણીને સૂઈ ગયાં…

રાત ઠરવા લાગી એ પછી, દમ્પતી ઊંઘમાં ગરકી ગયું છે એવી ખાતરી પછી, કાગડા વાતોએ વળગ્યા : આનન્દી, આ પૂર્વે આપણે નથી મળ્યા, ખરું?:  હા; ફર્સ્ટ ટાઇમ: મારે તો યાર, ત્રણસો કાગભાઈઓની આગેવાની કરવાની’તી, ઍક્શનનો આદેશ આપવાનો’તો. જાળમાં સપડાયો, આખો પ્લાન ફેઇલ! : નાનન્દીની ચાંચ અચરજમાં ખુલ્લી ને ડૉળા વિચારમાં ગરક: ત્રણસો કાગભાઈઓ, ઍક્શનનો આદેશ, એને કંઇ સમજાયેલું નહીં. બોલ્યો : હું કસ્બાનો છું, તમે શ્હૅરી લાગો છો:  હા, મૂળે અમે સિટી લાઇબ્રેરી પાછળની પારસી ડુંગરવાડીના –દખમું નથી ક્હૅતા? : હા–હા, સાંભળ્યું છે ને, જ્યાં એમનાં શબ પધરાવે છે:  તને અચરજ થશે નાનન્દી, હું એક રાજકારણી છું. માણસો પાસેથી શીખ્યો, માણસો સામે ખેલું છું : એવું શું થયું? : એવું છે, હવે માણસજાતથી બીવાનો વખત આવી ગયો છે; પાકી ગયો સમજો. મૅં આપણા જાતભાઈઓનું એક ઍસોસિએશન બનાવ્યું છે —કાગારોળ અન્લિમિટેડ…

વાત એમ બની, કે મારી મા કાગાબાઈને કેટલાક પૈસાદારોએ ગઈ સાલ પથરા મારી–મારીને મરાવી નાખી, ને સળગાવી દીધી: કારણ શું? : એમ કે એવિયા જ્યારે ને ત્યારે સોસાઇટીમાં કાગારોળ મચાવે છે. તને તો ખબર છે, માણસોને આપણું બોલવું કાગારોળ લાગે છે. પણ માની કાગારોળ તો, એમના જ ગંદવાડ સામે હતી –ડુંગરવાડીના કૂવામાં એમના જ લોકો મરેલાં ઉંદેડાં ને કૂતરાં–બલાડાંની રઝળતી લાશો પધરાવતા’તા. આપણે ક્યાં નથી જાણતા કે માણસ નામનાં જાનવરો જ્યાં ને ત્યાં કેવી કેવી ગંદકી કરતાં ફરે છે : હાસ્તો, જ્યાંત્યાં થૂંકે, ગળફા કાઢે, લટાં છંટકારે; ખૂણો જડે કે ના જડે, ઊભાઊભા મૂતરે; ગમે ત્યાં હંગવા બેસી જાય : છોડને યાર, મને વાસ મારે છે! મા ક્હૅતી, આપણું નાનકડું કાગડું ય બચારું એમનો ગંદવાડ સાફ કરે, તેની કદર તો નહીં, ઊલ્ટાના આપડાંને મુન્સિપાલ્ટી ક્હૅ છે, પક્ષીઓમાં આપણને નીચ ગણી ધુત્કારે છે –ઊંચનીચ એમનામાંય કાં નથી! : છે જ; બહુજ છે: આનન્દીભાઈ, ઍક્શન શી? : લાંબી વાત છે: ટૂંકમાં ક્હો…

એમનામાંના અમુકોએ હરિજનવાસનાં ઝૂંપડા તોડી પાડ્યાં છે, ભારતી નામની એક અનાથ છોકરીની દેરી તોડી પાડી છે. એરિયા આખો એમને વેચાઇ ગયો છે એમ કહીને બધાંને પટાવી કરીને તગેડી મૂક્યાં છે:  અરેરે!: દેરીનું ઑઠું લઈ હરામીઓ ત્યાં વિરાટ મન્દિર બનાવી રહ્યા છે: કેટલું થયું છે? : ખાલી લૅન્ડ–સર્ફૅસિન્ગ, પાયા ય નથી ખોદાયા. મૅં નિર્ણય આપ્યો ને કાગારોળ અન્લિમિટેડે સ્વીકાર્યો –કે કોઈપણ ભોગે, કોઈપણ હિસાબે, મન્દિર ના બને! બનવા દેવાય જ નહીં! આવાં કામો માટે અમારી પાસે એક કાયમી પ્લાન છે, ઍક્શન–પ્લાન. જેને જરૂર હોય એને વેચીએ. આ મૅં ઑપોઝિશનને વેચ્યો છે, એના હાઇ–કમાન્ડને : કોને વેચ્યો, કોને?:   પૂરું સાંભળ, અમારામાં આ લોકોની ભાષા અમે બે જ જણા જાણીએ છીએ –હું ને મારો આસિસ્ટન્ટ, કાલિદાસ, લાંબી–ચાંચ કાલિદાસ, ચાંચ જરા એવી છે; સાંભળ, મારી પાસે ત્રણસો નોંધાયેલા કાર્યકરો છે, ને જરૂર પડ્યે, જોઈએ એટલા ફાલતુ પણ છે– એકાએક આનન્દી બોલતો અટકી જાય છે, કેમકે માટલામાં પવાલું બોળાયાનો અવાજ થયેલો. રવજી પાણી પીવા ઊઠેલો. બન્ને કાગડાઓએ એકમેકને ઊંઘી જવાના ઇશારા કર્યા ને ડોકાં ઢાળીને સૂઈ ગયા. આનન્દી હળવું બબડ્યો, આગળ કાલે.. જોકે નાનન્દીને ઊંઘ ના આવી, કેમકે આનન્દી એને બહુ ભેદી લાગ્યો…

