સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/ચાલો, કારીગરો પાસેથી ય શીખીએ

From Ekatra Wiki
Revision as of 06:06, 25 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાલો, કારીગરો પાસેથી ય શીખીએ|}} {{Poem2Open}} પ્રાચીન ગ્રીસમાં કવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાલો, કારીગરો પાસેથી ય શીખીએ


પ્રાચીન ગ્રીસમાં કવિ કે કલાકારને maker કહેતા. એમ કે ‘મેક’ કરે છે –-ઘડે છે. પછીના સમયોમાં એવી દલીલ વિકસી કે, એમ તો કડિયો કે કુંભાર પણ મેક કરે છે. ધીમે ધીમે ‘મેકર’ શબ્દ અણગમતો થઈ ગયો. એને સ્થાને artist ગોઠવાઈ ગયો. પોતાને artist ગણનારા બીજાઓને artisan કહેવા લાગ્યા —તમે કારીગર છો, કલાકાર નથી. જર્મન ફિલસુફ ઇમાન્યુએલ કાન્ટ જેવાઓએ arts અને useful arts-ની ચર્ચા વડે દર્શાવ્યું કે ઉપયોગના હેતુથી કરેલું કામ, કલા નથી, કારીગરી છે. કલાસૌન્દર્ય ઉપયોગમુક્ત છે. કાન્ટની વાતમાં હું માનું છું. તફાવત ચોખ્ખો થઈ ગયો –-મેકર નહીં પણ આર્ટિસ્ટ-– કારીગર નહીં પણ કલાકાર. કલાને વિશેની આ ઉન્નત સમજ મને ગમે છે. પરન્તુ એની સાથોસાથ, એક મહત્ વસ્તુ ચુકાઈ ગઈ —ખાસ તો આપણે ત્યાં. તે એ કે કલામાં કારીગરી કે કસબનો –-craftનો-– ઘણો મોટો ફાળો છે. વાર્તાલેખનના અનુભવે કહું કે કસબ વિના કલા અસંભવ છે. કસબ એટલે શ્રમ, ઑજારોનું જ્ઞાન, હૈયાઉલકત, કળ, આવડત, વિવેક, કુનેહ, મ્હાવરો કે હથોટી જેવાં તત્ત્વોથી લાધેલી નિપુણતા –-ઍક્સ્પર્ટાઇઝ. આ સત્ય આજે એટલી હદે ભુલાઈ ગયું છે કે કશું પણ લખનારાને આપણે સર્જક અને એનાં તમામ લેખનોને ઝટ દઈને સર્જન કહી દઈએ છીએ. હું કહું કે ૪ પંક્તિના મુક્તક માટે કે ૧૭ અક્ષરના હાયકુ માટે ય ચૅકભૂંસભર્યા અથાક શ્રમની જરૂર છે. કસબીને પોતાનાં ઑજારોનું જ્ઞાન હોય. બધી કળ જાણતો હોય. હેયાઉલકત એવી કે કયું ઑજાર ક્યારે વાપરવું એ એને આવડે. એવા કવિને જ્ઞાન હોય, કે છન્દ, લયને માટેનું સાધન છે; અછાન્દસને પણ લય હોય છે. એની પાસે વિવેક હોય. જુએ કે છન્દના સાંકડા જોડામાં અર્થભાવનો પગ નથી બેસતો, છન્દને ફગાવી દે! ઘણા તો પગને જ છોલી નાખે છે —છન્દજ્ઞાની હોવાના ભ્રમમાં! કેટલાક અછાન્દસકારો અર્થભાવની એવી વલે કરે, વાચકનું મગજ બરબાદ થઈ જાય. તન્ત્રીના ઉપકારે પહેલી રચના છપય એટલે નવોદિતનો હરખ માય નહીં. જાણે ઘૂંટણિયે પડીને ‘વિલ્યૂ મૅરી મી?’ કહૅનારાને ‘યસ્સ’ ઉત્તર મળ્યો! પણ એ પછીના બધા જ પ્રસંગો પાર પાડવા માટે કુનેહ જોઈએ. ટૂંકાવાર્તા નવલકથા કે નાટકનાં પાત્રો સંવાદોમાં પરોવાય, પરિસ્થિતિમાં મુકાય, ઘટનાઓ ઘટે –-એ એક પ્રકારનું સ્ટ્રક્ચરલ ઍન્જિનીયરિન્ગ છે. એનો મ્હાવરો જોઈએ. મ્હાવરાથી ક્રમે ક્રમે હથોટી આવે. કલાસંસારના સાસાસાર સમજાઈ જાય. કસબ, કલાકારની જીવનમૂડી છે. પણ આપણો આંધળો અહોભાવ એવો કે, એ તો ગર્ભમાં હતો ત્યારથી બધું શીખીને આવ્યો છે! સુજ્ઞ અધ્યાપકોને અને સમીક્ષકોને દેખાતું હોય કે રચના કાચીપાકી છે, ફિસ્સી છે. બધું ઉતાવળમાં ઠઠાડી દીધું છે. પણ એ મંડ્યો રહે છે. મને એ નથી સમજાતું કે કળ વિનાનાને આપણે કળાકાર શું કામ કહીએ છીએ. કસબની વાતે આજે મને મારા ગામના કારીગરો યાદ આવે છે : ઉનાળામાં કુંભારવગામાં ભોટવા લેવા જતા. નાનાંઓ માટેના નાના લાલ ભોટવા મળતા. સવારથી પાણી ભરી દેવાનું ને મન થાય ત્યારે થોડું થોડું પીવાનું. માટીની સુગન્ધ સાથેનું એ ઠંડું મીઠું જળ હવે તો, બસ સ્મરણભીનું છે. મગ્ના કુંભારે ચાકડે માટીનો લૉંદો ચડાવ્યો હોય, હથેળીઓ કળથી ચલાવે, ભોટવો તો ભોટવો, ઘડો તો ઘડો, માટલું તો માટલું બિલકુલ એમ જ ઊતરે. બી.એ.-માં content અને form-નું જાણ્યું ત્યારે ગડ બેઠેલી કે મગ્નાની માટી કન્ટેન્ટ છે અને એ પર એણે જે રીતેભાતે કામ કર્યું, એ ફૉર્મ છે. નાનપણમાં થતું કે મગ્નાના ચિત્તમાં ભોટવાનો કશો ખયાલ હોવો જોઈએ. ઍમ.એ.-માં સમજ પડી કે ખયાલને પ્લેટો ‘idea’ કહે છે અને ભોટવાને ખયાલની copy. મગ્નો ઉતાવળ ન કરે. એની આવડત લૉંદામાં રસાઈ જાય. માટી, માટી મટીને ભોટવો બની જાય. એ સઘળા વ્યાપારને ‘કવિકર્મ’ –-creative process-–- કહેવાય એ ય બહુ મૉડેથી જાણેલું. સામગ્રીના લૉદા, ગચિયા-ગઠ્ઠા અને લોચા પધરાવવનારાઓને શા માટે સર્જક કહેવા? ખરાદીવગામાં ભમરડા ઉતરાવવા જતા. પશા ખરાદીએ લાકડાનો ગબ્બો સરાણે ચડાવ્યો હોય. ધીરે ધીરે હથિયારની કળ વાપરીને કપાવા દે ને એમાંથી ભમરડો, જન્મે! માઇકલ ઍન્જલો શિલામાંથી બિનજરૂરી પથ્થરને કાઢી નાખતા, ને મૂર્તિ પ્રગટતી! એને creative judgement કહેવાય તે પાછળથી જાણેલું. કલ્પનાથી દેખાઈ જવું જોઈએ કે આટલું આટલું નકામું છે –-હમણાં જ કાઢી નાખું! પશાભાઈ નવજાત ભમરડા પર ગરમ ગરમ રંગ ચડાવે. બળતા રંગની માદક સુગન્ધ આવતી. ભમરડાને