સવારે, ડાંગને આ છેડે એક પાંજરું ને પેલે છેડે બીજું એમ કાવડ કરી રવજી કચવાતે મોઢે નીકળ્યો છે.  દુકાનને રસ્તે એને વિચાર આવે છે —મનેખ જેવું બોલે છે તો કૈંક એમાં ભરમ હસે, કદાચ એ વાતે જલ્દી વેચાઈ જાય, પૈસાય વધારે મલે; હમજવું જોય્યે; જવાય છે; લાવ ને જગજીવન જોસીને પૂછું. કસ્બામાં જગજીવન જાણીતો જોશી : જગાબાપા, આ બન્ને, કાગડા છે તો ય આપડી બોલી બોલે છે, એવું સાથી? : પૂરવેનાં પુંન ભઇલા; મૂંગાને ય બોલતો કરનારો ભગવાન એમના પર રાજી થયો હશે : આ ક્હૅ છૅ મારું નામ આનન્દી ને આ ક્હૅ છૅ મારું નામ નાનન્દી, એ સું? : બન્નેની રેખાઓ જોવી પડે:   આનન્દીએ ફટાક્ પોતાની પાંખ ધરી, ને બોલ્યો, શાસ્ત્રીજી, પ્હૅલાં મારો હાથ જુઓ: ખુલ્લી પાંખ સફેદ હતી: આ નહીં, એ– જમણી : આનન્દીએ સફેદ પાંખ વાસી દીધી ને બીજી ખોલી. એ પાંખ પણ સફેદ હતી. જોશી જાડા કાચનાં ચશ્માંથી જોતા’તા : ભઇ રવજી, આ કાગવિશેષ રજોગુણી છે : એટલે કેવો?  એ તને નહીં સમજાય, તારા ગજા વ્હારની વાત છે. દાઝીલો પણ જગડાહ્યો છે, મતલબ માટે ગમે એ કરનારો. એને ભલું–ભૂંડું ન અડે કે ન નડે. પોતાને આનન્દી ક્હૅ છે તે બરોબર ક્હૅ છે; કોઈપણ ધોરણે આનન્દ મેળવે! એટલે આનન્દી! જો કે તેથી એને ઉધમાત ઘણા, પણ છે મૂલ્યવાન: ઠીક; બાપા, આનું જુઓ : નાનન્દી સમજદાર તે એણે જમણી પાંખ જ ખોલી. પાંખ સોનેરી હતી.  થોડી વારે જોશી ક્હૅ: ડાબી બતાવ : રૂપેરી હતી: ભઇ રવજી, આ કાગવિશેષ સત્ત્વગુણી છે. પૂછતો નહીં એટલે કેવો:  જી: બેતમા પણ શાન્ત. વાતનો સાર પકડનારો. એને આનન્દ મળે તો ય ઠીક ને ન મળે તો ય ઠીક –એટલે નાનન્દી! સુસ્ત! જોકે પણ પરગજુ છે. તારા જોગું એટલું કે આ પણ એક મૂલ્યવાન કાગડો છે…

  તો કેમનું કરું? : બન્ને કાગડા માનવભાષી હોઈને તને બહુ ધન કમાવી આપશે, એમનું બરાબર જતન કરજે, કોઈને પણ વેચતો નહીં. તારું ભાગ તો જો, એક રજોગણી ને બીજો સત્ત્વગુણી, દુનિયાને બન્નેનો ખપ છે. બન્ને મૉંઘા મૂલના છે: પોતાને વિશે એકંદરે સારું ક્હૅવાયું છે એમ સમજી બન્ને કાગડા ઠાવકાઇથી પાંજરે પેસી જાય છે ત્યારે બેયની ઝાંપલી બરાબર વાસીને રવજી બોલે છે: બાપા, એક પૂછું?  : બોલ : તમારી વાત છૅ બરોબર, ધન બૌ કમાસે; પન પાંજરે બેઠે બેઠે કોઈ થોડું કમાય? કાં મારે છોડવા પડે, કાં વેચવા પડે : જો ભઇલા, રાહ જોવાય તો જોવી, ના જોવાય તો ના જોવી, વેચી મારવા!: ઠી…ક; તા’રે ભાવ સૉ રાખું? : આના પચીસ હજાર ને આના ય પચીસ હજાર : હસી પડતો રવજી બંડીમાંથી પાંચનો સિક્કો, દખણ્યા બાપા કહીને મૂકે છે ત્યારે જગજીવન જોશી બોલે છે, માલેતુજાર થાય એ દા’ડે કોઈ વાર બાપાને મળવા આવજે પાછો: જી, જી…

લીમડાવાળા ઓટલે રવજી રોજ પ્રમાણે ગોઠવાયો છે પણ શરમાયા કરે છે કેમકે, કાગડા વેચવા બેઠો છે. એને એમ પણ થાય છે કે તૅંતાલી અજારનો દેવાદાર માલેતુજાર કે દા’ડે થવાનો…ને આટલી મોટી રકમ આલનારો ધનેસરી કાં મલવાનો…તાં લગી આ મૂઆઓનાં જતન કરવાનાં…વેચવાના નહીં તો ખાવાનું સું…સેનું ભાયગ…જગોબાપો ઠોકતો લાગે છે! ચાલ, ઘેર પાછો જૌ, ભીખીને કૌ તો ખરો કે કેવા કીમતી મલ્યા છે આ આપડાંને.

ઘેર રવજીએ બધી વાત માંડીને કરી, ત્યારે ભીખીએ કહ્યું : ખુસ થાવ, જોસીબાપા જેવા મોટા મનેખ ક્હૅ છૅ તે વાતમાં દમ હસે:  અરે પન, આટલા આલનારો કૉન્ મલે? ક્હૅતે બી દીવાના, સુનતે બી દીવાના! કૈં હમજીને તો બોલ!: ભીખીને સમજાતું નથી કે શું બોલવું. એટલે પછી ધણીને છાસ ને ઘૅંસનું વાળુ કરાવે છે, મહેમાન જેવા બન્ને કાગડાને દહીંમાં લોટ ચોળી આપીને જમાડે છે. રાતે ખોરડામાં કોડિયું થરકતું બળવા લાગ્યું છે. કોડિયાથી નહીં ભુંસાયેલા અંધારાને તમરાં ઝીણું ઝણઝણાવે છે. ત્યારે બન્ને મનુષ્યજીવો આવી પડેલી ગમતીલી આપદા ઓઢીને ઊંઘી ગયાં છે. જોકે પાંજરાના બેમાંથી એકેય પંખીને ઊંઘ નથી.

રાત ઠરવા લાગી એ પછી, દમ્પતી ઊંઘમાં ગરકી ગયું છે એવી ખાતરી પછી, બન્ને કાગડા આજે પણ વાતોએ વળગ્યા : જોશીએ આપણને મૉંઘા મૂલના કહીને આપણો ભાવતાલ સારો કર્યો:  હા પણ એટલે જ, ઝટ છૂટાશે નહીં; કેમકે રવજીભાઈ વેચવાનો નહીં.  કોક દિ થાકે, પણ ત્યારે આપણને ખરીદે કોણ?  ને તે ય આ ભાવે! –નરી ફસામણ છે. કાલની વાત આગળ સાંભળ, મન્દિર બને જ નહીં એ માટેનો ઍક્શન પ્લાન મૅં ઑપોઝિશનને વેચ્યો, તે ખરેખર તો હાઇ–કમાન્ડે સામેથી માગેલો. અમને પૂરું એક ખોખું આપવાનું. સોદો એ જાતનો છે –ખોખું એટલે એક કરોડ : આનન્દીભાઈ! તમે તો યાર, બહુ જબરા જણાવ છો. તમને વાંધો ના હોય તો, પ્લાન શું છે?

જો, જેવો મારો આદેશ છૂટે, મન્દિર માટે સમથળ કરાયેલી જમીન પર ત્રણસો યે ત્રણસો કાર્યકરો ઊતરી પડે, ને રાત ને દિવસ, અવિરત, નૉન–સ્ટોપ, ક્રા–ક્રા–ક્રા–ક્રા–ની પાગલ ધૂન મચાવે. બધા મારો પડ્યો બોલ ઝીલે. હું પ્હૉંચ્યો હોત તો એ કાગારોળ આકાશે ચગી હોત; પણ આ મૉંકાણ થઈ! : હાઇ–કમાન્ડ પણ ખીજવાયા હશે: ખીજવાય કાંથી, એ બધા ગરજાળ ગધેડા  તમારી ગેરહાજરીમાં કાલિદાસ–: ના–ના, જરાય નહીં, નો રાઇટ! આસિસ્ટન્ટ એટલે આસિસ્ટન્ટ; હજૂરિયો! આ લોકો પણ આસિસ્ટન્ટોને એમ જ રાખે છે ને! તું પૂરી ઍક્શન જાણ. સંકલ્પ એમ છે કે સૌએ પેશાબ જ્યારે ને ત્યારે ત્યાં જ કરવાનો, ચરકાય એટલું ત્યાં જ ચરકવાનું; ઉંદેડાં, કબૂતરાં ને કુરકુરિયાં–બલાડાંની જ્યાંથી જ્યાંથી લાશો જડે, ઠોલવાની, ફોલવાની; એ બધા ટુકડાઓનો સાજસરંજામ સાઇટ પર ઠાલવવાનો; આંતરડાં કે કલેજાંની ફૅંકાફૅંક રમવાની; ઉપરાન્ત, વારંવાર ખાટકીવાડેથી બધો ખેરો લાવીને ઉછાળવાનો. છેવટે શું થાય, ખબર? : ના: રખડતાંકૂતરાં, સમડીબૅનો ને ગીધભાઈઓ મદદ ઊતરી આવે; ને એટલે પછી, ટીવીવાળા!: વાહ!  હા, ગઈ સાલ એવું જ બનેલું; એક જુવતી પર કૉલેજના પાંચ માસ્તરોએ સામૂહિક બળાત્કાર આચરેલો, એ અતિ ગલીચ ઘટના સામે અમે કૉલેજની લોબી પર જીવલેણ કાગારોળ મચાવેલી; લાગ મળ્યો હોત તો અમારો વિચાર તો એકોએક માસ્તરના…જવા દે ને, મને બહુ ગુસ્સો છે, બહુ જ…બધી ચૅનલો પર ખાસું કવરેજ મળેલું; મેઇન કૅમેરામૅન મને ક્હૅ, તમે અમારું કામ કરો છો, ચાલુ રાખજો –એટલું બોલી આનન્દી અટકી ગયો કેમકે ચૉકડી ભણી ભીખી વરતાયેલી, પેશાબે ગઈ હશે; જાણીતો અવાજ આવેલો. બન્ને કાગડાઓએ ઝટપટ એકમેકને ઊંઘી જવાના ઇશારા કર્યા ને ડોકાં ઢાળીને સૂઈ ગયા. આનન્દી હળવું બબડ્યો, આગળ કાલે…જોકે નાનન્દીને ઊંઘ ના આવી, કેમકે આનન્દી એને બહુ જ બહુ, પ્હૉંચેલો લાગ્યો…

ભીખીના સંતોષ ખાતર ને મગજમાં હજારની થોકડીઓની ગડમથલના ઇશારે પાંજરાં ગોઠવી રવજી દુકાને બેઠો તો છે, પણ એને આશા નથી. ગોખતો હોય છે, આજે હાતેમ, ના, આઠેમ થૈ ગૈ આઠેમ. એટલાંમાં, સામેથી ભેરુ જમાદાર આવતો’તો : ભેરુભૈ, જુઓ ને અમનાંના પોપટલોક રીહૈ ગ્યાછ, ને આ કાગડા મલ્યા! પન બોલે આપડી બોલી! મજાના છે, પૂછી જુઓ:  ભેરુ પાંજરામાં ડોકિયું કરી બોલ્યો, કેમ છો લ્યા, અહીંયાં કાંથી? : અમારો કસૂર એ કે જાળ પારખી નહીં —બન્ને સાથે બોલ્યા:  તે, રસ્તાની કોરેમોરે ચાલતાં શી ચૂંક આવે છે?:  અર્જન્સી વખતે હું આ જંગલ–રસ્તો લઉં છું, શૉર્ટ–કટ છે:  મલવા કયા વાલેશરીને જતો’તો? : કોઈને નહીં, ત્રણસો કાર્યકરો મારી રાહ જોતા’તા : એઍમ? મોટો સોસ્યલ વર્કર છું? –સાલો ફાડે છે! : ના–ના, સાચું છે, મૉડું થયેલું તે નાસ્તાનો ટાઇમ નહીં, ફાસ્ટ ઊડતો’તો. રવજીભાઇની જાળમાં ખાવાનું કંઈક જુદું લાગ્યું તે નીચે ઊતર્યો, જ્યાં ઊતર્યો ત્યાં જ ફસાયો : ભૂખારવો લાગતો તો નથી : ના સાહેબ, નથી:  તારું બોલ!:  હું જતો’તો ચબૂતરે, મારી વાઇફને બોલાવવા; કેમકે એને ટૉળટપ્પાની ટેવ છે; તે બ્હાવરવાટમાં ફસાઈ ગયો:   બૈરાં કાબૂમાં નથી ર્હૅતાં તો પૈણો છો શું કામ? : અમને માફ કરી દો ને જમાદારસાબ, બન્ને સાથે બોલ્યા: વાહ વાહ રવજી, માને ગયે! આ તો ચતુર કાગડા છે, કીમતી! વેચાય નહીં, રવજી:  પન કરું સુંઉં? : એ ય હાચું. તો…એમ કર, મને આપી દે!  કેટલા આલો?: ગાંડિયા! તમે લોકો અમને આલો કે અમે તમને? કેવી વાત કરે છે!: આંખોમાં ગણતરીથી તાકી રહેલા જમાદારને શું ક્હૅવું તે રવજીને સમજાતું નથી : તો તું જાણે –બોલતો ભેરુ જમાદાર ડંડૂકો ઉલાળતો ચાલવા માંડે છે.