અણીદાર આર જોઈએ. દોસ્તદારને આવડે તે ખીલી કાપીને બેસાડે ને ચોતરફથી ઘસીને અણી કાઢી આપે. અણી કાઢી આપનારા હોય, હોય એને બુઠ્ઠી કરી દેનારા ય હોય. સાહિત્યકારોના જાતઅનુભવની વાત છે. ભાઈબંધો જોડે કેરીઓ પાડવા-ચોરવા હું હીરાભાગોળની સીમમાં જતો. જ્યારે જુઓ ત્યારે અમ્બુ દેહઈ હળ જોડીને ખેતર ખેડતા હોય. પછીથી જાણેલું કે ખેડુએ હરેક ફસલ લેતાં પહેલાં જમીનને સારી પૅઠે ખેડવી પડે છે. એથી એમ સમજાયેલું કે લેખકોએ તો ફસલની ય આશા વિના હમેશાં બસ ખેડ્યા કરવું બહુ જ જરૂરી છે. કૉન્સર્ટમાં ન જવાનું હોય તો પણ શિવકુમાર શર્મા રોજ સન્તુર બજાવે. અંજલિ ગાયકવાડ ૪ વર્ષની હતી ત્યારથી, બસ ગાયા કરે. ૧૧-ની વયે ‘સારેગમપ લિટલ ચૅમ્પ્સ, ૨૦૧૭’-ની વિજેતા થઈ એ તો એની નિત્યની સૂરસાધનાનું માત્ર એક ફળ હતું. અદ્ભુત છે એનું ગાયન. આ રોજે રોજની ‘સાધના’ ‘practice’ કે ‘અભ્યાસ’, ખેડે છે. એ પછી જ કલાની ફસલ લાધે છે. પિતાજી કહેતા –-આપણે પૈસાદાર હતા-– બાપદાદાના વખતની જિનિન્ગ ફૅક્ટરી હતી –-ઘરે ઘોડાગાડી રાખતા. પણ વ્યાપક મંદી આવી તે દેવાળિયા થઈ ગયેલા. એ અસ્તંગત મહિમાની દુ:ખદ યાદમાં ઘોડાગાડીને જોયા કરવી મને હમેશાં ગમે. મારું વતન ડભોઈ ઘોડાગાડીઓનું ગામ; આજે જોકે એકે ય રહી નથી. મામાના ઘરે જતાં તળાવ પાસે અભરામ ઘોડાગાડીવાળાની જગ્યાએ હું ઊભો રહી જતો. અભરામ દૂધ જેવા સફેદ અરબી ઘોડાની ખરીઓ પરની નાળ ચૅક કરતો હોય. જાણે પગ ખૉળે લઈ પ્રિયતમ પ્રિયાને વ્હાલ કરી રહ્યો છે. તે જમાનાનો લોકપ્રિય સાબુ ‘લાઇફબૉય’ લગાવી ઘોડાને ડબલે ડબલે નવરાવે. ચોપાસ તાજગી પ્રસરે. ઠેકઠેકાણેથી ડિલ લૂછે. પૈંડાં ધૂવે. હથેળી પછાડી પછાડીને સીટની ધૂળ ભગાડે. ચાબૂક ચૅક કરી લે. લીલા ઘાસના લચ્છા ગાડીમાં એની જગ્યાએ ગોઠવે. ઘોડાને બુચકારા બોલાવતો દોરે ને આંખોના ડાબલા, લગામ, વગેરે બધું બરાબર બાંધીને એને ગાડીએ જોતરે. અભરામ ગાડીમાં રૉફથી બેસે, ને ‘ચલ બેટા’ બોલતો હંકારે બજાર ભણી. મને યાદ છે, એની ઘોડાગાડી માટે લોક પડાપડી કરતું. બીજાઓ બાર આના લે, અભરામ પૂરો રૂપિયો માગે. લોક હસીને આપે. ધંધાના આ hundred percent perfection-ને હું અનિવાર્ય ગણું છું. સાહિત્યકૃતિને આવાં બધાં લાલનપાલન પછી જ સાહિત્યના બજારમાં મૂકવી જોઈએ. બાકી, ઘરાક મળશે, માગ્યા દામ નહીં મળે. જુઓને, આજે તો મફતમાં લેવાનીય ના પાડે છે!

= = =