રવજીને થાય, અવે આ સિપૈડો બધૉં આગર મારો ઢંઢેરો પીટવાનો. એટલાંમાં કનુ માસ્તર આવ્યા : અલ્યા, પોપટ નહીં ને કાગડા…? : સું કરું… બોલો  માસ્તર, આ છે આનન્દી ને આ છે નાનન્દી. બેઉ આપડી બોલી બોલે છે; તે કૈક એમાં ભરમ ખરો? : પરીક્ષા લઉં તો ખબર પડે:  લૉ ને : ભાઈ આનન્દી, પ્હૅલાં તું; બોલ જોઇએ, પર્વત કોને ક્હૅવાય? : નદી નહીં તે પર્વત:  ને આકાશ?: ધરતી નહીં તે આકાશ:  રવજી, આ ઉતાવળિયો પણ હાજરજવાબી છે, ચબરાક; જીવનમાં પૂરપાટ આગળ વધશે. ભાઈ આનન્દી, તારા શા જવાબ છે? : પર્વત તે ધીમે ધીમે વધેલી આશા ને આકાશ તે ધીમે ધીમે ફેલાયેલી નિરાશા : રવજી, આ ધીરો પણ સમજુ છે, શાણો; સુખમાં ર્હૅશે. ભરમ એટલો જ કે બન્ને મનુષ્યભાષા જાણે છે એટલે તારે બહુ કામના છે; ઘણો પૈસો રળી લાવશે, વેચતો નહીં: માસ્તર, એક પૂછું : બોલ : વેચવાની તમે ના પાડો છો એ ખરું પન કોક દિ તો વેચવા વારો આવે કે નૈ? આવે તારે સૌ ભાવ રાખવો?:   આના પાંત્રીસ હજાર ને આના ય પાંત્રીસ હજાર : સાંભળીને રવજી કરમાયેલું હસતો હોય છે, ત્યારે કનુ માસ્તર પૂછે છે, આ ફેરા મારે હારું તું ભઇલા પેલાં ચણીબોરાં નથી લાવ્યો, લાલમ્લાલ? : ના : વાંધો નહીં, આ પછી ભૂલતો ના : જી, જી નૈં ભૂલું.

રવજી બબડતો’તો: અમે તો હવાર–હૉંજ છાસ ને પાતરી ઘૅંસ ખૈછ, ને માસ્તરને હાળાને લાલમ્લાલ બોરૉં ખાવૉંછ! પેલા સપૈડાને મફતમાં જોથ્યે છ! ઉજરાઓને, જા’રે ને તા’રે લાય લાય ને આલ આલ વગરનું બીજું કૈં હૂજતું જ નૈં! છંછેડાયેલો એ ઘડીમાં રસ્તો જુએ, ઘડીમાં પાંજરાં જુએ –એક પા મારે સોમાશેઠનું દેવું; બીજી પા આ નવરીનાઓને વેચવાના નહીં તે પાલવવાના! આજે પણ કંઈ વળ્યું નહીં. રાહ જોતાં કંટાળ્યો તે રાત પડતાં પાંજરાં લઈ ઘર ભેગો થયો. ભીખીને ક્હૅ, આજે આઠેમ તો થૈ ગૈ, સોમોસેઠ તો ઝાલ્યો ઝલાસે નૈ…ખોયડેથી કાઢશે તો જસું કાં: તો ધરમસારા કાં નથી: પન ખાવા? : કસું નૈ, ઢોરૉં ચારસું, નીંદામણે જાસું…જીવને તમે ટાઢો પાડો: ભીખી, સાલો કમાલ તો જો! જોસીને પચ્ચી હૂજ્યા તો કનુ માસ્તરને પૉંત્રી:  ઍમાં વરી કમાલ સૉ, ભનેલૉં ક્હૅ એ કોઇ દિ ખોટું પડે? : પડવા દે હાચું; પડવા દે! રાહ જો! હાળા મસ્કરી કરેછ, મસ્કરી : હારું પન ચાલો, અત્તારે ખૈ લો –કહીને ભીખીએ ધણીને અને મૉંઘેરા મહેમાનોને પણ કાલની જેમ હેત રાખીને જમાડ્યા.

રાત ઠરવા લાગી એ પછી, દમ્પતી ઊંઘમાં ગરકી ગયું છે એવી ખાતરી પછી, કાલ પ્રમાણે કાગડા વાતોએ વળગ્યા : પેલો કૅમેરામૅન છેલ્લે મને શું ક્હૅ, ખબર? : ના : ક્હૅ કે એમને મેયરે મોકલ્યા’તા; ન્યૂઝમાં અમુક ઍન્ગલ રાખવાનો’તો; ક્હૅ કે આજે કોઈપણ બાબતને પોલિટિકલ કલરની જરૂર ર્હૅ છૅ, નેવર ફરગેટ! નાનન્દી, હું પણ એમ જ માનું છું, એ કમનસીબી છે, પણ છે. કાર્યકરો બચારા મારી રાહ જોઈને થાક્યા હશે. કેટલાક તો, નાનન્દી, મને ઊંધું ક્હૅ, સર, આ તો દેરાના દેવનો જ આદેશ છે –માટીના ભગવાનને આરસની મ્હૅલાતમાં થોડું ફાવે! : આનન્દીભાઈ, જોકે મને બે સવાલ થાય છે, પૂછું? : પૂછ પૂછ : આ કામ તમે લોકો પૈસા વગર ના કરી શકો, સેવા–ભાવનાથી? કાગાબાઈની જેમ? : ના, અમે કાગાબાઈ જેવું કરવા જઈએ ને નાનન્દી, તો અમારો એ જ ઘાટ થાય જે એમનો થયો! પતાવી દે! : ખરું; પણ એમાં એવું ના બને કે હાઇકમાન્ડ આ જગા કોઈ મોટા ઉદ્યોગવાળાને વેચી દે? : હા, બને, આખી સાઇટ વેચે, શૉપિન્ગ મૉલ માટે કે હાઇરાઝ્ડ બિલલ્ડિન્ગો માટે, બિલ્ડરલૉબીને વેચે, જરૂર વેચે. તેને ખાનગીમાં કહું, અમે તો ધરાર એ જ ઇચ્છીએ છીએ. કેમકે ત્યારેય પાગલ ધૂન –કાગારોળ– તો ચાલુ જ ર્હૅવાની! ને એટલે એ સામે બિલ્ડરોએ પણ અમને ચૂકવવું પડવાનું! : હા, પણ હરિજનોનું, ને ખાસ તો, ભારતીનું શું થાય? : એ લોકોનું ક્યાંક એ લોકો જ ગોઠવી આપે! : આનન્દીભાઇ, એનો અર્થ એ કે દેરું ગયું એમ મન્દિરેય જાય ને બહુમાળીનાં ઝાડ ફટોફટ ખડકાઈ જાય. માફ કરજો, તમારી વાતમાં ન્યાય નથી, આપમતલબી રાજકારણ છે; મને બહુ અકળાવે છે : ભાઇ મારા, ચૉતરફ અકળામણ અકળામણ જ છે, ક્યાંય પણ ઠીક કશું જણાય છે? ન્યાય ગયો ભાડમાં! અમારે તો બસ કાગારોળ મચાવવી છે – અન્લિમિટેડ: સારું; મારો બીજો સવાલ –પૈસા આપણને પંખીઓને શું કામના, ક્હૅશો? : કશા કામના નહીં, હું કે અમે પૈસાને અડતા પણ નથી, બધું પાર્ટીના માણસો કરે, એમના માણસો, ટેવાયેલા હોય છે! અમારા આવા પૈસા બારોબાર દુબઇ મોકલી દેવાના હોય છે, બૉસને: બૉસ?: હા; બધી પોલિટિકલ પાર્ટીઓને ફાઇનાન્સ કરે છે, એ બોસ. એમની જોડે અમારો કરાર છે, એમ કે પ્રાણીબાગમાં આપડા લોકને માટેનું એક સલામત કાગારણ્ય ઊભું કરશે; મૅં તો ગીધ સમડી જેવાં સહકર્મીઓ માટે પણ કહ્યું છે, કેમકે હવે તો એ બધાંને પણ માણસોથી બહુ ભય છે: આનન્દીભાઈ, તમે ખરેખર જબરા છો, ખરેખર; શું કહું, પણ હાલ તો આ રવજીના પાંજરેથી નીકળવાનું કંઈ કરો ને: મનમાં પ્લાનિન્ગ એનું જ ચાલે છે…

પણ નાનન્દી, એક વસ્તુ જાણવા માગું છું, આમાંથી છૂટ્યા બાદ તારે અમારામાં જોડાવું છે? : ના આનન્દીભાઈ; મને, સમજો ને, આ આખા કસ્બાનું લોક બહુ શુકનિયાળ ગણે છે; નહીં ગણનારા છે કેટલાક, બાકી અહીં મારું માન છે, ને એથી મારું બધું સરળસૂતરું ચાલે છે. મોટી વાત તો એ કે જીવવા માટે કંઈ કરતા કંઈ કરવાનું નહીં! અવારનવાર સેવ–ગાંઠિયા, ફૂલવડી, જલેબી, દહીંથરાં, મળ્યા કરે. દસા-બારમું ને શ્રાદ્ધ તો ખરાં, સમચરીનાં જમણ પણ ચાલુનાં ચાલુ; સૌને અહીં પોતાનાં મૃતજનો વિશે, આનન્દીભાઈ, પ્રેમાદર છે:   સારું ક્હૅવાય, બાકી અમારે શ્હૅરમાં તો, છે તેને જ મારવા ફરે છે! શું કરો!: ભલે આનન્દીભાઇ, સૂઈ જઈએ, મને ઊંઘ આવે છે: ભલે–ભલે; બાકી તું આ લોકોની ભાષા જાણું છું એટલે અમને કામનો ક્હૅવાય; સરસ છે, મને ય ઇર્ષા થાય છે, ક્યાંથી શીખ્યો? : મારી વહુ પાસેથી, કેમકે એનું પિયર બ્રાહ્મણફળીમાં: શું નામ? અમારી બાજુ આપડામાં નામ હોતાં નથી પણ મૅં પાડ્યું છે –હસમુખી. તમે, પરણેલા છો આનન્દીભાઈ? : ના; એક–બે પીએમ-સીએમના દાખલાથી શીખ્યો કે ના પરણવામાં મજા છે; ક્હૅ છૅ એથી રાજકારણ ખેલવામાં ટેકો ર્હૅ છે. ઊંઘ તો નથી, પણ પ્રયત્ન તો–

–ભીખી! મારો વિચાર સ્હૅર જવાનો થાય છે, આમને વેચવા. તું ઉંગી ગૈ પછી તારી વાત મનમૉં બેઠી –ભનેલૉં ક્હૅ એ ખોટું ના પડે. એ લોકની ગણતરી પાકી ઓય. સ્હૅરમાં લોક પૈસેટકે સુખી બૌ, ઘરાક ચપટીમાં મલી જાય : તમારું ભમી ગ્યું લાગે છે : જો વેચાય ને, તો કાં પચ્ચી, કાં પાંત્રી, ને બેયના ગણીએ એટલે બમણા અજાર મલે; દેવું તો પતે, ભવની ભાવટ જાય : અરે પન સ્હૅરમાં જવાના કૂકા કાંથી લાવસો? તાં કાગડાને હારુ કયો હનીજો નવરો બૅઠો છૅ? ને પમ્દાડે તમારો હગલો સોમો, ધોતિયું ઉછારતો દોડ્યો આબ્વાનો છૅ તેનું કંઈ હૂજે છૅ તમને?:  અરે પન: સું અરે પન, ભાભા, મારી ઉંગમાં તમો બદલૈ ગ્યા, તમારામૉં લાલચ ઉગી, લાલચ! લાલચ બૂરી ચીજ છે, વાતનો ખાલ છોડો, નૈતર કાંયના નૈ રહો! છાનામાના અસલમાં પૂગી જાઓ –હમજ બચી ઓય તો : જોઈસું જોઈસું! મોટી ના જોઈ ઓય હમજવારી…

–નાનન્દી, બન્ને જણાં ઝઘડ્યાં લાગે છે?: હા આનન્દીભાઈ, મને પણ એમ જ લાગે છે : વચ્ચે પડવું પડશે, બચારાં આપણે કારણે દુખી દુખી થઈ ગયાં છે; સારું ના ક્હૅવાય…

–જુઓ ભીખીબેન, આનન્દી મોટેથી બોલ્યો, રવજીભાઈને તમે આમ તતડાવો ના, મને સાંભળો –લાલચ બૂરી ચીજ નથી, કશી બૂરી નથી. વાત એમ છે કે આટલા બધા રૂપિયા આલનારો આ જનમમાં તો ના જ મળે, શ્હૅરમાં ય કોઈ કાગડા નથી પાળતું : ઍમને એ તો કૌ છું: સવાલ એ છે કે ત્યાં લગી ખાઓ શું ને અમને ખવડાવો શું? સવાર–સાંજ અમને થોડા થોડા રૅઢા મેલો તો એ સવાલ તો, સમજો કે ના ર્હૅ : પણ બેનને આનન્દીભાઈ, પાંજરામાંનીઆપણી બધી સાફસૂફીની બબાલ તો ખરી જ ને?: હા, એ તો છે જ…એના કરતાં એમ કરો, અમને છોડી મૂકો, ભૂલી જાઓ કે આ જનમમાં આપણે મળ્યા’તા; કેમ ખોટું ક્હું છું, નાનન્દી? : તદ્દન સાચું!

અરે કેમનું હાચું? —ભીખી તાડૂકી ઊઠી—  આવાએ કયા જલમમાં તમને મલવા નીસરેલા, ક્હૉ તો? તમે જાતે ટપક્યા! ને તા’રથી અમારી તો હવા દુરસ્ થૈ ગૈ છૅ! મારા ઉચાટનો પાર નથી ને એમનો માંયલો તો કપૈ–કપૈને ચીમડું થૈ ગ્યો છૅ! તમને ભઇલાઓ, અમે ઍમ તો ના છોડીએ, હા: બદલામાં કંઈ મળે તો છોડો, બરાબર? : કૉન્ જાને! અલાધ્યા પોપટાય ખોવૈ ગ્યા છે : પણ બેન, આનન્દી બોલ્યો, પોપટાના બારામાં અમારો કસૂર ખરો? એ વનેખા તો અમારી અગાઉના નહીં? રવજીભાઈ, સમજો, તમને વળગી છે લાલચ ને ભીખીબેનને જોઈએ છે બદલો. લાલચને વાપરી બતાવો તો બદલો આપોઆપ મળી જશે : કૈં હમજ પડે એવું ક્હૉ ને : ભીખીબેન, રવજીભાઇના મનમાં લાલચ તો તમારા લોકોએ જ ઉગાડી, માણસોએ –અમે શું કરીએ?:  હા ભૈ પન, રવજી ચૅંકાઇને બોલ્યો, ખરો વૉંક તો અમારું સોમાસેઠનું દેવું જ ને? એ પ્હૅલાંનો વૉંક તે અમારી ગરીબી : હા, ગરીબી ય તમારા લોકોએ, માણસોએ જ પેદા કરી છે. રવજીભાઇ, તમને સમજ નથી, મરતાં દમ તક આ સંસારમાં તમને અસલમાં સમજાવનારું કોઈ નથી : એ વાત તો છૅ જ: તમે નથી જાણતા કે ગરીબી તમારો વાંક નથી; સામામાં પણ ઘણુંબધું હોય છે : સું? : તમારી મુદ્દલ તમને યાદ છે? ક્યારે લીધેલી? : ના; જરૂરે જરૂરે લેતો’તો, કોઈ વાર પાન્સો, કોઈ વાર અજાર : વ્યાજ તો જાણો જ કાં! : ના, જરાય નૈ; કરીએ સું એ ક્હૉ ને ભૈ : સોમા શેઠને ઝાલો આપો! બન્ને જણાં વ્હૅલી સવારે સીમ ભણી ભાગી જાઓ; અમે એને જોઈ લેશું : ના–ના, એવું ના કરાય, દગો ક્હૅવાય : અરે દગાનો બાપ તો સોમો છે! તમને તૅંતાલી હજારે પ્હૉંચાડ્યા! ચોર છે ચોર! ગઠિયો લુચ્ચો નાલાયક બધું જ છે! : હા પન સું થાય:  તમારે ભાગવું નથી, અમને છોડવા નથી; પરમ દિવસે દસરા છે, ખોયડું ખાલી કરવાનું –બરાબર? : આનન્દીભાઈ, આખો પ્રશ્ન કાગારોળ અન્લિમિટેડને સોપી દઈએ તો કેવું? તૂટી પડે સોમા પર!

એ વિચાર મને ક્યારનોય આવી ગયો છે, નાનન્દી; પણ એ બધા ત્યાં, હું અહીં, બને શી રીતે? : જઈને તમે જાતે જ બોલાવી લાવો તો? : પન ભૈ, એથી અમારો દા’ડો ના વરે, મલે કૈં નૈ ને દેવું ઊભા–ન–ઊભું ર્હૅ, ભીખી બોલી, પાછા તમે પાછા ય આવો કે?:   તો કરવું છઅ શું તમારેએ…? : કૈં દેખાતું નથી: તો ભરોસો રાખો, લાલચને કામ કરવા દો; આનન્દીભાઈ પાછા આવે જ ને, શું કામ નહીં? ને હું તો અહીં જ છું, પાંજરે: મારો પ્રતાપ તો જુઓ, એક વાર અજમાવી જુઓ, નહીં તો પૂરજો પાછો! મંજૂર?:  ઠીક છૅ, મંજૂર : તો અત્યારે આપણે બધાં ભગવાનને ખાતર જપી જઈએ –બરાબર? : બરાબર…

નૉમની સવારે ઊઠતાંમાં રવજી બોલ્યો, જવા દે ભીખી, પૉંજરું ખોલી નાખ, માડીનું નૉમ લૈ ને..જૈ અમ્બેમા કરીને જેવું ભીખીએ પાંજરું ખોલ્યું કે તરત આનન્દી બ્હાર કૂદ્યો ને તરત બોલ્યો, તો આવજે દોસ્ત, જઉં છું —કહીને એણે નાનન્દીને આંખ મારી. રવજીભાઇ, ભીખીબેન, આવજો; તમને જો હજુ ભરોસો ના પડતો હોય તો જગજીવન જોશીને ક્હૅતો જઉં : ના–ના, એમને નૈ, ક્હૅવું જ ઓય તો કનુ માસ્તરને ક્હૅજો, જોસીબાપા ચીકનું કરે: ભલે–ભલે; આવજો  આવજો!

અને આનન્દી ધીમેથી ઊંચે ઊડ્યો, ચાંચ આગળ તાણી પાંખો પૂરેપૂરી ફેલાવી ને ફડફડાટ બોલાવતો ખુલ્લા આકાશમાં થઈ નીકળી ગયો. એનું પાંજરું ખાલી પડ્યું. ભીખીએ ઊંચકીને આઘું કર્યું ને છેલ્લે ખાટલે સૂનમૂન બેઠી. કશી અંદરની અણજાણ અથડામણમાં ખોવાયેલા રવજીએ અનોજો પાળ્યો, દુકાને ગયો નહીં. નાનન્દીએ આખો દિવસ વિચાર્યા કર્યું –સાલાએ મને આંખ મારી તે કેમ મારી…

દસેરાના દિવસની સવાર થઈ છે. સૂરજ ઝગમગતો જણાય એટલો ઊંચે ગયો છે. સામેના તળાવ તરફ કોઈ કોઈ બાઈઓ માથે જવારા લઈ જતી જણાય છે. એમનાં ગીતોના બોલ સંભળાય છે પણ સમજાતા નથી. દસરાનું પરબ તે રવજી–ભીખી વાડામાં જઇ ન્હાયાં–ધોયાં છૅ. આંગણાના તડકામાં ભીખીએ નાનન્દીને પણ નવરાવ્યો છે, પાંજરું ધોઈ આપ્યું છે. ચાંચોની ઉતાવળી ચબરચબરથી કાયા સાફ કરીને નાનન્દી સ્કૂર્તિમાં આવી ગયો છે. રવજીની ભૂરી ગાય શરીર ખંખેરતી હમણાં જ ઊભી થઈ છે. એટલામાં ત્યાં, સોમા શેઠ, બગલમાં ચૉપડો ને હાથમાં ખડિયો–કલમ લઈ, રઘવાયા આવી ઊભા, રવજીને તાકીને તત્પર ઊભા. બરાબર એ જ વખતે, ઊડતાં થાકી લાગતી એક કાગડી અમળાઈને નીચે ધબૂસ પડી; એ નાનન્દીને જોઈ રહી –હસમુખીને જોઈ નાનન્દી ચમક્યો, એણે હસવા જેવું કર્યું. જોકે પેલીની આંખોમાં ગુસ્સો હતો.

પણ ત્યાં તો, અચમ્બો થયો. આકાશમાંથી કાગડાઓનો એક મોઓટો કાફલો ફડફડફડ કરતો આંગણામાં ઊતરવા લાગ્યો; આમ તો વાર લાગી, પણ જોતજોતાંમાં ઊતરી રહ્યો. પાંખો વાસીને બધા કાગડાઓએ હાશકારા કર્યા ને તરત અકડાઅકડી કરતા રવજીના સાંકડા આંગણામાં ઠેઠોઠેઠ ગોઠવાઈ ગયા. ના સમાયા તે જાડિયા હતા –છાપરે બેઠા; કોઈ કોઈએ બાજુનાં ઝાડની ડાળીઓ પર જમાવટ કરી. એટલે પછી એક કાગડો રૂઆબભેર અલગ થઈને બધાઓની સામે નેતાની જેમ ઊભો. નાનન્દીએ જોયું કે, એ આનન્દી નથી; તો? લાંબી–ચાંચ કાલિદાસ! એને સમજાઈ ગયું કે દોસ્તે દોસ્તને આંખ કેમ મારેલી. કોઈ અવાજ કરતું ન્હૉતું, બધાની આંખો કાલિદાસ પર મંડાયેલી હતી. રવજી–ભીખીએ ધારી લીધું કે બધો ખેલ આનન્દીનો છે, પણ એ પોતે કેમ નથી? લુચ્ચો છેતરી ગ્યો! થસે સું એના વના? —ભીખી નાનન્દીને ઇશારાથી પૂછી રહી, તો પેલાએ ચાંચ મચકોડીને, શી ખબર, કર્યું, પણ તરત, ડોક ઊંચીનીચી કરી –એમ કે, ધીરજ રાખો. પણ ત્યાં તો, ક્રાઆઆ! –એવી બૂમ ગાજી. કાલિદાસ હતો તે ફટાફટ બધા કાગડાઓએ, છાપરે હતા, ઝાડ પર હતા, તે બધાઓએ, ક્રા–ક્રા–ક્રા–ક્રા કરવા સાથે ઊડવાનું ચાલુ કર્યું. રવજીના ખોરડે કાગડાઓના ક્રા–ક્રાની ધૂન સાથેના ઝડપી ઘુમરડા ચાલુ થયા. બીજી વાર કાલિદાસ એથી પણ વધારે જોરથી ગરજ્યો, ક્રાઆઆઆ!

એટલે કેટલાક ચુનંદાઓએ સોમા શેઠની આસપાસ ચકરાવા લેવા માંડ્યા; કોઈ નક્કી હશે તેણે ઝપટ મારીને ખડિયો–કલમ પાડી દીધાં. કોઈ બીજા નક્કીએ ખભે બેસીને પંજાથી એવો દાબ આપ્યો કે ચૉપડો પડી ગયો. એક એના માથે બેસી બોચીએ ચાંચો મારવા લાગ્યો. શેઠ ઊંચોનીચો થઇ બચવા હાથના ઉગામા કરી ઝાવાં મારે, કે સમજે ચૉપડો કાં પડ્યો, કે, ત્યાં તો બે–ત્રણ કાગડાઓએ ચૉપડા પર ચરકવા માંડ્યું. સોમા શેઠ એકદમ બ્હી ગયા, કેમકે એક એમના માથે બેસીને પંજા–નાચ કરતો’તો. ક્રા–ક્રાની ધૂન એ દરમ્યાન ધીમે ધીમે કરીને કાન ફાડી નાખે તેવી કાગારોળમાં ફેરવાઇ ગયેલી. આવી મોટી કાગારોળ ને આટલા બધા કાગડા એકઠા થયા છે તે છે શું એ જોવાને જતું–આવતું લોક જમા થવા લાગ્યું. કાલિદાસ ત્રીજી વાર એકદમના જોરથી ગરજ્યો, ક્રાઆઆઆઆ! –એટલે ચૉતરફથી સોમા પર એટલા બધા કાગડા ધસ્યા ને એના શરીર પર જ્યાં જગ્યા મળી ત્યાં એવા વળગ્યા કે સોમો પડી ગયો, દેખાતો બંધ થઈ ગયો; એવા વળગેલાઓ પર બીજા વળગ્યા; ને એ પર, બાકી વધેલા જે હતા એ પ્હૅરેગીરની અદાથી ઊડતા રહ્યા.

પક્ષીઓનો એવો હિંસક રંજાડ જોઈ ટોળું હટ્ હટ્ હડે હડેની બૂમો પાડતું શેઠને છોડાવા ધસ્યું. કેટલાકોએ હાથ અને હાથમાંની વસ્તુઓ ઉગામી-ઉગામીને વળગેલા બધાને ભગાડ્યા ને સાચવી–કરીને શેઠને બેઠા કર્યા. કોઈ વળી લાકડી વીંઝતું ધસ્યું એટલે કાલિદાસે જરા જુદું ક્રાઆઆ કર્યું જે સાંભળીને બધા કાગડા ઉતાવળે ઉતાવળે આઘાપાછા થઈ ગયા ને રવજીના છાપરે ને આજુબાજુનાં ઝાડ પર ચાલી ગયા. સોમા શેઠ બ્હાવરું જોતા’તા. સિસકારા બોલતા’તા. આવું તો પ્હૅલી વાર જોયું, દૈ કોપ લાગે છે, દવા લગાડજો સેઠ –કરતું લોક હપતે હપતે વીખરાઇ રહ્યું’તું, બરાબર એ જ ઘડીએ —અલ્યા રવજી આટલું બધું કેમનું થઈ ગયું કરતા, કનુ માસ્તર હાંફળાફાંફળા દાખલ થયા. પેલો તમોને ક્હૅતો ગયલો?  હાઆ: એણે જોયું કે શેઠ ઠેકઠેકાણે ઘવાયા’તા, બોચીએ લોહીના રેલા ચાલતા’તા. રવજી–ભીખી, નાનન્દી ને હસમુખી નીચાં મોઢે ચૂપ હતાં. ભૂરી જડ જેવી ઊભી’તી. માસ્તરને અરેરાટી થઈ, એ કંઈક બોલવા જતો’તો, ત્યારે બરાબર એ જ વખતે, કાલિદાસે છેલ્લી વારનું સાવ જ જુદું ક્રાઆઆ કર્યું ને પોતે ધસીને સીધો ઊંડા આકાશ ભણી ઊડ્યો અને તેથી એક પછી એક કરીને બધા કાગડા એની પાછળ ઊડ્યા, ને ધીમેધીમે કરીને દૂરથી દૂરના આકાશમાં નીકળી ગયા…

રવજીનું આંગણું ખાલી…રવજી ભીખી શેઠ માસ્તર નાનન્દી હસમુખી –દરેક, દરેક બીજાને ઉદાસીથી જોતું’તું…ત્યારે ભૂરીએ મૉંઢું ઊંચે ઊંચકીને એક મોઓટો ભાંભરડો કરેલો…

… … …

મને મળેલ માહિતી એમ જણાવે છે કે: પછી સોમાએ કનુ માસ્તરની શિખામણથી ખોયડાની જક છોડી દીધેલી ને રવજીનું દેવું સુધારી આપેલું –તૅંતાલીસના છત્રીસ કરેલા. ભીખી ભભૂકેલી –સૉ ફેર પડ્યો? માસ્તર સેઠમાં ભરી ગ્યો છૅ, દારમાં કરું છૅ!: છોડ ને, ગરીબનું નસીબ ગરીબ –કરીને રવજીએ એને મનાવી લીધેલી. જોકે એના એ જ નસીબને કારણે બીજે જ અઠવાડિયેથી પોપટ પાછા સપડાવા લાગેલા. ભીખી હસી પડેલી, બોલેલી, રવજી ભાભા પૂગી ગ્યા અસલમાં! જોકે રવજીએ એમ માનેલું કે પોતે આનન્દીને છોડી મૂકેલો એ પુંનનો પરતાપ. એ હિસાબે એણે નાનન્દીને ય છોડી મૂકેલો. ત્યારે નાનન્દી કોઈ વાતે ઢીલો પડી ગયેલો તે હસમુખી એને ખૅંચીને લઈ ગયેલી.

પેલી તરફ, ઑપોઝિશનના હાઇકમાન્ડ બદલાતા ર્હૅ એમ, જે હતા તે બદલાઈ ગયેલા. બદલાયેલાને આનન્દીએ સમજાવેલું કે સાઇટ પ્રૉફિટેબલ છે સર, કાં વેચો રુલિન્ગપાર્ટીને, કાં બિલ્ડર–લૉબીને. એટલે પછી એ સાઇટ વેચાઈ ગયેલી ને ત્યાં શુભમ્ મૉલ બનેલો. ત્યારે આનન્દીએ કાગારોળ નહીં કરવાનો સોદો કરેલો. ભારતી અને હરિજનોનું શું થયું, નથી ખબર…

… … …

મને મળેલા છેલ્લા સમાચાર સાંભળવા જેવા છે: કાગારણ્ય નથી બન્યું, ઓન–પેપર છે. આનન્દીએ કાગારોળ અન્લિમિટેડ દેશની એક ખ્યાતનામ ન્યૂઝ ચેનલને વેચી માર્યું છે અને એ પોતે જાતે રુલિન્ગ પાર્ટીને વેચાઈ ગયો છે. હાલ દિલ્હીમાં છે. જનપથ–૧૦ ખાતે એને સ્પેશ્યલ ઍકોમોડેશન અપાયું છે. કાલિદાસ એની તહેનાતમાં છે. વૉક માટે નીકળેલાં હાઇ–કમાન્ડ રોજ સવારે એને મળવા જાય છે –જરૂરી મસલતો માટે. પાર્ટીનો એ ઍડિશનલ સ્પોક્સ–મૅન છે. પેલી ન્યૂઝ ચૅનલ એનું પઢાવ્યું પઢે છે. જોકે ખાનગીમાં, ચોરીછૂપીથી, એ કોઈ પણ ઑપોઝિટ પાર્ટીને પોતાની કન્સલ્ટન્સી ઑન–ટ્રાયલ પ્રોવાઇડ કરે છે. ક્હૅતો ર્હે છે —જો ખરીદનાર હોય, ગમે તે હોય, તો અત્યારે જ વેચાવા તૈયાર છું. એનો આજનો ભાવ પાંચ ખોખાં છે.

(‘ઉદ્દેશ’-માં, ૨૦૧૦)